← પ્રકરણ ૧૬ છાયાનટ
પ્રકરણ ૧૭
રમણલાલ દેસાઈ
પ્રકરણ ૧૮ →



૧૭


એ પાંચછ દિવસ ગૌતમને પાંચ છ વર્ષ જેટલા લાગ્યા. કાચા કામના કેદી તરીકે બીજા કંઈક ગુનેગારોનો તેને સાથ મળ્યો - એક જ ઓરડીમાં. એમાંથી એને ઘણું ઘણું જાણવાનું મળ્યું. એક જણ ઝડપથી દોડી ન શક્યો માટે પકડાયો; બીજા રસ્તે અમસ્તો જતાં જ પકડાયો; ત્રીજો ડૉક્ટરને ઘેર જતો હતો; ચોથો ખરેખર ઉશ્કેરાઈને છરી લેઈ બહાર પડ્યો હતો; પાંચમાએ ટોળા ઉપર મરચમાંની ભૂકી વેરી હતી અને છઠ્ઠાએ તો ટોળાને વીંટી કાઢી આપી જીવ બચાવ્યો હતો. આ છતાં આ સઘળાને પોલીસે બદમાશો તરીકે પકડી લીધા હતા. એક પણ અમલદાર કે અમલદારનો દીકરો, શાહુકાર કે શાહુકારનો દીકરો, સાક્ષર કે સાક્ષરનો દીકરો પકડાયલી ટોળીમાં ન હતો.

વર્તમાનપત્રો ક્વચિત્ હાથમાં આવતાં અને રખેવાળો વાતચીત કરતા હતા તે ઉપરથી હુલ્લડ શમવાનાં સર્વ ચિહ્નો દેખાતાં હતાં. આગેવાન થઈ ફરતા ગૃહસ્થો માટે કડવામાં કડવી ટીકા થતી હતી. મહાસભાના સ્થાનિક નેતાઓમાંના બેત્રણ જણની મોટરકારના કાચ ભાંગ્યા. એ નેતાઓ દવાખાને દોડી પહોંચ્યા, અને વગર ઘવાયે દર્દી તરીકે સારવાર મેળવી ચારપાંચ જોખમભર્યા દિવસો તેમણે કલ્પિત માંદગીમાં જ કાઢી નાખ્યા. સુલેહ-સમિતિઓની પણ ઝડપભરી સ્થાપના થઈ ગઈ અને પોલીસસંરક્ષણ નીચે અનુકૂળતાએ હિંદુમુસ્લિમ લત્તાઓમાં જઈ સમિતિના સભ્યોએ નુકસાન માટે આશ્વાસન આપ્યું, ભાવિ માટે હિંમત આપી અને અફવાઓને ન ગણકારવાની બહુ ઉપયોગી સલાહ ચારેપાસ વેરી. જોકે સમિતિના હિંદુ સભ્યો મુસલમાનો કેટલા ઘવાયા તેની અને તેના મુસ્લિમ સભ્યો હિંદુઓ કેટલા ઘવાયા તેની કાળજીભરી છૂપી બાતમી મેળવી પરકોમના વધારે નુકસાનમાં છૂપી રીતે રાજી તો થતા જ હતા ! હિંદુમુસ્લિમ વિદ્યાર્થીઓએ ભેગા થઈ સરઘસો કાઢવા માંડ્યાં, અને છબી પડાવવાની સતત તૈયારીવાળા બાંકા બોયસ્કાઉટોએ વગર જરૂરની વ્યવસ્થા કરી સહુની સાથે મહાસેવા બજાવ્યાનો સંતોષ લીધો. જુસ્સાવાળા ગરવા ગુજરાતીઓએ ખંતપૂર્વક ચારપાંચ દિવસ માટે દસપદર દંડબેઠક જેટલી કસરત શરૂ કરી અને આયનામાં સ્નાયુઓ બઢ્યા હોવાની ખાતરી કરી છઠ્ઠે દિવસે કસરતને બીજા હુલ્લડ સુધી મુલતવી રાખી. હુલ્લડ વખતે પડછાયો પણ પાડી ન શકેલા સહુ વર્ગો આમ હુલ્લડ શમતા જાગૃત થઈ ગયા અને સહુએ ખાતરીપૂર્વક માન્યો કે હુલ્લડ શમ્યું તે તેમને જ લીધે !

