← ઠગ જીવનમાં માનવતા ઠગ
આઝાદની સોબત
રમણલાલ દેસાઈ
૧૯૩૮
ઠગની બડાઈ →


૧૬
 
આઝાદની સોબત
 


મારી અને આઝાદની વચ્ચે આ મુજબ ઘણી વાતચીત થઈ. મટીલ્ડા અગર આયેશાની ખાતર તે સુમરાને પકડાવી આપવા તૈયાર હતો જ. હું મટીલ્ડાને આઝાદની સાથે લગ્ન કરવાની સમજૂતી આપવા તૈયાર થયો હોઉં એવો ભાસ મેં આઝાદને થવા દીધો, પરંતુ અંદરખાનેથી મારી તૈયારી જુદા પ્રકારની જ હતી. મેં આગળ વધી આખી ઠગ ટોળીને વિખેરી નાખવા માટે તેને ઘણો જ લલચાવ્યો. ધમકી પણ આપી. પરંતુ સુમરા સિવાયના કોઈ પણ ઠગને પકડાવી આપવાનું તેણે કબૂલ ન કર્યું. તેની વર્ગવફાદારીએ મને આશ્ચર્યમાં નાખ્યો.

બીજા દિવસની સવારે આ વિચિત્ર ટોળીમાંથી હું છૂટો થવાનો હતો. આઝાદે ઠગ લોકોની વસાહતવાળા આ ડુંગરી પ્રદેશમાંથી બ્રિટિશ હદમાં મૂકી આવવા મને વચન આપ્યું. તે મુજબ અમે બંને સવારમાં જવા માટે તૈયાર થયા. પરંતુ આયેશાને મળ્યા વગર જવું એ અવિવેક થશે એમ માની મેં તેને મળવાની ઇચ્છા બતાવી. તેને એ ઇચ્છા બહુ રુચી નહિ.

‘સ્ત્રીઓએ પડદો શા માટે છોડવો એ હું સમજી શકતો નથી.’ આઝાદે કંટાળો ખાતાં જણાવ્યું અને ઉમેર્યું :

‘તેમના ઘૂંઘટમાંથી વાળની એક લટ પણ બહાર દેખાય તો તે હજારો જાનની ખુવારી કરવા માટે બસ છે. છતાં આપની મરજી જ હોય તો પછી આપ મળી. લ્યો.'

પરદા અને ઘૂંઘટમાં રહીને પણ સ્ત્રીઓ શું નથી કરી શકતી તે સમજાવવા માટે હું અત્યારે રાજી ન હતો. વાદવિવાદ પંડિતો માટે રહેવા દઈ મેં આયેશાને મળવાનું જ નક્કી કર્યું, અને અમે ઝૂંપડી તરફ ગયા.

આયેશાને સહજ નવાઈ લાગી. એકાદ અઠવાડિયું વધારે રહેવાનો તેણે આગ્રહ કર્યો. પરંતુ ઠગ લોકોની મહેમાનગીરીથી હું ધરાઈ ગયો હતો. એટલે મેં ના જ પાડી. આયેશાનું મન કચવાયું. છેવટે તેણે કહ્યું :

‘આપને જવું જ હોય તો પછી હું ગંભીરને સાથે મોકલું છું.’ આઝાદે આડી આંખથી આયેશા તરફ જોયું. તેની આંખમાં ક્રોધ હતો.

‘હું જ સાથે જવાનો છું, ગંભીરની જરૂર નથી.'

આઝાદે જણાવ્યું. ‘સાહેબની સલામતી માટે હું જવાબદાર છું એટલે ખરું જોતાં તો મારે જવું જોઈએ, પરંતુ ગંભીરને મોકલીશ તો ચાલશે.' આયેશાએ જવાબમાં જણાવ્યું.

‘હું કાંઈ સાહેબનું ખૂન કરવાનો નથી. મારી બીક તેમને લાગતી હોય તો ભલે ગંભીરને સાથે રાખે, પણ એવા દસ ગંભીર હોય તોયે, મારી ઇચ્છા તેમનું ખૂન કરવાની હશે તો મને કોણ રોકી શકે એમ છે ?'

