ઠગ/ફાંસાનો અનુભવ
ઠગ ફાંસાનો અનુભવ રમણલાલ દેસાઈ ૧૯૩૮ |
મારા તંબુમાં → |
એ કોણ હશે એની કલ્પના કરતો હું મારા ભોમિયાઓ સાથે રસ્તો કાપવા લાગ્યો. ઠગ લોકો બાર-પંદર વર્ષની ઉમરથી બાળકોને ઠગના ધંધાની દીક્ષા આપતા આવે છે એ હું જાણતો હતો અને ઠગ લોકોમાં અપૂર્વ વિનય અને વિવેક હોય છે એની પણ મને ખબર હતી. માત્ર એ વિનય અને વિવેક નિર્દોષના ઘાતમાં પરિણામ પામતાં હતાં તેની મને ખાતરી હતી. જિજ્ઞાસા બહુ તીવ્ર થવાથી મારી સાથે આવતા માણસોમાંથી એક જણને મેં એને વિશે પૂછ્યું પણ ખરું. પરંતુ વાતચીતમાં પડવાની તેની જરા પણ ઇચ્છા દેખાઈ નહિ. ટેકરાઓ ચડતાં ઊતરતાં કેટલીક વારે અમે એક ઊંડા ડુંગરની વિશાળ સપાટી ઉપર આવ્યાં.
આ સપાટીની મધ્યમાં એક નાનો કિલ્લો દેખાયો. મારા સાથીદારને મેં કહ્યું :
‘હવે મારાથી બિલકુલ ચલાતું નથી. હું ઘણો થાકી ગયો છું. અહીંથી આગળ હવે હું વધી શકીશ નહિ.’
તે સાથીદારે જણાવ્યું :
‘આપણે મુકામની નજીક જ આવી ગયા છીએ. અંધારાને લીધે કદાચ નહિ સમજાતું હોય. પરંતુ આપણે સામા કોટ જેવા દેખાતા મકાનમાં જવાનું છે.’
મને ફરી કંપારી આવી. આ અંધકારમય રાત્રિમાં હું કોના મકાનમાં પ્રવેશ કરું છું ? મારી આજુબાજુ ચાલતા ચારે મનુષ્યો તરફ મેં જોયું. તેમની મુખમુદ્રા મને ભયંકર લાગી. પરંતુ હવે હિંમત રાખ્યા વગર બીજો ઇલાજ નહોતો. કોટના દરવાજા ખુલ્લા હતા. એક દરવાન આમતેમ ફરતો હતો. તેણે પોતાની પાસેનો એક ચોરદીવો ઊંચો કર્યો, અને અમને અંદર જવા દીધા. મને જોઈને તેને ઘણું આશ્રય લાગ્યું હશે. કારણ અમારામાંથી એક જણને તેણે સહજ રોક્યો અને કોઈ ગુપ્ત વાત કરી મારા વિષે પૂછપરછ કરી.
કોટને અડીને આવેલા વિશાળ મકાનમાં અમે દાખલ થયા. મકાનનો ચૉક વટાવતાં આવેલા એક મોટા ઓરડામાં પાટ પાથરેલી હતી. તેના ઉપર મને બેસાડી ચારે જણા અંદર અદૃશ્ય થઈ ગયા.
ઓરડાની સુંદર ગોઠવણ જોઈ મને આશ્ચર્ય લાગ્યું. આવા ડુંગર ઉપર, વસતિથી આટલે દૂર આવો વૈભવ કોણે કેવી રીતે વસાવ્યો હશે ? બખ્તરો અને હથિયારો મોટી સંખ્યામાં ભીતે ટાંગેલાં હતાં. એક-બે ખીંટી ઉપર ભગવાં વસ્ત્ર લટકાવેલાં જોઈ મને વિશેષ નવાઈ લાગી.
એકાએક અંદરથી બારણું ખૂલ્યું. લગભગ સાઠેક વર્ષનો એક બુઢ્ઢો સાધુ તેમાંથી મારી પાસે આવ્યો. તેની પાછળ બે માણસો થાળીઓ લઈને આવ્યા. હિંદુસ્તાનના સાધુઓ કોઈને નમતા નથી તે હું જાણતો હતો, એટલે મેં ઊઠી તેને માન આપ્યું. હાથ ઊંચા કરી આર્શીવાદ આપતો આ વૃદ્ધ સાધુ મારી જોડમાં બેસી ગયો. તેના ઊંચા કદાવર શરીર આગળ હું મને પોતાને જ ઘણો નાનો લાગ્યો. અત્યંત સ્વસ્થતાથી એ સાધુએ મારા તરફ જોયું. તેની આંખમાંથી વાત્સલ્ય વરસતું મેં નિહાળ્યું. પરંતુ સાધુના વેશમાં - સાધુની અભયમુદ્રામાં ઠગ લોકોએ કેટકેટલાક નિર્દોષોના ઘાત કરી નાખ્યા હતા ? મારી શંકા વધે તે પહેલાં જ સાધુએ મને કહ્યું :
‘સાહેબ ! અમે સાધુઓ તમારો ખોરાક વાપરી શકીએ એમ નથી. ફળ અને વનસ્પતિનો સાત્ત્વિવક ખોરાક એ અમારો સાધુઓનો ખોરાક, તમે થાકેલા જણાઓ છો. તમને આ ફળફળાદિ બહુ અનુકૂળ ન લાગે તોપણ સ્વસ્થતાથી જમો અને પછી આરામ કરી જાઓ.'