અને એક દિવસ કાચી જેલમાંથી સિપાઈઓ ગૌતમને કચેરીમાં લેઈ ગયા.

સત્તાસલામત ન્યાયાધીશોને અને ધનસલામત વકીલોને સુધરેલું ઝનૂન ચઢ્યું હતું. એ અદાલત - બહાદુરોએ બાંયો ચઢાવી ન્યાયાધીશે પોતાનો ખજાનો ભરતા ભારે પગારની હૂંફ વડે બદમાશોને સખ્ત સજા કરવાનો નિશ્ચય કર્યો, જોકે પુરાવાની તુલના માટેની ચીવટાઈ તો તેમણે રાખવાની હતી જ. માત્ર અનેક પ્રશ્નો પૂછનાર ને સાંભળનાર ન્યાયાધીશોમાંથી કોઈએ પોતાની જાતને એક સવાલ પૂછ્યો ન હતો. બદમાશને ન્યાયાધીશ જેટલો પગાર મળતો હોય તો બદમાશ બદમાશી કરે ખરો ? પરંતુ એ પ્રશ્ન કોઈ પણ કાયદામાં આવતો ન હોવાથી અર્થવાદી સમાજમાં અપ્રસ્તુત બની જાય છે.

વકીલોને હુલ્લડ દરમિયાન કામ પહોંચતું નહિ; કારણ પક્ષકારો હાજર રહી શકતા નહિ ! વકીલની દુનિયામાં દોષપાત્ર પ્રાણી એક જ છે - અસીલ. અસીલનો પૈસો એ જ બ્રહ્મ સરખો સત્ય હોવાથી અસીલનો કેસ અને તેના પુરાવા તો માયારૂપ મિથ્યા જ મનાય. મુદત એ વકીલનો અવારનવાર વિસામો છે. ધનસંગ્રહ માટે ઝૂઝનાર વકીલને હુલ્લડ જેવા સમયે પક્ષકારોના દોષ ઉપર મુદત ન મળે એવો અન્યાય આપણી અદાલતો કરે એમ સંભવતું નથી. હુલ્લડ પૂરું થયે મુકદ્દમાઓના ફાલ તૈયાર થાય છે, અને વકીલ સારા પ્રમાણમાં પાકને લણી લે છે. ઈશ્વરની માફક હુલ્લડ પણ કેટલાકને આશીર્વાદરૂપ નીવડે છે.

કચેરીમાં વકીલો બિરાજ્યા હતા. ન્યાયાધીશ સાહેબ જરા રહીને છડીદાર સાથે આવી ઊંચે બેસાણે બેસી ગયા. ઊભા થઈ તેમને માન આપવાની ક્રિયા રોજની હોવાથી તેમાં ન્યાયાધીશનું ધ્યાન ન જાય એ સ્વાભાવિક છે, ‘તારું નામ શું ? તારા બાપનું નામ શું ?’ જેવા વિવેકભર્યા પ્રશ્નો ઉપરથી પૃચ્છક ન્યાયાધીશ આરોપીની જાત ઉપર અને ઉમર ઉપર જાય છે ! ગૌતમને એ બધા પ્રશ્નોનો જવાબ આપવો પડ્યો.

ન્યાયાધીશે ગૌતમને વકીલ માટે પૂછ્યું :

‘નહિ નામદાર, મારો કોઈ વકીલ નથી.' ગૌતમે કહ્યું.

‘વકીલ વગર કેમ ચાલશે ?'

‘મારે તો વકીલોએ કલંકિત કરેલો ન્યાય ન જોઈએ.’ ‘એટલે ?'

