← પ્રકરણ ૩ છાયાનટ
પ્રકરણ ૪
રમણલાલ દેસાઈ
પ્રકરણ ૫ →


તે જ વખતે ગૌતમ અને તેના છ મિત્રો પોતાની પરિસ્થિતિનો ગંભીરતાપૂર્વક વિચાર કરી રહ્યા હતા.

'મને તો કાંઈ નહિ, પણ આ વર્ષની ‘શીલ્ડ' મારા અને રહીમના વગર ચાલી જશે એટલું જ મને લાગે છે.’ અરવિંદે કહ્યું.

‘અરે શું યાર ! તને શીલ્ડનો મોહ છે ? અને કૉલેજને શીલ્ડનો મોહ હશે તો જરૂર આપણી શરત જખ મારીને સાહેબ સ્વીકારશે.' રહીમે કહ્યું.

'અને ધારો કે ગૌતમને કૉલેજમાં ન લીધો તોપણ એણે ઊંચો જીવ કરવાનું કારણ નથી. મારા પિતાએ મને કહ્યું છે કે ગૌતમને જોઈએ તો આજ સો રૂપિયાની નોકરી મિલમાં તેને આપે.' શરદે કહ્યું. શરદના પિતા ઘણી મિલોના માલિક હતા; કેટલી મિલોના તે શરદને પોતાને જ ખબર ન હતી. ધનિકનો પુત્ર હોવા છતાં શરદ સામ્યવાદી સાહિત્ય વાંચતો હતો, ચર્ચતો હતો અને તેનો અમલ કરવાને માટે યોજનાઓ પણ ઘડતો હતો. અલબત્ત, પિતાના એકના એક પુત્ર તરીકે તેને અનેક પ્રકારની સગવડો મળતી હતી. જેમાં તેને હસ્તક રહેતી એક કિંમતી મોટરકારનો પણ સમાવેશ થતો હતો. કંઈક સામ્યવાદી અને સમાજવાદી મિત્રોને તેમ જ વિદ્યાર્થિનીઓને તેણે પોતાના એ સાધનનો ઉપયોગ કરાવી સામ્યવાદ પ્રત્યેની પોતાની મમતા દર્શાવી હતી.

‘બીજો ઈલાજ સૂચવું. ગૌતમને કૉલેજમાં ન લે અને આપણે અનિવાર્ય કારણે દાખલ થવું પડે તો આપણી આવકમાંથી આપણે છએ જણે ચોથો ભાગ તેને આપવો. ’ નિશાએ કહ્યું.

એક પુત્ર તરીકે તેનો આવકનો ચોથો ભાગ કૉલેજના વિદ્યાર્થીઓની અરધી બેકારી ટાળે એટલો હતો.

‘સમાજવાદી રચના થાય ત્યાં સુધી.' રહીમે કહ્યું.

‘પછી ?’ ગૌતમે હસીને પૂછ્યું.

‘પછી કોઈનીયે મિલકત ખાનગી રહેશે જ ક્યાંથી ?' નિશાએ જવાબ આપ્યો.

અને સહુ હસ્યાં. છતાં ગૌતમનું હાસ્ય બંધ થયું. તેના છએ અંગત મિત્રો છેવટે કૉલેજમાં જવાની જ માનસિક તૈયારી કરી રહ્યા હતા એ તેને સ્પષ્ટ થયું. તેમના ઉપર આધાર રાખીને ગૌતમે આખું દોઢસો માણસોનું મંડળ ઊભું કર્યું હતું. એ દોઢસો ચાલ્યા ગયા. અરે, એમાંથી જ પ્રિન્સિપાલ તથા પોલીસને ચોકસાઈ ભરેલી માહિતી આપનાર હિતેષીઓ ઊભા થયા હતા. છતાં એના મનમાં બળ હતું. એના છએ અંગત મિત્રો મંડળને અને મંડળના ધ્યેયને પૂરા વફાદાર હતા. એ વિચારે તેને હડતાળના શમન વિષે જરાય દુ:ખ થયું નહિ, પરંતુ એણે વાતચીતમાં જોયું કે એ જ વફાદાર મિત્રો કૉલેજમાં પાછા જવાની શક્યતાનો વિચાર કરી રહ્યા છે ત્યારે એને લાગ્યું કે એના હૃદયમાં ચીરો પડે છે.'

