છાયાનટ/પ્રકરણ ૯
← પ્રકરણ ૮ | છાયાનટ પ્રકરણ ૯ રમણલાલ દેસાઈ |
પ્રકરણ ૧૦ → |
આજ ક્રિકેટ મૅચ હતી. મેદાન ઉપર ખૂબ માનવમેદની ભેગી થઈ હતી. નાના મોટા તંબૂઓમાં સેંકડો નરનારીઓ સેંકડો રૂપિયા ખરચી હિંદમાં લોકપ્રિય બનતી બાદશાહી રમતનું સન્માન કરવા ભેગાં થયાં હતાં. યુરોપિયનો, પારસીઓ, હિંદુઓ, મુસલમાનો સહધર્મીઓ અહીં ભેગા મળ્યા હતા. અને તેમાંયે વિદ્યાર્થીઓ તંબૂઓમાં તેમ જ તંબૂઓની બહાર મેદાનમાં રમાતી રમત તેમની અંગત માલિકી હોય એમ બૂમાબૂમભર્યું વર્તન કરતા હતા. પ્રિન્સિપાલ સાહેબે તેમની હડતાલ તોડી તેમના સ્વમાન ઉપર જબરજસ્ત ઘા કર્યો હતો એ વિદ્યાર્થીઓ ચાર દિવસમાં જ ભૂલી ગયા. ગુજરાતી ગૃહસ્થો માફક ગુજરાતના વિદ્યાર્થીઓ બહુ ઝડપથી અપમાનને વિસારી શકે છે. આછા કોલાહલથી આખું મેદાન છવાઈ રહ્યું.
મહત્વના દેખાતા બે તંબૂઓ વચ્ચે એક કાળું પાટિયું ઊભું કરવામાં આવ્યું હતું. એની પાસે ઝાડની છાયા નીચે નાનાં ખુરશીમેજ ઉપર મહત્વનો દેખાવ કરતા યુવાનો બેઠા હતા. રમતના વિધાતા સરખા એ "સ્કોરરો” રનનો ફાળો નોંધી રમત રમનારાઓ કરતાં પણ વધારે ભારે કામ કરવાના હતા, એમ તેમના દેખાવ ઉપરથી જણાઈ આવતું હતું. અગિયારમાં પાંચ મિનિટ બાકી હતી અને બંને કૉલેજ ટુકડીઓના કૅપ્ટનો તથા રમત-નિયામકો - Umpires - એ તંબૂમાંથી બહાર નીકળી રૂપિયો ઉછાળી કોણે કયો દાવ લેવો તે નક્કી કર્યું. સ્થાનિક કૉલેજના ખેલાડીઓએ દાવ લેવો એવું રૂપિયાએ ઠરાવી આપ્યું હોય એમ લાગ્યું.
સામા પક્ષના ખેલાડીઓ મેદાન ઉપર આવ્યા અને દડાની ઝીલમઝોલા કરવા માંડી. તેમને નીકળતા બરોબર તાળીઓથી વધાવી લેવામાં આવ્યા. દડો ફેંકવામાં અગલબગલની કરામતો પણ કેટલાકે દેખાડી. તંબૂઓમાં તેમનાં ઓળખાણ સાચાંખોટાં અપાવા લાગ્યાં.
‘પેલો ડિસોઝા ! ફાસ્ટ બૉલર !’ એક જાણકારે કહ્યું.
‘કોણ ? પેલો કાળો અને ઊંચો છે તે ?’
'હા.'
‘અરે ન હોય એ ડિસોઝા, એ તો શાહબુદ્દીન : લોંન્ગ-ઑફ-ફીલ્ડર' ત્રીજા જ યુવાને દૃઢતાપૂર્વક એ ખેલાડીનું નામ અને કામ નક્કી કરી નાખ્યું - જોકે કુદરતે કે સમાજે એને ડિસોઝા કે શાહબુદ્દીન હજી સુધી બનાવ્યો જ ન હતો.
ધોળા લાંબા ડગલા, સાહેબની ટોપી અને બેઠક બનાવી શકાય એવી લાકડી સાથે ગાંભીર્યપૂર્વક જોડાજોડ નીકળેલું અમ્પાયર યુગ્મ મેદાને ઊતર્યું અને ફરી તાળીઓ પડી. અનિયમિત તાળીઓ એ હિંદી યુવાનોનો જાહેર ઉદ્યોગ છે. કોઈ પણ રોગ કરતાં એ ઉદ્યોગ વધારે ચેપી છે. સહુ એમાં સામેલ થઈ શકે છે. મેદાન ઉપરના દાવ આપતા ખેલાડીઓને તેમના નેતાએ હાથને ઈશારે જુદે જુદે સ્થળે ગોઠવી દીધા.
અને તત્કાળ બે યુવાનો પગે પેડૂઝ બાંધી એક હાથમાં બૅટ અને બીજે હાથે મોજું ઉછાળતા રમતને માટે નિર્ણીત કરી મૂકેલી કદરૂપી સાહેબની ટોપી પહેરી મેદાને પડ્યા ત્યારે આખું વાતાવરણ તાળીઓથી ગાજી રહ્યું.
