જોગીરાજ
કેશવ હ. શેઠ
(ઢાળ : વેણી ગૂંથી ને મંહી ફૂલ હું તો ભૂલી, ભૂલ્યું ભૂલાય કેમ એમ? અલબેલડી ! )



જોગીરાજ

જોયા જગત્ ઘૂમે એક જોગીરાજને;
પુરાતન ભારતને ચોક : અલબેલડી !
જનની એ દીધ એવા એક જોગીરાજને,
જગવ્યા જેણેચૌદ લોક : અલબેલડી !

કરણે સુણ્યા'તા સાચા એક જોગીરાજને,
મુખડે જેને બ્રહ્મબોલ: અલબેલડી !
જ્રદયે પૂજ્યા'તા પૂજ્ય એક જોગીરાજને,
તપતા ત્રિખંડ રવિ તોલ : અલબેલડી !

જાણ્યા'તા જીવી જીવન એક જોગીરાજને,
ભર્યા અમૃતે જેના ઉર : અલબેલડી !
નિરખ્યા, એ પરખ્યા મુજદેશ જોગીરાજને,
નયણે જેને વીજ-નૂર : અલબેલડી !

દીઠ, સખિ! મીઠા એવા એક જોગીરાજને,
બુદ્ધ શો વિશુદ્ધ દયારે'મ : અલબેલડી !
જાણ્યા મન માન્યા તપ-સિદ્ધ જોગીરાજને,
જીવને ગૂંથેલ કૃષ્ણપ્રેમ: અલબેલડી !

રસના અંખડ રટે એક જોગીરાજને,
નીતિમાં રામના નિવાસ : અલબેલડી !
શ્વાસે વસાવ્યા રૂડા એક જોગીરાજને,
ઝીલ્યા નજક શાં સંન્યાસ : અલબેલડી !

જીવને જડેલ, સખિ ! એક જોગીરાજને,
બ્રહ્મચર્યે ભીષ્મ ભડવીર: અલબેલડી !

મર્ત્યપુરીમાં અમર એક જોગીરાજ એ,
સાથે હરિશ્ચન્દ્ર-હીર: અલબેલડી !

દેહે મઢેલ દેવ એક જોગીરાજને,
ચરિતે સુવર્ણ શા વિશુદ્ધ : અલબેલડી !
ધર્ને ધેનુ શા નખ એક જોગીરાજ એ,
શૌર્યે સિંહણ પીધ દૂધ : અલબેલડી !

શાને પૂજીશું સખિ ! જન્મ-જોગીરાજને?
ઘોળ્યાં કુંકુમ કનકથાળ: અલબેલડી !
શાને વધાવશું એ વિશ્વ-જોગીરાજને,
ગૂંથી નભતારકની માળ: અલબેલડી !

જોગી પરભોગી લૂખાં ભૂષણે નારાજ છે,
જોગીને વ્હાલો જીવનભોગ : અલબેલડી !
મુક્તિનો પન્થા મળ્યા એક ગાંધીરાજ એ,
માનવમન્દિરને ચોક : અલબેલડી !
જોયા બ્રહ્માન્ડ ઘૂમી એક જોગીરાજ એ.