જેલ-ઑફિસની બારી/વાલિયાની દીચરી

← આંસુની મહેફિલ જેલ-ઑફિસની બારી
વાલિયાની દીચરી
ઝવેરચંદ મેઘાણી
હરખો ઢેડો →



વાલિયાની દીચરી

હાથ પછવાડે રાખો ! મુલાકાત કરવા આવનાર કેદીઓ, તમે જો તમારા હાથ પછવાડે નહિ રાખો તો તમારી હાલત વાલિયા કોળીના જેવી બનવાની.

વાલિયાની વહુ હમણાં જ મુલાકાતે આવીને ગઈ. હોંશે-હોંશે એ નાની દીકરીને સાથે તેડી લાવી હતી. વાલિયા કોળીની દીકરી, ચોરની દીકરી, એને ચતુરાઈ તો ક્યાંથી હોય ! ગંદા ઉઘાડા પગ હતા: એક ફાટેલું કેડિયું પહેરાવ્યું હતું. પણ માથા ઉપર એ ગુલાબી રંગની સોનાસળીનો કટકો ક્યાંથી ઓઢડેલો હશે ? મને તો જોતાં જ લાગ્યું કે જાણે સ્મશાનમાંથી ઉઠાવી લીધેલો એ નવોનકોર ટુકડો વાલિયાની વહુએ વેચાતો લઈ લીધો હશે.

ઉંદરિયાળા, ગૂમડે સડી પડેલા માથામાં એક તો વાળ વિનાનો મૂંડો અને તે ઉપર ઓઢડેલી ગુલાબી સોનાસળી ! આંખોમાં ચીપડા: નાકમાં લીંટ: વણનહાયા શરીર પર વળી ગયેલી છારી: ગંધાતું મોઢું: વાહ, શાં રૂપ વાલિયા કોળીની છોકરીનાં ! મા જરા ઠીંગણી ખરી ને, એટલે મારા સુધી છોકરી પહોંચે નહિ; છોકરી એના બાપને જોવા સારુ તલખે, એટલે માએ એને બે હાથે તેડી ઊંચી કરેલી. છોકરી મારી આરપાર ઑફિસમાં નજર કરતી હતી. હેં મા, બાપો આંહીં રહે છે ? આ ઘર મારા બાપનું, હેં માડી ? અહા ! આંહીં તો ખુરસીઓ છે, કબાટ છે, ચૂનાની ધોળી ભીંતો છે. બાપો આવા રૂપાળા ઘરમાં રે’ છે, હેં માડી ? – આવુંઆવું એ મનમાં ને મનમાં બોલતી હતી. તમને કોઈને એ સંભળાય; હું સાંભળતી હતી.

ત્યાં વાલિયો કોળી આવી પહોંચ્યો. આજ મારા ઉપર પાંચ-પાંચની ભીડાભીડ નહોતી. વાલિયાને જોતાં જ પેલી ગંદી ગોબરી અને કદરૂપી છોકરી ‘મા ! બાપો !’ ‘માડી ! બાપો !’ કરતી મારા સળિયાને બાઝી પડી. એની આંગળીનાં ચારપાંચ ટેરવાં મારી જાળીનાં છિદ્રોમાંથી અંદર ડોકાયાં. મને મનમાં હતું કે આંગળીઓને કરડી જાઉં. પણ તમે માનશો ? મારા લોઢાના સળિયા જાણે ઊલટાના ઓગળી જઈ ટપકી પડશે એવું મને લાગ્યું. એમાં પણ વધુ ભય તો મને ત્યારે લાગ્યો, જ્યારે વાલિયાએ પીઠ પછવાડે હાથ રાખવાનો કાયદો વીસરી જઈને એ છોકરીનાં ટેરવાંને લગરીક પોતાના હાથ અડકાડ્યા.

હાય હાય ! હું ખરું કહું છું કે એ બાપ-દીકરીનાં આંગળાંના સ્પર્શે મને હતી – ન હતી કરી નાખી હોત. મારા લોઢાને તો એ સ્પર્શમાંથી કોઈ અસહ્ય મમતાનો પ્રવાહ ઝરતો લાગ્યો. પણ એ કાયદા વિરુદ્ધનું કરતુક મુકાદમે વખતસર પકડી પાડ્યું, અને પછી તો – હિ ! હિ ! હિ ! હિ ! હિ ! હિ – હસવું ખાળી શકતી નથી. વાહ ! કેવા જોરથી મૂકાદમે વાલિયાના માથા પર અડબોત લગાવી ! અને કેવા ફક્કડ શબ્દો કહ્યાઃ “સાલા ! તું આંહીં પણ તારી ચાલાકી નથી છોડતો ! તારા બાપનું ઘર છે આંહીં, તે છોકરીની આંગળીઓ પંપાળવા મંડી પડ્યો ! એટલું બધું હેત ઊભરાઈ જાય છે ત્યારે ચોરી શા સારુ કરી ! ચાલ ! પીછે હાથ ! દૂર ખડો રહે !”

