ચિત્રદર્શનો/તાજમહેલ
← શ્રીમન્ત મહારાજ સયાજીરાવ ગાયકવાડ | ચિત્રદર્શનો તાજમહેલ ન્હાનાલાલ કવિ |
ચારુ વાટિકા → |
તાજમહેલ
૧
આ એ જ શું મંડપ નિત્યલગ્નનો ?
કે ભસ્મરાશિ પિયુ પ્રેમલગ્નનો ?
આ તાજ શું એ મુમતાજનો ? સખે !
કે સ્નેહના પંખીની વાસયષ્ટિ એ ?
૨
પ્રેમનાં સ્મરણો બોલે માનવીમાનવીઉરે;
તે સૌનો પડઘો ઝીલી સુણો ! શાહે જ્ય્હાં ઝૂરે.
૩
શ્રી કૃષ્ણની બંસી શું નાચ નાચતી
વૃન્દાવનેથી યમુના પધારતી;
રસેન્દ્રના એ રસવારિને તટે
સૌન્દર્યનું પુષ્પ ખીલ્યું શું આ ? સખે !
૪
રસીલાં રસયમુનામાં વહન્તાં કંઈ આવતા;
એમને દાખતો પન્થ ઉભો છે એ સુહાગમાં.
૫
અન્ધારૂં થાયે નભ માંહિ પાતળું,
ઝીણું ઝીણું પૂર પ્રભા તણું ભળ્યું;
જગત્ તણી જીવનછોળ શું છલી ?
જો ! પ્રેમની ઉગી પ્રભાતતારલી.
૬
રાધિકાનાં ગીત ગાતી ઉભીને નદીને તટ
ભણે છે એહ પાષાણો પ્રેમમન્ત્રો સનાતન.
૭
અહો ! મહાકાલની વાસુકીફણા !
હા ! સર્વભક્ષી યમ કેરી યન્ત્રણા !
તથાપિ મૃત્યુ રસનાં નથી-નથી;
સૌન્દર્ય ને સ્નેહ અજીત મત્યુથી.
૮
સુધા ને વિષ ઘોળેલા સખે ! સંસારસાગરે
પ્રેમ ને મૃત્યુના મ્હેલ-તાજ સૌને વસે ઉરે.
૯
મધ્યાહ્નની ઝાળ ભરી જગત્ ઉભી,
દાઝી-દઝાડી દુનિયા સદા દૂભી,
શું પાદશાહી ય દિલે ચિતા ? અરે !
જ્વાલામુખી જો ! સળગે સુધાકરે.
૧૦
ધૂળની આંધી જામી, કે મેઘાડંબર સ્હોયલો ?
એવા આ અસ્થિરે વિશ્વે ઉગ્યો શું પ્રેમતારલો !
૧૧
અનેક વેળા ઉગી આથમે રવિ,
અનેક ઉર્મિ યમુનાની યે જવી;
શીળો, મીઠો, અમૃતજ્યોત તાજ શો,
અખંડ સૌને ઉર પ્રેમદીવડો.
૧૨
શું છે, કહો, વિશ્વના મ્હેલે ? પ્રેમનો ચન્ન્દ્ર કે ચિતા ?
એ જ આ યમુનાતીરે પ્રેમીના પ્રેમની ગીતા.
૧૩
અહો ! મહાભાવ ગયા અકબ્બર,
નથી રહ્યા બાબર એ કલન્દર;
નૂરે જહાં આથમિયાં દિગન્તમાં
ઉભા છ આ કીરતથંભ પ્રેમના.
૧૪
પ્રેમની કવિતા કેરો ? કે એ જાહોજલાલીનો ?
સૌન્દર્યનો ? કલાનો ? કે તાજ આ મુગલાઈનો ?
૧૫
અંગાંગમાં માર્દવ છે કુમારીનો,
સોહાગ પાનેતરની પ્રભા તણો;
શૃંગારલીલા મુમતાજ શું હશે ?
કેવી ય તો નૂરજહાં, કહો, હશે ?
૧૬
પ્રેમની ભસ્મ ધારી, ને દિગન્તે માંડી આંખડી,
પ્રેમની જોગણ કો આ જૂવે વ્હાલાની વાટડી.
૧૭
ઉંચા મિનારા સમ ઉર્ધ્વ હસ્તથી
ચન્દ્રાનની ઘુમ્મટશીર્ષ ટેકતી,
ઢાળી છૂટા પાલવ વાડીચોક શા,
રસીલી કો નાચતી નિત્યરાસ આ.
૧૮
'વણમાણ્યા રસો વાધી પ્રેમરાશિ બને, સખિ !'
એ મહાસત્યની જો ! આ પ્રતીતિ પ્રેમીએ લખી.
૧૯
કાળે વિછોડી ચકવાની જોડી શા
બન્ને તટે બેલડ મ્હેલ માંડી, ત્ય્હાં
અદ્વૈત એ દ્વૈતનું સ્થાપવું હતું;
અદ્વૈતનાથે નહિ દ્વૈત સાંખિયું.
૨૦
પૂર્ણિમા કેરી જ્યોત્સનામાં જ્યોત્સનાના પુંજ શી, સખે !
દંપતીપ્રેમની નિત્યે પૂર્ણિમા તપજો જ તે.