બંને ખેલાડીઓમાં એકે બૅટના પાછલા ભાગ વડે જમીન ઠોકી, બૅટ બગલમાં મૂકી સેનાપતિની ચકોર દૃષ્ટિ ચારેપાસ ફેંકી દુશ્મનોના વ્યુહને જોઈ લીધો અને બૅટને સ્ટંપ્સ સામે ઊભું રાખી સામી બાજુએ ઊભા રહેલા અમ્પાયર-રમતનિયામકની આંગળીઓને આધારે એક સ્થળે ગોઠવ્યું; અને ત્યાં આછો ખાડો પાડ્યો. સામી બાજુએથી એક ખેલાડીએ પોતાની સાહેબટોપી અમપાયરના હાથમાં આપી અને બૉલને પોતાના પાટલૂન ઉપર ઘસ્યો. ઘસતે ઘસતે અડધા મેદાન સુધી તે પહોંચી ગયો. એકદમ સામો ફર્યો અને ત્યાંથી બેટધારણ કરનાર સામે દોટ મૂકી ધસ્યો અને બૅટ ધારણ કરનારનું ખૂન કરવું હોય તેમ તેણે બૉલને બંદૂકની ગોળી જેટલી ઝડપે ફેંક્યો. ખટ અવાજ સાથે બૉલ અટક્યો.
મેદાનમાં શાંતિ છવાઈ ગઈ હતી. બીજો બૉલ ફેંકાયો અને તે પણ અટક્યો. ત્રીજા બૉલે પ્રેક્ષકોના જીવમાં જીવ આવ્યો અને આછી આછી વાત તંબૂઓ અને મંડપોમાં શરૂ થઈ. એક ઓવર પૂરી થઈ અને દાવ આપનારાએ સ્થાન બદલ્યાં.
‘આ બધા શું કરે છે ?’ એક સ્ત્રીનો ટહુકો, આછો આછો સંભળાયો.
દોઢ બે દસકા પહેલાંના નવજુવાનો પોતાની નવયૌવનાઓને અંગ્રેજી ભાષા શીખવવાની અર્ધ નિષ્ફળ મહેનત કરતા હતા. એ ભૂમિકામાંથી પસાર થયેલો આજનો પ્રિયતમ નવવધૂને જાહેર જીવનની રમતો સભાઓ અને રંજનકાર્યો જેવી આંટીઘૂંટીનું જ્ઞાન આપવા બહુ જ ઈન્તજાર હોય છે. ક્રિકેટ મેચ જોવા ટિકિટો ખર્ચી કેટલાયે યુવાનો પોતાની પત્નીઓને સાથે લાવ્યા હતા. એવા એ યુવકની યુવતીએ પૂછ્યું :
‘આ બધા શું કરે છે ?'
અજ્ઞાન અને તેમાંયે પત્નીનું અજ્ઞાન જાહેર થવા દેવાની કોઈ પણ પતિની ઈચ્છા હોય એમ માની શકાય જ નહિ. સાથે પત્નીનું અજ્ઞાન દૂર કરવાની પ્રામાણિક તક ખોળતો પતિ ઘણી વાર હાથે કરીને કરુણરસનો નાયક બની જાય છે. પત્નીને પતિએ જવાબ આપ્યો :
'દાવ બદલે છે.’
‘કોનો દાવ ?’
‘જેમના હાથમાં બૅટ છે તેમનો દાવ.'
‘પેલી બાજુનો છોકરો રમી રહ્યો ?’
‘ના. દરેકને વારાફરતી છ છ બૉલ આપવાના.’
“બસ ? છ છ જ ? એમ કેમ ?'
‘એવો નિયમ છે.'
પતિએ યોજેલો આ શિક્ષણક્રમ આસપાસનાં પ્રેક્ષકોનું ધ્યાન ખેંચી રહ્યો હતો, તેમાંયે ખાસ કરીને પોતાને વધારે આવડતવાળી માનતી સન્નારીઓનું ધ્યાન વધારે ખેંચી રહ્યો. કેટલીક સન્નારીઓએ સ્મિત કરી મુખ ઉપર રૂમાલ ઢાંક્યો અને એકબીજાની સામે જ્ઞાનભરી દૃષ્ટિ ફેંકી. રમત ચાલુ જ હતી. એક ફટકો વાગ્યો અને પત્નીએ પૂછ્યું :
‘પેલો કેમ દોડે છે ?’
‘રન લેવા.’
‘શું લેવા ?'
‘એક બાજુએથી બીજી બાજુએ દોટ મૂકે તેને રન મળે.'
‘બીજા બધા કેમ દોડતા નથી ? બધાને રન ન મળે ?'
‘હું પછી સમજાવીશ.’
પણ આ સમજકથા ક્રિકેટની રમતના એક ભારે જાણકારના વિવેચનપ્રવાહમાં ઘસડાઈ ગઈ. દરેક ટોળામાં અને દરેક તંબૂમાં ઈશ્વરકૃપાએ એકાદ મહાજ્ઞાની અને મહાજીભાળ વિવેચક ગમે ત્યાંથી ફૂટી નીકળે જ છે.
રમત સહજ જામી એટલે એ વિવેચકની જીભ ગતિમાન થઈ. રમત કરતાં પણ એની જિવ્હાઝડપ વધારે હતી. રમનારે ફટકો માર્યો અને વિવેચકે વાણીનો પ્રવાહ છૂટો મૂક્યો :
‘જો આ ભૂલ કરી. હમણાં જ ઝિલાઈ જાત.'