માથા પરથી પડી ગયેલી ટોપી ઉપાડીને પગે લાગતો વાલિયો કંઈ સમજ્યો જ નહિ કે એણે પોતે કેવો ગંભીર નિયમભંગ કર્યો હતો. એ મારાથી એક હાથ દૂર ઊભો રહ્યો. શું થયું તે કશું જ સમજ્યા વગર બહાર ઊભેલાં મા અને દીકરી પણ સ્તબ્ધ બની ગયાં. મારી બન્ને બાજુએ, અંદર તેમ જ બહાર, ફક્કડ હસાહસ ચાલી. બધા જ આ તમાશો દેખીને રાજી થયા. વાલિયો તો એટલો બધો હેબતાઈ ગયો કે મુલાકાતની મિનિટો ચાલી જતી હતી છતાં બાયડીની સાથે એક બોલ પણ ન બોલી શક્યો. કશુંક કહેવું હતું તે તમામ ભૂલી ગયો. હાથ પછવાડે રાખવાની સાથોસાથ જીભ પણ, મોંમાં રહી ગઈ. વાલિયો બાઘા જેવો બની ગયો.

“માડી, બાપો ! માડી, બાપો !” એમ કહેતી એ ગોબરી છોકરી માના હાથમાંથી મારા સળિયાને બાઝવા તરફડતી હતી. મા એને જકડી રાખતી હતી. ત્યાં તો, “ચલે જાવ ! ચલે જાવ ! લે જાવ ! મુલાકાત હો ગઈ !” એવો મુકાદમનો હુકમ થયો. પણ વાલિયાએ બીજી ભૂલ કરી. પાછે પગલે મારી પાસેથી ખસતાં-ખસતાં એણે છોકરીને, જીભ વતી ડચકારા – ગોવાળ બકરાંને જેવા. ડચકારા કરે તેવા ડચકારા – સંભળાવ્યા. અને ફરી વાર પાછી મુકાદમની થપ્પડ ખાધી.

અરે વાલિયા ! હું પૂછું છું કે તને આવી ગોબરી કદરૂપી છોકરી ઉપર શા સારુ આટલું બધું વહાલ ઊભરાયું ? તારી દીકરીનું મોં ક્યાં ગુલાબના ગોટા જેવું હતું ? ક્યાં એના માથા ઉપર સેંથો પાડીને ઓળેલા ‘બોબ્ડ’ વાળ હતા ? ક્યાં એણે આસમાની રંગનું ફરાક અને લીલાં મોંજાં પહેર્યા હતાં ? એ ક્યાં કાલુકાલું મીઠું બોલતી હતી ? હું તો અજાયબ થઈ રહી છું કે તમારા જેવા ભયંકર ગુનેગારોનાં હૈયાંમાં પણ આટલી બધી કુમાશ ક્યાંથી ? ગેમાજી બારૈયો એના બરધિયાને સંભારીને રડ્યો, રૂપસંગ ભીલડો એની કાળુડી વહુને દેખીને પીગળી ગયો, તું વાલિયો ઊઠીને આજ ગંધાતી છોકરીની મેલી આંગળીઓની માયામાં ફસાયો: એ તે શું કહેવાય ? તમનેય શું સંસારી સ્નેહ આટલા બધા વળગ્યા છે ? તમને ઘરબાર અને ખેતરઢાંઢા સાથે કેમ આટલી ગાઢ મમતા બંધાઈ છે ? તમારી વિકરાળતા શું બહારની જ છે ? પ્રેમ નામની પોચી માટી શું તમારા પાષાણી સીનાની પછવાડે પણ પડી છે ? ત્યારે તો તમે સાચા ઘાતકી નહિ, જૂઠા ! જૂઠા ! જૂઠા ! ક્રૂરતાનો તો તમે દેખાવ જ કરો છો. તમારી કાળાશ છેતરામણી છે.

એ બધું મારા જેવું જ. કોઈને કહેશો નહિ હો ! હું પણ એટલી જ પોચી છું. હું જેલની બારી હોવાથી જૂઠંજૂઠો દમ રાખું છું. નિર્દયતાનો દમામ બતાવીને હું અંદરથી મારી કૂણપને કચરવા મથું છું. મનમાં માનું છું કે રોજેરોજ આવા હૃદયવિદારણ દેખાવો દેખાદેખીને હું નિષ્ફર બની જઈશ. આ મુકાદમોની માફક. પણ અરેરે ! મુકાદમો તો માનવીઓ છે. માનવીઓ તો જેવી ધારણા રાખે તેવાં બની શકે છે. પણ અમે લોહ-પથ્થરનાં પ્રાણીઓ ખરે ટાણે ટક્કર ઝીલી શકતાં નથી, અમારાં હૈયાં ભાંગી પડે છે. આજ વાલિયા કોળીની અને એની ગંધાતી પુત્રીની આંગળીઓ અડકી હતી ત્યારે તેમાં જાણે કોઈ જુગજુગનાં વિયોગી પિતા-બાળકની મિલન-જ્વાલા સળગી ઊઠી હતી. મારા સળિયા એ અંગારની ભઠ્ઠીમાં પ્રવાહી બનીને રેલાઈ જાત. સારું થયું કે મુકાદમની દૃષ્ટિ વખતસર પડી.

હજુ મને એક મોટો ભય છે. વાલિયો મારા ખોળામાં રડી ન પડ્યો એ વાત સારી ન કહેવાય. આંસુડાં દડ્યાં હોત તો મારી મૂડી વધત અને તેનું હૈયું ખળખળી હળવું બની જાત. એ ન બન્યું, એટલે હવે વાલિયાને રાતે સ્વપ્નમાં દેખાશે. એ ઊઠી ઊઠીને આખી રાત જાણે મુલાકાત આવી હોય તેમ બુરાકની અંદર દોડશે અને ચીસેચીસ પાડશે. મુકાદમોને દોડાદોડ થઈ પડશે. ઠંડીમાં સૂતેલા વૉર્ડરોને એવે ટાણે ત્યાં જઈ ચાબુક ચલાવવો પડશે. એટલી બધી તરખડ !