← કેટલીક સ્પષ્ટતા ઠગ
માનવ કવિતા
રમણલાલ દેસાઈ
૧૯૩૮
મૂર્તિના ભેદ →


૨૮
 
માનવ કવિતા
 


સમરસિંહ અને આયેશા વચ્ચે થતી વાતચીતમાં એક બિના ઊકલી રહી હતી.

‘હું હિંદુ છું એ તો તને ખબર છે ને ?’ સમરસિંહે કહ્યું.

‘હજી આટલા સહવાસે તને એ વાત યાદ આવે છે ખરી ?' આયેશા બોલી.

‘તારા અંતિમ નિર્ણયમાં મારે સહાય આપવી જોઈએ. હિંદુ અને મુસ્લિમ સંસ્કારભેદ કદાચ જીવનમાં વિરોધ ઉપજાવે, નહિ ?’

‘એ ભૂત ઊભું કરીએ તો જુદી વાત. બાકી હિંદના હિંદુઓ અડધા મુસ્લિમ છે અને હિંદના મુસ્લિમો અડધા હિંદુ છે. મને વિરોધનો ભય નથી.'

‘આઝાદને તું અન્યાય નથી કરતી ?' જરા રહી સમરસિંહે કહ્યું.

‘જરા પણ નહિ.’

‘તારા પિતાની, તારા ભાઈની ઇચ્છાનો વિચાર કર. આઝાદે તારે માટે શું કર્યું છે તે યાદ કર. તું મારી સલાહ માનીશ તો આપણી સંસ્થા જીવતી રહેશે. તું નહિ માને તો કાલે આપણે બધા વીખરાઈ જઈશું. આજની છેલ્લી રાત છે.'

પિતા તો ગયા. ભાઈની મરજી મેં આજ સુધી જાળવી છે; ભવાનીને મારું બલિદાન આપવા તેઓ તૈયાર થયા ત્યારેય મેં તો મસ્તક ઝુકાવ્યું જ છે ! દેહને મારે તો ભલે. મન ઉપર મારીયે માલિકી નથી. આઝાદે મારે માટે શું કર્યું તે કહું? આખી બિરાદરી ઊલટાવી નાખી. નહિ તો આપણો પરાજય કેવો ? શા માટે આપણા બંધુઓ પકડાય અને ફાંસીએ ચડે ?'

'એમાં એનો શો દોષ ?'

‘શા માટે એ પ્રેમને ખાતર અવળા રસ્તા લે ? મારે ખાતર એણે જે જે કર્યું તે બધાનું તારે નિવારણ કરવું પડ્યું. અને મને બચાવવા તું બિરાદરીને વિખેરી નાંખે છે. એ દોષ કોનો ?'

‘તું એને ઓળખી શકી નથી.' ‘હું એને ઓળખી ગઈ છું. એ ગમે તે ભોગે મને મળવા તલપી રહે છે. એનો મને વિશ્વાસ નથી.'

‘એના સરખો પ્રેમી બીજો કોણ ? તારે માટે - તને પ્રસન્ન કરવા માટે એણે કેટકેટલાં કાર્યો કર્યાં તે તું જાણે છે. અલબત્ત, મેં એનાં કેટલાં કાર્યોને ફળીભૂત થવા ન દીધાં એ ખરું. મને એમાં ધર્મક્ષય લાગ્યો. છતાં હવે જ્યારે તે ફકીર થવા માગે છે ત્યારે...’

‘એને ફકીર થવા દે.'

‘નહિ. તું મને મેળવી શકીશ નહિ અને સાથે સાથે આઝાદને પણ ગુમાવીશ.'

‘તું તો મને મળ્યો જ છે...’

‘મારું વ્રત યાદ કર.'

‘તારું ગમે તેવું વ્રત હોય તોય તું મારો જ છે.'

‘હું આખા જગતનો બની જાઉ છું.’

‘મને મૂકીને નહિ. મને સાથમાં રાખીને.'

‘આયેશા ! આ ઘેલછા ક્યાં સુધી ચાલશે ?’

‘હું જીવીશ ત્યાં સુધી.'

‘ઋષિમુનિઓ ભૂલ્યા છે; તપશ્ચર્યાઓ ખંડિત થઈ છે. આપણે સાથે હોઈશું તો દેહ દેહને માગશે...’

