ઠગ/આયેશા
← અણધારી હાર | ઠગ આયેશા રમણલાલ દેસાઈ ૧૯૩૮ |
પ્રેમના ભણકાર → |
અંધારામાં અમે બંનેએ ઘોડા પૂરપાટ મૂકી દીધા. ઘોડા પણ શરતે ચડ્યા હોય તેમ હરીફાઈમાંથી એકબીજા આગળ રહેવાનો પ્રયત્ન કરતા હતા. જોતજોતામાં અમે ગાઉના ગાઉ કાપી નાખ્યા. આ વૃદ્ધની વૃદ્ધાવસ્થા તેથી ઘોડેસ્વાર તરીકેની ઉમદા રમતમાં આડે આવતી નહોતી. એ જોઈ મને નવાઈ લાગી. આટલી ઝડપથી આટલા લાંબા વખત સુધી મેં કદી મુસાફરી કરી નહોતી. હું હવે થાક્યો અને મારો શ્વાસ ભરાવા લાગ્યો. વૃદ્ધ સાધુએ એટલામાં ઘોડાને ધીમો પાડી દીધો. સ્વાભાવિક રીતે જ મારો ઘોડો પણ ધીમો પડ્યો.
‘બહુ થાક લાગ્યો. ખરું ?’ વૃદ્ધે પૂછ્યું.
'આટલી ઝડપથી અને આટલી લાંબી સ્વારી મેં કરી નથી.' મેં કહ્યું.
‘ઘોડાને આટલો વેગ ન આપ્યો હોત તો તમે જરૂર પકડાઈ જાત. ઠગ લોકો તમારી પાછળ પડ્યા છે.' તેણે કહ્યું. ધીમે ધીમે ચાલતા પોતાના ઘોડાને ગરદન આગળ થાબડી તેના તરફનો પ્રેમ વૃદ્ધ સાધુએ વ્યક્ત કર્યો અને એક યુવકને શરમાવે એવા ગર્વથી તેણે કહ્યું :
‘ઘોડેસ્વાર બનવું એ જીવનની અજબ મોજ છે. હું ઘોડે બેસું છું એટલે વૃદ્ધનો યુવાન બની જાઉ છું.’
મેં તેના ઘોડાનાં અને તેનાં વખાણ કર્યા.
મધ્યરાત્રિ વીતી ગઈ લાગતી હતી. અંધકારમાં પાસે જ મકાનો જણાવા લાગ્યાં. મને લાગ્યું કે અમે કોઈ ગામમાં થઈને પસાર થઈએ છીએ. મને વળી સહજ થાક લાગ્યો હતો; અને કદાચ આ વૃદ્ધ માણસ કોઈ ઓળખીતાને ત્યાં જઈ મને આરામ લેવા દે એવો મને વિચાર થયો. પરંતુ વૃધ્ધે કોઈને ઉઠાડવાનો પ્રયત્ન ન કર્યો. શાંત સૂતેલી વસતિમાં થઈને અમે ગામની બહાર નીકળ્યા.
‘આખું ગામ ઠગ લોકોનું છે.' ગામ બહાર નીકળીને વૃદ્ધે મને સૂચના આપી. હું કંપી ઊઠ્યો. ‘શું ગામનાં ગામ ઠગ લોકોથી વસેલાં છે ? હું બોલી ઊઠ્યો.
પાસે જ એક મોટી ઈમારત હતી. મારા પ્રશ્નનો ઉત્તર આપ્યા સિવાય તે ઇમારત તરફ વૃધ્ધે ઘોડો દોર્યો, હું પણ તેની પાછળ જ હતો. ઇમારતના દરવાજા પાસે ઘોડો ઊભો રાખી દરવાજાનું કડું વૃધ્ધે ખખડાવ્યું.
કડું ખખડતાં બરોબર એક દરવાજાની ડોકાબારી ઊઘડી, અને અંદરથી કોઈએ પૂછ્યું :
‘કોણ ?’
‘જય નારાયણ ! જય ભવાની !’ વૃધ્ધે જવાબ આપ્યો. 'દરવાજે કોણ છે, ભાઈ ? દરવાજો ઉઘાડ તો !’