મેં તેનો આભાર માન્યો અને પૂછ્યું :
'હું કોનો મહેમાન છું ?’
સાધુનું હસતું મુખ વધારે હસતું બન્યું. પરંતુ તેની આંખમાં ક્ષણભર આવી ગયેલો ચમકાર મેં જોયો. તે જોતાં જ મને લાગ્યું કે આ ભવ્યમૂર્તિ સાધુની આંખમાં કોઈ ભારે તોફાન સમાયેલું છે.
હસતાં હસતાં તેણે જવાબ આપ્યો :
'આપ મારા મહેમાન છો. આ મારો મઠ છે; અને ઈશ્વર ઇચ્છા અનુસાર ભૂલ્યાં ભટક્યાંનો અતિથિસત્કાર અમો કરી શકીએ છીએ. વિશેષ જાણવાની અત્યારે જિજ્ઞાસા ન રાખશો. ભોજન કરીને અહીં જ સૂઈ જાઓ.'
આટલું બોલી હાથ ઊંચા કરી મને આશિષ આપવાનો તેણે દેખાવ કર્યો. અને તુરત તે પાછો ફર્યો. દમામ ભરેલાં ડગલાં ભરતા આ વૃદ્ધને જોઈને મારું મન ચગડોળે ચઢ્યું. મેં આવેલા ફળફળાદિને પૂરતો ન્યાય આપ્યો, અને તે પછી પાથરેલા એક મોટા ખાટલા ઉપર હું પડ્યો.
ટાઢ તો હતી જ; એટલે સુંદર મશરૂની રજાઈ મેં ઓઢી અને ઊંઘવાનો પ્રયત્ન કર્યો. આજના સ્વપ્ન જેવા બનાવોના ખ્યાલે મારું મન અસ્થિર બનેલું જ હતું, અને શરીરને ઘણી જ જરૂર લાગ્યા છતાં ઊંઘ તો મને આવી જ નહિ. મેં કૈંક ઠગ આગેવાનો પકડ્યા હતા. તેમના સ્થાન ઉપર કૈંક હુમલાઓ લઈ ગયો હતો, પરંતુ આવી રીતે એકાંત સ્થળમાં હું એકલો કોઈ ઠગને મળ્યો ન હતો.
હું એકાદ ઘડી પડી રહ્યો હોઈશ, એટલામાં સહજ ખખડાટ થયો. જે દ્વારમાં થઈને હું આ ઓરડામાં આવ્યો હતો. તે દ્વાર ઊઘડ્યું, અને હું ચમક્યો. ઝાંખા દીવાના પ્રકાશમાં હું જોઈ શક્યો કે એક યુવકે ઓરડામાં પ્રવેશ કર્યો છે.
તેણે ઓરડામાં ફરવા માંડ્યું. મારા ખાટલા પાસે આવતાં મેં આંખો મીંચી લીધી. નિદ્રાવશ દેખાવાનો મેં પ્રયત્ન કર્યો. ઠગ લોકો ફાંસો નાખતા પહેલાં પોતાના ભોગને જાગ્રત કરતા હતા. તે હું જાણતો હતો. તત્કાળ અંદરથી દ્વાર ખૂલ્યું, અને મને વાઘથી બચાવી આ સ્થાને પહોંચાડનાર યુવકને મેં ઓરડામાં દાખલ થતો જોયો. તેના મુખની રેખાઓ સખ્ત બની ગઈ હતી અને નવા યુવકની સલામ ઝીલી ન ઝીલી અને તેણે તુરત કડકાઈથી પૂછ્યું :
'તમને મોકલવાની મેં ના પાડેલી હતી. શા માટે તમને મોકલ્યા ?’
નવા યુવકે સહજ નમનતાઈથી જવાબ વાળ્યો :
‘મને નાયકે આજ્ઞા આપી. એટલે હું ના કેમ પાડી શકું ?
યુવકનું મુખ વધારે સખત થયું. પરંતુ તેણે કાંઈ પણ બોલતાં પહેલાં મારા ખાટલા તરફ નજર નાખી અને નવા યુવકને કહ્યું :
‘અંદર આવો !’