‘ન ચાલ્યે દેહ આપવોયે પડે ! એ ભૂલ નહિ, તપશ્ચર્યાનું ખંડન નહિ, તપશ્ચર્યાનું એ આગળ પગલું.’

આ શબ્દોના ભાવ હું પૂરા સમજ્યો નહિ. ખ્રિસ્તીધર્મમાં પણ બ્રહ્મચારી અને બ્રહ્મચારિણીઓનું અસ્તિત્વ તો છે જ, પરંતુ બ્રહ્મચર્યભંગને તપશ્ચર્યાના એક આગળના પગલા તરીકે માનવા ભાગ્યે કોઈ તૈયાર થાય છે. સ્ત્રી-પુરુષના સંસર્ગને પાપ અને દુઃખના મૂળ તરીકે માનનાર ખ્રિસ્તીઓ હિંદવાસીઓના માનસનાં સૂક્ષ્મ સંચલન ભાગ્યે જ સમજી શકે. આ વિચિત્ર લાગતી ઉદારતા સાંભળી હું થોભી ગયો. મને કાંઈ નવો માર્ગ દેખાવા લાગ્યો. દેહની કોઈ પણ ચર્યામાં પાપ જોવું એમાં કશે ભૂલ થતી હોય એમ મને લાગ્યું. એટલામાં મને એથીયે વધારે ચમકાવનાર વાક્યો સંભળાયાં.

સમરસિંહે કહ્યું :

‘આપણે બાર વર્ષ છુટ્ટાં રહીએ. ગોરાઓ આપણને જીતી રહ્યા છે. એ ગોરાઓ હિંદી બની રહે તો આપણે તેમને ભેટીશું. એ ગોરાઓ માલિકીની તુમાખીમાં આપણને ગુલામ બનાવે તો આપણે આપણી બિરાદરી પાછી જાગ્રત કરીશું. તેમની ઠગાઈ પકડવા - તેમની ઠગાઈનો તોડ કાઢવા આપણી બિરાદરીને બહુ જુદી તૈયારી જોઈશે. કદાચ છૂપી ઠગવિધા આપણે છોડી પણ દઈએ !’

‘પછી ?’ આયેશાએ પૂછ્યું.

‘બાર વર્ષના તપ પછી પાછાં મળીશું અને વિચાર કરીશું - જો એટલામાં તું આઝાદને ફકીર બનતો અટકાવી તેને ગૃહસ્થ બનાવી શકી ન હોઉં તો !'

‘જો, સમરસિંહ ! હું તને છુટ્ટો રાખવા માગું છું. મારી હાજરી પણ તને અણગમતી હોય તો આ ક્ષણે જ હું તારી દૃષ્ટિથી દૂર થઈ જાઉં છું.’

‘આયેશા ! આમ રીસ ના કરીશ.’

'રીસ નથી કરતી. તારો આદર્શ બહુ ઊંચો છે. મારી હાજરી, તને નીચે પાડે એવો તને ભય છે. તારે ખાતર - તને સુખી કરવા ખાતર - તારાથી સદાય અદ્રશ્ય થવા માગું છું.’

‘આયેશા ! મારા હૃદયમાંથી તું નહિ જાય.' જરા રહી સમરસિંહે કહ્યું.

‘તારી આંખથી દૂર થઈશ એટલે બસ ને ?’ હસીને આયેશા બોલી. પોતાને હૃદયમાં રાખનાર આંખથી દૂર કરવા હિંમત કરે એ પ્રયત્નમાં રહેલી નિષ્ફળતાને જાણે તે હસતી ન હોય !

‘હૃદય અને આંખ બહુ દૂર લાગતાં નથી.' વિચાર કરતા સમરસિંહે કહ્યું.

‘બંનેને આપણે દૂર કરીશું.’

'શી રીતે ?'

‘મારી એક અંતિમ માગણી સ્વીકાર; પછી હું કદી તારા જીવનપથમાં દેખાઈશ નહિ.’

હું ચમક્યો. દિલાવર પણ જરા હાલ્યો હોય એમ લાગ્યું. જીવનભર પ્રેમી રહેવા સર્જાયેલાં યુગલો આમ કોઈ આદર્શ ખાતર છુટ્ટાં પડે ત્યારે તેઓ શું માગે ? છેલ્લું ચુંબન ? છેલ્લું આલિંગન ? છેલ્લી પ્રેમતૃપ્તિ ?

