← ૧૭ આરોગ્યરક્ષણ ગ્રામોન્નતિ
સ્વચ્છતા
રમણલાલ દેસાઈ
૧૯ આંગણું →


.





૧૮
સ્વચ્છતા
દેહરચના અને સ્વ-
ચ્છતા
માનવદેહની રચના જ એવી છે કે તે ખાદ્યપેય પદાર્થોનાં પૌષ્ટિક તત્ત્વોને સંગ્રહી નિરુપયોગી તત્ત્વોને પોતાનાથી અળગાં પાડી દે. જગતમાં કશી જ વસ્તુ તત્ત્વતઃ નિરુપયોગી નથી – જો આપણને તેનો ઉપયોગ કરતાં આવડે તો. આવડત ન હોય તો ચોખ્ખામાં ચોખ્ખી વસ્તુ પણ ગંદકીનો ભંડાર બની જાય. એટલે દેહને નિરૂપયોગી થઈ પડતાં દ્રવ્ય કેવી રીતે અને ક્યાં રાખવાં, ખસેડવાં, ઉપયોગમાં લેવાં કે ફેંકી દેવાં એ પ્રશ્ન પણ આપણી ગૃહ તથા ગ્રામરચનાનો અતિ મહત્ત્વનો પ્રશ્ન બની જાય છે. એમાં નળ, નીક, મૉરી, ચૉક, ચોકડી, ખાળ, સ્નાનગૃહ, શૌચસ્થાન એ સર્વની વ્યક્તિગત તેમ જ સામુદાયિક વિચારણા જરૂરી છે.

કુદરત તો કથીરમાંથી કંચન બનાવવા મથી રહી છે. એનો કીમિયો સતત આબેહયાત – અમૃતને જ ઉપજાવે છે. એને સહુ સરખાં. માનવદેહે નિરુપયોગી ગણેલાં દ્રવ્યોમાં જ કુદરતની પ્રયોગશાળા જીવન ઉપયોગી તત્ત્વો ભરે છે. એટલે કુદરતનાં વલણ પરખી આપણા દેહની ખોટી રીતે મલિન ગણાતી ક્રિયાઓને આપણે વિશુદ્ધ કરીએ તો આપણે આપણું આરોગ્ય સુધારીએ એટલું જ નહિ પણ આપણે આપણા ગ્રામજીવનની આખી આર્થિક બાજુને સુધારી શકીએ એમ છીએ. એટલે આપણી સ્વચ્છતાના પ્રશ્નો વ્યક્તિગત અને સામુદાયિક બની જાય છે.

દેહની સ્વરછતા સ્નાનવિધિ માગી લે. હિંદમાં માનવી બે વાર નાહી લે તો તેનું અંગ જરૂર સ્વચ્છ રહે.

નિરુપયોગી તત્ત્વોના ઉત્સર્ગ માટે પણ યોજના હોવી જોઇએ. એનાં સ્થાન અનિશ્ચિત ન જ રાખી શકાય. એ તત્ત્વો ગંદકીનું સ્વરૂપ ધારણ કરી આપણને ધૃણા ઉપજાવે તો જાણવું કે આપણને સ્વચ્છ રહેતાં આવડતું નથી. દુર્વાસ એ કુદરતની સાવચેતી છે. દુર્વાસથી માનવી ન ચેતે તો એની પાછળ જરૂર રોગના હુમલા થવાના જ. આપણા ગ્રામજીવનના અનેક રોગ આપણી અસ્વચ્છતાને જ આભારી છે.

આપણી ગંદી ટેવો
આપણને દાતણ કરતાં ન આવડે. આપણાં દાતણ જગતના બધા ‘પેસ્ટ’ અને ‘પાઉડર’ને શિક્ષણ આપી શકે એમ છે. દાતણથી ન સંતોષાતા વર્તમાન યુવકને જીરા મીઠાનાં મંજન જરૂર ઉપયોગી થઈ પડશે. પરંતુ આપણી અવ્યવસ્થા આપણી દાતણની ક્રિયાને પણ હાનિકારક બનાવી દે છે. દાતણની ચીરીઓ ફાવે તેમ ફેંકવાની આપણી ટેવ અજાણી નથી. આપણી વધારેમાં વધારે કાળજી હોય તો–એટલી કે આપણા આંગણાંમાં ચીરીઓ ન નાખતાં પડોશીનાં આંગણામાં નાખવી. આપણો પડોશી પણ એ જ કાર્ય કરે. એટલે અસ્વરછતાની પરંપરા ચાલ્યા જ કરે. આ ચીરીઓની ફેંકાફેંકીમાંથી પડોશીઓ વચ્ચે થતા ઝઘડા પણ આપણા ગ્રામ તથા શહેરજીવનમાં અજાણ્યા નથી. પડોશીનાં સુખસગવડનો વિચાર ન કરનાર કુટુંબને આપણે ટૂંકી નજરનાં કહી શકીએ. પડોશીને થતા ત્રાસનો કશો જ વિચાર