બીજો બૉલ રમનારે રોક્યો અને વિવેચકે બૉલર વિરુદ્ધ ટીકા કરી :
‘જરા વધારે “સ્પિન” કર્યો હોત તો ? સીધો સ્ટમ્પમાં બૉલ ચાલ્યો જાત.' ત્રીજા બૉલે બાઉન્ડરી ઉપર ફટકો ગયો એટલે વિવેચકે ફીલ્ડર વિરુદ્ધ ટીકા કરી :
‘શું ઊભો રહ્યો છે ! જરા આડો પડ્યો હોત તો બૉલ રોકાઈ જાત. હવેના ફિલ્ડરોમાં ચપળતા જ ઓછી, સ્ટેન્ડર્ડ હવે બધે ઘટી ગયું.’
ચોથા બૉલે રમનારના સ્ટમ્પ્સ ઉપરની ચકરડીઓ ઊડી ગઈ. વિકેટકીપરે હાથ ઊંચા કરી કૂદકો માર્યો. રમનારે સ્ટમ્પ્સ તરફ જોઈ ચાલવા માંડ્યું અને ચારે બાજુએથી તાળીઓનો ગડગડાટ થઈ રહ્યો.
‘હું શું કહેતો હતો ? બેટ ક્રોસ ફેરવવાની ટેવ એ ભૂલતો જ નથી. આઉટ ન થાય તો બીજું શું થાય ?’ ડૉક્ટર દવા આપે, દર્દી તે પીએ નહિ અને પછી દુઃખ ભોગવે, એ સામે ડૉક્ટર જેમ વાંધો લે તેમ વિવેચકે ટીકા કરી. પાસે બેઠેલા એક પ્રેક્ષકે વિવેચકને પૂછ્યું :
‘તમે આ ટીમના કોચ છો શું ?’
વિવેચકનો ઉત્સાહ આવા પ્રશ્નોથી ઓસરે એમ ન હતું. બ્રેડપન, હોબ્સ, રણજી, ગીલીગન વગેરે રમનારાઓનાં નામ સાથે તેમણે ચારેપાસ ક્રિકેટજ્ઞાન વેરવા માંડ્યું. રમતમાં સમજ ન પડી માત્ર જ્ઞાનપિપાસુ પત્નીને.
‘આ કેમ તાળીઓ પડી ?' તેમણે પૂછ્યું.
‘રમનાર આઉટ થયો.’
'તે સારું કહેવાય કે ખોટું ?’
‘દાવ આપનાર માટે સારું. લેનાર માટે ખોટું.’
‘હવે શું કરશે ?'
‘બીજો રમનાર આવશે.'
‘ક્યાંથી ?’
‘પેલા તંબૂમાંથી.’
‘આપણા તંબૂમાંથી કોઈને ન રમાડે ?'
‘અં હં. રમનારા નક્કી થઈ ગયા હોય. જો, પેલો નવો રમનાર આવે.'
'બે જણ છે ને ?'
‘એક તો રમતો હતો. તે જ છે.’
‘નવો રમનાર આઉટ થયો ?’
'હજી રમ્યો નથી તે પહેલાં આઉટ શી રીતે થાય ?’
‘તાળીઓ પડે છે ને ?’ ‘તાળીઓ પડે માટે આઉટ થાય ?'
‘તમે કહ્યું ને ?’
એ વાતચીત હિંદને મળનારા સ્વરાજ્ય સરખી અરધેથી અટકી. કારણ રમત પાછી શરૂ થઈ ગઈ અને રમતના કરતાં વધારે ઝડપી ટીકા પેલા મહાન વિવેચકે શરૂ કરી દીધી :
‘અરવિંદ સ્ટેડી ! જરા પગ આગળ ધર્યો હોત તો ઑફમાં બાઉન્ડરી જાત... જો ને, સ્કીપરે ફીલ્ડિંગ ગોઠવી છે !... પેલા કૉર્નર ઉપર એક ફીલ્ડર રાખ્યો હોત... શાબાશ ! ફટકો લગાવ્યો ખરો... આાલા નાયડુ... પણ બચ્ચા સંભાળજો. સામે ફલ્ડિંગમાં અદી છે હો...’ વિવેચનપ્રવાહમાં ઝડપ આવ્યો જતી હતી. રમત કરતાંય વિવેચન તરફ કોઈ વાર વધારે ધ્યાન ખેંચાતું હતું. બેત્રણ માણસો હસતા હતા અને બાકીના કંટાળતા હતા.
સઘળું ક્રિકેટજ્ઞાન આજે જ મેળવી લેવું એવો નિશ્ચય કરીને આવેલાં પત્નીએ ગુરુશિષ્યની પરંપરાને અનુસરીને એક પ્રશ્ન ફેંક્યો :
‘રમતમાં બેરાં પણ ખરાં કે ?'
‘હિંદુસ્તાનમાં ભાગ્યે જ હોય.’
‘આમાં તો લાગે છે.'
'તને કોણે કહ્યું ?' પત્નીમાંથી મમત્વ ખસેડતા પતિએ ધીમેથી પૂછ્યું.
‘કોઈકે કહ્યું ને કે રમતમાં ‘અદી' નામની એક બાઈ સામે છે !’ ઈકારાન્ત શબ્દ નારીવાચક હોવો જોઈએ એવી સામાન્ય માન્યતાનો ભોગ થઈ પડેલી જ્ઞાનાતુર પત્નીએ સ્પષ્ટતા કરી.
આસપાસ આછા હાસ્યના ફુવારા ફૂટી નીકળ્યા. પતિને લાગ્યું કે હજી પત્નીમાં જાહેરપ્રદર્શન માટેની પાત્રતા આવી નથી. રમત વધારે વિગતથી ઘેર સમજાવી હોત તો આમ નીચું જોવાનો પ્રસંગ ન આાવત !