મને સહજ કમકમી આવી. ચુંબન અને આલિંગન સુધી પ્રેમ પ્રતિષ્ઠિત રહી શકે. ચુંબન અને આલિંગનમાં પ્રેમ શોભી શકે છે. એથી આગળ વધતાં... મને કમકમી ફરી વાર આવી. દેહસંસર્ગના સ્વાભાવિક માર્ગને શા માટે જનતા બીભત્સ માને છે ? દલીલ તરીકે આગળ આવતા એ પ્રશ્ન પ્રત્યે મને સહાનુભૂતિ હોવા છતાં મને ભય લાગ્યો કે આયેશાની માગણી અપ્રતિષ્ઠિત તો નહિ બને ? સ્ત્રીને પણ અતિ ઉગ્ર આવેગની ક્ષણો આવે છે.

‘કેમ, બહુ વિચારમાં પડ્યો ?' આયેશાએ શાંત બની ગયેલા સમરસિંહને પૂછ્યું.

‘તારો ભય લાગે છે.'

‘પહેલી જ વાર ?’

‘ના. તને પ્રથમ મળ્યો ત્યારથી આ ક્ષણ સુધી તારો ભય લાગ્યા જ કરે છે.'

'કારણ ? હું ભયપ્રદ છું ?'

‘શક્તિ સદાય ભયપ્રદ છે : તે સુંદર હોય છતાં.’

‘અને જેમ વધારે સુંદર તેમ વધારે ભયપ્રદ, નહિ ?’

'હં'

‘તો હું સુંદર છું, ખરું ?’

‘સૌન્દર્યની પ્રતિમા.’

‘અમે મુસ્લિમો પ્રતિમાને પૂજતા નથી એ તું જાણે છે ને ?’

‘હા. માત્ર ભવાનીની મૂર્તિ સિવાય.'

‘બધાય ભવાનીને નથી પૂજતા.'

'અમે મૂર્તિઓ ભાંગીએ તે તું જાણે છે ને ?'

‘બધાય નહિ. કેટલાક.'

‘હું આજ મૂર્તિભંજક બનીશ.’

‘એટલે ? તું વિચિત્ર વાતો કરે છે.’

‘મને સૌન્દયની પ્રતિમા કહે છે, નહિ ?’

'જરૂર'

'ત્યારે જો, પ્રતિમાને હું તોડી નાખું છું !’

એકાએક આછા અજવાળામાં વીજળી ચમકી હોય એવી કોઈ તેજફણા ચમકી. પરંતુ ચમકતા બરોબર તે ઊંચે ઊડી અને પથ્થર ઉપર ખણખણ કરતી પડી. તેજ આવું ઘન હોય ? એકાએક મને ખ્યાલ આવ્યો. કોઈ નાનકડી કટાર સરખું હથિયાર ટેકરા ઉપર પડયું હોવું જોઈએ.

‘શી મૂર્ખાઈ કરે છે ? હું તને આમ મરવા દઈશ ?’ સમરસિંહે કહ્યું. આયેશા ખડખડાટ હસી. કદાચ તેનું હાસ્ય પર્વતગૃહ સુધી પણ સંભળાયું હોય. આયેશા આત્મઘાત કરતી હતી ? ‘પ્રતિમા ભાંગવી હોય તો શું કરવું ?' હસતે હસતે આયેશા બોલી. હાસ્ય અને શબ્દપડઘા ઓસરી ગયા, અને વળી પાછી શાંતિ પ્રસરી રહી. એ શાંતિને ઓથે શું રહ્યું હશે તેની કલ્પના કરતો હું જમીન સાથે જડાઈ ગયો.

‘મારે મરવું ન હતું; માત્ર તારો ભય દૂર કરવો હતો.' આયેશાએ કહ્યું.

'એટલે ?'

‘હૃદય અને આંખને દૂર કરવાનો પ્રયોગ કરીને.'

‘હવે કશા પ્રયોગ કરીશ નહિ.’

'પણ મારી માગણી ?'

‘તારી બધી જ માગણી હું માન્ય રાખું છું.’

‘એમ ? સાચું કહે છે ?'

'હા.'