આપણને ન આવે તો આપણે બીજાનું ભલું કરવાના ઢોંગ જતો કરવો જોઇએ. પડોશીના વિચારમાં જ આખી સામાજિક ઘટનાના વિચારોનો પાયો નખાય છે. સામાજિક જીવનનું પ્રથમ પગલું પડોશભાવમાં જ મૂકાય છે. પડોશી સાથેનું આપણું વર્તન એ આપણા આખા વર્તનનું મધ્યબિંદુ છે. પડોશીના આંગણામાં ગંદકી કરનાર કુટુંબ સ્વાર્થી, ટૂંકી દૃષ્ટિવાળું અને સમાજવિઘાતક છે.

અને આવી વ્યક્તિઓ, આવાં ઘર અને આવાં કુટુંબ કેટલાં હશે?

આમ રોગથી બચવા માટે આપણે વ્યક્તિગત અને કૌટુંબિક સ્વચ્છતા રાખવા ઉપરાંત આપણી આસપાસ આપણે લીધે અસ્વચ્છતા ન થાય એની ખાસ કાળજી રાખવાની જરૂર છે.

સભ્યતા અને સ્વ-
ચ્છતા
સ્વચ્છતાને લગતાં ઘણાં વ્યક્તિગત કાર્યો સાથે આપણી સભ્યતા, સંસ્કાર અને શિષ્ટતાનો સંબંધ સ્વાભાવિક રીતે જ બંધાઈ જાય છે. એની આસપાસ આપણે સાહજિક રીતે મર્યાદા અને લજ્જાના પડદા ઢાંકીએ છીએ, અને તે જ યોગ્ય છે. ગમે ત્યાં ગમે તે પ્રકારની ગંદકી કરવાની આપણી ટેવ પણ માનસમાં રહેલી આપણા સમગ્ર જીવનમાં રહેલી અવ્યવસ્થા, અસભ્યતા, સંસ્કારહીનતા અને અશિષ્ટતાનું જ પ્રતિબિંબ છે એમ કહેવામાં જરા ય હરકત નથી. વ્યક્તિગત અને સામાજીક સ્વચ્છતા ઉપર જ આપણી પ્રગતિ ઘણે અંશે અવલંબન કરે છે એ ભૂલવાનું નથી. એટલે દંતધાવન, મલોત્સર્ગ, સ્નાન જેવી આવશ્યક સ્વચ્છતાની વિધિમાં જેટલી મર્યાદા સચવાય અને જેટલું એકાંત સાધી શકાય તેટલે અંશે આપણે આપણી શિષ્ટતા અને સંસ્કાર વધારે નિર્મળ બનાવી શકીએ એમ છે.

અને એ સભ્યતાના રક્ષણ સાથે સાથે જ આપણી સ્વચ્છ બનવાની બધી જ ક્રિયાઓ આરોગ્યવર્ધની બને એ પણ આપણે શીખવું જોઈએ. ગંદકી અશિષ્ટ છે એમ કરી તેનાથી ભાગવામાં આપણી શિષ્ટતા જરા ય વધતી નથી. આપણી સુગ દૂર કરી ગંદકીના નિવારણ અર્થે આપણે અંગતરીતે ઉપાયો લઈ શકીએ એટલી આવડત અને તૈયારી પણ આપણી હોવી જોઈએ. આપણા સંસ્કાર આપણને prudish - અતિ ડાહ્યા – અતિ શિષ્ટ – બનાવી ગંદકીનિવારણથી વિમુખ બનાવે એમ પણ થવું ન જોઈએ.

ગામડાં તો હજી આ સ્વચ્છતાની બાબતમાં બહુ જ પછાત છે. ગ્રામવાસીઓ સ્નાન કરે છે એ ખરું. પરંતુ એ વિધિ બહુ સુધારવાની જરૂર છે. શહેરમાં વપરાતા સાબુ ગ્રામજીવનમાં પ્રવેશે એમ આપણે ભાગ્યે જ ઈચ્છીએ. પરંતુ દેહ સમગ્રને પાણીથી સ્વચ્છ બનાવો દેહને પ્રફુલ્લતા મળે એટલું કરતાં તો ગ્રામજનતાને આવડવું જ જોઇએ.