પરંતુ નજદીક બેઠેલાં એક જ્ઞાની સન્નારી અજ્ઞાન પત્ની પ્રત્યે હસી રહી ‘અદી' શબ્દ ઉપર પ્રકાશ પાડી ઊઠ્યાં :
‘અદી તો પારસી છોકરો હોય ! મોટું નામ અરદેશ્વર !’
સામાન્યતઃ ઉચ્ચારાતું ‘અરદેસર’ નામ એ સન્નારીને અશુદ્ધ લાગ્યું - પોતે ઘણાં વિદ્વાન હોવાથી. પ્રાચીન ઈરાની બાદશાહના નામનું હિંદુકરણ કરી તેમણે પ્રાચીન પારસીઓ અને હિંદુઓની એકઆાર્યતા તરફ સંસ્કૃત પંડિતને શોભે એમ ધ્યાન ખેંચ્યું. ત્રણ ચાર પારસી બૈરાં અંગ્રેજી ઢબે હસી ઊઠ્યાં. એકાએક પાછી તાળીઓ પડી, અને દાવ આપનારા પાછા ભેગા થઈ ગયા, રમનારા તંબૂ તરફ વળ્યા.
‘શું થયું ?’ નૂતન જ્ઞાની પત્નીએ ધીમેથી પૂછ્યું.
‘એક રમનાર આઉટ થયો.’
'શાથી?'
‘બોલ ઝિલાઈ ગયો. તેથી.'
‘એમાંય એનો દાવ જાય ? બૉલ અધ્ધર ઝિલાય અને મેલો ન થાય, એમાં ખોટું શું ?' પત્નીને પતિએ શો જવાબ આપ્યો તે સમજાયું નહિ. છૂટાછેડા માટેની સગવડ પુરુષો માટે પ્રત્યેક પળે હોવી જોઇએ એમ તેમનો અંતરાત્મા બોલતો સંભળાયો. વિવેચકે ક્યારનું ધ્યાન ખેંચી લીધું હતું :
“મેં શું કહ્યું હતું ? એ ઝિલાઈ જવાનો જ હતો. બહુ વાર કહ્યું કે તું બેટ ન ઉપાડીશ... હવે એ જમાનો ગયો. રમત જુએ પણ શીખે નહિ.’
‘તમે તાલિયારખાનના મિત્ર લાગો છો.' એક ગૃહસ્થ વિવેચકના વિવેચનપ્રવાહને ઉદ્દેશી કહ્યું.
‘બોબી ને ? હું સારી રીતે ઓળખું. એમ.સી.સી.ના લંચ વખતે અમે સાથે જ હતા.' વિવેચકનાં સગપણ તથા ઓળખાણનો વિસ્તાર ઘણો મોટો હતો.
ફરી તાળીઓ પડી. બે રમનારા પાછા આવ્યા. વિવેચકે કહ્યું :
‘અરવિંદ તો ચોંટ્યો છે. આ રહીમ જો પહેલી ઓવર સંભાળી લે તો બચે. પછી રમત જામશે. પણ મિયાંભાઈ છે ! ભલું પૂછવું !’
ત્રણ ચાર મુસ્લિમ રમતશોખીન બેઠા હતા તેમણે વિવેચક તરફ જોયું. તેમની આંખમાં સ્પષ્ટ અણગમો દેખાતો હતો. કપટી, દુષ્ટ અને ભિન્ન સંસ્કારી હિંદુઓથી ઘેરાયેલા મુસ્લિમો સ્વરક્ષણ અર્થે પાકિસ્તાનનું બખ્તર પહેરેલું જ રાખે છે. સદ્ભાવ, મશ્કરી, કટાક્ષ કે ટીકા એ સર્વનો સામનો કરવાની ચોવીસે કલાકની તેમની તૈયારી, તેમની અને નાલાયક હિંદુઓની વચ્ચે દેખાઈ આવે એવી, એક મજબૂત દીવાલ ઊભી કર્યે જ જાય છે. જગતની બધી સંસ્કૃતિઓ એક થઈ શકે, પરંતુ હિંદની હિંદુમુસ્લિમ સંસ્કૃતિ ભેગી જ ન થાય એવી સંભાવના હજાર વર્ષના સહવાસ પછી આગેવાન મુસ્લિમોએ શોધી કાઢી છે, અને એ જ આગેવાનોના પૂર્વજો બસો વર્ષ ઉપર તો હિંદુ જ હતા. મુસ્લિમોનો ‘મ' કહેતા બરોબર મુસ્લિમોના જ્ઞાનતંતુઓ આજ ઝણઝણી ઊઠે છે.
રહીમે સુંદર ફટકો મારી બૉલને બાઉન્ડરી ઉપર મોકલ્યો. મેદાન તાળીઓથી ગાજી રહ્યું. અમ્પાયરે કવાયત થતી હોય એમ બે હાથ લંબાવી હવામાં તરવાનો દેખાવ કર્યો.
‘પેલા ધોળા ઝભ્ભાવાળાને શું થાય છે ?’ પત્નીની જ્ઞાનપિપાસા છીપતી ન હતી.
'બધું હું ઘેર સમજાવીશ. હમણાં કશું પૂછીશ નહિ.’ પતિએ કહ્યું.
'તે બધું સાંભરશે કેમ ?’
