છાપાંને વ્યક્તિત્વ નિષ્ઠાનું

છાપાંને વ્યક્તિત્વ નિષ્ઠાનું
ઝવેરચંદ મેઘાણી




છાપાંને વ્યક્તિત્વ નિષ્ઠાનું

ઝવેરચંદ મેઘાણી

વાચક, તમારું નવું તંત્રીમંડળ પોતાની વિશિષ્ટ સિધ્ધિઓ કે સાધનાઓની પિછાન કરાવવા માંગતું નથી. લોકસેવા એણે કરી નથી. ઊંડા જીવનપ્રશ્નો એણે વલોવ્યા નથી. પ્રજાજીવનની એકેએક દિશાઓમાં ઘૂમી વળવાના એને ઘમંડ નથી. ક્રાંતિની જ્યોતને એણે ઉપાસી નથી.

આજ ને આજ, અત્યારે ને અત્યારે, અમારા શબ્દોના હથોડાને આઘાતે સમાજનું પરિવર્તન આવી જવું જોઈએ, ને ન આવે તો સમાજ નાલાયક છે. એવી વિચારસરણી સેવનારા મહાન પુનર્વિધાયકો આંહી નથી આવ્યા. ફૂટી ચૂકેલી આતશબાજીના ઉકરડા વાળવાનું કામ લઈને આવે છે માટીના માનવો. એમની પણ ખામીઓ છે ને ખૂબીઓ છે.

‘ફૂલછાબ’ ની વિશિષ્ટ ફરજ છે કાઠીયાવાડના લોકપ્રશ્નોને અવલોકી આગળ કરવાની. કાઠીયાવાડના સંસ્કારજીવનમાં રંગ પૂરવાનો. નવું તંત્રીમંડળ એ કરવાનો ઉદ્યમ સેવશે.

એક કે બે વ્યક્તિઓની મહિમાનો પડછાયો બનવાની કોઈ પણ છાપાંને જરૂર નથી. છાપાંને વ્યક્તિત્વ હોય છે, વિચારોનું, સંસ્કારોનું, નિષ્ઠાનું, એ વ્યક્તિત્વને હયાતિ પુરવાર કરવા નોખાં ફાંફા મારવાનાં ન હોય. છાપાંનું સાહિત્ય એ વ્યક્તિત્વનું રૂપ હોય છે એટલેજ વાચક ફૂલછાબના શબ્દદેહમાં જો તને તારું મનમાન્યું વ્યક્તિત્વ ન જડે તો તે શોધવા તું તંત્રીમંડંળની એક કે વધું વ્યક્તિની વિભૂતિથી ન દોરવાતો.

બીજું જોતા રહેજો નવા તંત્રીઓનું વલણ. સમાચારપત્ર ચલાવતા હોઈને સમાચાર બેશક પીરસશે પણ સૌ સારા સમાચાર આપવાના રહી જાય તેને ભોગે પણ એક ખોટા સમાચાર ન છાપી મારવાની નીતી એ સાચવશે. સત્યનો ભોગ દેનારી નાની મોટી સનસનાટીઓ ફેલાવવાથી, હાલતાં ને ચાલતાં માત્ર ગંદવાડો ખુલ્લો પાડવાથી લોકહિત સધાતું હોવાની વાત અમને માન્ય નથી.

વારસામાં મળેલી અનેકવિધ વિટંબણાઓની વચ્ચેથી પોતાની નવી પિછાન આપનાર આ હાથ, વાચક, તારા હાથ જોડે મૈત્રીનો મિલાપ યાચે છે