આપણી અસ્વચ્છતા આપણા પડોશીને હાનિકર ન બનવી જોઈએ.

નિરુપયોગી તત્ત્વોના ઉત્સર્ગની ક્રિયા માટે સ્થળ મુકરર હોવાં જોઈએ, અમુક ઢબની તેમાં મર્યાદા પળાવી જોઈએ, અને તળાવ તથા નદીના પાણીને જંતુમય બનાવે એવી બેજવાબદારી ઉપર ખૂબ અંકુશ મુકાવો જોઈએ.

શહેરો અને ગામડાં
આ વ્યક્તિગત અને સામાજિક સ્વચ્છતા ઉપર હજી શહેરોએ અને શહેરવાસીઓએ પણ પૂરતું ધ્યાન આપ્યું નથી. સૂરત હજી ઘણું ગંદુ શહેર છે. અમદાવાદ થોડાં વર્ષ પહેલાં એવું જ ગંદુ હતું. સદ્‌ગત શ્રીમંત સયાજીરાવ મહારાજની કાળજીને લીધે વડોદરા સ્વચ્છતાની

બાબતમાં ખૂબ આગળ આવી શક્યું છે. પરંતુ તે પહેલાંનું વડોદરા જોનાર વૃદ્ધો આજ પણ તેની જૂની ગંદકી યાદ કરી કમકમી ઊઠે છે. નાનાં શહેરોની તો વાત જ શી કરવી ?

ગામડાં અને શહેરના સ્વચ્છતાને લગતા પ્રશ્નોમાં ઘણો તફાવત છે. ગામડાંમાં સ્વચ્છતા સાચવવા માટે શહેર કરતાં વધારે સગવડ થાય એમ છે – જો વિચારપૂર્વક તેની યોજના કરવામાં આવે તો. શહેર કરતાં ગામડાંની વસતી ઓછી. વસતીના પ્રમાણમાં ગામઠાણ ઓછું છતાં સીમની નિકટતા સ્થળસંકોચના ઘણા પ્રશ્નોને ઉકેલી શકે. ગ્રામસાધનો સોંઘાં અને સહજ અંગમહેનતવડે સહેલાઈથી મળે એવાં હોય. એટલે ગ્રામસ્વચ્છતાનો પ્રશ્ન શહેરસફાઈ કરતાં વધારે સહેલાઈથી ઉકલી શકે એવો છે.

સ્વચ્છતા અને અંગ
મહેનત
અંગમહેનત એ પ્રજાનો અખૂટ ખજાનો છે. પૈસાથી ન બને એ અંગમહેનત વડે બને, અને તે વધારે સરળતાથી અને સારી રીતે. અંગમહેનતને જ્યારથી આપણે શરમ માની ત્યારથી આપણું પતન થયું છે. હજી અંગમહેનતની આપણી શરમ મટી નથી એટલું જ નહિ, આપણું ભણતર અને શિષ્ટતાભ્રમ આપણને અંગમહેનત પ્રત્યે અભાવ જ પ્રેરે છે. સ્વચ્છતાને અંગે ગ્રામજીવનમાં અંગમહેનતની કેટલી બધી જરૂર છે તેનો ખ્યાલ ગ્રામધંધાઓની વહેંચણી ઉપરથી આવી શકશે. આમાં પણ મને ઉપલબ્ધ એવા વડોદરા રાજ્યના આંકડાનો આધાર લઉં છું.
સ્વચ્છતાના ધંધા-
દારીઓની ખોટ
એક ગામડાંની સરેરાશ વસતી ૭૦૦ માણસોની. એ સાતસો માણસો ૧૭૫ કુટુંબોમાં વહેચાયેલાં છે, અને ધંધાની દૃષ્ટિએ એ કુટુંબો નીચે પ્રમાણે વહેંચાઈ જાય છે :

૧૦૦ – કૃષિકારો-માલિક તથા ગણોતિયા ખેડૂત મળીને.
૩૬ – મજુરો અને ખેતીની મજૂરીમાં રોકાયેલા નોકરો.
– ગોપાલન અને પશુઉછેરમાં રોકાયેલાં કુટુંબો.
– શાહુકારો.
– કપાસના ધંધાદારી.
– હજામ.
– દ૨જી.
– કુંભાર.
– ચમાર.
– ધોબી.
– ભંગી.
૧૧ – પરચુરણ ધંધાદારી-મજૂર, સોની, લુહાર ઇત્યાદિ.