'એ ભાડું લેઈ ન્યાય અપાવનાર વિદ્વાન મિત્રો કેવી રીતે સાચો ન્યાય અપાવશે ?'

‘નામદાર સાહેબ, આ તોફાની બાંધવો કદાચ ગાંડો હોવાનો દેખાવ કરશે અને ઘેલછાને આશ્રયે છૂટવા મથશે.' કામ ચલાવનાર સરકારી વકીલે કહ્યું.

'ના જી. હું બિલકુલ શુદ્ધિમાં છું, અને મારા એકેએક ઉત્તરની જવાબદારી હું માથે લઉં છું.' ગૌતમે કહ્યું.

‘થોડા ચક્રમ તો લાગો જ છો.' ન્યાયાધીશે જરા પણ હસ્યા વગર ગમ્મત કરી. સઘળા વકીલો હસ્યા. હસવું ન આવે તોપણ મોટા માણસે કરેલી ગમ્મત ઉપર હસવાની માનવજાતને માથે ફરજ છે.

‘આપણે બંને એક જ હોડીના મુસાફરો છીએ, નામદાર !’ ગૌતમે કહ્યું.

નામદાર એકદમ ગંભીર બની ગયા. હસતા વકીલોએ પોતાનાં મુખ ઠેકાણે આણી દીધાં. કામ ચલાવતા વકીલે શહેરના હુલ્લડખોરને શોભે એવી ઢબે ગૌતમને ધમકી આપી. ન્યાયની કચેરીઓમાં પણ વકીલો શેરીના સંસ્કાર ઠીક ઠીક લાવી શકે છે.

‘તમે પૂછીએ તેનો જવાબ આપો. તમને ભાન નથી, અને નામદાર સાહેબ દયાળુ છે, નહિ તો તમારા શબ્દો ન્યાયાસનના તિરસ્કારરૂપ છે. Contempt of Court શું તે જાણો છો ને ?’ વકીલે કહ્યું.

'Contempt of Court? I have nothing but contempt for your Courts.' ગૌતમે છેડાઈને જવાબ આપ્યો.

અને ચારે બાજુએ ધાંધળ મચી રહ્યું. ન્યાયાસનના તિરસ્કારનો નવો ગુનો તેની સામે ઉમેરાયો. ગૌતમે પોતાને ગુનેગાર તરીકે કબૂલ ન રાખ્યો; છતાં તેણે જે જવાબો આપ્યા તે ગુનાની કબૂલાત સરખા જ હતા.

જે લત્તામાં તે સંતાયો હતો તે જ લત્તામાં બે મુસ્લિમોનાં ખૂન થયાં - જે એણે જોયાં છતાં ખૂનીને રોકવા કે ઓળખવા તેણે કશો પ્રયત્ન કર્યો નહિ. કોણે જાણ્યું કે એ ખૂનમાં એનો હાથ નહિ હોય ?

વકીલોને પણ કવિઓ સરખી કલ્પના કરવાની છૂટ હોય છે, અને તેનો ઉપયોગ એ કલામય રીતે કરી શકે છે. વકીલોના આરોપ અને


૧. ન્યાયાસનનો તિરસ્કાર ? તમારા ન્યાયાસનો માટે તિરસ્કાર સિવાય બીજે કશો જ ભાવ મારા મનમાં આવતો નથી. બચાવભાષણો ભેગાં કરવામાં આવે તો પ્રત્યેક કામે બબ્બે વિરોધી મહાકાવ્યો ઊભાં થઈ શકે !

પછી તો ગૌતમ ગુના કરતો જ ચાલ્યો ! જાણીતા ગુંડાની ઓળખાણને લીધે એણે એને આશ્રય આપનારનું ઘર બચાવ્યું. ઘર બચાવ્યું એ મહત્ત્વની વાત ન હતી, પણ એનું અને ગુંડાઓના એક આગેવાનનું ઓળખાણ બહુ સૂચક ગણાય. કયા કયા સ્થળના હુલ્લડમાં તેનો હાથ નહિ હોય ?

