જ્ઞાન ગણેશિયો
દાસી જીવણ



જ્ઞાન ગણેશિયો

સદ્‌ગુરુએ મુંને ચોરી શીખવાડી‚
જ્ઞાન ગણેશિયો ઘડાયો રે… સદગુરુએ મુંને૦

પવનરૂપી મેં તો ઘોડો પલાણ્યો‚ ઊલટી ચાલ ચલાયો રે ;
ગંગા-જમનાના ઘાટ ઉલંઘી‚ જઈ અલખ ઘીરે ધાયો રે… સદ્‌ગુરુએ મુંને૦

ધમણ ધમુંકે તિયાં વીજું ચમુંકે‚ અનહદ નોબત વાગે રે ;
ઠારોઠાર નિયાં જ્યોતું જલત હે‚ ચેતન ચોકી માં ય જાગે રે… સદ્‌ગુરુએ મુંને૦

સાંકડી શેરી નિયાં વાટું છે વસમી‚ માલમીએ મુંને મૂક્યો રે ;
નામની નિસરણી કીધી‚ જઈ ધણીને મોલે ઢૂંક્યો રે… સદ્‌ગુરુએ મુંને૦

શીલ-સંતોષનાં ખાતર દીધાં‚ પ્રેમે પેસારો કીધો રે ;
પેસતાં તો પારસમણિ લાધી‚ માલ મુગતિ લીધો રે… સદ્‌ગુરુએ મુંને૦

આ રે વેળા યે હું ઘણું જ ખાટયો‚ માલ પૂરણ પાયો રે ;
દાસી જીવણ સંત ભીમનાં શરણાં‚ આજ મારો ફેરો ફાવ્યો રે… સદ્‌ગુરુએ મુંને૦