← કલાપીનો સાહિત્યદરબાર ચિત્રદર્શનો
ગુર્જરી કુંજો
ન્હાનાલાલ કવિ
ગુજરાતણ →



(૧૮)

ગુર્જરી કુંજો



અહ ! અદ્‍ભૂત ને રસસુન્દર શી અમ દેશની કુંજઘટાઓ !
મદમાતી કૂજે જ્યહીં કોયલડી, જ્યહીં આમ્રવનોની છટાઓ;
ઝરથોસ્તની અગ્નિશિખા જ્ય્હાંજલે, જ્યહીં સૂરજવંશી નિકુંજો,
ગિરિગહ્વર શી ગુણગંભીર એ ઘનઘેરી ગુર્જરી કુંજો.


જ્યહીં વિન્ધ્યગિરિ ગરવો, શુકસોહતી સાતપૂડાની ગુફાઓ;
જ્યહીં પ્રેમ ને શૌર્યની તાપીતટે હજી ગાજી રહી વીરતાઓ;
વટતાપસને ભુજમાં ભીડી જ્ય્હાં નદીએ ઉરદ્રાવથી પૂજ્યો,
જલકેલિ કરે જ્યહીં સુન્દરી, એ જલભીની ગુર્જરી કુંજો.


જ્યહીં ભૂલભૂલામણી કોતરની ગૂંથી મઘ્ઘરથી મહી ગાજે,
જ્યહીં લોહ ને વજ્રની ઝાડી પરે અધિદેવી જ કાળી વિરાજે,
જ્યહીં કુંડ ભર્યા કંઈ ઉષ્ણ નીરે, જ્યહીં પ્રેમદયારવ ગુંજ્યો,
જ્યહીં દુર્ગની માળ ગજેન્દ્ર શી, એ ગઢગર્વી ગુર્જરી કુંજો.


જલપૂર્ણ સરોવર હેલે ચ્હડ્યાં, ઘેરી ગોમતીને તરુ ઝૂક્યાં,
ફૂલી શારદવેલ પ્રફુલ્લ ફૂલે, જ્યહીં ભક્તમયૂર ટહૂક્યા;
રસિકાઉર શાં ઝરણાં ઝીલતો નદ સપ્તજલે જ્યહીં ઝૂજ્યો,
રસવાડી ખીલી રસિયાંની શું ! એ રસવન્તી ગુર્જરી કુંજો.


યશમન્દિર જ્ય્હાં સુલતાની તણાં, જ્યહીં સ્ફાટિકપાળ તળાવો,
જ્યહીં શામળ ને દલપત્ત અખો, જળમ્હેલ સમી વિભુ વાવો;
જ્યહીં અબ્રની વેલ શી સાબ્રમતી, જિનવૈભવ જ્ય્હાં વડુ દૂઝ્યો,
જ્યહીં હુન્નર લક્ષ્મીથી સોહત, એ રિધરમ્ય ગુર્જરી કુંજો.


ઊંડી ડુંગરની ગલીઓ મહીં દેવ વસે વનપ્‍હાડઉછંગે,
જ્યહીં નીરઝરાતીર વાઘણવાઘ રમે ભીલબાળક સંગે;
દીઘ જોધપુર ને ઉદેપુરને ચાપધારી યશસ્વી અનુજો,
કંઈ વાદળ શી પથરાયલ એ વનશોભી ગુર્જરી કુંજો.


ઊંચું, ગુર્જરીના શીષફૂલ શું, અર્બુદ શૃંગ સ્ફુરન્ત અચંબા,
વળી આશિષવેણ શિરે વરસે જગવત્સલ શ્રી જગદંબા;
સુકુમાર સરસ્વતીનીરતીરે ધેનુ મન્દિર તીર્થ બુરૂજો,
જ્યહીં ક્ષત્રિયતાનું સિંહાસન, એ યશવર્તી ગુર્જરી કુંજો.


ઝીણી યોગગુફાઓ ગરૂડેશ્વરી ગિરનાર ઉભો નભ થંભી,
જ્યંહીં સિંહ ભરેલ સનાતન ગીર વનો પથરાઈ નભ ગોરંભી;
નરસિંહ અશોક ને રાણક, ઘોડલી ને હરણાંધ્વનિ કૂજ્યો,
ઇતિહાસપુરાણી ને સેજળ એ જગજૂની ગુર્જરી કુંજો.


નદીઓનાં મુખો મહીં જ્ય્હાં ઉરછાલૈક પશ્ચિમસિન્ધુ ઉછાળે,
જ્યહીં યાદવીભીની હિરણ્ય હજીય શ્રી કૃષ્ણની ભસ્મ પ્રજાળે;
જ્યહીં રુક્મણીનાં ઉરસ્વપ્ન ફળ્યાં, મહિમા શ્રી સુદામાઅનો બુઝ્યો,
ઢળી નાઘેર સારસશોભી, એ કૃષ્ણસુહાગી ગુર્જરી કુંજો.

૧૦

જ્યહીં સાહસશૌર્ય વરે સુન્દરી, નરનારાયણી જ્યહીં કુંડો,
જ્યહીં જેસલતોરલ સાથ સૂતાં તેહ કુંજલડીભર ઝુંડો;
વસુધાના વસુથી લચ્યાં ને નમ્યાં શું વસન્તવિભૂતિના પુંજો,
ઉરભાવ સમી અમ એહવી સૌ ગુણગર્વી ગુર્જરી કુંજો.
ગુણગર્વી ગુર્જરી કુંજો.


समाप्त