‘એમ ને એમ નહિ, તમે તો વાત કરી અને કાલે ફરી ગયા તો ?’ રહીમે કહ્યું.

‘લેખ કરી આપીએ.' શરદે કહ્યું.

'Scraps of paper ! ગયા યુદ્ધ સમયની એ સુધરેલી ચોટ્ટાઇનો આપણને ખ્યાલ ન હોય તો બીજા કોને હોય ?’ દીનાનાથે કહ્યું.

‘તો હાથમાં આ ચપ્પુ લો અને લોહી છાંટી સોગનને સહુ સાચા બનાવો.' રહીમે ચપ્પુ કાઢી ખોલી સહુને બતાવ્યું.

‘આ તો જુનવાણી રિવાજ કહેવાય. રહીમમાં હજી અંધશ્રદ્ધા રહી ગઈ છે.’ અરવિંદે કહ્યું.

‘સચ્ચાઈને ખાતર તો જોખમ ખેડો ! કાંઈ નહિ તો સહન કરવાની તાકાત તો આવશે !’ દીનાનાથે કહ્યું.

‘હું તૈયાર છું; પહેલું હું કરીશ.’ નિશાએ કહ્યું. તેના મુખ ઉપર આગ્રહ દેખાયો.

‘સ્ત્રીઓ ઉપર સૂત્રો -Slogan-ની અસર વહેલી થાય છે, નહિ ?’

'તે પેલી મિત્રાને પૂછ. સૂત્રોએ શી અસર કરી તે જાણ્યું ને ?’ નિશાએ જવાબ આપ્યો.

‘હડતાલનો પહેલો વિરોધ એનો.' દીનાનાથે કહ્યું.

‘વિરોધ અવિરોધ કાંઈ એને નથી. એને ઘમંડ સિવાય બીજું કાંઈ ખપે નહિ.’

'છેક ઘમંડી તો નથી પણ...’ નિશાએ કહ્યું.

‘તારી બહેનપણી ખરીને !’ અરવિંદ બોલ્યો.

‘પણ આ બધું કરવાની જરૂર જ શી છે ? સમય ઓળખીને ચાલવું તે પણ આપણો એક સિદ્ધાંત છે. માટે જ આપણે કામની વહેંચણી કરી લીધી છે.' ગૌતમે કહ્યું.

છએ મિત્રોએ ગૌતમની સૂચના અનુસાર કામ વહેંચી લીધું હતું. અરવિંદે આઈ. સી. એસ.ની પરીક્ષા પસાર કરી આખી નોકરશાહીને સમાજવાદી બનાવવા મથવાનું હતું; રહીમે વકીલાતમાં પડી મુસ્લિમ કોમને યુક્તિ પુર:સર સમાજવાદ સાથે ભેળવી દેવાની હતી. શરદે પોતાના પિતાનાં જ કારખાનાંને સામ્યવાદી પ્રયોગનાં સાધનો બનાવવાનાં હતાં. દીનાનાથ અખાડાઓ ઊભા કરી સર્વ યુવાનોને બળવાની શારીરિક તાલીમ આપવાનો હતો. નાગેન્દ્ર વિજ્ઞાનનો આશ્રય શોધી એક એવો પદાર્થ રચવાનો હતો કે જેની સામે આખા જગતનાં સૈન્યો નિરર્થક થઈ પડે. મૃત્યુકિરણ (Death-Ray) ઉપરનો તેનો અભ્યાસ કોઈ પણ પ્રોફેસરને શોભે એવો હતો. નિશા સ્ત્રીઓના પ્રશ્નને હાથ ઉપર લેવા અધીરી બની હતી, સ્ત્રીઓને સમજાય એવી ઢબે સમાજવાદ શીખવવાની તેણે ભારે તૈયારીઓ પણ કરી હતી. કલાને મોખરે પણ તેણે ઊભા રહેવાનું હતું.

