← મટીલ્ડા ઠગ
ઠગનો કાર્યપ્રદેશ
રમણલાલ દેસાઈ
૧૯૩૮
ભગ્ન હૃદયના ભણકાર →




૧૩
 
ઠગનો કાર્યપ્રદેશ
 


વળી આ ઠગની ટોળી માત્ર દુષ્ટ વૃત્તિથી જ પ્રેરાયેલી હોય એમ ન હતું. કેટલાક પત્રોમાં તો તેમની નૈતિક ભાવનાઓ એવી સ્પષ્ટ રીતે પ્રદર્શિત કરેલી હતી કે તે કોઈ પણ ધાર્મિક સંસ્થાના સ્થાપકને દીપાવે. પીંઢારાના મહાન સરદાર અમીરના એક પત્રમાં લખેલું હતું : ‘આપે મને ઠપકો આપ્યો તે વાસ્તવિક છે; પરંતુ કેટલાક કારણોને લીધે વાત હાથમાં રહી નથી. લોકોને મોંએ મરચાંના તોબરા બાંધવાં એ હિચકારાનું કામ છે એમ આપ કહો છો, તે હું કબૂલ કરું છું. અને કોઈ પણ સ્ત્રી ઉપર હાથ ઉપાડવો એ ખુદાને આપણા ઉપર હાથ ઉપાડવાને તૈયાર કરવા જેવી ભૂલ છે. કેટલીક વખત આવી ભૂલ થઈ જાય છે. આપે એવી ભૂલોને બહુ આગળ કરી આપની મદદ પાછી ખેચી લેવી ન જોઈએ.’

એક બીજા પત્રમાં જણાવેલું હતું : ‘બાઈ... ને મારા માણસોએ લૂંટી લીધી એ બહુ જ ખોટું થયું છે. મારી એવી ઇચ્છા હોય જ નહિ. આપની સૂચના મુજબ લૂંટેલો તમામ માલ એ બાઈને આજે સાંજ પહેલાં પહોંચી જશે. આપ હવે તકલીફ ન લેશો.'

ત્રીજો પત્ર જોયો તેમાં વળી વધારે આશ્ચર્ય ઉત્પન્ન થાય એવી હકીકત લખેલી હતી : ‘રઘુનાથરાવ અંગ્રેજોને ન મળે તો બીજું શું કરે ? તેનું ચારે બાજુએથી અપમાન થાય છે. આજકાલના જુવાનિયા ભૂલી જાય છે કે આ વીર પુરુષે અટક નદીમાં પેશ્વાના ઘોડાઓને પાણી પાયું છે.’

ચોથા પત્રમાં વળી એથી વધારે તાજુબી પમાડનારી હકીકત હતી : પાટીલ બુવા અને નાનાસાહેબ ફડનવીસને ભેગા કરવાની તમારી યોજના ઘણી સારી છે, બંને જણ પોતપોતાની મહત્ત્વાકાંક્ષાને દાબી હિંદી રાજ્યના હિત માટે ભેગા થઈ જાય તો જ હિંદુસ્તાનનો ઉદ્ધાર છે. તમારો પ્રયત્ન સફળ થશે એમ હું ધારું છું. આજકાલના અંગત સ્વાર્થમાં બધા જ દેશને ભૂલી જાય છે. ગાયકવાડે ગુજરાતમાં ઘર કર્યું. સિંધિયા અને હોલકર મધ્ય હિંદુસ્તાનમાં વસી ગયાં, ભોંસલે બંગાળા સુધી દોડે છે; પણ એ બધા પેશ્વાઈને માટે શું કરે છે ? આમનું આમ ચાલશે, તો મને ડર રહે છે કે પેશ્વાઈ નાબૂદ થશે અને બધા જ અંગ્રેજોના દાસ થઈ રહેશે.' આ વાંચીને તો હું ચમક્યો. આમ જ થયું હતું. આવો ભવિષ્યવેત્તા ઠગ લોકોમાં કોણ હતો ?

વળી બીજો કાગળ લીધો : ‘મેં પીંઢારાના નાયક અમીરખાનને ચોખ્ખી વાત જણાવી દીધી છે. પાપીઓને આપણી સહાય મળશે નહિ. જોધપુર અને જયપુર મેવાડની કૃષ્ણાકુમારી માટે રટે ચઢ્યાં. પીંઢારાએ જોધપુરનો પક્ષ લીધો તો ભલે, પરંતુ કૃષ્ણાકુમારીને તકરારનો અંત લાવવા માટે ઝેર આપવાનો તેણે પ્રસંગ આણ્યો એ શરમ ભરેલું છે. ઉદયપુરના કાયર રાણાનું તો પૂછવું જ શું ? અહીં હવે સંગ અને પ્રતાપ જન્મતાં અટકી ગયાં છે, દીકરીને ઝેરનો પ્યાલો આપતાં પહેલાં રાણાએ દુશ્મનની તલવાર ઉપર કપાઈ પડવું હતું !’

