ચામડાનાં પૂતળાં રચે
ચામડાનાં પૂતળાં રચે દલપતરામ |
રચી ચર્મનાં પૂતળાં, અખંડ અજોડ અભેવ;
તે પાછા જીવતાં કરે, તે મોચી મુજ દેવ.
ચામડાનાં પૂતળાં રચે છે ચતુરાઈ કરી,
ચામડાના બળદો ને બકરાં બનાવે છે;
ચામડાના હાથી ઘોડા હજારો હજાર રોજ,
જૂનાં ભાંગી જતાં જાય નવાં નિપજાવે છે;
ચામડાની ગાયો ભેંસો શુદ્ધ દૂધ દો'વા દે છે,
ચામડાના પોપટોને રાણીઓ પઢાવે છે;
કેવું ચામડાનું કામ કીધું દલપતરામ,
એવા મોચીની અમોને ભક્તિ ભલી ભાવે છે.
જેની જોતાં ગામો ગામ પેઢીઓ છે ઠામો ઠામ,
ચામડાના ધંધાવાળો વડો તે વેપારી છે;
જૂનાં જૂનાં ચામડાંના છેક ચૂરેચૂરા કરી,
તે ચૂરાનાં તાજાં રચે, એવી હોશિયારી છે;
મોટા મોટા લોક જેના માલની સંભાળ રાખે,
ભૂપતિના ભૂપ તેહ, જેના કારભારી છે;
કેવું ચામડાનું કામ, કીધું દલપતરામ,
એવા મોચીને વિશેષ વંદના અમારી છે.
હાડકાનો માળો માંસવાળો રુધિરાળો રચી,
કાચ જોડા જોડ જડ્યા કેમ ઘાલ્યા કોચીને;
ચતુરાઈ કરી વળી ચડાવ્યું રૂપાળું આળું,
ટેભો ન જણાય કેમ ઘાલી આર કોચીને;
હાલે ચાલે હામ ઘાલે ભાળે લડે ભેળ પાડે,
પ્રૌઢ જેવા પર્વતોને પાડે ટોચી ટોચીને;
કેવું ચામડાનુ કામ કીધું દલપતરામ,
માન મેલી મોટા દેવ માનું છું તે મોચીને.