દરવાજો તત્કાળ ઊઘડ્યો અને એક માણસે અમારા બન્ને ઘોડાની લગામ ઝાલી રાખી. અમે નીચે ઊતર્યા. વૃધ્ધે બંને ઘોડા ઉપર પ્યારથી હાથ ફેરવ્યો, તેમને થાબડ્યા અને થાબડતે જ પેલા માણસને પૂછ્યું :
‘આયેશા છે ?'
‘જી, હા.' તેણે જવાબ આપ્યો.
‘ઘોડા બાંધીને એને જગાડ. અમે આગલા ખંડમાં બેઠા છીએ.'
આમ કહી વૃદ્ધ સાધુએ મને એક મોટા ઓરડામાં બેસાડ્યો. મને થાક લાગ્યો હતો અને ઊંઘ પણ આવતી હતી. તથાપિ ઠગ લોકોથી ગામ વસેલું છે એમ જાણતાં મારી ઊંઘ ઊડી ગઈ હતી. આ ઘરમાં પણ ઠગ લોકો જ રહેતા હશે કે શું ? એમ હોય તો આ સાધુ મને અહીં કેમ લાવે ? એ સાધુ જ ઠગ હોય તો ? તે કોઈ ભારે કારસ્તાની હતો. એમ તો કેટલા વખતથી મને લાગ્યું હતું. પરંતુ તેના ઉપર વિશ્વાસ રાખ્યા સિવાય બીજો ઇલાજ મારી પાસે ન હતો.
એટલામાં અંદરથી એક બારણું ખૂલ્યું અને હાથમાં નાનું ફાનસ પકડી એક યુવતીએ અંદર પ્રવેશ કર્યો.
સૌંદર્ય ફક્ત યુરોપીય સ્ત્રીઓમાં જ હોય એવું જાતીય અભિમાન એ યુવતીને જોતાં બરોબર હું વીસરી ગયો, અને આ અનુપમ લાવણ્યવતી સ્ત્રીને જોઈ હું બેઠો હતો ત્યાં જ ઠરી ગયો.
મધ્યમ કદની આ યુવતીની આંખો ઠરેલી હોવા છતાં તેની કાળાશ અને લંબાઈ તે છુપાઈ શકી નહિ. ઊંચી જાતની ઝીણી કાશ્મીરી શાલ તેનાં ખૂલતાં વસ્ત્રો ઉપર અવ્યવસ્થિત લટકતી તેના ઘાટીલા દેહને દીપાવતી હતી.
ભરેલી મોજડીઓવાળા પગ ધીમેથી ઊપડતા તેનું શરીર જે હીચ લેતું હતું તે હીચની ગંભીર છતાં સુકુમાર લઢણ યુરોપીય સ્ત્રીની વ્યગ્ર, ચંચલ અને કૃત્રિમ ચાલમાં મેં કદી ભાળી નથી.
તે ઓરડામાં દાખલ થઈ કે સાધુ ઊભો થયો. તેની આંખ સહજ ચમકી, તેનું મુખ સહજ ગંભીર થયું અને નીચું જોઈ તેણે કહ્યું :
‘આયેશા ! હું બહુ અણધાર્યો આવ્યો છું.’
જવાબમાં આયેશાએ આંખો જમીન સામેથી લઈ સાધુના મુખ ઉપર સ્થાપી. પૂર્વના દેશોમાં વસતી સુંદરીઓની આંખ હમેશાં ઘેરી, ગહન અને શાંત, સાગર સમી હૃદયના ભાવ સંતાડનારી લાગે છે. છતાં આયેશાની આંખમાં વૃદ્ધ સાધુને જોઈ કાંઈક એવું માર્દવ અને માધુર્ય તરી આવ્યું કે તે જોઈ હું ચમકી ઊઠ્યો.
'યુવાન અપ્સરા અને વૃદ્ધ સાધુ ! શો સંબંધ હશે ?' મારા મનમાં મેં પ્રશ્ન કર્યો.
આયેશાએ સાધુને કાંઈ જવાબ ન આપ્યો. તેણે માત્ર સામું જ જોયું.
‘એક બહુ જરૂરનું કામ છે. તારા સિવાય કોઈ માથે લે એમ નથી.’ સાધુએ આંખ નીચે જ રાખી જણાવ્યું.
