તુલસી-ક્યારો/અણનમ
← સિદ્ધાંતને બેવફા | તુલસી-ક્યારો અણનમ ઝવેરચંદ મેઘાણી |
ઘાએ ચડાવેલી → |
આ પ્રકરણને આપ અહીં સાંભળી પણ શકો છો. |
ચાલી નીકળેલા ભાસ્કરનું છેલ્લું સફેદ ટપકું અદૃશ્ય થયું તે પછી પણ વીરસુત બંગલાના ચોગાનમાં ઊભો હતો. એના દિલમાંથી સુખનું ચકલું ઊડી જઇ ને બહાર નીકરી ગયું હતું. ભાસ્કર જે કહી ગયો તે વાત એને ખોટી કે બનાવટી નહોતી લાગી. સાચી લાગી માટે જ એના મનમાં સંતાપ ઊપડ્યો. ભાસ્કર આવો સારો માણસ બની ગયો તે એનાથી સહન ન થયું. ભાસ્કર દુષ્ટ અને ખલ રહ્યો હોત તો એ રાજી થાત.
ને ભાસ્કરમાં આ સુજનતા પ્રગટવાનું નિમિત્ત કોણ બન્યું હતું ? ભદ્રા ભાભી ? ભદ્રાની પવિત્રતા વિષે આટલું અભિમાન કરવાનો હક્ક ભાસ્કરને ક્યાંથી મળ્યો?
ભાસ્કર કહી ગયો કે પોતે અહીં આવતો હતો. ક્યારે ? કેટલી વાર ? કેવો પરિચય બાંધ્યો હશે ? ભદ્રાના સ્ત્રીત્વનો ગર્વ કરવાની જાહેર હિંમત એ ત્રાહિત, એ દુર્જન કરી જ કેમ શકે ?
વીરસુતના મનમાં ઇર્ષ્યાએ વાસો કરી લીધો. પોતાના સંસારસુખ પર ફરી વાર દુશ્મનના હાથનો પંજો પડ્યો છે, પોતાના નવા બાંધેલા માળામાં ફરી વાર જૂનો સાપ પ્રવેશી ગયો છે, એવા દિલડંખ અનુભવતો એ ઘરમાં પેઠો. એ જાણતો હતો કે પોતાનો ને ભદ્રાનો સંબંધ બહારની દુનિયામાં ચકચારનો વિષય થઇ પડ્યો હતો, પોતે એ પણ સમજતો હતો કે પોતે જે માટીનો બનેલો હતો તે માટી નબળી હતી. ભદ્રા એ જો સહેજ નબળાઇ બતાવી હોત અને સિવિલ મેરેજનાં બંધનોથી પોતે ન બંધાઇ બેઠો હોત તો પોતે ભદ્રા સાથે લગ્ન પણ કરી બેસત તેવી એના અંતરની કામનાને એ નહોતો ઓળખતો એમ કાંઈ થોડું હતું ! પોતાની કમજોરી શંકાને પાત્ર બની હતી તેનો તેને અફસોસ નહોતો. પણ પોતાનો ગર્વ ફક્ત એક જ હતો કે ભદ્રાની શક્તિ અપરાજીત હતી.એવી અજીત નારીની અણઝંખવાયેલી નિર્મળતા પર લોકો સંદેહ લાવતા ત્યારે એને આનંદ થતો. કેમકે એ દુનિયાની તુચ્છતા, પામરતા, ક્ષુદ્રતાની ખદબદતી ખાઇ વચ્ચે એક અણડૂબ કાળમીંઢ ખડક પર ઊભા હોવાનો પોતાના અંતરમાં આનંદ હતો. આ ગુપ્ત આનંદ અને છાનો ગર્વ જ એની એક માત્ર જીવન સંપત્તિ રહી હતી. એ સંપત્તિમાં આજે કોઇ ચોર પડ્યો એમ એને લાગ્યું. એ ખડક ખળભળ્યો હોય એમ એને લાગ્યું. એ કરતાં તો વધુ એને એ વાત લાગી કે પોતે એકલો જે ખડક પર ઊભો હતો ત્યાં બીજો પણ એક માણસ ચડી ગયો ને ડૂબતો બચી ગયો.
કપડાં બદલાવી અને હાથપગ મોં ધોઈ વીરસુત પાછલી પરશાળમાં જઇ હિંડોળે બેઠો બેઠો આ વેદનામાં બળબળતો હતો ત્યારે એ રસોડાની બાજુએ વારેવારે કાન સ્થિર કરતો હતો. રસોડામાં સ્ટવ ચાલતો હતો. તેના અવાજ ઉપર ભદ્રાના બોલ સ્પષ્ટ અને સાફ છપાતા હતા. સ્ટવના ધમધમાટ પાસે બોલતી એ યમુના ને ભદ્રા બન્ને નિઃસંકોચ હતી કારણકે પોતાનું બોલ્યું ત્રીજું કોઈ નથી સાંભળી શકતું એવી સ્ટવ પાસે બેઠેલાં લોકોની ભ્રમણા હોય છે. એથી ઊલટું સ્ટવ પાસે બોલાતા શબ્દો ઘરની બીજી જગ્યાઓમાં ચોખ્ખા ફૂલ જેવા પહોંચતા હોય છે. ભાભીના મન પર ભાસ્કરની વાતો એ કેવી અસર પહોંચાડી છે તે જાણવા વીરસુત થનગની ઊઠ્યો. પણ ભદ્રાએ યમુના પાસે કરેલી વાતોમાં એ વિષે શબ્દ પણ ન પડ્યો.