ગૌતમ સહુને દોરતો, સહુને સંકલિત કરતો છૂપો (underground) બૌદ્ધિક અને સાંસ્કૃતિક મોરચા ઉપર લડતને લઈ જઈ એક મુખપત્ર દ્વારા મથક (head-quarters)ને સાચવી રાખવા માટે યોજાયો હતો. છએ જણમાં સમાજવાદ માટે રસ ઉત્પન્ન કરનાર પ્રેરણાઝરણ ગૌતમ હોવાથી ગૌતમ પ્રત્યે સહુને શ્રદ્ધા હતી અને તેને અનોખું સ્થાન આપી આર્થિક ચિંતામાંથી દૂર રાખવાની યોજના છએ જણ ક્યારનાંયે વિચારી રહ્યાં હતાં. આજ એ યોજના સ્વરૂપ પકડતી હતી.

પરંતુ એ યોજનામાં ગૌતમને અત્યારે અવિશ્વાસ ઊપજ્યો.

‘તમે બધા મને તમારો આશ્રિત ધારો છો કે શું ?’

સહુ ચમક્યાં.

'તું શું કહે છે ?' અરવિંદે પૂછ્યું.

‘તમે બધાં મને રોજી આપો અને હું મારો ગુજારો ચલાવું, એમ ?’ ગૌતમે કહ્યું.

‘આ તું અમને અન્યાય કરે છે !’ શરદે કહ્યું.

‘આજ નહિ તો ભવિષ્યમાં મને તમારો ભિક્ષુક બનાવી રાખવાની આ યોજના છે.' ગૌતમે વધારે સ્પષ્ટતા કરી.

‘અરે, જહાન્નમમાં ગઈ તારી મૅચ ! અરવિંદ, ગમે તે થાય તો પણ હું ગૌતમ વગર કૉલેજમાં જવાનો નથી. બસ ?’ રહીમે જુસ્સાથી કહ્યું. ‘કહો તો આજ સાંજ પહેલાં આપણા એ દોઢસોયે બેવફા સભ્યોનાં માથાં ફોડી આવું ! પછી કાંઈ ?' દીનાનાથે કહ્યું.

મને કમને સહુએ ગૌતમને સાથ આપ્યો અને ગૌતમ વગર કૉલેજમાં ન જ જવું એવો નિશ્ચય ફરી કર્યો.

‘તમને છયે જણને પ્રિન્સિપાલ સાહેબ યાદ કરે છે.' એક સમાધાની ગૃહસ્થે આવીને કહ્યું.

‘અમે છ નથી, સાત છીએ.' રહીમે કહ્યું.

‘સાહેબે તો છને બોલાવ્યા છે.'

‘સાહેબને કહો કે એ છ આવશે નહિ.’ રહીમે જવાબ દીધો.

‘તમે લોકો મૂર્ખાઈ ન કરો. છનું થશે તે સાતનું યે થશે. ગૌતમ રહી ન જાય એની શું અમને કાળજી નથી ?' વિદ્યાર્થીઓના સ્વમાનને ભોગે સમાધાન કરવાનું મહાકાર્ય કરતા એ ગૃહસ્થે કહ્યું.

‘તમે જાઓ. એમાં મારે હરકત નથી. મને સાથે લેવો જ જોઈએ એવો આગ્રહ શા માટે રાખો ?’ ગૌતમે કહ્યું.

'પાછી પેલી મૅચ ચાર દિવસમાં આવે છે. આપણી કૉલેજનું ખોટું દેખાય...' સમાધાનીએ કહ્યું.

'મૅચ? પાછા જાઓ. નહિ તો અહીં જ unequal match - આડુંઅવળું - થઈ જશે.’ દીનાનાથે ધમકી આપી.

