← ચમકાવતી સાબિતી ઠગ
મૂંઝવણ
રમણલાલ દેસાઈ
૧૯૩૮
અણધારી હાર →




 
મૂંઝવણ
 


‘સંભવિત છે.’ તેણે જવાબ આપ્યો. 'પરંતુ આપ આવતી કાલ સુધીમાં જો આ છાવણી અહીંથી ઉઠાવી નહિ લ્યો તો જે પરિણામ આવશે તે એટલું જ ભયંકર બનશે.’

‘પણ મારે તેનું કારણ જાણવું જોઈએ. ફક્ત તમે કહો એટલા ઉપરથી હું આવી સારી જગા છોડી શકીશ નહિ. યુદ્ધનો મને પણ અનુભવ છે. ઠગ લોકોને આ જગ્યાએ રહીને કાબૂમાં લાવી શકાય એમ છે.' મેં કહ્યું.

‘ભલે, આપની ઇચ્છા. હું હવે જઈશ. મારી સલાહ માનવી ન માનવી એ તમારી મરજીની વાત છે. માત્ર એક મારી માગણી છે : હું તમારો અંગત મિત્ર છું એ વાત કદી ભૂલશો નહિ.’ આમ કહી તે ઊભો થયો. તેની નજીકમાં બેઠેલા ‘રાજુલે' પણ ઊભા થઈ આગળ ચાલવાનું શરૂ કર્યું. આટલું બધું સૌંદર્ય, આટલી બધી સરળતા ! અને સાથે સાથે ભયંકર ભેદીપણું ! આ બાળક જેવા લાગતા યુવકમાં એ સર્વ શી રીતે સમાયું હશે? તેને મારી સાથે શો સ્વાર્થ કે સંબંધ હશે કે જેથી તે મારો મિત્ર થવા માગે છે?

આ વિચારો તેને તંબુમાંથી વિદાય કરતાં કરતાં મને આવી ગયા. મેં તેને જતે જતે ખાતરી આપી કે તેણે મને પણ પોતાનો મિત્ર સમજવો. - જોકે સાથે સાથે મેં એ પણ કહ્યું કે ફરજ અદા કરવામાં મિત્રાચારીનો પણ ભોગ આપવો જોઈએ. નિર્ભયતાની મૂર્તિ સરખો તે વગર સંકોચે મારી છાવણીમાંથી બહાર જઈ રાતના અંધકારમાં અદૃશ્ય થયો.

આટલેથી મારું મન માને એમ નહોતું. આ યુવકને આમ ને આમ જવા તો ન જ દેવો જોઈએ એમ મને લાગ્યું. એના સંબંધમાં ચોક્કસ બાતમી મેળવવી જ જોઈએ એ વિચાર મને પીડવા લાગ્યો. મેં બૂમ મારીને મારા એક વિશ્વાસુ અંગરક્ષક દિલાવરને બોલાવ્યો.

દિલાવરને એક અત્યંત બહાદુર અને યુક્તિબાજ સૈનિક તરીકે હું જાણતો હતો. પ્રાણાન્તે પણ તે પોતાનું કામ પાર પાડશે એવો મને તેના ઉપર વિશ્વાસ હતો. દિલાવર આવી મારી પાસે સલામ કરી ઊભો રહ્યો. ‘દિલાવર ?’ મેં કહ્યું, ‘મારી પાસે હમણાં એક ભયંકર માણસ આવી ગયો. તું જાણે છે ?’

‘જી, હા.' તેણે જવાબ આપ્યો અને ઉમેર્યું : ‘મને લાગ્યું કે તે બાતમીદાર છે.'

‘તારી ધારણા ખરી છે.' મેં ભેદ ન ખોલતાં જણાવ્યું. ‘છતાં મને તે બાતમીદાર ભયંકર લાગે છે. તું એની પાછળ દોડ, અને એની હિલચાલ ઉપર નજર રાખ. વખતોવખત મને ખબર કરતો રહેજે. જલદી જા, નહિ તો તેનો પત્તો લાગવો મુશ્કેલ છે.'

‘જેવી હજૂરની મરજી !’ કહી સલામ કરી દિલાવર દોડ્યો, અને અંધકારમાં તે પણ ગુમ થયો.

હું સૂતો. પરંતુ મને યુવકનાં જ સ્વપ્ન આવ્યાં કર્યા. સવારમાં હું મોડો ઊઠ્યો. ગવર્નર જનરલ તરફ મેં એક ગોળ ગોળ નિવેદન મોકલ્યું અને તેમાં જણાવ્યું કે મિસ પ્લેફૅર સંબંધી ચોક્કસ બાતમી મળી છે અને તે જીવે છે; ઉપરાંત ‘ચંદ્રિકા’ હીરો ચોરાયેલો તે પણ મારા જોવામાં આવ્યો છે, અને તે મેળવવાની તૈયારીમાં જ અમે બધા છીએ. એ હકીકત લખી કાગળ રવાના કર્યો.

બપોર થતાં અમારી છાવણીમાં એકાએક ગભરાટ છવાઈ રહ્યો. સૈનિકો આમતેમ જવા લાગ્યા. સહુના મોં ઉપર મેં વ્યાકુળતા જોઈ. એટલામાં જ મારા મદદનીશે દોડતાં આવી મને જણાવ્યું કે ખજાનો લૂંટાઈ ગયો હતો.

આજે સરકારી ખજાનો આવવાની રાહ જોવાતી હતી. અમારી પાસેના પૈસા ખૂટી ગયા હતા; એટલે રીત મુજબ આખા લશ્કરને પગાર અને ખોરાકી મળે એ માટે લગભગ ત્રણ લાખની રકમ અમારા તરફ આવવાની હતી.