મારી ઉત્કંઠા અતિશય વધી ગઈ. આ સઘળો પત્રવ્યવહાર કબજે કરવાની મારી મરજી થઈ, પરંતુ હું જ બીજાને કબજે હતો. ત્યાં હું પારકો માલ કેવી રીતે કબજે રાખું ? મેં કાગળોનું વાંચન ચાલુ રાખ્યું.

‘રૂસ લોકોને સહાય કરીએ તેથી શું ? એક ટોપી મટી બીજી ટોપી આવશે. હું તો ટોપીને બિલકુલ માગતો જ નથી. ટોપીવાળા વગર જો આપણે ચલાવી શકીએ તો જ ખરું, પણ તે તો આપણે કરી શકતા નથી. કશુંક થયું કે અંગ્રેજોની પાસે દોડવું એ હમણાં આપણો ધર્મ બની ગયો છે ! પિત્રાઈને ગાદી નથી આપવી, તો ચાલો અંગ્રેજો પાસે ! ખંડણી આપવાના કરાર તોડવા છે, તો ચાલો અંગ્રેજો પાસે ! પાસેનો મુલક પચાવી પાડવો છે, મળો અંગ્રેજોને ! વિધવા રાજ્યમાતાનું સાલિયાણું બંધ કરવું છે, લ્યો અંગ્રેજોની સલાહ ! જાગીરદાર મટી રાજા થવું છે, બોલાવો અંગ્રેજોના ગોલંદાજોને ! હિંદુસ્તાનનું નસીબ વાંકું છે. સ્વાર્થત્યાગ ઉપર રાજ્યો રચાય છે, અને લોભમાંથી ગુલામી ફૂટી નીકળે છે. આપણે બધા અત્યારે શું કરીએ છીએ ? આવી સ્થિતિમાં રૂસ લોકોને હિંદ ઉપર ધસારો કરવામાં હું કદી સહાય નહિ આપું. જો અહીં ટોપી જ રહેવાની હોય તો અંગ્રેજો શા ખોટા છે ?'

શું રશિયાની સાથે પણ આ ટોળી મસલત ચલાવે છે ? મારા આશ્વર્યનો પાર રહ્યો નહિ. લોકોમાં માન્યતા છે કે ઠગ તો ગળે ફાંસો દઈ માલ લૂંટી લે છે; જ્યારે વસ્તુસ્થિતિ તો આમ હતી ! સર્વ રાજ્યો સાથે સંબંધ ધરાવતી આ અદ્દભુત ટોળીને હજી કોઈ જ જાણી કે સમજી શક્યું નથી એમ મને લાગ્યું.

મને ક્યારનો ભાસ થતો હતો કે કોઈ મને જોતું હતું. એકાંત દુશ્મનનો ભય અને છૂપી રીતે તેમની ચીજો જોવાનો આગ્રહ આવી ભ્રમણા ઉત્પન્ન કરતાં હશે એમ મને લાગ્યું. ઘણી વાર સુધી વાંચતે વાંચતે હું ચારે પાસ નજર નાખતો પણ કોઈ દેખાયું નહિ. અંતે આ ભ્રમણા એટલી પ્રબળ થઈ કે મેં પત્રો નીચે મૂક્યા, અને અચાનક પેલી જાળી તરફ જોયું. જાળીમાંથી એક મનુષ્ય મારા તરફ જોયા કરતો હતો ! તેના તરફ મારી દૃષ્ટિ પડતાં તેણે જાળી પાસેની ડોકાબારી ઉઘાડી અને તે અંદર આવ્યો. હું ખરાબ પરિણામ માટે તૈયાર જ હતો.

‘કાગળો વાંચી રહ્યા ?’ તેણે મને પૂછ્યું.

મેં જવાબ દીધો નહિ. માત્ર બેદરકારીભરી આંખે તેના તરફ જોયું.

‘આની શી સજા છે એ જાણો છો ?' મેં જવાબ ન આપ્યો એટલે તેણે ફરીથી પૂછ્યું.

'તે તમે જાણો છો એટલે બસ છે. મને કોઈની પરવા નથી.' મેં તિરસ્કારપૂર્વક જવાબ આપ્યો.

'ઠીક, પરવા નથી. એ સારું છે. પરંતુ નવેસર પરવા કરવા મથશો. નહિ.’ આમ કહેતાં બરોબર શું થયું તે હું કહી શકતો નથી, પરંતુ એકદમ અંધકારમાં હું નીચે ઊતરવા માંડ્યો. મારા પગ નીચેની જમીન મને લઈને ઊંડે ઊતરતી જતી હતી. હું ભય પામ્યો. શું આ માણસ જાદુગર તો ન હતો? હું ભૂતપ્રેતને માનતો નહિ, પરંતુ મને લાગવા માંડ્યું કે હિંદુસ્તાનમાં તો તેમની વસતી જરૂર હોવી જોઈએ. ભૂતનો વિચાર અહીં આવતા ફરી મારું હૃદય ધડકી ઊઠ્યું. અચાનક મારા પગ અટક્યા અને અંધકારનું ભાન સહજ આછું થતાં મને જણાયું કે હું એક દેવમંદિરમાં દાખલ થયો હતો.