‘હમણાં તો બીતો હતો, હવે કેમ આામ ?'

‘મને તારો ભય તો રહ્યો જ છે. પ્રતિમાખંડનનું રહસ્ય હું સમજ્યો.'

‘શું ?'

‘કહેવાની જરૂર નથી. પ્રતિમાથી આગળ જઈ શકાય છે. પ્રતિમા હોય કે ભાંગે તે પ્રત્યે હું ઉદાસીન છું.’

‘તું તો ઉદાસીન જ રહ્યો. મારી લાગણી સાંભળ.'

‘કહે.’

‘આસપાસ કોઈ હશે તો ?'

‘પકડાવાની બીકે નીતિમાન રહેતા માનવીઓનું ભીરુપણું હું છોડવા માગું છું.’

‘બહુ સારું. હું પણ એ જ માગું છું. જો, મારી માગણી એટલે સમગ્રજીવનનો પ્રશ્ન. એનું પરિણામ મૃત્યુ સુધી.'

'ઠીક. માગી લે.’

મને લાગ્યું કે બે પ્રેમીઓ પરસ્પર નજીક આવશે. સમરસિંહ બ્રહ્મચર્ય બાજુએ મૂકશે અને ઠગજીવનમાં રમાયેલી અનેક રમતમાં એક સુંદર માનવરમતનો ઉમેરો થશે ! કદાચ બંને પોતપોતાનો ધર્મ સાચવીપાળી પતિપત્ની બની જશે !

પરંતુ માગણી બહુ વિચિત્ર નીકળી.

‘જો, આ બે પ્યાલા હું લાવી છું. એક પ્યાલામાં શરબત, તને પાઉ અને બીજા પ્યાલામાં તું મને શરબત, પા. બસ, એથી વધારે કાંઈ નહિ. એમાં તો હવે ભય નથી ને ?’ આયેશા બોલી.

‘મને કશી જ હરકત નથી.’

‘તું હિંદુ મટી તો નહિ જાય ?’

‘હું એવો હિંદુ નથી કે મુસ્લિમના હાથનું પાણી પીતાં વટલાઈ જાઉં.’

‘લે, આ તારા હાથમાં. હું આ પ્યાલો મારા હાથમાં રાખું છું. પહેલો તને પાઉં. પછી તું મને પા.'

‘આપણે સાથે જ એકબીજાને પાઈએ.’

‘નહિ ફાવે. છતાં જેવી તારી મરજી. લે.’

‘તું મને પા અને હું તને પાઉં, ખરું ?

'હા. સમજ ન પડી ?'

‘આપણે આપણા હાથના જ પ્યાલા પી લઈએ તો ?'

‘એવી શરત નથી.'

‘અડધા અડધા...'

‘ટીપું પણ નહિ. હું કહું તેમ કર.’

‘મારા હાથનો પ્યાલો હું જ પી જઈશ...’

‘અરે.. અરે.. નહિ ?’ આયેશાની ચીસ સંભળાઈ અને કાચનો પ્યાલો પથ્થર પર પડી ફૂટી ગયો.

‘ચાલ, હવે આપણે બંને એક જ ધ્યાલામાંનો શરબત ચાખીએ.' સમરસિંહનો હસતો અવાજ સંભળાયો.

‘આ તે શું કર્યું ? મારી બાજી ધૂળમાં મેળવી.'

‘કટારથી ન મરાય તો ઝેરથી મરવાનો લાગ શોધ્યો ! અને તે મારે હાથે !’

‘મૃત્યુ પણ પ્રેમીનો હાથ બનીને આવે તો મને ગમે.'