‘બોલ્યા વગર જોયા કર.’ પુરુષે સન્નારીનું અપમાન કર્યું. ધીમે રહીને. એવાં અપમાન એકાદ દિવસ માટે મુશ્કેલીને દૂર કરે છે.
એક લાડતો રડવાની તૈયારી કરતો અવાજ સંભળાયો :
‘બા, અરવિંદ આઉટ થઈ જશે !’
‘ના, હોં ! ગભરાઈશ નહિ, નહિ આઉટ થાય !’ પીઠ ઉપર હાથ ફેરવી માતાએ ગભરાતી બાળકીને આશ્વાસન આપ્યું. બાળકી બાવીસેક વર્ષની હતી. અને અરવિંદની ઈકોતેરમી પેઢીએ પણ સગી થતી ન હતી.
રહીમે ઓવરબાઉન્ડ ફટકો લગાવ્યો. આનંદની હેલી વરસી રહી. મૂર્તિપૂજક હિંદને દેવ ઓછા પડે છે. કેટલાકે રમતના મેદાનની મર્યાદા વટાવી દોડી રહીમને ફૂલહાર કર્યા. કેટલાંક ટેવાઈ ગયેલાં શાળાબાળકોએ દોડીને રહીમના હાથમાં પૈસા મૂકવા માંડ્યા. અંપાયરો નિયમ તોડતા હિંદવાસીઓનાં ટોળાંને મેદાન ઉપરથી દૂર કરવા લાગ્યા. મુસ્લિમોએ પોતાની વાંકી ટોપી વધારે વાંકી કરી. રહીમના ફટકા પાછળ જગતની સમસ્ત મુસ્લિમ જનતાનું જોર હતું એમ તેમને લાગ્યું !
‘હવે એ ઝિલાવાનો.' રમતના વિધાતા વિવેચકે કહ્યું. પોતાને સૂત્રધાર માનતા વિવેચકે ખેલાડી કરતાં પોતાને વધારે ઊંચી કક્ષાએ બેસાડી રહીમનું ભવિષ્ય ભાખ્યું. એ ભવિષ્ય ઉચ્ચારણમાં કોકિલટહુકો ન હતો, કાકવાણી હતી.
પરંતુ રહીમ ઝિલાયો નહિ. તેણે રમતમાં ખૂબ જાગ્રતિ લાવી મૂકી. ફટકા ઉપર ફટકા તે માર્યે જતો હતો, અને વિવેચનોથી તદ્દન જુદું જ પરિણામ્ આવ્યા કરતું હતું. અરવિંદે પણ પોતાની સ્થિર રમતમાં વેગ ઉમેર્યો.
સાદી આંખે અગર ચશ્માંની મદદથી પણ ન દેખાય એવી ખૂબીઓ પરખી કાઢવા માટે દૂરબીનનો પણ ઉપયોગ કરનાર શોખીનો તમાશબીનોમાં હોય છે. એક યુવતીએ દૂરબીન પકડી બીજી યુવતીને કહ્યું : ‘જોયું પેલી મૃદુલા શું પહેરીને આવી છે તે ? સામા તંબૂમાં જો.'
‘એના ઠસ્સાનો પાર જ નહિ !’
‘જો તો ખરી, એની સાડીની કિનાર કેવી છે તે !’
‘બંને દોસ્તો ઠીક જામી ગયા છે.' કોઈએ સાડીની કિનાર નિહાળતી યુવતીઓને નિરર્થક દૃશ્ય જોતાં અટકાવવા કહ્યું.
‘એકાદ જણ હવે ઊપડવાનો...’ વિવેચકનું ફળજોતિષ ચાલુ જ હતું.
'દોસ્ત !’ એક મુસલમાને પાસે બેઠેલા બીજા મુસલમાનને પૂછ્યું. રહીમ અને અરવિંદ દોસ્ત હોય એમ એ માની શક્યો નહિ.
‘અરે યાર ! કેમ આમ કરે છે ? રનની કેટલી ઉતાવળ ? બધી રમત બગાડી નાખી !' વિવેચકે સહુને આનંદ આપતી રમત વિરુદ્ધ પોતાનો અણગમો દર્શાવ્યો.
‘એ બંધ કર બકવાદ ! સીર ખા ગયા, સુવ્વર !’ શુદ્ધ ગુજરાતી બોલતા અગર ગામડિયું ગુજરાતી બોલતા સઘળા મુસ્લિમો હવે ઉર્દૂને ચાળે ચઢ્યા છે. ‘સીર ખાવું’ એ ઉદૂમાં સ્વીકાર્ય હોય કે ન હોય છતાં સંસ્કૃત પંડિતોની માફક ઉર્દૂકરણની તમન્ના હવે મુસ્લિમોના હૃદયમાં જોરથી જાગી છે.
અને એકાએક આખું મેદાન સ્તબ્ધ બની ગયું. ‘હાઉઝ ધેટ ?’ના પુછાયલા પ્રશ્રે અમ્પાયરની એક આંગળી ઊંચી કરાવી. રહીમ સહજ ઊભો રહ્યો; તેણે પોતાના પગ તરફ જોયું, અને કાંઈ પણ બોલ્યા વગર તે બેટ ઘસડાતું રાખી તંબૂ તરફ દોડ્યો :
‘શેમ ! શેમ !'ના ઉદ્ગારો ચારે પાસથી સંભળાવા લાગ્યા.
‘શું થયું ?' અપમાનિત પત્નીથી રહેવાયું નહિ એટલે તેમણે પૂછ્યું.