છરો લેઈ એ આજ્ઞા વિરુદ્ધ તોફાની ટોળાની વચ્ચે ઊભો હતો. એ ગુનો એણે જાતે જ કબૂલ્યો. મુસ્લિમ છોકરીને કે હિંદુ ડોશીને બચાવવા માટે એ આગળ આવ્યો એ વાત ઉપજાવી કાઢેલી કહેવાય - અકસ્માત ફસાઈ પડેલી બાઈઓની હકીકત સાચી હોય તોપણ પોલીસનું કામ કરવાની તેની ફરજ ન હતી. હુલ્લડ બંધ પાડવા માટે છરી સાથે ફરવાની સત્તા આરોપીને સરકારે આપી ન હતી. એ સ્કાઉટ પણ ન હતો ! પોલીસને આવતી જોઈ એણે એકદમ આવો પરોપકારનો બુરખો ઓઢી લીધો કેમ ન હોય ?

વળી બીજા કોઈને નહિ અને આ સ્ત્રીઓને જ બચાવવા એ કેમ આગળ થયો ? એના નૈતિક ચારિત્ર્ય વિશે તપાસ થઈ નથી એ ખરું - પરંતુ દાળમાં કાંઈ કાળું હોવાની શંકા આવા માણસ માટે નામદાર ન્યાયાધીશને ઊપજે તો તેમાં ન્યાયાધીશનો કે કોઈનો શો વાંક ? એ સંતાયો હતો. એ ઘરમાં જ યુવતીઓ હતી. એ વાતને મહત્ત્વ આપી આરોપી પ્રત્યે અન્યાય કરવાનું મહાપાપ વકીલ સાહેબ ન જ કરે ! છતાં એ ઉપર ધ્યાન ખેંચ્યા વગર ન્યાયને ખાતર તો કેમ જ રહેવાય ?

જીવનના કાદવમાં પથરા ફેંકવાની માનવજાતની ફરજમાંથી વકીલો કેમ કરીને મુક્ત રહી શકે ?

ઉપરાંત, કાયદેસર કામ કરતા પોલીસ અમલદારોને તેણે અટકાવ્યા, એટલું જ નહિ, એક સિપાઈ ઉપર તો તેણે હુમલો પણ કર્યો. પહેલી ધોલ સિપાઈએ તેને મારી એમ કદાચ કબૂલ રાખવામાં આવે, તોપણ સામી ધોલ મારવાનો તેને અધિકાર કોઈ પણ કાયદો આપી શકે નહિ. સિપાઈની ભૂલ તેના ઉપરી આગળ તેણે લાવવી જોઈતી હતી. અગર વ્યથા કર્યા બદલ ડૉક્ટરના પ્રમાણપત્ર સાથે સિપાઈ ઉપર ફરિયાદ નોંધાવવી જોઈતી હતી. પોલીસ કેટલી મુશ્કેલીમાં કામ કરતી હતી. તેનો વિચાર કરતાં એકાદ ધોલઝાપટ તેનાથી ફેંકાઈ જાય તેથી નાગરિકોએ પોતાના મગજ ઉપરનો કાબૂ ગુમાવવો ન જ જોઈએ. શહેરના એક પ્રતિષ્ઠિત વકીલની ધૂળ આવી જ રીતે કોઈ અજાણ્યા સિપાઈએ ખંખેરી હતી, છતાં તેમણે તે વાત બાજુએ મૂકી દીધી. એટલું જ નહિ પણ સારી ફી મળતાં તેમણે પોલીસના વધી પડેલા કેસોમાં અપાર મહેનત પણ કરી હતી ! ગમે તેમ હોય; પણ સરકારી નોકર ઉપર ફરજ બજાવતી વખતે તેણે હુમલો કર્યો એ વાત તેના જ કથન પ્રમાણે સાબિત હતી.

