જી રે લાખા, એવા જો સંત રે મળે

જી રે લાખા, એવા જો સંત રે મળે
લોયણ



જી રે લાખા, એવા જો સંત રે મળે

જી રે લાખા, એવા જો સંત રે મળે
તો એને ધોડી ધોડીને મળજો રે…

જી રે લાખા, હું ને મારું છે લોઢાના કટકા જી,
એને તમે કામ વચનેથી ભેળો રે,

જી રે લાખા, સાસ – ઉસાસની તમે ધમણું ધખાવો જી,
એને તમે તા’રે દઇને તપાવો જી,

જી રે લાખા, સતની એરણ પર તમે ઠીક કરી ઠેરાવો જી,
એને ગિનાન સાણસીથી પકડાવો રે,

જી રે લાખા, તા’રે આવ્યા રે વિના તમે ટાઢું મા ટીપજો જી,
જીનજે માથે શબદુના ઘણને લગાવો રે ,

જી રે લાખા, એક રે થિયા પછી એના અલંકાર બનાવો જી,
એનું બ્રહ્મ અસ્ત્ર તો બની જાશે રે,

જી રે લાખા, સતસંગની સરાણું દઇને સજ્જ કરી જોજો,
જ્યારે એનો જીવ બુધ્ધિ કાટ ઉખડી જાવે રે,

જી રે લાખા, કાટ ઉખડે પછી કાળ નંઇ લોપે જી,
સે’જે તમે વૈકુંઠમાં જાશો રે,

જી રે લાખા, સેલરશીની ચેલી સતી લોયણ બોલ્યાં જી,
ત્યારે તમે પૂરણ બ્રહ્મ બની જાશો જી,
તેજમાં તેજ મળી જાશો જી.

જી રે લાખા, એવા જો સંત રે મળે
તો એને ધોડી ધોડીને મળજો રે…