આમ ધંધાની દૃષ્ટિએ આપણાં સરેરાશ ગામડાંની વસ્તી વહેંચાઈ જાય છે. સો ખેડૂત કુટુંબે બીજા ધંધાદારીઓના કુટુંબનું પ્રમાણ જોવાથી ઘણી ઘણી બાબતો પ્રકાશિત બની જાય એમ છે. સો ખેડૂત કુટુંબો સાથે જ આપણે ૩૬ મજૂરો અને ચાર પશુ પાલનમાં રોકાયેલાં કુટુંબોને મૂકી દઈએ તો ચાર શાહુકાર કુટુંબો એકસોચાળીસ ખેડૂત કુટુંબનાં નાણાંનું તંત્ર પોતાના હાથમાં રાખી રહે છે એ સ્પષ્ટ થાય છે. એ શાહુકારનું સામર્થ્ય આપણે વિચારી ગયા છીએ. પરંતુ સ્વચ્છતાનું સ્થાન ક્યાં છે તે તો આપણે તરત જ સમજી શકીશું. ગામની અંગત સ્વચ્છતા ધોબી ઉપર આધાર રાખે છે, અને સાર્વજનિક સ્વચ્છતા ભંગી ઉપર અવલંબીને રહે છે. સાતસો માણસો નવસીતીમાં એક ધોબી કુટુંબ અને બે ભંગી કુટુંબ કેટલી સ્વચ્છતા જાળવી શકે એ સહુએ વિચારવા સરખું છે. ગામડાંની અનારોગ્ય સ્થિતિ મટાડવી હોય તો આરોગ્યરક્ષણનાં સાધનોનું પ્રમાણ વધારવું પડશે, આરોગ્યરક્ષણ માટેની કાર્યપરંપરા ચલાવવા વધારે માણસો તેમાં રોકવા પડશે, અને સ્વચ્છતાના બાપોતી ધંધામાં રોકાયેલા માણસો પૂરતાં ન હોય તો ગ્રામજનતાએ સ્વચ્છતાનાં ઘણાં કામ હાથે કરી લેવાં પડશે.

આ સ્વચ્છતા એટલે શું ?

સ્વચ્છતાની વિગતો
એક તો અંગત – વ્યક્તિગત સ્વચ્છતા. ગામડાંમાં ધૂળ માટી અને કાદવનો ખૂબ સંસર્ગ. પશુપાલન પશુ સ્વછતાના કંઈ કંઈ પ્રશ્ન ઊભા કરે. એટલે પ્રથમ તો જાતની સ્વચ્છતા ઉપર ખૂબ લક્ષ રાખવાની જરૂર છે. એ અંગત સ્વચ્છતાનો ખ્યાલ પોતાના ધંધા પ્રત્યે અણગમો ન પ્રેરે એની પણ કાળજી રાખવી જોઇએ. એમાં સ્નાનવિધિ આવી જાય, અસ્વચ્છ દ્રવ્યના ઉત્સર્ગની વ્યવસ્થા પણ આવી જાય અને આપણી અસ્વચ્છ ટેવો છોડવાના પ્રયત્નો પણ આવી જાય.
કપડાં અને સ્વચ્છતા
અંગની બહુ જ પાસે કપડાં આવે. એ કપડાં આપણી વ્યક્તિગત સ્વચ્છતાનો એક મહત્વનો વિભાગ છે. હિંદમાં ખરું જોતાં બહુ વસ્ત્રોની જરૂર જ નથી. આપણા દુર્ભાગ્યે પશ્ચિમે આપણને અતિશય અને નિરુપયોગી કપડાં પહેરતા બનાવ્યા છે. બારમાંથી છસાત માસ તો આપણે ત્યાં ગરમી જ હોય છે. સભ્યતા ભલે વસ્ત્રો માગે. ગુપ્ત, પવિત્ર અને ઉત્તેજક અંગો ભલે આચ્છાદિત રખાય. પરંતુ આખું શરીર ઉપરાછાપરી વસ્ત્રોથી ઢબુરી દેવામાં કયો અર્થ સધાતો હશે તે સમજાતું નથી. હિંદમાં તો ઓઢણ – drapery – પૂરતાં થઈ પડે એમ છે. ત્રીજી પેઢી ઉપરના પુરુષો શહેરમાં પણ દેહ ઉપર એક દુપટ્ટો ઓઢી લઈ ફાવે ત્યાં ફરી શકતા. ગામડામાં વસ્ત્રોની એથી પણ ઓછી જરૂર. છતાં આપણી અનુકરણવ્રત્તિ