વળી જામીન થનારને થાપ આપી તે ભાગી જતો હતો. એ પણ એનું કૃત્ય ભુલાય એવું ન હતું. એ સિવાય એની પૂર્વ કારકિર્દી પણ આ કામે વિચારણા માગતી હતી. રાજદ્રોહી સાહિત્ય તે વાંચતો હોવાનો, લખતો હોવાનો તેના ઉપર આરોપ આવ્યો હતો. કૉલેજની એક મહાભયંકર હડતાળ તેણે યોજી હતી, અને અનેક વિદ્યાર્થીઓને આડે રસ્તે તે દોરતો હતો એવા પુરાવાને લઈને તેને કૉલેજમાંથી બરતરફ કરવામાં આવ્યો હતો.

વાત એટલેથી અટકતી ન હતી. ક્રિકેટ મેદાનમાં થયેલા ખૂનનો શક પોલીસને આરોપી ઉપર જ આવ્યો હતો. મરનાર યુવાને કોઈ મુસ્લિમે ખૂન કર્યાનું લખાવ્યાથી એ બચી ગયો. અને એ બિના એની વિરુદ્ધ લાવી એને બદનામ કરી શકાય નહિ એ ખરું; છતાં હુલ્લડ એ પ્રસંગમાંથી ઊભું થયું છે એ હવે સાબિત વાત હતી. ઘાયલ યુવાનની પાસે બીજું કોઈ જ નહિ અને આરોપી શા માટે ગયો એની તો કલ્પના જ થઈ શકે. શહેરના સર્વ ઘાયલો પાસે જઈ સારવાર કરવાનું કાર્ય એણે સ્વીકાર્યું જાણ્યું નથી. વળી હુલ્લડના મહત્વના વિભાગોમાં એક સક્રિય રીતે દેખાયો હતો, એ બતાવી આપે છે કે હડતાળ યોજનાર હુલ્લડ પણ યોજી શકે.

આવા સર્વ રીતે ભયંકર પુરવાર થયેલા યુવાનને માત્ર ન્યાયની ખાતર જ નહિ, સમાજના રક્ષણ ખાતર જ નહિ, પરંતુ તેની જાત ઉપર દયા કરવા ખાતર, તેને ગુનાઈત વૃત્તિઓથી દૂર કરવા ખાતર, એ વધારે ગુના ન કરી શકે એવા બંધનમાં રાખવો એ જ ઉચિત, કાયદેસર, વ્યવહારુ અને માણસાઈભરેલું કહેવાય.

ગૌતમને ગુનેગાર ઠરાવવા પ્રવૃત્ત થયેલી બાજુની આ દલીલ.

આપણા ન્યાયની ખૂબી એ છે કે બચાવ ન કરનારને પણ બચાવની સગવડ અપાય છે ! ગૌતમે કોઈ વકીલ રોક્યો ન હતો. ન્યાય આપવાના પુણ્યાર્થે વકીલો તરફથી લેવામાં આવતી ફીનો આંકડો એવડો મોટો હોય છે કે એના સંતાપમાં ન્યાય મેળવવાનું બાજુએ મૂકી દુનિયા મોટે ભાગે અન્યાય સહી લે છે. અલબત્ત ન્યાય અપાવતાં અટકાવતી ભારે ફી અન્યાય છે એમ હજી વર્તમાન ન્યાયશાસ્ત્રને ખબર પડી નથી. વળી ભારે પગારના ન્યાયાધીશો ન્યાયાસને બેસતા હોવા છતાં ન્યાયના કામે વકીલની શા માટે જરૂર હોવી જોઈએ. એ ગૌતમની બુદ્ધિમાં અને ઘણા ગરીબોની બુદ્ધિમાં ઊતરી શક્યું નથી. છતાં ગરીબોને ન્યાય ન મળે એ સહી ન શકતા ન્યાયતંત્રે શરૂઆતના દાખલ થયેલા વકીલોની રોજી ચાલે એવી એક ‘ગરીબ બચાવ'ની યોજના ઘડી છે, એટલે ગૌતમને પણ ઈચ્છા નહિ છતાં વકીલ તો મળ્યો જ. એના છયે મિત્રો એને કદી કદી મળી જતા હતા, વકીલ માટે ઉઘરાણું કરવાની પણ આશા આપતા હતા. છતાં ગૌતમને સરકારે જ વકીલ આપ્યો, જે ગૌતમ પાસેથી કશી જ ફી ન મળવાથી મોટે ભાગે ગેરહાજર, અને હાજર હોય ત્યારે ઉદાસીન રહેતો હતો. ગૌતમની જુબાની જ મૂર્ખાઈભરેલી - એટલે કે તદ્દન સાચી - હોવાથી બચાવનો પુરાવો કરવાનો હતો નહિ. કચેરીમાં બોલવાની ટેવ પડે એ અર્થે ગૌતમના વકીલે તેનો જોરદાર બચાવ કર્યો. તેની ઉમર ઉપર ધ્યાન આપવા, તેના આદર્શવાદી વિચારો તરફ નજર કરવા અને સામા વકીલે કાઢેલાં અનુમાનો ખોટાં છે એવું માનવા તેણે ન્યાયાધીશને વિનતિ કરી.