આઝાદે અત્યંત અભિમાનથી જણાવ્યું. મને કોઈનો ડર લાગે છે એમ મેં કદી પણ કબૂલ કર્યું નહોતું. મેં આયેશાને જણાવ્યું કે મારે કોઈની જરૂર નહિ પડે. ગમે તેવા સંજોગોમાં હું નભી જઈશ. આઝાદ માટે મને જરા પણ વહેમ કે ડર ન હતો.

ગંભીરની દૂર આંખો ઝીણી થઈ, પરંતુ તે કાંઈ બોલ્યો નહિ.

‘ભલે, તો આપ જાઓ. ફરી મળીશું.' આઝાદ તરફ ફરીને તે બોલીઃ ‘આઝાદ ! ભૂલશો નહિ કે આ મારી સુપરત છે.'

આઝાદે જવાબ ન આપ્યો.

આયેશાને સલામ કરી હું પાછો ફર્યો અને અમે બંને ચાલી નીકળ્યા.

થોડી વારે ટેકરાઓ ચડતા ઊતરતા અમે સપાટ જમીન ઉપર આવ્યા. પાસે જ એક નાનું શિવાલય હતું. ત્યાં આગળ એક માણસ બેસી રહ્યો હતો. આઝાદે તેને હુકમ કર્યો : ‘બે ઘોડા તૈયાર કરી લાવ. અમે આ રસ્ત ધીમે ધીમે જઈએ છીએ.'

આ સ્થળે ઘોડાઓ ક્યાંથી બાંધી મૂક્યા હશે, તે મને સમજ પડી નહિ. પરંતુ થોડી વારમાં પેલો માણસ બે સુંદર પાણીદાર ઘોડા તૈયાર કરી અમારી આગળ આગળ આવ્યો અને અમે બંને ઘોડા ઉપર સ્વાર થયા.

જતે જતે પેલા માણસને આઝાદે કહ્યું : ‘કોઈ પૂછે તો કહેજે માતાવાળે રસ્તે ગયા છે.'

અમે ખરેખર જે રસ્તે જતા હતા. તે ન બતાવતાં બીજો રસ્તો બતાવવા તેને આ સૂચના કરી. અમે બંને આગળ વધ્યા.

થોડીવાર સુધી કોઈ કાંઈ બોલ્યુ નહિ. આછી ગીદમાં ઘોડાઓ ચાલ્યા જતા હતા. આઝાદે કેટલોક સમય ગયા પછી મને પૂછ્યું :

‘સ્લિમાનસાહેબ ! આપ અત્યારે કેવી સ્થિતિ અનુભવો છો ?'

‘બહુ જ આનંદભરેલી સ્થિતિ, પ્રદેશ ઘણો જ ખુશનુમા છે. હિંદુસ્તાન તો ઈશ્વરે રચેલું અવનવું સતત ચિત્ર છે.' મેં જવાબ આપ્યો. તેના મુખની વિકૃતિ અને આંખના ચમકારાથી હું સમજી ગયો કે તે મારી લાચારીનું મને ભાન કરાવવા માગે છે, એટલે મેં તેના ધાર્યા કરતાં જુદો જ જવાબ આપ્યો.

તેણે વધારે સ્પષ્ટતાથી કહ્યું :

‘આપ એકલા છો એ તો સમજાય છે ને ?’

‘અલબત્ત, મને એકલા રહેવાની નવાઈ નથી, તમે એકલા છો તેથી ડર તો નથી લાગતો ને ? પીઠ પાછળ ઘા નહિ કરું. જે વાત તે મને કહેવા માગતો હતો. તે મેં તેને કહી. તેના મનમાં મને ડરાવવાનો તેનો વિચાર હતો.

આઝાદ હસ્યો :

‘તમે ગોરા લોકો બહુ જ બડાઈખોર હો છો. ઘણી વખત તો તેથી જ તમે જીતી જાઓ છો. દેખાવ કરવામાં તમે એટલા પ્રવીણ છો કે સામાને ખરાનું ખોટું અને ખોટાનું ખરું બતાવી શકો છો. જુઓ, ડરવાનું કોને છે તે બતાવું !’