એકાએક કોઈ તંતુવાદ્ય ઝીણો રણકાર કરી ઊઠ્યું. માનવહૃદયના ભાવ ઝીણા હોય છે છતાં આખી માનવજાતને એ ભાવ દોરે છે. કોઈ એવો જ ભાવ સૂરમાં સ્વરૂપ ધારણ કરતો હતો. પ્રથમના આછા રણકારે જાણે આકાશમાં તારા હાલી ગયા હોય એમ મને લાગ્યું, પછી એ રણકારમાં રુદનના પ્રલંબ પડઘા મને સંભળાયા. એટલામાં એક સૂરથી બીજા સૂર સુધીના સઘળા સ્વર ટુકડાઓને એક જ તંતુએ પરોવતી મીંડમાં હૃદયના ભાવની વધતી ઘટતી સામસામી આવી જતી તીવ્રતા મેં અનુભવી. વાદ્યની ઝડપ ધીમે ધીમે વધવા લાગી. વાદ્ય જાણે કાંઈ વાત કરતું ન હોય ! ઝણઝણાટભર્યું, એની કોમળ ખેંચ ઉપજાવતું, વિવિધતા છતાં કોઈ એક જ ઢબના તાલની - અરે સૂરની પણ - આજુબાજુ હાલતું, દોડતું, નાચતું આખું સૂરમંડલ પોતાના આંદોલનોને વિસ્તાર આપ્યા કરતું હતું. હું અને દિલાવર તો સ્વાભાવિક રીતે શાંત જ હતા. પરંતુ મૃત્યુનાં ઊંડાણ અને પ્રેમના શિખરો વચ્ચે ઝૂલી રહેલાં સમરસિંહ અને આયેશા પણ શાંત બની બેસી રહ્યાં હતા.

સૂરનાં આંદોલનો હોય છે એ હું જાણું છું; એ આંદોલનો મનને અસર કરે છે એ પણ હું જાણું છું, પરંતુ મનના સઘળા ભાવોને એકત્ર કરી એકાગ્ર બનાવી સૂરને આધીન બનાવી દે એ મેં અત્યારે જ અનુભવ્યું. હું હિંદી સંગીત સમજતો નહિ. આ પ્રસંગ પછી તે સમજવા મેં પ્રયત્ન કર્યો પણ હતો. છતાં મારા અશિક્ષિત માનસને આ વાદ્યે જે પરાધીનતા અર્પી તેવી પરાધીનતા - કહો કે એકાગ્રતા મેં કદી અનુભવી ન હતી. સુરાવલી જાણે સૂરજાળ રચી આખી સૃષ્ટિને - માનવસૃષ્ટિ સુધ્ધાં - પોતાના આવરણમાં ઢાંકી ન દેતી હોય !

કેટલી વાર સુધી આ સૂરજાદુ ચાલ્યો એ સમજ ન પડી. માનવ હૃદયના બધા ભાવને જગાડી એકત્ર કરી અંતે કોઈ વિચિત્ર શાંત મૂર્છામાં નાખતું આ વાદ્ય પડઘા પાડતું ક્યારે અટક્યું તે પણ સમજાયું નહિ. પૂર્વાકાશમાં રંગના ઢગલા થયે જતા હતા; સૂરનો અર્ક તો ત્યાં નહિ રેડાતો હોય ? સમરસિંહનો અવાજ સાંભળી હું જાગ્રત થયો અને સમજ્યો કે વાદ્ય બંધ થયું છે.

‘આઝાદ ! એક માગણી છે.' સમરસિંહે કહ્યું.

'શી ?'

‘મારી ચિતા સળગે અને ઠંડી થાય ત્યાં સુધી બીન વગાડવાનું વચન આપ, શી અદ્દભુત કળા !’

આઝાદ અમારી માફક ટેકરાને એક ખૂણે બેસી સમરસિંહ અને આયેશાની વાતચીત સાંભળતો હતો.

‘તમે બંને આબે હયાત પામો ! ચિતા કે કબર તમને ન હોય.' આઝાદે કહ્યું.

હું પણ ઊભો થયો. પ્રભાતની ઝાંખી રોશનીમાં હું દેખાયો.

‘સાહેબ તમે ક્યાંથી ?’ સમરસિંહે કહ્યું.

‘હું દિલાવર સાથે તમને શોધવા આવ્યો હતો.’ મેં કહ્યું.

‘મને ? હું સલામત છું - આયેશા સાથે.' સૂર્યોદય થયો ત્યાં સુધી અમે બધાં જ એ ટેકરા ઉપર બેસી રહ્યાં. કશી ચોક્કસ વાત અમે કરી શકતાં ન હતાં. સમરસિંહ અને આયેશાનો આત્મભોગથી ઝળકતો પ્રેમ અને એ પ્રેમને સુરાવલિમાં આકાર આપતું આઝાદનું વાદ્ય જીવનભર ભૂલી શક્યો નથી, તો તે સમયે તો હું એનો નશો કેમ વીસર્યો હોઈશ ?