જય જય યોગીજી જય
અજ્ઞાત



જય જય યોગીજી જય

જય જય યોગીજી જય સ્વામી શ્રીજી,
બોલાવે બાલુડા આજ
યોગીરાજ મૂકો અબોલડા... ટેક

હૈયાના ભાવ તમે જો જો યોગીજી,
છેડ્યા છે અંતરના સાજ... યોગીરાજ ૧

વાણી તમારી બાપા લાગે છે પ્યારી,
બોલો હવે તો દઈને તાળી;
કરશો ના અમને નારાજ... યોગીરાજ ૨

મનડું મૂંઝાય છે ને જીવ ગભરાય છે,
હૈયાનો સાગર હવે છલકાય છે;
તૂટી આ પલકોની પાજ... યોગીરાજ ૩

બાપા દોડે છે જોઈ રોતા બાળને,
કેમ સહન કરી શકે આંસુડાની ધારને;
સૂણી અમારો અવાજ... યોગીરાજ ૪

તમારે અનેક છે ને અમારે તું એક છે,
તમ દર્શનની લીધી અમે ટેક છે;

છોડી છે દુનિયાની લાજ... યોગીરાજ ૫

બાળ હઠ લઈને બાળ ઊભો છે દ્વારે,
યોગીજી વિના બીજું કોણ ઉગારે;
થઈ જાશું અમે તારાજ... યોગીરાજ ૬

સોંપી છે તમને જીવનની નાવડી,
ખોળે લઈ લેજો ઝાલીને બાવડી;
આશા પૂરી કરજો આજ... યોગીરાજ ૭

'ઘનશ્યામ'ને હેતે હૈયામાં ચાંપજો,
અવિચળ ભક્તિ અંતરમાં સ્થાપજો;
દયાળુ યોગી મહારાજ... યોગીરાજ ૮