‘એમાં પૂછવાની શી જરૂર છે ?’ આયેશાએ જવાબ વાળ્યો. તેનો કંઠ સૌંદર્યને શોભાવે એવો જ મધુર હતો.
‘તમારા દુશ્મનને આજની રાત આશ્રય આપવાનો છે. બની શકશે?' સાધુએ પૂછ્યું.
‘આશ્રય આપવામાં દોસ્ત કે દુશ્મનનો ફેર આપણે ક્યાં રાખીએ છીએ ? મહેમાનને માટે મારું ગરીબખાનું સદાય ખુલ્લું છે.’ આયેશાએ કહ્યું.
‘આ સાહેબને હવેલીની કોઈ પણ છૂપી જગાએ સંતાડી રાખ. આવતી કાલ રાત સુધીમાં હું તેમને પાછા લઈ જઈશ.’ સાધુએ જણાવ્યું.
‘અને આપને અત્યારે જવું છે ? રાત અંધારી છે અને આટલી ઠંડી પડે છે. નહિ જાઓ તો નહિ ચાલે ?’ આયેશાએ પૂછ્યું.
તેના બોલવામાં જે આર્જવ રહેલો હતો. તેણે મારા કુતૂહલમાં વધારો કર્યો. આ આર્જવમાં કોઈ સ્નેહીનાં આગ્રહ અને માધુર્ય મને જણાયાં. મેં મારા મનને ઠપકો દીધો. શું હું પોતે જ આ સ્ત્રી ઉપર મોહ પામી ગયો તો ન હતો ? નહિ તો આવા વૃદ્ધ સાધુ તરફ વિનય અને વિવેકથી વર્તન ચલાવતી આ સુંદરીના આર્જવમાં મને કોઈ ગુપ્ત પ્રેમના ભણકારા કેમ સંભળાય ? હું પોતે જ દૂષિત હતો એમ મને લાગ્યું, છતાં મારા મનનું સમાધાન થયું નહિ. ઠગની દુનિયામાં પ્રેમનાં નાટક ભજવાતાં હશે ખરાં?
સાધુ સહજ હસ્યો અને બોલ્યો :
‘અહીં મારાથી રહેવાય એમ નથી. અત્યારે તો પાછા જવું પડશે.’
‘મને એકલો મૂકી આ સાધુ ક્યાં જશે ? મને પહેલેથી દુશ્મન તરીકે તેણે ઓળખાવી દીધો જ હતો. શું મને તે કેદ કરવા માગતો હતો ? હું શા માટે સાધુનું કહેવું માનીને આવ્યો હોઈશ ? આવા આવા વિચારો મને એકાએક સ્ફુરી આવ્યા.
‘આયેશા ! હું જાઉ છું ત્યારે. સાહેબને કશી અડચણ ન પડે એ જોજે.'
‘કાલે તો આવશો ને ?’ આયેશાએ પૂછ્યું.
‘હા, રાત સુધીમાં પણ આવીને સાહેબને લઈ જઈશ.' કહી સાધુએ નીચી રાખેલી આંખ સહજ ઊંચકી અને આયેશા તરફ જોયું. તત્કાળ તેણે ફરી આંખો નીચી નમાવી અને ઓરડાની બહાર જવા માંડ્યું. જતે જતે પાછા ફરીને મને કહ્યું :
‘અહીં નિશ્ચિંત રહેજો. તમને કશી હરકત આવવાની નથી.' આટલું કહી તેણે ઓરડાની બહાર પગ મૂક્યો, અને મારી દૃષ્ટિ બહાર ચાલ્યો ગયો.
આયેશાએ તે બાજુ તરફ ટગર ટગર જોયા કર્યું.
