ઝાકળબિંદુ!
ઝવેરચંદ મેઘાણી




ઝાકળબિંદુ !

ઝવેરચંદ મેઘાણી

ઝાકળના પાણીનું બિંદુ
એકલવાયુ બેઠુ’તુ ;
એકલવાયુ બેઠુ’તુ ને
સુરજ સામે જોતું ‘તુ;
સુરજ સામે જોતું ‘તું ને
ઝીણુ ઝીણુ રોતું ‘તું;
“સુરજ ભૈયા સુરજ ભૈયા!
હુ છુ ઝીણું જ્લબિંદુ;
મુઝ હૈયે તમને પધરાવું
શી રીતે હે જગબંધુ!
તમે દુર વાદળમા વસતા
સાત અશ્વને કરમાં કસતા
બ્રહ્માંડોની રદ રજ રસતા
ઘુમો છો બંધુ
તમ વો’ણુ મુજ જીવન સઘળુ
અશ્રુમય હે જગબંધુ”
“જ્લબિંદુ રે જ્લબિંદુ!
ઓ નાજુક ઝાકળબિંદુ!
સૂરજ બોલે સુણ બંધુ!


“હુ તો ત્રિલોક્મા ફરનારો,
કોટિ કિરણો પાથરનારો,
ગગને રમનારો :
તેમ છ્તા હુ તારો તારો,
હે ઝાકળબિંદુ !

“તોય મને તુ વા’લુ વા’લુ
બાળાભોલા જ્લબિંદુ
તુજ હૈયે હુ પોઢી જાણું
હે ઝાકળબિંદુ !

“તુજ સરીખો નાનો થઈને,
તુજ અંતરમા આસન લઈને,
ઈન્દ્રધનુની રમતો રમવા
આવીશ હે બિંદુ
“તુજ જીવનમા પ્રકાશ વાવુ,
તુજ અશ્રુને હાસ્ય બનાવુ
હે નાજુક બિંદુ! ”

હસતે મુખડે સૂરજ રાણા
જ્લબિંદુમા જઈ સમાણા:
રુદનભર્યાં જીવનમા ગાણા
ગાઈ રહ્યું ઝાકળબિંદુ !