આપણને તદ્દન પ્રતિકૂળ એવાં ગંદાં મોજાં, તદ્દન નિરર્થક એવાં કોલર તથા ટાઈ અને ખુલતાં પહેરણોને બદલે ઘાટઘુટ વગરનાં અનેક કાપકુપીવાળાં ખમીસ અને કોટનો સ્વાંગ ધારણ કરવા પ્રેરે છે. ગ્રામજનતામાં બાળકો દંગ વગરનો સાહેબી પોશાક પહેરી માબાપની પ્રસન્નતા જ્યારે વધારતાં દેખાય છે ત્યારે આપણી સંસ્કાર-પરાધીનતા આપણો સ્વભાવ બની જતી દેખાય છે. એથી વધારે ઊંડુ પતન કયું ! હિંદમાં તો ધોતિયું, પહેરણ અને ચંપલ પૂરતાં થઈ પડે એમ છે.

વસ્ત્રોની અતિશયતા
ટાઢ અને તાપથી દેહનું રક્ષણ કરવાનો વસ્ત્રનો ઉદ્દેશ સમજી શકાય એમ છે. શોખ અને સારા દેખાવાની વૃત્તિ એ કાઢી નાખવા જેવાં વલણો ન કહી શકાય, સામાની આંખને ગમે એવાં વસ્ત્ર અને દેહ રાખવામાં આપણે સમાજ સમસ્તને માન આપીએ છીએ એ ખરું. પરંતુ તેમ કરવા માટે આપણે વસ્ત્રો કે વસ્ત્રોના ટુકડા વધાર્યા જ કરવા એ જરા ય ઇચ્છવાયોગ્ય નથી. અંડરવેર, પહેરણ, ખમીસ, જેકેટ, કોટ, કૉલર, ટાઈ પહેરેલાં મનુષ્યોને જોતાં ઘણીવાર નવસો-નવાણું વસ્ત્રોમાં ઢંકાઈ રહેલી દ્રૌપદીનો ખ્યાલ આવ્યા વગર રહેતો નથી. પડ ઉપર પડ રચી રહેલાં એ પ્રાણી મનુષ્ય છે કે કોબીજ તેની ઘણીવાર સમજણ પડતી નથી.

વસ્ત્રોની અતિશયતા શહેરમાં જ બિનજરૂરી છે તો ગામડાંમાં તેમ હોય એમાં નવાઈ નથી. વસ્ત્રોની અતિશયતા અસ્વચ્છતાને પોષે છે. એટલે ગ્રામજીવનમાં બિનજરૂરી વસ્ત્રોને તો અવકાશ હોવો જ ન જોઇએ; અને જેટલાં હોય એટલાં અત્યંત સ્વચ્છ હોવાં જોઈએ. દિવસમાં એક ધોતિયું અને એક પહેરણ સારી રીતે ઝીકી ધોવામાં બહુ સમય બગડે એમ નથી, અને ધોબીની તંગીનો વિચાર કરીએ અગર ન કરીએ તો પણ શહેરી કે ગ્રામવાસીને પોતાનાં બે વસ્ત્રો જાતે ધોઈ સાફ રાખવામાં શરમ આવવી ન જોઇએ. એટલું તો હરકોઈ માણસ સહેલાઈથી કરી શકે.