જતે જતે નવીન યુવકે પૂછ્યું :
‘આ ગોરો કોણ છે ? એ ફિરંગીને ક્યારે ઝાલ્યો ?’ અને બારણું બંધ થયું. મને લાગ્યું કે મારો ભોગ ભવાનીને આપવાનો જ છે. ઠગ લોકોની જડ કાઢવા તૈયાર થયેલો હું જીવનની છેલ્લી ક્ષણો અનુભવી રહ્યો.
ઊંઘ તો આવી જ નહોતી, અને હવે આવવાનો સંભવ પણ રહ્યો નહોતો. મારી જિજ્ઞાસા અતિશય તીવ્ર થઈ અને પૂર્ણ નિરાશાને લીધે સાહસવૃત્તિ સતેજ થઈ. ઓરડામાં કોઈ જ નથી એવી ખાતરી કરીને હું ઊઠ્યો, અને જે દ્વારમાં થઈને એ બંને જણા ગયા હતા, તે દ્વાર મેં ઉઘાડવા માંડ્યું. તે સહેલાઈથી ઊઘડે એમ લાગ્યું નહિ. તેને આગળો, તાળું, નકૂચો, સંચ, એમાંથી શું છે તે શોધવાનો મેં આરંભ કર્યો.
મારી ખાતરી થઈ ગઈ હતી કે આ મકાન માત્ર સાધુનો મઠ ન હતું. એ કોઈ ભારે ખટપટની જગા હતી. અને જે મનુષ્યોની વચમાં હું આવી ચડ્યો હતો તે કોઈ સરલ સાધુ કે ગૃહસ્થો ન હતા, પણ કોઈ જબરજસ્ત કાવતરાના સૂત્રધારો હતા.
દીવો ઝાંખો બળતો હતો, તે મેં બિલકુલ બુઝાવી નાખ્યો. અંધકારમાં બારણું ખોલવાનું શરૂ કર્યું. બની શકે એટલું મેં જોર કર્યું, યુક્તિઓ કરી, પણ બારણું ખૂલ્યું નહિ. ચારે પાસ બારસાખ ઉપર હાથ ફેરવી જોયો તો જમણી બાજુએ એક ઝીણી ખીલીનું માથું હાથમાં આવ્યું. ખીલીને આમતેમ ખેંચી, ઊભી આડી હલાવી અને મને લાગ્યું કે બારણાની ચાવી આ જ છે. ખીલીને જમણી પાસે આડી ખેંચતાં બારણું ખૂલ્યું અને મેં અંદર પગ મૂક્યો. આ સ્થળે પણ સંપૂર્ણ અંધકાર હતો. દીવાલને અડી મેં આગળ વધવા માંડ્યું. વગર ખડખડાટે વચમાં આવતી વસ્તુઓને અડકીને પોતાનો માર્ગ કેમ કરવો એ સફાઈ માત્ર શિકારી કે ચોરને જ આવડે. ભીંતના ખૂણા પ્રમાણે હું વળતો જતો હતો. શા માટે આમ કરતો હતો. તેની મને ખબર ન હતી. મારી સાહસવૃત્તિનું પરિણામ મારા લાભમાં જ આવશે કે કેમ તેની પણ મને ખાતરી ન હતી. અત્યારે તો હું ઉદ્દેશ વગર આગળ વધ્યો. અંતે મારો આ અર્થ વગરનો પ્રયત્ન સફળ થયો હોય એમ મને લાગ્યું. દીવાલ ઉપર ઊંચાણમાં આકાશની સફેદી આછી આછી જોવામાં આવતાં મને લાગ્યું કે કોઈ નાનું જાળિયું તે જગાએ હશે. પ્રયત્ન કરી હું ઊંચે કૂધો, અને એક કૂદકે તે જાળિયું હાથમાં પકડી લીધું.
આ જાળિયું એક વિશાળ ચૉકમાં પડતું હતું અને ચૉકને મૂકીને એક મોટી ઓસરી આવેલી હતી. મને કોઈ દેખી શકે એમ નહોતું. અતિશય કષ્ટ લાગ્યા છતાં હું જાળી પકડીને અધ્ધર રહ્યો અને સામે નજર ઠેરાવી તો મારા આશ્ચર્યનો પાર ન રહ્યો.
