ઝાસાં શા ખાવા ?
નર્મદ



ઝાસાં શા ખાવા ?

(પદ ૧૦મું)

ઝાસાં શા ખાવા ભાઇ, હિણપત મોટી નામરદાઇ. ટેક
માનભંગથી મરવૂં સારૂં, એકવાર દુઃખ મરવે;

માનભંગથી નિત્ય નિત્ય દુઃખ, આંગળી કરશે સર્વે. ઝાં. ૧

મેળવી જસને મરવૂં વ્હેલૂં, ઉત્તમ નર એ ચાહે;
અધમ કાયરો ઘણૂં જીવીને, અપજસમાં રીબાએ. ઝાં. ૨

માન સરીખૂં કલ્પવૃક્ષ કો, સંસારે નવ સ્હોએ;
સુખ આપિને અમર રાખતૂં, ઉત્તમ અંશી જોએ. ઝાં. ૩

ગયૂં ધંન તે પાછૂં આવે, ગયૂં માન ના આવે;
ગયૂં માન કે ત્રણે તાપો, દુઃખડાં ઝાઝાં લાવે. ઝાં. ૪

રખે મળે અપજશ કો વાતે, માટે બ્હીતા ચાલે;
શૂરવીર સાહસ કરનારા, તલવારે ને ઢાલે. ઝાં. ૫

ભોગજોગ એ હાર ખાય ને, મદદ ન આવે આડે;
તસકા કયમ સ્હેવાસે માટે, જાતે જાનો કહાડે. ઝાં. ૬

વિના કારણે મદે ભરાઇ, ઉપરી તસકા તોડે;
થોડી વાર તો ખમી જવું પણ, પછી ન રહેવું જોડે. ઝાં. ૭

સમજાવે તે માને નહિં તો, ક્રોધ કરીને ઉઠવૂં;
વેર ધરીને શિક્ષા કરવી, સરવસ તેનૂં લુંટવું. ઝાં. ૮

ભણી ગણીને ટેક રાખતાં, વળી રખાવી જાણે;
તે જન જસનૂં બીડૂં ચાવે, નર્મદ બોલ પ્રમાણે. ઝાં. ૯