ઝૂલો ઝૂલો રે કેસરિયાવર

ઝૂલો ઝૂલો રે કેસરિયાવર
પ્રેમાનંદ સ્વામી
હિંડોળા (અષાઢ વદ ૨ થી શ્રાવણ વદ ૨)



ઝૂલો ઝૂલો રે કેસરિયાવર

દોહા

સુંદર ૠતુ સોહામણી, ને આવ્યો શ્રાવણ માસ;
વીજલડી ચમકા કરે, વાદળ છાયો આકાશ. ૧

ઝરમર વરસે મેહુલો, ગરજે ગગન ઘનઘોર;
કોયલડી ટહુકા કરે, મુધરા બોલે મોર. ૨

શી કહું શોભા આજની, શોભે શ્રી ઘનશ્યામ;
અંગોઅંગ છબી નીરખતાં, લાજે કોટિક કામ. ૩

હીંડોળો સુંદર અતિ, શોભા કહી નવ જાય;
નીરખી સહુ નરનારીનાં, ચિતડાં રહ્યાં લોભાય. ૪

હુશ્યે હરિવર ઝૂલિયે, હીંડોળે બળવીર;
ઝરમર વરસે મેહુલો, ત્રિવિધ વહે સમીર. ૫

શોભા શ્રી ઘનશ્યામની, રસના કહી ન જાય;
રૂપ જોઈ રંગછેલનું, નેણાં તૃપ્ત ન થાય. ૬

વિબુધ વિમાને ચઢી ચઢી, જોવે આવી આકાશ;
હીંડોળે ઝૂલે હરિ, ઝુલાવે નિજ દાસ. ૭

પદ

ઝૂલો ઝૂલો રે કેસરિયાવર હિંડોરડે રે... ટેક

રતન હિંડોળે શ્યામ બિરાજે, આગે તાલ પખવાજ વાજે... ૧
ગુણીજન ગાયે સમાજે, તોડે તાનને રે,

ઝૂલે છેલ છબીલો છેલો, રસિયો રંગભીનો અલબેલો... ૨
હસતાં સામું હેરે, ચાવે પાનને રે,

વરસે શ્રાવણ માસ ફુવારા, મોર બપૈયા બોલે સારા... ૩
ગોપી સર્વે ગાયે, મધુરાં ગાનને રે,

નીરખી નટવરલાલ વિહારી, પ્રેમ મગન ફૂલી વ્રજનારી,
પ્રેમાનંદ બલિહારી ભીના વાનને રે... ૪