એક યુરોપિયન કન્યા સામે બંને યુવકો બેઠેલા હતા. ! શું કૅપ્ટન પ્લેફૅરની આ દીકરી ? ઠગ લોકો જેને ઉપાડી ગયા હતા. તે છોકરી શું હજી જીવતી છે ? ઠગ લોકોનો આ છેલ્લો અત્યાચાર હતો, અને કૅપ્ટન પ્લેફૅરના જ તંબુમાંથી તેની દીકરી ગુમ થતાં થયેલો હાહાકાર હજી શમ્યો નહોતો. કૅપ્ટનની સ્થિતિ અતિશય દયાજનક બની ગઈ હતી; અને જે ઠગ લોકોએ તેમના ઉપર આવો ક્રૂર વિજય મેળવ્યો તેમને બદલે મને મૂકવામાં આવ્યે હજી થોડો જ સમય થયો હતો. છેવટે આટલે દિવસે છોકરીની ભાળ મળી ખરી ! તે જીવતી છે એમ જાણી હું રાજી થયો. મારા પુરોગામી અમલદારની પુત્રીને જીવતી શોધવાનું માન હું લઈ શકીશ કે કેમ ? એ ગૌરકન્યાની અહીં શી હાલત થઈ હશે ? તે મૃત્યુ પામી છે એવા સમાચાર શા માટે ફેલાયા કરતા હશે ? આવા આવા વિચારો ઉપરાઉપરી મને આવવા લાગ્યા. મારા પરિચિત યુવકની વાતે મારું ધ્યાન ખેંચ્યું. તેણે અન્ય યુવકને સંબોધીને કહ્યું :
‘હવે તમારી ખાતરી થઈ ?'
‘ખાતરી થાય કે ન થાય, પરંતુ તમારે તેને મોકલ્યા વિના છૂટકો નથી.' નવીન યુવકે કહ્યું.
‘મને બળજોરીથી કોઈ ફરજ પાડી શક્યું નથી. હું તો કોઈની મગદૂર જોતો નથી કે મેમસાહેબને તેમની ઇચ્છા વિરુદ્ધ મારી પાસેથી ખસેડી શકે.' યુવકે જવાબ આપ્યો.
‘આ સંદેશો તમે કોને પહોંચાડો છો તે ખબર છે ?'
‘મને પરવા નથી. જેને એ સંદેશો સાંભળવો હોય તે સાંભળે.' મારા પરિચિત યુવકે કહ્યું.
યુવતીનું માન રહ્યું હતું અને તેની ઇચ્છા સચવાતી હતી. એ જાણી મને સંતોષ થયો. હું મારા હાથને થતું દુઃખ વીસરી આ વાતચીત સાંભળવા એકચિત્ત બન્યો, અને અકસ્માત મારા પગ કોઈએ નીચેથી ખેંચ્યા. મેં પકડેલું જાળિયું મારા હાથમાંથી છૂટી ગયું. હું નીચે પડ્યો અને ભયંકર પરિણામો માટે તૈયાર થવા લાગ્યો. દુઃખ પ્રત્યક્ષ ખડું થાય ત્યારે તેનો ભય જતો રહે છે. મને ખાતરી થઈ કે આ પ્રસંગ સહેલો નથી. પરંતુ તે સાથે જ તે પ્રસંગને ઉચિત બળ અને કળ વાપરવા હું તત્પર થયો અને ઊઠવા લાગ્યો. હું ઊઠી શકું તે પહેલાં તો બે જબરજસ્ત મનુષ્યોએ મને નીચે નાખ્યો અને મારા બંને પગ ઉપર જબરજસ્ત ભાર લાગ્યો. ઠગ લોકો પોતાના ભોગને વીજળીની ઝડપે નીચે નાખી તેના પગ ઉપર ભાર દઈ તેના ગળાને રૂંધી નાખવાની ક્રિયા કરતા હતા. એ વર્ણનો મેં સાંભળ્યાં હતાં. ખરેખર, મારા જેવા સૈનિકને પણ આટલી ત્વરાથી માત કરવાની ચપળતા મેં તેમનામાં કલ્પી ન હતી. જોકે અનેક સૈનિકોને માર્યાના પુરાવા મારી પાસે હતા, છતાં ગોરા સૈનિકને હજી સુધી કોઈ ઠગે હાથ લગાડયો જાણ્યો ન હતો. તેમનો પહેલો ભોગ બનવાની મારી ઇચ્છા ન હતી. હું પ્રયત્નશીલ બનવા મથ્યો, પરંતુ હું બીજો પ્રયત્ન કરું તે પહેલાં તો એક લાંબું સુંવાળું કપડું મારા ગળાની આજુબાજુએ વીંટાયું અને મારા હોશકોશ ઊડી ગયા. હું તુરત સમજ્યો કે ફાંસિયાઓના પંજામાં હું સપડાયો છું. મેં જીવવાની આશા મૂકી દીધી. મારે ગળે વીંટાળેલા કપડામાંથી કોઈ મીઠી પરંતુ ઝેરી વાસ આવવા લાગી. મૃત્યુને કિનારે હું ઊભો હતો. મારે કંઠે શોષ પડ્યો. કપડું ગળે ખેંચાયું ન ખેંચાયું, અને હું બેભાન થઈ ગયો કે મૃત્યુ પામ્યો ?