ઠગ/ગોરી કાળી ઠગાઈ
← ભોંયરામાં | ઠગ ગોરી કાળી ઠગાઈ રમણલાલ દેસાઈ ૧૯૩૮ |
કોતરમાં રાત્રિ → |
‘ચાલો, ઠીક થયું. તમે બચી ગયા.' સાધુએ મને ઉપર બોલાવી એક સુંદર પલંગ પર બેસાડતાં કહ્યું.
‘મને મારી જાત કરતાં મારા સૈન્યની વધારે ચિંતા છે.' મારી બળી ગયેલી છાવણી અને લૂંટાયેલી તિજોરી પાછળ મોકલેલા સૈન્યનો વિચાર આવતાં મેં જણાવ્યું. મારી અધીરાઈ વધી. આ લોકો મારા દેહને કાંઈ નુકસાન કરવા માગતા નથી. એની મને ખાતરી થઈ હતી અને તેવી ખાતરીથી ઉત્તેજિત થતાં મારી અધીરાઈ બતાવવાની મેં હિંમત કરી. મને કશી જ સમજ પડતી ન હતી, છતાં જાણે હું હારી ગયો હોઉં એવું ભાન મને રહ્યા કરતું હતું. આ સ્થિતિમાંથી હવે છૂટવું જોઈએ !
નિરાશામાંથી પ્રગટ થતી હિંમત દર્શાવી મેં પૂછ્યું : 'હવે તમે શું કરવા માગો છો ? તમે કોણ છો એ હું જાણતો નથી. તો હવે મને તમારે જવા દેવો જોઈએ.’
'આવી રાતમાં ક્યાં જશો ? અને કદાચ આપ જઈ શકો તોપણ અમારાથી તમને જવા દેવાય નહિ.’ સાધુએ સ્થિરતાથી જવાબ આપ્યો.
મારા પલંગની સામે એક પાટ હતી અને તે પાટ ઉપર એક મોટું મૃગચર્મ પાથરી બેઠો હતો.
'મને કેમ ન જવા દેવાય ?' મેં પ્રશ્ન કર્યો.
‘તમે મારા કેદી છો. માટે !’
‘હું કેદી ?' ગુસ્સે થઈ હું પોકારી ઊઠ્યો. હિંદવાસીઓથી અમે ઘણા જ ચડિયાતા છીએ એમ અમારી ખાતરી થવા લાગી હતી, અને તેને પરિણામે હિંદીઓ ઉપર રાજ્ય કરવાને પણ અમે જ સરજાયા છીએ એવી ભાવના પણ ધીમે ધીમે અમો ગોરાઓમાં સ્થિર થતી જતી હતી. એવા હિંદીઓ શું મને કેદ કરે ? એ વિચાર હું સહન કરી શક્યો નહિ.
‘અલબત્ત !' સાધુએ પોતાની સ્થિરતા તજ્યા વિના જ જવાબ વાળ્યો.
‘કંપની સરકારનો હાથ કેટલો લાંબો છે તે તમને ખબર તો હશે જ. અંગ્રેજના લોહીનું એક ટીપું તમારા લાખો આદમીઓના જાન બરાબર છે, એ શું તમે નથી જાણતા ? મેં ગુસ્સો સહજ દાબી અમારી સરકારનો ભય બતાવ્યો. પરંતુ પેલા સાધુ ઉપર તેની કંઈ અસર જણાઈ નહિ. તેણે સહજ હાસ્ય કર્યું અને બોલ્યો :
‘શા માટે અંગ્રેજ લોહીનું એક ટીપું લાખો હિંદીનો જાન બરાબર ગણાય ? એવું શું છે અંગ્રેજોના લોહીમાં ?'
આનો જવાબ મને જડ્યો નહિ. સાધુએ આંખો મીંચી અને પોતાના હાથમાંની માળા ફેરવવા માંડી. જાણે મારું અસ્તિત્વ હોય જ નહિ એ પ્રમાણે તેણે આંખો મીંચી માળા ફેરવવાનું કામ ચાલુ રાખ્યું. થોડી વારે માળા ફરતી બંધ થઈ. અને ટટાર બેઠેલો આ સાધુ જાણે ઊંડાણમાં ઊતરી કોઈ અગમ્ય વસ્તુ સાથે એકતાર ન થઈ ગયો હોય એમ લાગ્યું. થોડી વાર મેં તેને નિહાળીને જોયો. યોગીઓ અને જાદુગરોના ધ્યાનની અને મંત્રજંત્રની વાત મેં ઘણી સાંભળી હતી. એવા યોગીને હું પ્રત્યક્ષ નિહાળી રહ્યો.
શું તે ઈશ્વરની ભક્તિ કરતો હતો ? જો ઈશ્વરનું ધ્યાન તે ધરતો હોય તો આની ઠગ લોકોની જંજાળમાં તે શા માટે પડે ? મારા ઉપર છાપ પાડવાનો તેને ઇરાદો હશે એમ મને લાગ્યું. આવા સાધુઓથી અંગ્રેજો ઠગાય એમ ન હતું.
