જનમ સંગાથી વિસાર્યા જગદીશને
જનમ સંગાથી વિસાર્યા જગદીશને દેવાનંદ સ્વામી |
જનમ સંગાથી વિસાર્યા જગદીશને
જનમ સંગાથી વિસાર્યા જગદીશને રે,
એળે ખોયો માણસનો અવતાર રે,
સગું નથી કોઈ જાણે તારા જીવનું રે,
સુપના જેવો જુઠો આ સંસાર રે... જનમ ૧
ડાયો થઈને ડોલે નિર્લજ નાત્યમાં રે,
મરમ કરીને મિથ્યા બોલે વેણ રે,
શેરીમાં મરડાતો ચાલે માનમાં રે,
રાતાં દિસે રોષ ભરેલાં નેણ રે... જનમ ૨
નારી આગળ એક રતિ નવ ઉપજે રે,
ડા’પણ મેલી જ્યાં દોરે ત્યાં જાય રે,
નિર્લજ થઈને નાચે કુબુદ્ધિ કેણમાં રે,
વિષે ભરેલો ગરજુ ગોથા ખાય રે... જનમ ૩
અંતરમાં કપટીને ઊંડી ઇરષા રે,
સાધુ જનનો લેશ ન કીધો સંગ રે,
દેવાનંદ કહે જમ જોરાવર આવશે રે,
ભુકો કરશે ભાંગી તારું અંગ રે... જનમ ૪