એમ કહી તેણે એક વિચિત્ર રીતે તાળી પાડી. તેનો પડઘો વાગી રહ્યો અને જોતજોતામાં પચીસેક હથિયારબંધ માણસો અમારી સામે આવીને ઊભા રહ્યા.

મને આશ્ચર્ય લાગ્યું. આવા નિર્જન સ્થળમાંથી આટલા બધા માણસો ક્યાંથી ફૂટી નીકળ્યા તે હું સમજી શક્યો નહિ. મને સહજ ભય પણ થયો. કદાચ આઝાદ મારું અહીં જ ખૂન કરાવે તો ?

‘બોલો સાહેબ ! આપને બંધનમાં રાખું કે આપને ઝબે કરું ?’

ખડખડાટ હસીને તે બોલ્યો. તેના હાસ્યમાં અતિશય ભયંકરતા હતી. તેના મુખમાં અને રીતભાતમાં સમરસિંહની મૃદુતા મારા જોવામાં આવી જ નહિ. સમરસિંહ અભય થવાનું વાતાવરણ ખડું કરતો, આઝાદ રક્ષણનો વિચાર કરતો હોય તોપણ તે ખૂન અને રુધિરનો જ ભાસ આપતો. મને હવે તેનો વિશ્વાસ રહ્યો નહિ. છેવટની ક્ષણ આવી પહોંચી માની હું તદ્દન બેદરકાર બની ગયો, અને તેને મેં ગર્વથી કહ્યું :

‘બેમાંથી એકે તમે કરી શકો એમ નથી. મને એટલી જ દિલગીરી થાય છે કે મને બંધનમાં નાખવા અગર મારું ખૂન કરવા તમે પ્રયત્ન કરશો તો તે નિષ્ફળ જશે અને નાહક વિશ્વાસઘાતનું પાપ તમને ચોંટશે.’

તેણે મને પાછું જણાવ્યું કે મારું ખૂન કરવાનો તેનો ઇરાદો હતો જ નહિ. માત્ર તેની શક્તિ કેટલી છે તેનું મને ભાન કરાવવા તે માગતો હતો. હિંદુસ્તાનમાં એવું એક પણ સ્થાન નહોતું કે જ્યાંથી ઠગ લોકોનો સરદાર એક પળમાં માણસો ઊભા ન કરી શકે. તેણે ભેગા થયેલા લોકોને વેરાઈ જવા હુકમ કર્યો. લોકો જોતજોતામાં અદ્રશ્ય થઈ ગયા. વીખરાતા ટોળામાંથી એક જણની પીઠ તરફ આઝાદની નજર ગઈ અને કોણ જાણે કેમ પણ તેણે ઘોડાને એડી મારી છલંગ ભરાવી અને પેલા માણસને ગરદનથી ઝાલ્યો. આ બધું અચાનક બનતું જોઈ હું પણ આશ્ચર્ય પામતો જોતો હતો. પેલા માણસે ગરદન છોડાવી નાખી, અને એકદમ સામે ફરી આઝાદને સલામ કરી માનપૂર્વક ઊભો રહ્યો. તેનું મુખ જોતાં મને સ્પષ્ટ સમજાયું કે એ તો પેલો ઝૂંપડીવાળો ગંભીર હતો.

‘કેમ, હરામ ખોર ! અમારી પાછળ આવતો હતો. ખરું ? આયેશાએ મોકલ્યો, નહિ ? સાહેબને હું મારવાનો છું. એમ ધાર્યું હશે, ખરું ને ? પણ ઓ બેવકૂફ ! તને ખ્યાલ છે કે આઝાદ જેને મારવા ચાહે છે તેને ઈશ્વર પણ બચાવી શકતો નથી !’

મને તરત જ ખ્યાલ આવ્યો. મારું રક્ષણ કરવાના ઇરાદાથી અમારા ચાલી નીકળ્યા પછી આયેશાએ ગંભીરને મોકલ્યો હશે.