છેલ્લું પ્રયાણ/એને મુરશિદો મળ્યો

← લોકકવિતાનો પારસમણિ છેલ્લું પ્રયાણ
એને મુરશિદો મળ્યો
ઝવેરચંદ મેઘાણી
દક્ષિણ ગુજરાતનાં લોકગીતો →


એને મુરશિદો મળ્યા

શકરા-બાજના શિકારમાં સમળી શું જાણે ?
વાંઝણી શું જાણે પુત્ર માટેના વલવલાટ ?
દીવાનું જતન કરગઠિયું શું જાણે ?
માખ શું જાણે પતંગિયાનું અગ્નિસ્નાન ?
જેને જ્યારે અનુભવ થાય છે ત્યારે જ તે જાણે છે.

ઉપર આપ્યું છે તે કાશ્મિર દેશની પુરાતન લોક- કવિતાના એક ઊર્મિગીતનું ભાષાન્તર છે. હવે એનું અસલ જોઈએ :—

શાહ્‌ની હુન્દ શિકાર ગન્થ કવ ઝાનિ,
હન્થ કવ ઝાનિ પોત્રય દયુઅદ,
શમા હુક માનિ લશ કવ ઝાનિ,
મછ કવ ઝાનિ પમ્પર સોઝ,
યેલી યેસ બનિ તેલિ સુય ઝાનિ.

શબ્દો પરિચિત નથી લાગતા? ઝાનિ (જાણે,) ઘુઅદ (દોહદ), હુન્દ (છઠ્ઠી વિભક્તિનો ગુજરાતી પ્રત્યય). મૂળની ભાષા-રચના અને ભાવ-નિરૂપણ શેલીને મનમાં હજુ વિશેષ ઘૂંટીએ —:

મલ વોન્દી ઝોલુમ
જિગર મોરૂમ

તેલિ લલ નાવ દ્રામ
યેલિ દલ ત્રવ-મસ તતી.

ભાષાન્તર : મળને મેં જલાવી દીધા. જિગરને મારી નાખ્યું. મારું ‘લલ’ એવું નામ ત્યારે જ ધારણ કર્યું, જ્યારે એની કૃપા માટે હું રાહ જોતી બેઠી.

હજુ એક વધુ મૌક્તિક તપાસીએ :—

લલ બોહ દ્રાયસ લોલારે,
ચારાન લૂસ્તુમ દેન કેહો રાથ,
વુછુળ પંડિથ પનનિ ગરે,
સુય મે રોત્મસ નેછતુર ત સાથ.

અર્થ — પ્યારની પ્યાસે હું લલ્લ ચાલી નીકળી. કેટલા દિન અને રાત મેં શોધ કરી. આખરે પંડિતને તો મારા પોતાના ઘરમાં દીઠો. એટલે પછી મેં મંગળ મૂરત નક્કી કર્યું.

આ લલ–લલ્લ–લલ દેદ જેનું પૂરું નામ છે, તે એક નારી હતી. ચૌદમી સદીના કાશ્મિર દેશની એ ‘મિસ્ટિક’ મર્મઘાયલ લોક–કવયિત્રી હતી. ગૂઢાર્થ ભરી એની પદાવલિનો થોડોક પરિચય કરશું. અને સમજી શકશું કે ભારતવર્ષના સામસામા ભૂમિ-છેડા પર જે લોકવાણી ગવાતી તેમાં શબ્દે, ભાવે ને સંવેદને અભેદાત્મ એવી એક સમાનતા રમણ કરતી હતી.

જેમાંથી ઉપલાં અવતરણો લીધાં છે તે પુસ્તક અંગ્રેજીમાં છે. એનું નામ ‘કાશ્મિરી લીરિક્સ’ છે. મૂળ કવિતા–પાઠ એણે રોમન લિપિમાં મૂક્યા છે, ને તે દરેક પદની સામે અંગ્રેજી ગદ્યાનુવાદ આપ્યો છે. શોચનીય વાત છે, કે હજુ ય આપણા ‘સ્કોલર’ ગણાતા સાક્ષરો અરબી અગર દેવનાગરીમાં પણ મૂળ પાઠોને પ્રકટ કરતા નથી. રોમન લિપિ મારફત અસલની કેટલી ખૂબીઓ ખોવાઈ જતી હશે. અને એ પરથી મેં ઉતારેલ ગુજરાતી લિપિ–પાઠમાં કેટલીય અશુદ્ધિઓ રહી ગઈ હશે ! ને હવે મુદ્રણમાં પણ કેટલોક કડૂસલો થવાનો ! ખેર.

