છોરો કે’દાડાનું ‘પૈણું પૈણું’ કરતો’તો

છોરો કે’દાડાનું ‘પૈણું પૈણું’ કરતો’તો
અજ્ઞાત



છોરો કે’દાડાનું ‘પૈણું પૈણું’ કરતો’તો

(વરપક્ષ તરફથી)

છોડી કે’દાડાનું ‘પૈણું પૈણું’ કરતી’તી,
અમારી ભાગોળે આવી ભમતી’તી,
અમારી શેરીઓમાં અટવાતી’તી,
તને પરણવાની ઘણી હોંશ રે આટલું સુણી લેજે !

મારા ભઈલાને ભાવતા ભોજન જો’શે,
એને નીત નવી વાનગી ખવડાવવી પડશે,
અલી, આટલી આવડત રાખજે, આટલું સુણી લેજે !

છોડી કે’દાડાનું ‘પૈણું પૈણું’ કરતી’તી,
અમારી ભાગોળે આવી ભમતી’તી.

(કન્યાપક્ષ તરફથી)

જમાઈ કે’દાડાનું ‘પૈણું પૈણું’ કરતા’તા,
મારી ભાગોળે આવી ભમતા’તા,
મારી શેરીઓમાં અટવાતા’તા,
તમને પરણવાની ઘણી હોંશ રે આટલું સુણી લેજો !

મારી બેનીને રે’વા મોટા બંગલા જો’શે,
એને ફરવા નીત નવી ગાડી જો’શે,

એને પે’રવા નીત નવી સાડી જો’શે,
તમે આટલી ત્રેવડ રાખજો આટલું સુણી લેજો !

(વરપક્ષ તરફથી)

છોડી કે’દાડાનું ‘પૈણું પૈણું’ કરતી’તી,
અમારી ભાગોળે આવી ભમતી’તી,
અમારી શેરીઓમાં અટવાતી’તી,
તને પરણવાની ઘણી હોંશ રે આટલું સુણી લેજે.

તારે સાસુની ચાકરી કરવી પડશે,
એનાં પડ્યાં બોલ તારે ઝીલવા પડશે,
તારે સસરાજીને માનપાન આપવા પડશે,
અલી, આટલો વિવેક રાખજે, આટલું સુણી લેજે !

(કન્યાપક્ષ તરફથી)

જમાઈ કે’દાડાનું ‘પૈણું પૈણું’ કરતા’તા,
મારી બેનીનાં કોડ પૂરા કરવા પડશે,
એને ફરવા ફોરેન લઈ જાવી પડશે,
એને ઓછુ જરા ના આવે એટલું જોતા જાજો.

જમાઈ કે’દાડાનું ‘પૈણું પૈણું’ કરતા’તા…
છોડી કે’દાડાનું ‘પૈણું પૈણું’ કરતી’તી…