‘રહીમ આઉટ થયો.’ પતિને લાગ્યું કે ચારેપાસ ચાલતા ધાંધલમાં તે જ્ઞાનનો પ્રકાશ પાડી શકશે.
‘સાથી આઉટ થયો ?’
‘એલ.બી.ડબલ્યુ. આપ્યું.’
‘શું આપ્યું ?'
‘રહીમનો પગ વચ્ચે આવ્યો.’
‘તમે કાંઈ એ.બી.સી.ડી. જેવું બોલ્યા ને ?’
'અંગ્રેજીમાં એવું બોલાય છે.’ 'પણ એના સ્ટમ્પ્સ પડ્યા નથી, બૉલ ઝિલાયો નથી, પછી કેમ આઉટ થાય ?'
‘એ તો એવો નિયમ છે, પગ વચ્ચે ન લવાય.'
‘કોની વચ્ચે ?' પ્રશ્નનો ઉત્તર પતિ આપે તે પહેલાં સહુનું ધ્યાન એક બાજુ ઉપર દોરાયું. વિવેચકે રહીમ આઉટ થતા બરોબર કહ્યું.
‘હું શું કહેતો હતો ! ઊડ્યો ને છેવટે ?’ બધાનો આનંદ ઓસર્યો. પોતાનું વાક્ય મોડું મોડું પણ સાચું પડવું એનો આનંદ વિવેચકને વધારે હતો. સારો રમનાર રમે તે કરતાં પોતાનું ભવિષ્ય સાચું પડે એમાં વિવેચકને વધારે હર્ષ હતો.
‘વહ અમ્પાયર નહિ હય. હજજામ હોય.' રહીમના એક ધર્મબિરાદરે કહ્યું. અંગ્રેજી-ખ્રિસ્તી-રમતમાં મુસ્લિમ રમનારની વિરુદ્ધ નિર્ણય આપનાર હિંદુ આખા મુસ્લિમ ધર્મનું અપમાન કરી રહ્યો હતો. એમ તેને લાગ્યું.
‘મિયાંભાઈની વિરુદ્ધ મત આપ્યો માટે કે ? ચોખ્ખો એલ.બી.ડબલ્યુ. હતો.' વિવેચકે વર્ષોથી બૅટ હાથમાં પકડ્યું ન હોવા છતાં અભિપ્રાય આપ્યો. ત્રીજા-ચોથા દરજજાની ટીમો કરતાં તેઓ ભાગ્યે ઊંચે ચઢેલા હતા. પરંતુ મત આપવાનો અધિકાર વિવેચકો કદી જતો કરતા નથી.
‘મોં સમાલીને બોલ, નહિ તો...’ જગતના અરધો અબજ મુસ્લિમોને ટેકે ઊભેલો મુસ્લિમ કદી ડરતો નથી ! હિંદમાં તો નહિ જ - હિંદુથી તો નહિ'
‘અરે જા, જા હવે, તારા જેવા બહુ જોયા છે !’ વાણીશુરા ગુજરાતી ભાઈની બહાદુરી, જર્મનીને પણ શિક્ષણ આપે એવી છે - અલબત્ત સામાવાળિયો સલામત અંતરે હોય તો જ. અંગ્રેજોએ શોધી કાઢેલો brave retreat બહાદુરીભરી પીછેહઠ એ શબ્દ ગુજરાતીઓના સંસર્ગમાં આવ્યા પછી અંગ્રેજેને જડ્યો લાગે છે. ક.દ.ડા. એ ‘શરીરે સુખી તો સુખી સર્વ વાતે'નો શીખવેલો સિદ્ધાંત ગુજરાતીઓ અક્ષરશઃ પાળે છે અને પોતાના દેહને કોઈ પણ સંજોગોમાં જોખમાવા દેતા જ નથી. આત્મા ભલે નાકલીટી તાણતો માટીમાં ઘસડાતો હોય !
સ્કૂલ-કૉલેજના વિદ્યાર્થીઓ એથી પણ વધારે બહાદુર હોય છે. સંખ્યાને આશ્રયે હિંમત ઊભી કરી શિક્ષકો તથા પ્રોફેસરોની ગમ્મત ઉડાવવામાં પ્રાવીણ્ય મેળવી રહેલું વિદ્યાર્થીમંડળ ગુજરાતનાં ગૌરવરૂપ છે એની કોઈથી ના પાડી શકાય એમ નથી. ગેરીલા વોરફેર - સંતાઈને હાસ્યકટાક્ષનાં પોતે માનેલાં હથિયારો ફેંકી-છૂપી રીતે દુશ્મનને ઘાયલ કરવાની તરકીબ વિદ્યાર્થીઓ પોતે ઝડપથી શીખી જગતસંગ્રામમાં ભાગ લેવાની સરસ તૈયારી કરી રહ્યા હોય છે. યુદ્ધનિષ્ણાતોનું જ્ઞાન ગુજરાતના વિદ્યાથીવર્ગે વધાર્યું. એમ એક દિવસ ઈતિહાસ જરૂર બોલી ઊઠશે !