‘કાશ્મિરી લીરિક્સ’ (કાશ્મિરી ઊર્મિકાવ્યો) એ પુસ્તકના જન્મને લગતી હકીકત પણ જાણવા જેવી છે. અનુવાદક શ્રી. જયલાલ કૌલ પોતે જ કહે છે કે અલ્હાબાદ યુનિવર્સિટીમાં પોતે પી-એચ. ડી. નો કોર્સ કરવા ગયા. થેસીસ માટે એમણે ‘બૂર્ઝવા એલીમેન્ટ ઈન બ્રિટિશ ડ્રામા’ નો વિષય પસંદ કર્યો . પ્રો.અમરનાથ જહા વગેરે પંડિત- મણિઓ એમના ઉસ્તાદો હતા. પણ શ્રી. કૌલને થોડે વખતે જાણ પડી કે પોતે પસંદ કરેલા વિષયને લગતી સામગ્રી જ એ વિદ્યાપીઠના ગ્રંથાગારમાં પૂરતી નહોતી. અરે, લખનૌ ને બનારસ યુનિવર્સિટી સુધી પણ એમણે સામગ્રી શેાધી. કલકત્તાની ઈમ્પરિયલ લાયબ્રેરી માં પણ ઢૂંઢી ચૂક્યા. નિરાશા મળી. કરેલો શ્રમ વૃથા ગયાનો આઘાત લાગ્યો. તે વખતે પછી એમના ઉસ્તાદોએ એમને સૂચવ્યું, કે હે જુવાન ! તારા પોતાના વતનને લગતો કોઈક વિષય પસંદ કર ને ! પછી લોકગીતોના સંશોધક શ્રી દેવેન્દ્ર સત્યાર્થીનો ભેટો થયો. એ પણ કહે કે, ‘તમારી ભૂમિની જ જૂની લોકકવિતા ઉપાડી લો ને !’ પરિણામે આ જુવાન અનુવાદક કાશ્મિરના કુંજ-ગાયકો તરફ લલ દેદ, નુન્દ રમોશ, ખ્વાજા હબીબ, કલન્દર શાહ, અઝીઝ દરવેશ, ક્રિષ્ન રાઝ- દાન, પરમાનંદ ઈત્યાદિ મર્મી, રહસ્યવેત્તા લોકકવિઓ તરફ વળ્યા અને એણે જે જશ મેળવ્યો છે તે તરફ આંગળી ચીંધીને આપણા ગુજરાતી ‘સ્કોલર’ યુવાનને ઘણું ઘણું કહેવાનું મન થાય છે પણ કંઈ નહિ.

આપણા વતનની આ ભૂમિજાત સાહિત્યસંપત્તિની સૌ પહેલી ભાળ આપનારાઓ તો, ઘણાખરા પ્રાન્તોમાં, વિદેશી ગોરાઓ હતા ! આ લલ દેદ નામની કાશ્મિરી લોકકવયિ- ત્રીની પિછાન પરદેશી ગ્રિયર્સન બોર્નેટે કરાવી હતી. ‘લલ્લવાક્યાનિ’ (લલ દેદનાં જ્ઞાનવચનો) નામનો સંગ્રહ, તેમણે આપ્યો. તે પછી ૧૯૨૪માં સર રીચર્ડ ટેમ્પલ નામના વિદેશીએ લલ્લની કવિતાનો અંગ્રેજી અનુવાદ–સંગ્રહ ‘ધ વર્ડ એફ લલ ધ પ્રોફેટેસ’ પ્રકટ કર્યો. આ લલ્લ–વાણી છે તો લોકવાણી, છતાં એની અંદર કબીર, ચંડીદાસ તથા તુકારામનાં લોકપદોમાં રમતાં જ્ઞાનદર્શન લળકી રહ્યાં છે, એમ પ્રોફેસર જહાનું કહેવું છે, અને એની સત્યપ્રતીતિ આપણે જોઈ ગયા તે પદોમાંથી થઈ રહે છે.

પાંચ સદીઓના વિસ્તીર્ણ પટ પર આ પ્રાચીન કાશ્મિરી ઊર્મિકવિતા કૌમુદી સમી રેલી રહી છે, જીવનને બહુવિધ મર્મ છેડે એ સ્પર્શે છે, રોજ બ રોજની સંકુલ ઘટનાઓને આલેખે છે, પ્રકૃતિનાં દૃશ્યોને પકડે છે, માનવ-લાગણીને ગૂંથે છે. મજૂરી, વેદના, ક્ષુધા અને આવેશોનું ચિત્રાંકણ કરે છે, અને આ ભૂમિના આત્મિક જ્ઞાનસંસ્કારની પાર્શ્વભૂમિને સાંગોપાંગ સાચવી રાખે છે. લલ દેદની દર્દભરી વાણીની વાનગી જોઈ હવે નુન્દ રયોશને નિરખીએ :—

આશ ખ સુય યુસ અશ્ક સાટિ દઝે,
સોન ઝાન પ્રઝલેસ પનનુય પાન,
અશ્કુન નાર યેસ વલિન્ઝી સઝે,
અદ માલિ વાતિય સુય લામખાન.