ઘડી બે ઘડી તે આમ ને આમ બેસી રહ્યો. પછી તેણે આંખ ઉઘાડી. મેં હસતાં હસતાં પૂછ્યું :
‘જાદુ કરો છો કે શું ?'
‘અંગ્રેજોનો જાદુ હું વિચારું છું.' તેણે પણ જવાબ આપ્યો.
‘અંગ્રેજોનો જાદુ તમને સમજાય એવો નથી. તમે હજારો વર્ષ આમ ધ્યાન ધરી રાખશો. છતાં તેનો પાર તમે ભાગ્યે જ પામી શકશો.' મેં ગર્વથી જવાબ આપ્યો.
મારા ગર્વભર્યા વેણની તેના ઉપર અસર થતી જણાઈ નહિ. તેણે મને ઊલટ સંબંધ વગરનો પ્રશ્ન કર્યો :
‘આપને શા કામે સરકારે રોકેલા છે ?'
‘ઠગ લોકોને પકડવા માટે,' મેં જવાબ આપ્યો.
સાધુ ખડખડાટ હસી પડ્યો. હસતાં હસતાં તેણે કહ્યું :
‘કામ તો સહેલું છે. જેટલી ટોપીવાળા છે એટલાને પકડો એટલે કામ પૂરું થશે.' આવો તોછડાઈભર્યો જવાબ સાંભળી મારું મુખ જરા બદલાયું. મને લાગણી થઈ હોય એવા અવાજે મેં પૂછ્યું :
‘શું તમે બ્રિટિશરોને ઠગ માનો છો ?’
‘એકલા બ્રિટિશરોને નહિ, પણ બધા જ ટોપીવાળાઓને.' હસતે હસતે તેણે ઉમેર્યું.
‘તમારી ભૂલ થાય છે, યુરોપવાસીઓ એટલા ખુલ્લા દિલના છે, સત્યને એટલા ચાહનારા છે કે તમે જૂઠાણમાં ઊછરેલા હિંદીઓ તેમની લાયકાત સમજી શકતા જ નથી.' મેં કહ્યું.
“ખુલ્લું દિલ ? સત્યનો પ્રેમ ? સાહેબ ! મેં આ સિત્તેર વર્ષ નકામાં ગાળ્યાં નથી. અંગ્રેજોએ હિન્દુસ્તાનમાં પગ મૂક્યો ત્યારથી આજ સુધી તેમણે કેવું ખુલ્લું દિલ રાખ્યું છે, સત્ય માટે કેવો પ્રેમ બતાવ્યો છે, તેનાં દૃષ્ટાંતો આપ કહો તે હું ગણાવી જાઉં.’
‘કહો, કહો. અમારા ઇતિહાસથી અમારે શરમાવું પડે એમ નથી.’ મેં જરા ગર્વથી કહ્યું.
‘એમ ? આપ સાંભળી શકશો ? થોડાં દૃષ્ટાંતો ગણાવી જાઉ ત્યારે. બંગાળના પેલા બિચારા સિરાજને માથે કાળી કોટડી (Black Hall of Culcutta)નું તહોમત મૂક્યું હતું. એમાં સત્ય કેટલું છે એ આપ જાણો છો ? મીર કાસમને ભોળવી બંગાળની નવાબી કબજે કરાવીને તેને પછી વહેતો મૂક્યો એમાં ખુલ્લું દિલ આપને જણાતું હોય તો કોણ જાણે ! અમીચંદને ગાંડો બનાવ્યો એમાં કયું સત્ય હતું ? ચૈત્રસિંગને કાશીમાંથી નાસવું પડ્યું; અયોધ્યાની બેગમોને બેહાલ થવું પડ્યું, હૈદર-ટીપુનાં રાજય અને પેશ્વાઈને ભસ્મ કરી નાખ્યાં ! આપને આ બધા પ્રસંગોનો સત્ય ઇતિહાસ સાંભળવો છે ? હું બતાવું એમાં સત્ય કેટલું હતું અને ખુલ્લું દિલ કેટલું હતું તે ? જે ઠગ લોકોને આપ પકડવા તૈયાર થયા છો તે લોકોની ઠગાઈ ટોપીવાળાની ઠગાઈ જેટલી કદાચ ભયંકર નહિ હોય, સાહેબ ! ઠગ લોકોની ઠગાઈ થોડા રૂપિયામાં અને બહુ જ જૂજજાજ માણસોના પ્રાણ લેવામાં જ સમાય છે, જ્યારે ગોરાઓની ઠગાઈ રાજ્યોનાં રાજ્યો દબાવી પાડવાથી પણ ધરાતી નથી ! ઠગ લોકો પ્રાણ હરી લઈ પોતાના ભોગને દુ:ખનું ભાન કરવા દુનિયામાં રહેવા જ દેતા નથી. જ્યારે ટોપીવાળાઓ તો પ્રાણ હરી પોતાના ભોગને જીવતા રાખે છે, અને તેમને ભાન થવા દે છે કે જેથી તેઓ પ્રાણહીન, નિઃસત્ત્વ, પવનને જોરે આમતેમ આથડતાં સૂકાં પાંદડાં જેવું નિરર્થક અને નિરાધાર જીવન ગાળે !’