પરંતુ ન્યાયાધીશે ગૌતમને ગુનેગાર માન્યો, એક નહિ પણ અનેક ગુનાઓની બાબતમાં. ગુનેગારને ઠીક સજા કરવાથી જ ન્યાયાધીશનો પગાર સલામત રહેવાનો છે એવી કાંઈક છૂપી છૂપી લાગણી પણ તેમના હૃદયમાં વસેલી હતી - કારણ ગૌતમ રાજદ્રોહી તો હતો જ, અને તેમનો કૉલેજમાં ભણતો પુત્ર પણ ગૌતમની અસર નીચે ક્રાન્તિની અસહ્ય વાતો કરતો હતો, તે ન્યાયાધીશે કંઈક દિવસથી નોંધી રાખ્યું હતું. વિદ્ધત્તાભરેલો ઠરાવ ન્યાયાધીશે લખી કાઢ્યો અને વિદ્યાર્થીઓથી ઊભરાતી અદાલતમાં તેમણે એ ઠરાવ વાંચી સંભળાવ્યો.

બધા ગુનાઓની શિક્ષા મળીને ગૌતમે માત્ર ચાર વર્ષ કેદખાનું સખ્ત મજૂરીસહ ભોગવવાનું હતું !

આખો ઓરડો સ્તબ્ધ થઈ ગયો !

યુવાન વિદ્યાર્થીઓનાં મુખ બંધ થઈ ગયાં. !

ગૌતમ પોકારી ઊઠ્યો :

‘ઈન્કિલાબ, ઝિંદાબાદ !’

વિદ્યાર્થીઓએ તેનો પડઘો પાડ્યો - મરતો મરતો પડઘો.

‘કાંઈ પણ દેખાવ જે કરશે તેને સખ્ત સજા થશે.' ન્યાયાધીશે સત્તાવાહી સ્વરે કહ્યું અને આખો સમાજ શાંત પડી ગયો. એ શાંતિમાંથી એક ડૂસકું દૂરથી સંભળાયું.

ગૌતમે તે તરફ જોયું.

તેના પિતા એક સ્થળે ઊભા ઊભા દુપટ્ટાથી પોતાની આંખ લૂછતા હતા !

ગૌતમને ખોળતાં આ હુલ્લડના સમયમાં તેમને કેટલી મુશ્કેલી પડી હશે ? ગૌતમ પકડાયો. એની ખબર પણ તેમને બે દિવસ પહેલાં જ કોઈએ આપી હતી.

‘નામદાર, હું મારા પિતા સાથે વાત કરી શકું ?’ ગૌતમે પૂછ્યું.

'Ny-a-o!’ ‘નો’ (ના)ને બહુ જ ઊંચી ઢબના અંગ્રેજી ઉચ્ચારમાં મૂકી ન્યાયાધીશે ગુનેગારની વિનંતીને નકારી.

અને ગૌતમ ચાર વર્ષ કેદખાનામાં ગુમ થઈ ગયો.