ગૃહ સ્વચ્છતા
વ્યકિતગત સ્વચ્છતાનો સહજ વિસ્તાર સામુદાયિક સ્વચ્છતાને આપોઆપ ઊભી કરશે. સ્વચ્છ મનુષ્ય બીજા મનુષ્યોને દૃષ્ટાંત રૂપ બને છે. વ્યક્તિગત સ્વચ્છતા ઘરને પણ સ્વચ્છ બનાવશે – કારણ ઘર વ્યક્તિનું પ્રથમ સામાજીક વર્તુલ કહી શકાય. સ્વચ્છ મનુષ્યને ઘરમાં કચરો ન ગમે. એ ઘરની ભીંતો ડાઘાડુથી ન રહેવા દે. એના ઓરડામાં જાળાં ન હોય. ઘાસ, લાકડાં, છાણાં અને કાઠી જેવાં સાધનોનો નિત્ય સહવાસી ગામડિયો સ્વચ્છ હોય તો તે જેને તેને એવી રીતે ગોઠવે કે જેથી ઘર કે વાડો અવ્યવસ્થિત ન દેખાય. એનું રસોડું અને પાણિયારું પણ ચોખ્ખાં જ હોય. ગમે ત્યાં પાણી ઢોળાય એ તેને ન જ ગમે. એ પોતાનું સ્નાનગૃહ સ્વચ્છ રાખે. શૌચસ્થાન પણ ગમે ત્યાં ન જ હોય. પેટીપટારા, હાંલ્લાં ગાગર એ બધું યોગ્ય સ્થળે તેણે મૂકેલું હોય.
ગ્રામ સ્વચ્છતા
આમ વ્યક્તિગત સ્વછતા એક ડગલું આગળ ભરે એટલે ઘરને પણ સ્વચ્છ બનાવે. સ્વછતાનું વર્તુલ ઘરથી આગળ વધે એટલે આંગણા ઉપર ફરી વળે, આંગણા ઉપરથી તે શેરી ઉપર પ્રસરે અને શેરીમાંથી આગળ વધી તે આખા ગામને પોતાની અસર નીચે લાવી મૂકે. ઘર અને આંગણાં વ્યક્તિગત રીતે સ્વચ્છ રહે તો શેરી અને ગામની સ્વચ્છતા અતિશય સરળ બની જાય, કારણ પ્રત્યેક ઘરનું આંગણું સ્વચ્છ રહે એટલે આપોઆપ સ્વછતા વિસ્તાર પામે.

આમ જાત, ઘર, આંગણું, શેરી અને આખું ગામ સ્વચ્છ રાખી આરોગ્યવૃદ્ધિ કરી શકાય એમ છે.

પોતાનાં આંગણાં સંભાળનારને પડોશીનાં આંગણાં અસ્વચ્છ કરવાની વૃત્તિ નહિ થાય. શેરી સ્વચ્છ કરવા માટે જરૂર પડ્યે શેરીનાં બધાં જ માણસો સામેલ થઈ જશે, અને સામેલ ન થાય તો પણ સમજદાર ગ્રામવાસીઓએ એકલે હાથે થોડો સમય કામ કરવું પડશે. એક વખત સ્વચ્છતાનો રસ લાગ્યા એટલે તે કાયમની થઈ સમજવી.

સ્વચ્છતા એટલે
આરોગ્ય
સ્વચ્છતા માત્ર દેખાવ પૂરતી નથી. સ્વછતા આંખને સારી લાગે એટલા માટે જ તે પાળવાની નથી. એનાથી રોગ અટકે છે અને આરોગ્યની વૃદ્ધિ થાય છે. અનારોગ્ય ગ્રામજનતાનો કદી ઉત્કર્ષ થાય નહિ. સ્વચ્છતા ત્રણ તત્ત્વો ઉપર આધાર રાખે છે – પૂરતી હવા, પૂરતું પાણી અને પૂરતો સૂર્યપ્રકાશઃ દેહને, ઘરને અને આખા ગામને એ ત્રણે તો પૂરતા પ્રમાણમાં મળે એવી સગવડ એનું નામ સ્વછતા.

સ્વચ્છતાને આપણે નીચેની વિગતોમાં જોઈ શકીએ :

સ્વચ્છતા
વ્યક્તિગતસામાજિક
આંગિક–
દેહની સ્વચ્છતા
વસ્ત્ર
સ્વચ્છતા
ગૃહ
સ્વચ્છતા
આંગણુંશેરીગામભાગોળ
સ્નાનગંદી અનારોગ્ય
ટેવો ઉપર અંકુશ
અસ્વચ્છ દ્રવ્યોના
ઉત્સર્ગ માટેની સગવડ
વસ્ત્રોની અતિશયતા
ઉપર અંકુશ
હાથની ધોણી
વસ્તુઓની
વ્યવસ્થિત
ગોઠવણી
કચરાં–જાળાંનો
અભાવ
બારી–જાળી–
ધુમાડિયાં જેવાં હવા
અજવાળાનાં સાધનો
જાનવર–ઉકરડા
ખાતર–ઘાસ–
લાકડાં વગેરેથી
માનવ રહેઠણની
અલગ ગોઠવણ