સાધુના બોલવામાં અસહ્ય જુસ્સો હતો. તેની આંખમાંથી તેજ ચમક્યા કરતું હતું, છતાં મુખ ઉપરથી તેનું સ્મિત ખસ્યું ન હતું. પેલા યુવક અને સાધુને કાંઈક સગપણ હશે એમ મને લાગ્યું. ઘણી વખત મુખરેખાઓ કોઈ સંબંધ સૂચવતી લાગે છે. તેના બોલવામાં જુસ્સો હતો, પરંતુ ક્રોધ ન હતો.
અંગ્રેજોનાં પરાક્રમોને ઠગાઈનું સ્વરૂપ આપનાર આ વિચિત્ર સાધુ ઉપર મને ખોટું ન લાગ્યું. પેશ્વાઈ પડ્યા પછી હવે હિંદુસ્તાનમાં અંગ્રેજો જ સર્વભૌમ સત્તા ધરાવતા હતા; તેમના એક પ્રતિનિધિ સામે તેમનું ભૂંડું બોલવું એ તે જમાનામાં સહજ વાત ન હતી. અંગ્રેજોએ જોતજોતામાં એટલી પ્રતિષ્ઠા મેળવી હતી કે સર્વ હિંદીઓની સલામ ઝીલવાનો ગોરાઓને જન્મસિદ્ધ હક છે એવી લાગણી સર્વ ગોરાઓમાં દૃઢ થઈ ગઈ હતી.
છતાં મને તેના બોલ સાંભળવામાં મજા આવી. કદાચ આ સાધુના વિચિત્ર આરોપોમાં અમારી શ્રેષ્ઠતાનો સ્વીકાર થતો હોય એમ પણ મને લાગ્યું. મેં વાત લંબાવવા આગળ પૂછ્યું :
‘ત્યારે અમે પણ ઠગ અને તમે પણ ઠગ ! આપણે બંનેએ ભેગા થઈ જવું જોઈએ, મળીને ચાલવું જોઈએ.’
સાધુ ફરીથી હસ્યો અને બોલ્યો :
‘ઠગાઈને આપે કેવી લલિતકળા બનાવી દીધી છે ! આપ અત્યાર સુધી વિજય પામ્યા છો એમાં મને જરાયે નવાઈ લાગતી નથી.'
‘તમારાં વખાણ મારે નથી સાંભળવાં. તમે અમને મળી જાઓ. એમાં તમારું જ શ્રેય છે. મારાથી બનશે તે રીતે હું તમને બ્રિટિશ વાવટા નીચે સુખી થયેલા જોવાનો જ પ્રયત્ન કરીશ.’ મેં આગળ ચલાવ્યું. મારી યુક્તિ સફળ થાય તો વિના કારણની મારામારી ટળી જાય એમ મને લાગ્યું.
સાધુ હસતો જ રહ્યો. તેણે પૂછ્યું :
‘પરંતુ અમે ઠગ છીએ એમ આપે કેમ માની લીધું ?'
‘મારી પાસે તેનાં ઘણાં કારણો છે. મારી તો ખાતરી જ થઈ છે કે તમે લોકો ભયંકર ઠગની ટોળીના વધારે ભયંકર આગેવાન છો.'
‘તો પછી અમને પકડતા કેમ નથી !' સાધુએ જરા મર્મભર્યો પ્રશ્ન કર્યો. મને તેમાં મારી સ્થિતિ ઉપર કટાક્ષ થતો લાગ્યો. સાધુ તે પરખી ગયો. તેણે અત્યાર સુધી કદી અંગત કટાક્ષ કર્યો ન હતો. તેણે મારા વિચાર સમજી ગૃહસ્થાઈ બતાવી આગળ ઉમેર્યું :
‘હું તમને - તમારી જાતને અંગત કહું છું એમ નથી; તમારી પાછળ રહેલી સત્તાને ઉદ્દેશીને કહું છું.’ ‘જે સત્તાને તમે આજ નિંદો છો એ સત્તા એવી જબરજસ્ત છે કે તમને ખબર પણ નહિ પડે અને તમે પકડાશો. તેથી જ મારી તમને સલાહ છે કે તમારે અમને મળી જવું જોઈએ. તમે બંનેએ મને ન સમજાય એવી રીતે આભારી કર્યો છે, માટે હું તમને વિનંતિ કરું છું કે તમે ઠગ મટી અમારી પ્રજા બનો.’ મેં કહ્યું.
‘અમારો અને તમારો રસ્તો જ જુદો છે. અમે ઠગ છીએ એમ પુરવાર કરવા તમારી પાસે કાંઈ જ પુરાવા નથી. છતાં હવે મારે જણાવવું જોઈએ કે તમારી માન્યતા અમુક અંશે ખરી છે. અમે જરૂર ઠગ છીએ. આપ અત્યારે માની લો કે અમે તમારા દુશ્મન પણ છીએ. છતાં તમારી અને અમારી ઠગાઈમાં ફેર છે. અમારી ઠગાઈ ઉપર ગેરુનો ભગવો રંગ છે એ આપ જોઈ શકો છો.'