થોડીક ક્ષણો બાદ મને આયેશાએ તેની સાથે જવા સૂચવ્યું. મારે માટે બીજો ઇલાજ નહોતો એટલે તેની પાછળ મેં ચાલવા માંડ્યું. ત્રણચાર સુંદર શણગારેલા ઓરડાઓમાં થઈને મને લઈ જવામાં આવ્યો. મેં તે યુવતીને વાતમાં ઉતારવા અને બને તો મારી અહીં કેવી સ્થિતિ છે તે જાણી લેવા પ્રયત્ન શરૂ કર્યો, પરંતુ કોઈ પણ રીતે સ્પષ્ટતા થાય એવા ઉત્તર તેણે આપ્યા નહિ. તેના મુખ ઉપરથી મને લાગ્યું કે તે ગમગીન હતી. શા કારણથી ? પેલો વૃદ્ધ સાધુ ચાલ્યો ગયો માટે ? આવા વૃદ્ધ તરફ કોઈ યુવતીને મોહ હોય? અલબત્ત, એ સાધુ કાંઈ નિર્માલ્ય ડોસો ન હતો. મારા કરતાં તે વધારે સારી રીતે ઘોડે બેસી શક્યો હતો. શું હશે ?
નમનતાઈ અને વિવેકથી સુંદરતાભર્યા અસ્પષ્ટ જવાબો આપતી આયેશા મને એક નાની ઓરડીમાં લઈ ગઈ. ઓરડીની બારીઓ તેણે ખોલી દીધી, એક પલંગ ઉપર આરામ લેવા મને સૂચવ્યું, અને મારે અહીં છૂપી રીતે રહેવાનું હતું એ વાત મારા ધ્યાન ઉપર લાવી તે મુજબ વર્તન રાખવા તેણે મને જણાવી દીધું.
તે ગઈ અને ઓરડીને બારણે તાળું લાગ્યું. હું આ જગાએ કેદી થયો, એ વાતની હવે મને ખાતરી થઈ. છતાં થાક એટલો લાગ્યો હતો કે બંધનના વિચારો વીસરી જઈ પલંગ ઉપર સૂઈ જ ગયો.
પ્રભાતના અજવાળાથી અને પક્ષીઓના કિલકિલાટથી જાગી ઊઠ્યો. જાગતાં જ નાસ્તાની ચીજો મારી સામે મુકાયેલી મેં જોઈ. હું ઓરડીમાં આમતેમ ટહેલવા લાગ્યો : બારીની બહારનાં દૃશ્યો જોવા લાગ્યો. બારીએથી ઊતરી નાસી છુટાય એમ હતું કે નહિ તેની તદબીર વિચારવા લાગ્યો. એટલામાં જ દૂરથી ઘોડાઓની ખરીઓના જેવો અવાજ મારે કાને પડ્યો. હું ધ્યાનપૂર્વક સાંભળવા લાગ્યો. ઘણા ઘોડાઓનાં પગલાં સંભળાતાં હતાં. બારીએથી મને કાંઈ જ દેખાયું નહિ.
એટલામાં મારી ઓરડીનું બારણું ઊઘડ્યું અને આયેશાને મેં મારી સામે ઊભેલી જોઈ.
મેં માનપૂર્વક ડોકું નમાવ્યું.
આયેશાએ કહ્યું :
‘આપને આજનો દિવસ ચાલે એટલું બધું સાધન અહીં છે. તમે મુખ્ય બારી બંધ રાખજો અને જે ખુલ્લી રાખો તેમાંથી ઝૂકશો નહિ. ઘણા માણસો આવે છે અને તેમાંથી કોઈ પણ તમને દેખશે તો મારે અને તમારે ઘણું જોખમ ઉઠાવવું પડશે.'
મેં કહ્યું :
'તે બાબત નિશ્ચિંત રહેજો. પરંતુ બીજી જ કોઈ રીતે જોખમ આવી પડે તો મારે શું કરવું ?'
'તે હું જોઈ લઈશ.' તેણે જવાબ આપ્યો. ‘આપે કાંઈ જ કરવાનું નથી.’
પડદા પાછળ સંતાતી બીકણ હિંદી સ્ત્રીઓમાં આવી હોશિયારી હશે એમ મેં ધાર્યું નહોતું. પરંતુ મારે ભૂલવું ન જોઈએ કે અનેક રાણીઓ, રાજમાતાઓ અને બેગમોએ રાજ્યની બાજી હિંદમાં ચલાવ્યે રાખી હતી.
ઘોડા આ મકાનના ચોગાનમાં આવી પહોંચ્યા હોય એમ લાગ્યું. આયેશાએ એકદમ ઓરડીમાંથી બહાર પગ મૂક્યો અને તાળું વાસ્યું.
પાછો હું એકલો પડ્યો. કેદીની ભાવના તીવ્ર બની.