સંખ્યા સારી હોય તો વિદ્યાર્થીઓની બહાદુરી વર્ગની અને કૉલેજની દીવાલો બહાર પણ કદી કદી આવી પહોંચે છે. માબાપે અનેક આત્મભોગને પરિણામે આપેલી સાઈકલના વેગનો લાભ લેઈ પોલીસના એકલદોકલ સિપાઈને ડરાવવામાં પરમ આનંદ પામતી વિધાર્થીઓની રમૂજ, એકાદ બે છોકરીઓની પ્રદક્ષિણા કરી અપમાનની અને છેવટે ચંપલ ખાવા સુધીની કીર્તિ મેળવવા માટેનાં મહાસાહસ; અખાડો, રમત, કવાયત, અભ્યાસ વગેરે અનેક જરૂરિયાતોને જતી કરી સિનેમાની અર્ધનગ્ન સૃષ્ટિમાં બને તો નિત્ય ત્રણ ચાર કલાક ડૂબકી મારવાનો આત્મભોગ : આવા આવા શૂરપ્રસંગો વીરત્વવિહોણા ગુજરાતના ખારાપાટમાં વિદ્યાર્થીઓએ ખોદેલી મીઠી વીરડીઓ છે ! આપણું ભાવિ રાષ્ટ્ર આ વીરડીઓના અમૃતપાન ઉપર ઘડાય છે.
'લડાઈ લાગે તો પૈસા દઉં’નો પોકાર હિંદમાં અજાણ્યો નથી. બીજાઓની લડાઈમાં આનંદિત થતી એક વિદ્યાર્થીની વૃત્તિ તેની પાસે તાળી પડાવી રહી. હિંદના રોગની માફક તાળી પણ હિંદમાં બહુ ચેપી બની જાય છે. ચારે બાજુએથી તાળીઓ પડી અને આનંદ, ઉત્સાહ તથા ખીજના ચિત્કારો પણ તંબૂમાં સાથે સાથે ઊઠ્યા. તાળી પાડનાર વિદ્યાર્થી અને મુસ્લિમ ખેલાડીને થયેલા અન્યાયથી ઉશ્કેરોયલો મુસ્લિમ, બંને પાસે પાસે બેઠા હતા. મુસ્લિમને લાગ્યું કે આ બધી તાળીઓ તેની સામે ફેંકવામાં આવતી હતી. તેણે વિદ્યાર્થીને ગુસ્સામાં પૂછ્યું :
‘કેમ તાળી પાડે છે, સુવર !’
વિદ્યાર્થી રમૂજમાં આવી ગયો હતો. રમૂજ એ વિદ્યાર્થીઓનો Chronic - કાયમનો સ્વભાવ બની જાય છે. અને તંબૂમાં અનેક વિદ્યાર્થીઓ વેરાયલા હતા, એટલે તેના હૃદયને ભય સ્પર્શી શકે એમ ન હતું. તેણે ‘સુવર’ના સંબોધનમાં વાંધો ન લીધો. પરંતુ રમૂજવશ એ વિધાર્થીએ હસીને પાછી તાળી પાડી કહ્યું :
‘જો, આમ તાળી પાડું છું.’
તેની રમૂજવૃત્તિને અદૃશ્ય કરતો એક મોટો ચપ્પુ એકાએક તેની સામે ચમકી રહ્યો - ચમકી રહ્યો એટલું જ નહિ જોતજોતામાં તેના દેહમાં પેસી ગયો !
આખો તંબૂ સ્તબ્ધ થઈ ગયો. મેદાન ઉપર ફરતા રમનારા પણ સ્તબ્ધ બની ગયા. રમતમાં આવનાર યુગ્મ પણ થંભી ગયું. વિદ્યાર્થી યુવક ચીસ પાડી ખુરશી ઉપરથી જમીન ઉપર ઢળી પડ્યો !
આસપાસ બેઠેલાં સ્ત્રીપુરુષોએ અવ્યવસ્થિત રીતે ત્યાંથી ભાગવા માંડ્યું. મેદાન ઉપર રમત કરતી ટોળી ભેગી થઈ ગઈ. બીજા તંબૂઓમાં પણ દોડધામ થઈ રહી. મારામારી થઇ, ખૂન થયું; બે ખૂન થયાં, મુસ્લિમો છરા લેઇ ફરે છે; મેદાનને તેમણે ઘેરી લીધું છે.- આવી આવી દોડતાં દોડતાં થતી વાતો જોતજોતામાં આખા વાતાવરણમાં ફેલાઈ અને બેત્રણ હજાર નાગરિક સ્ત્રીપુરુષોનો સમુદાય અસ્તવ્યસ્ત થઈ ગયો.