હું એકદમ ઊભો થઈ ગયો. 'શું કહો છો ?' મેં ઉશ્કેરાઈને પૂછ્યું. ‘આપણાથી આપણો પૈસો પણ સચવાતો નથી, તો હવે લશ્કરો ઊભાં કરી રૈયતને ઠગના ત્રાસમાં છોડાવવાનો ડોળ કરવો મૂકી દેવો જોઈએ !’

મારો મદદનીશ બોલ્યા વગર ઊભો રહ્યો. ઠપકો સહન કરવાની તૈયારી કરીને જ તે આવ્યો હતો. ખજાનો ક્યાં લૂંટાયો, કોણે લૂંટ્યો, વગેરે પ્રશ્નો મેં કરવા માંડ્યા. તેણે જવાબ આપ્યો :

‘ખજાના ઉપરના પહેરાનો નાયક બહાર ઊભો છે. તે ખબર લાવ્યો. મેં બીજી હકીકત પૂછી જ નથી. કહો તો અંદર બોલાવું.’ મેં નાયકને અંદર બોલાવવા કરતાં તંબુની બહાર જવાનું પસંદ કર્યું. હું તથા મારો મદદનીશ બંને બહાર ગયા. નાયક ઊભેલો જ હતો. તેણે લશ્કરી ઢબે મને સલામ કરી. હું ચિડાયો.

‘નાયક ! તમે આ ખબર લાવ્યા ?' મેં બૂમ મારી પૂછ્યું. તેણે શરમમાં ડોકું નીચું નમાવ્યું.

‘તમને હથિયાર આપ્યાં છે તે વાપરવા માટે આપ્યાં છે, એ તો ખબર છે ને ?' મેં ટોણો માર્યો.

‘હજૂરને હથિયાર વાપર્યાની હું ખાતરી આપી શકું એમ છું.' તેણે જવાબ આપ્યો. તેના શરીરમાં લોહી વહેતું હતું, માથામાં પડેલો ઘા દેખી શકાતો હતો અને તેનાં કપડાં રુધિરથી ભીનાં થયેલાં હું જોઈ શકતો હતો. આવા બહાદુર સિપાઈને ઠપકો આપવો એ તેને અન્યાય કરવા જેવું મને લાગ્યું.

તેને સારવારની વધારે જરૂર હતી. મેં કહ્યું : ‘ચાલો, જે થયું એ ખરું. એ લોકોને ઠેકાણે લાવવા પડશે. ક્યાં આગળ તમે લૂંટાયા ? અને કોણે લૂંટ્યા ?'

‘હજૂર ! બહુ નજદીકમાં જ લૂંટ થઈ. અહીંથી અડધો ગાઉ પણ નહિ હોય. લૂંટારાઓને તો હું ઓળખી શક્યો નહિ, પરંતુ પચાસેક માણસો હથિયારબંધ હતાં.' તેણે જવાબ આપ્યો.

મેં એકદમ રણશિંગડું ફૂંકાવરાવ્યું, નાયકને સારવાર માટે મોકલી દીધો, અને લશ્કરને તૈયાર કરી ચારેપાસ ફરી દુશમનોનો અને ખજાનાનો એકદમ પત્તો મેળવવા હુકમ આપી દીધો. લશ્કરીઓમાંથી કેટલાક જમ્યા હતા અને કેટલાક જમતા હતા. તે સર્વ પોતપોતાની ટુકડીઓમાં ભેળવાઈ ગયા અને પા કલાકમાં આખું લશકર તૈયાર થઈ ઊભું.

મેં મોટે અવાજે જણાવ્યું :

“આજ તમારી નજીકમાં જ બદમાશોએ તમારો ખોરાક ઝુંટવી લીધો છે. એ બદમાશો નજીકમાં જ છે એટલે તમે બહાદુરી બતાવશો તો રાત પહેલાં તેમને પકડી સજાએ પહોંચાડી શકશો. કંપની સરકારનું લશ્કર કદી પાછું પડતું નથી. જો ખાલી હાથે આવશો તો તમે સરકારના હથિયાર પકડવા લાયક રહ્યા નથી એમ માની તમને સઘળાને હું ખેતી અને મજૂરી કરવા પોતપોતાને ઘેર મોકલી દઈશ.’

આટલું કહી છાવણીમાં રક્ષણ માટે થોડાક સૈનિકો રાખી આખા લશ્કરને મેં આજ્ઞા આપી. ચારે બાજુએ યુક્તિસર કેમ વેરાઈ જવું અને અમુક અમુક જગાઓ કેમ તપાસવી, એ સંબંધમાં ખાસ કાળજીભરી સૂચના કરી લશ્કરને આગળ વધવાનો હુકમ આપ્યો.

આ હુકમ આપતાંની સાથે મારા તંબુમાંથી ખડખડાટ હસવાનો અવાજ મારે કાને પડ્યો. મેં ચોંકીને અંદર જોયું તો પેલા યુવકનું હસતું મોં મારી નજરે પડ્યું. મારો શ્વાસ રૂંધાઈ ગયો.

‘શું આ યુવક કોઈ ભૂતપ્રેત તો નથી ? એકદમ મને વિચાર થઈ આવ્યો. મેં આગળ વધતા લશ્કર તરફ નજર ફેરવી. હુકમ મુજબ તે છાવણીની બહાર ધસતું હતું. નજર પાછી અંદર કરી તો તંબુમાં કોઈ જ નહોતું, મને લાગ્યું કે મેં યુવકને જોયો એ મારી ભ્રમણા જ હતી. હું તંબુમાં ગયો. એકએક ખૂણો મેં તપાસ્યો. તંબુ ખાલી જ હતો. હું મારા પલંગ ઉપર પડ્યો અને ખજાનો લૂંટાયાનો અફસોસ કરવા લાગ્યો.