અર્થ — આશક તો એ, કે જે ઈશ્ક માટે સળગે છે, જેનો જાન ( પ્રાણ ) સોના સામે પ્રજ્વલે છે; ઈશ્કની જ્વાલાએ જ્યારે માણસનું હૃદય પ્રકાશી ઉઠે છે. ત્યારે જ એ અનંતને પામે છે.

આમાં શબ્દો જોતા જજો. દઝે (દાઝે), ઝાન (જાન), પ્રઝલેસ (પ્રજ્વલે).

અશખ ચુય કુન ગોબર માજી મરુન,
સુ ઝોલા કરી ત કિહય,
અશખ ચુય ગનતુલરેવ પાન બરૂન,
સુ સોખ રોઝી ત કિ હય,
આશખ ચુય સ્તજામ તની પરાવુન,
સુ આહ કરિ ત કિહય.

અર્થ — ઈશ્ક તો ખોટનો દીકરો જેનો મુઓ હોય તે મા જેવો છે.

એને ઝોલું કેમ આવે ?
ઈશ્ક તો ભમરીઓના ડંખ જેવો છે.
એનું કરડ્યું જંપે કેમ કરી ?

ઈશ્ક તો રક્ત ટપકતા જામા (ડગલા) જેવો છે :
એનું પહેરનાર આહ નાખી શકે શી રીતે ?

નુન્દ ર્‌યોશના ઘાયલ ઘટડામાંથી એક પછી એક કેવી વાણી નીકળે છે તેનો વધુ હવે એક જ નમૂનો નિહાળીએ : પોતાના શિષ્ય નસરૂદ્દીનને સંબોધીને એ ગાય છે —

‘કાયાને માથે ટાઢા નદી–વાયરા સૂસવતા હતા,
આછી ઘેંશ અને અધકાચી ભાજીનું ભોજન હતું,
એવો એ દિવસ હતો, ન સરો !
ગોદમાં પિયા હતી, ગરમ કામળ ઓઢવા હતી,
બતરીશાં ભોજન અને મચ્છીનાં જમણ હતાં.
એ પણ એક દિન હતો, ન સરો !’

એ પણ એક દિન હતો નસરો : ‘સુ તિ દોહાં નસરો !’ — આ ધ્રૂવપદ વડે ગૂંજતી એ ચાર જ પંક્તિઓનું મૌક્તિક છંદમધુર, તાલમધુર સંગીતે સભર લાગે છે. એની શબ્દાવલિ ઉચ્ચારણમાં કેટલી કુમાશ ધરતી હશે ? કાશ્મિરની ખીણોમાં હરિયાળી ઉપર આ શબ્દો અને એનું સંગીત સજોડે લેટતાં હશે. એની જેલમ અને રાવીના સરિતાપટ પર ‘ખોચુ’ (માલ ભરેલી) નાવડીઓ હંકારતા નિર્ધન નાવિકો, નૌકાભાર ખેંચતા ખેંચતા જે ગાતા હશે તેના અસલ શબ્દો તો આ ચોપડીમાં નથી, પણ એક અંગ્રેજ બાઈ એ એની વિદેશી વાણીમાં એક નાવિક-ગાનને અનુરૂપ તર્ઝમાં ઉતાર્યું છે.

Swift the current, dark the night, (Ya-illa, la-illa)

Stars above our guide and light, (Kraliar, baliyar)

All together on the rope, (Ya Pir–DustGir)

In our sinews lies our hope (Khaliko, Malik–ko.)

અર્થ–નદીનો પ્રવાહ ધસમસે છે, રાત કાળી છે.

યા–ઈલ્લા, લા–ઈલ્લા.
આપણા રાહબર, આપણા દીવા કેવળ આકાશના તારા જ છે.
કાલિયાર ! બાલિયાર !
સૌ સંગાથે રસી ખેંચો.
યા–પીર ! દસ્ત ગીર !
આપણી આશા આપણાં જ બાવડાંમાં છે.
ખાલિ–કો માલિક ! કો !

એવો એક દિવસ જરૂર આવશે, કે જ્યારે પ્રાંત પ્રાંતનાં આ લોકપદોની આપ–લે ચાલશે, હરએક નાના મોટા પ્રદેશમાં વ્યાપક એવી આપણી સાંસ્કારિક એકતાને આપણને એ ગાનોના પ્રત્યક્ષ શ્રવણપાન દ્વારા ગાઢ અનુભવ થશે, અને પરદેશી નાટકો વગેરેના ભંગાર પર ‘થેસીસ’ લખવા ગ્રંથાગારોની અભરાઈઓમાં જીવાત જેવા ખદબદતા આપણા જુવાનો પોતાની ધરતીનો સાદ સાંભળી, જન્તુ મટી, સાચા ભૌમિક સત્ત્વનો આસ્વાદ લેનારા રંગીલા માનવી બનશે. ભાઈ જયલાલ કૌલને સુમાર્ગે વાળનારા મુરશિદો લખનૌના વિદ્યાલયમાં જેમ મળ્યા તેમ મુંબઈ યુનિવર્સિટીમાં પણ મળો !