‘મૂર્ખાઈ ન કર. સાહેબ બોલાવે છે તો જઈને સાંભળી આવો.' ગૌતમે કહ્યું.

‘પણ મારા વગર કૉલેજમાં જવાનું કહેશે તો ?’ રહીમે પૂછ્યું.

‘તે વખતે શું કરવું તે તમે જાણો. મારો કશો આગ્રહ નથી.' ગૌતમે કહ્યું. અને છયે જણાં સંકોચસહ આગળ વધ્યાં. જતે જતે દીનાનાથે કહ્યું:

'ગૌતમ, અહીં જ બેસજે. અમે આવીએ છીએ.' ગૌતમ ત્યાં જ બેઠો હતો. મેદાન પસાર કરી દઈ કૉલેજની સુશોભિત મંદિર શ્રેણીમાં અદૃશ્ય થતાં છયે જણને તેણે જોયાં.

ગૌતમ નાહિંમત કેમ થયો ? જગતને ફેરવી નાખવાનાં સિદ્ધાંતને વળગી જીવન ઘડનાર શા માટે પગમાંથી જોર ઓસરી જતું અનુભવવા લાગ્યો ?

‘અંહ ! આનું નામ તે આફત કહેવાય ?' ટટાર બેસી ગૌતમ મનમાં બોલ્યો.

અને એકાએક તેનું હૃદય ધડકી ઊઠ્યું. દૂરથી તેના પિતા જેવી આકૃતિ આવતી દેખાઈ !

કૉલેજમાં ભણતા પ્રત્યેક વિદ્યાર્થીના વાલીને ખબર આપવામાં હતી કે હડતાલના અંગેની વિધાર્થીની જવાબદારી વાલીએ લેવી પડશે.

અને ગૌતમ માટે તો પ્રિન્સિપાલ સાહેબે શું શું નહિ લખ્યું હોય ?

ખરે, ગૌતમના પિતા જ તેની તરફ આવતા હતા !

‘મારો દોષ મારા પિતાએ નિવારવો ! એનું નામ ન્યાય !’ ગૌતમે મનમાં કહ્યું અને તે ઊભો થઈ પિતાની સામે ચાલ્યો.

પાઘડી, દુપટ્ટો, અંગરખું અને ધોતિયું પહેરેલા ગૌતમના પિતા એક સાધારણ પરંતુ ગઈ પેઢીના શિષ્ટ ગૃહસ્થનો ભાસ આપતા હતા. દૂર આવેલા મહાલમાં તેઓ સાધારણ સરકારી નોકરી કરી પોતાનું ગુજરાન કરતા હતા અને ગૌતમને ભણાવવાનું સાધન પૂરું પાડતા હતા.

ગૌતમ ઝડપથી પિતા પાસે પહોંચી ગયો.

‘તમે ક્યાંથી ?' ગૌતમે પૂછ્યુ. ગૌતમને પિતા પ્રત્યે ખૂબ સદ્ભાવ હતો.

'આજે તારા પ્રિન્સિપાલનો કાગળ, અને આ બીજી કલેક્ટર સાહેબની મારફત આવેલી યાદી. હું ન આવું તો બીજું શું કરું ?'

ગૌતમે બંને કાગળો ઉપર નજર કરી અને તેના મુખ ઉપર અણકલ્પી કઠણાશ આવી ગઈ.

'હું ગુનેગાર એટલે તમે પણ ગુનેગાર ? મોટાભાઈ, મારો લાત એ બંને ચિઠ્ઠીઓને.' ગૌતમે કહ્યું.

‘તું ઘેલો ન બન. આમાં તો મારા અને તારા રોટલાનો પ્રશ્ન છે.’

‘હું ભૂખે મરીશ, તમે મને છૂટો કરી દો.'

‘એટલે ?'

‘મારે અને તમારે કશો સંબંધ નથી એમ જાહેર કરી દો.’ પિતાએ વહાલ અને શોકમિશ્રિત દૃષ્ટિએ ગૌતમ સામે જોયું.