એ સમુદાયમાં ટોળાબહાદુર વિદ્યાર્થીઓ હતા; મન, વચન અને કર્મથી હિંસાને તજી બેઠેલા અંધોળિયા ગાંધીવાદીઓ પણ હતા; અહિંસાથી કાંઈ વળવાનું નથી એમ માની પરાણે પોતાને જોરદાર માનતા હિંદુ મહાસભાવાદીઓ અને સનાતનીઓ હતા, અને ઝઘડો કરવામાં નફો છે જ નહિ એમ નિશ્વય કરી બેઠેલા વ્યવહારકુશળ વ્યાપારીઓ પણ હતા; ગુનો થાય એટલે પોલીસ તથા ન્યાયાધીશોની સત્તા ફેલાય છે એમ માની એ સત્તામાં દખલ ન કરવાની તટસ્થતા વિકસાવનારા અમલદારો હતા, અને પોતે જાતે તો બહાદુર ખરા જ, છતાં કચેરીઓના ધક્કાની ફુરસદ ન હોવાના કારણે પલાયન કરનારા શૂરવીરો પણ તેમાં હતા. ધનિકો તો આવા ક્ષુલ્લક ઝઘડામાં પડવાની હલકાઈમાં ઊતરે જ નહિ એટલે તેમણે પોતપોતાની કાર ઝડપથી શોધી લીધી. વિદ્યાર્થીઓ કોઈ વીરરસની કવિતામાંથી પ્રેરણા મેળવવા પોતપોતાની ઓરડીઓ તરફ દોડ્યા - જોકે દોડતે દોડતે પણ તેમની દૃષ્ટિ આગળ લીલા દેસાઈનું નૃત્ય, દેવીકારાનીનું સ્મિત અને શાંતા આપ્ટેની લટ દેખાયા કરતાં હતાં. ગાંધીવાદીઓની અહિંસાની એકે ગૂંચ ઊકલી નહિ, वृत्ताधारे पात्रम् કે पात्राधारे धृतम् જેવા જીવનમરણના પ્રશ્ન તેમના હૃદયમાં વગર ઊકલ્યે ઊભા થયે જ જતા હતા. હિંસક માનવી હથિયાર કાઢે તે જ ક્ષણે તેનો હાથ પકડવો કે તે હથિયાર ઉગામી પોતાની હિંસક વૃત્તિનો પુરાવો આપે ત્યારે હાથ પકડવો ? હથિયાર માર્યા પહેલાં રોકાણ થાય તો પ્રતિહિંસા બને કે નહિ ? અને માર્યા પછીના રોકાણમાં ખૂનીની હિંસાનો સંભવ ઊભો થાય ત્યારે શું કરવું ? ખૂન કરવાથી ખૂનીને થતા આનંદમાં ભંગાણ પાડતાં કદાચ માનસિક હિંસા થતી હોય તો એક દિવસના ઉપવાસે તેનું પ્રાયશ્ચિત્ત થાય કે એક અઠવાડિયાના ઉપવાસે ? ખૂનીની છરી સામે અહિંસકો ઊભા તો રહે જ, પરંતુ એથી એકને બદલે બે ખૂન થવાના સંભવમાં હિંસા બમણી વધે ! એ સંભવ અટકાવવા તેમનો અંતરાત્મા આજ્ઞા કરતો હોય તો પગ પાછા વાળવા કે નહિ ? આ બધી માનસિક વિટંબણાઓનું સમાધાન જેમ બને તેમ ઝડપથી મેળવવા 'બાપુ'ને કે મહાદેવ દેસાઈને પત્રો લખવાની તાલાવેલીમાં સહુ ખાદીધારીઓએ ઝડપથી રમતનું મેદાન છોડી દીધું. ગાંધીવાદીઓની અહિંસાનો તિરસ્કાર કરતા શૂરવીર સનાતનીઓ કોઈ લાઠીધારી કે ખંજરના દાવ જાણતા આાર્યસમાજીને શોધી લાવવા મેદાનની હદ છોડી દોડી ગયા. સેવાની દેવી સન્નારીઓનાં તો હૃદય જ બેસી ગયાં હતાં, એટલે ઘાયલની સારવાર માટેની ઊર્મિ જ અટકી ગઈ હતી. રખે ને વેગથી દોડતા પતિદેવો પત્નીઓને કાયમને માટે તજી જાય એવા ભયથી પત્નીઓએ પણ પતિ,દેવોની સાથે દોડવાની શરત કરવા માંડી. આમ બેત્રણ હજાર માનવીઓની મેદનીને વિખેરી નાખનાર એક ખૂનનો પ્રયત્ન ક્રિકેટ જેવા રમતોના શહેનશાહ સન્મુખ થઈ રહ્યો. ખૂનીને ખૂનનો બદલો ઈશ્વર જરૂર આપી રહેશે ! અને જેનું ખૂન થયું તે પૂર્વજન્મનાં કૃત્યનું ફળ મેળવતો હતો, એવી પણ માન્યતા ધર્મિષ્ઠ પ્રેક્ષકોના હૃદયમાં ઉત્પન્ન થતી હતી ! આ ધર્મહીન જગતમાં થોડો થોડો આવો ધર્મ હિંદમાં અને ગુજરાતમાં ખાસ સચવાઈ રહ્યો છે.'
દૂરથી 'પોલીસ પોલીસ’ની બૂમ પાડવાની બહાદુરી કેટલાકે કરી હતી. તેની નોંધ તો લેવાવી જ જોઈએ. તોફાનોની ઝપટમાં ચાંદ આપવાને પાત્ર કેટકેટલાંયે કૃત્યો ભુલાઈ ભૂસાઈ જાય છે ! સલામતી શોધતી પોલીસ ખાલી તંબૂમાં આવી પહોંચી. તે જ ક્ષણે તંબૂ ઉપર પથ્થરનો વરસાદ વરસ્યો. પાસે જ એક મસ્જિદ હતી. થોડે દૂર મંદિર પણ હતું. પરંતુ મંદિરના દેવ વર્ષોથી ઉપવાસ કરતા હતા.
તંબૂમાં ઘાયલ વિદ્યાર્થી પડ્યો હતો; તેના દેહમાંથી પડતું લોહી જમીન ઉપર રેલાતું હતું; એની પાસે ગૌતમ બેઠો હતો. ગૌતમના હાથ રુધિરભર્યા હતા; ચપ્પુ લોહીવાળું જમીન ઉપર પડ્યું હતું. હાથરૂમાલ અને પહેરણ ફાડી પાટો બાંધવા મથતા ગૌતમને એક પોલીસે ધસારો કરી ઝાલ્યો.