ભદ્રા યમુના જોડે રોજની ખુશમિજાજી રાખીને તડાકા મારતી હતી. વચ્ચે વચ્ચે એનું હસવું કોઈ એકાકી ઊડી જતી ફૂલચકલીના ફરફરાટ જેવું રૂપ ધરી રહ્યું.
ભાભીને ક્ષોભ નહિ થયો હોય ? હુ એને ને ભાસ્કરને માટે કોણ જાણે શું યે ધારી બેઠો હોઇશ એમ નહિ ભય લાગ્યો હોય ? મને શંકામુક્ત કરવા કેમ હજી આવ્યાં નહિ હોય ? શાક દાળમાં મીઠું વધુ ઓછું થયું હોય તો યે દયામણું મોં કરીને ખુલાસો આપવા ઊભી રહેનાર ભાભી આ બનાવ પરત્વે કાં બેતમા ?
વિચારે વિચારે વીરસુતના પગ હેઠળથી પૃથ્વી સરતી ગઇ. હિંડોળાનાં કડાં હવામાં જડેલાં ભાસ્યાં
ભદ્રા આવી - કોફી ને શાક પુરીઓની થાળી લઇને. એને દેખી વીરસુત સ્વસ્થ બન્યો. ભદ્રા વાત કાઢે તો તેનો શો જવાબ દેવો તે પોતે મનમાં ગોઠવવા લાગ્યો. મનને પોતે ભલામણ કરતો હતો : ભાભી પ્રત્યે ઉદાર અને અશંકિત બનજે. ગમે તેમ પણ હજુ એ બાપડાંની ઉમ્મર કેટલીક ? ભાસ્કર સરીખા પાજી લોકો એને ભોળવવા પહોંચી જાય એમાં નવાઈ શી ?
પણ ભદ્રાની તે રાતની અક્કડાઈ અણનમ જ રહી. રોજના ક્રમ પ્રમાણે એણે મેજ લાવીને હિંડોળા પાસે મૂક્યું, ઉપર પાથરણું બિછાવી થાળી મૂકી. પાણીનો લોટો પવાલું પણ રોજ મુરાદાબાદી બનાવટનાં જ પોતે જે મૂકતી તે જ મૂક્યાં. ને દિયરના શાકમાં લીંબુની ફાડ પણ પોતે જ નીચોવી. પછી પોતે ઓરડાનાં બારણાં પાસે આસનીઉં પાથરીને રોજની અદાથી વીરસુતની સામે બેઠે બેઠી દેર માટે પાનપટ્ટી બનાવતી રહી. બેઠે બેઠે એણે ચોખાની કમોદ મંગાવવાથી માડીને 'તમે કાલે વીશ કેરી ખાધી હતી ને આજે પંદર ખાવ છો એમ કેમ ચાલે !' ત્યાં સુધીની વાતો કરી. પણ કંચનના કે ભાસ્કરના બની ગયેલા પ્રસંગો વિષે એણે ધરાર હોઠ સીવી રાખ્યા.
તૈયાર કરી રાખેલી પાનપટ્ટી અને ચૂરો કરી રાખેલ સોપારી એણે ખાઈ રહેલા દેરને હંમેશની અદાથી રૂપાની રકાબીમાં પીરસી લીધાં. હાથ લૂછેલો નેપકીન ઠેકાણે મૂક્યો, માટલીમાં પાણી નવું ભરેલું છે કે કેમ તે પણ તપાસી લીધું ને પોતે થાળી લોટો ઉપાડીને પાછી જવા લાગી. ત્યાં સુધી વીરસુતે આશા છોડી નહોતી. પણ ભોજાઇ ચાલતાં થયાં ત્યારે એની ધીરજ ન રહી શકી. એણે ધીરેધીરે વિષયની પ્રસ્તાવના કે પૂર્વતૈયારી કરવાનો પણ વખત વિચાર્યા વગર સીધું કહ્યું, 'પેલો ભાસ્કરીઓ જોયો ના ભાભી ! તમને ય સંડો...'
એ વધુ બોલી શકે તે પહેલાં તો ભદ્રા માથાનો ઘૂમટો નજીક ખેંચતી પાછી ફરીને બોલી, 'હોય ભૈ ! કેવા કેવા દખીઆ, કેવાય હૈયાના દાઝ્યા આ સંસારમાં પડ્યા છે ભૈ ! એ તો અકળાય ભૈ ! સૌને વિસમવા ઠેકાણાં ક્યાંથી મળે ભૈ ! હોય એ તો.'
બસ, એમ બોલીને એ જ્યારે ઊભી થઈ રહી ત્યારે એની દૃષ્ટિ એણે પરશાળ બહાર સીધી દેખાતી ક્ષિતિજ પર ઠેરવી. અંધારી બીજનો ચંદ્રમા ઊગતો હતો. ખુલ્લી પરશાળ નવા ચંદ્રતેજે છલકાતી હતી. એ અજવાળાંની ઝાલકમાં ભદ્રા વિધવા કરતાં ગૌરી સમી સુંદર ભાસી. એની આંખોના ચકચકતા કાચ ઉપર પરશાળ બહારના ચોકનો મોટો વીજળી-દીવો જાણે કે કિરણો પાથરતો હતો. દેરે ઉચ્ચારેલા વિષયને ચાતરી-છટકી જવાનો જાણે કે ઇરાદો જ નહોતો. એવો ઇરાદો કલ્પનાર દેરની શંકાને જાણે પોતે વરતી ગઈ હતી. હજુય કોઇ પ્રશ્ન પૂછવો હોય તો પૂછી લ્યો એવું જાણે પોતે સૂચવતી હતી. વીરસુત હિંડોળા પર સ્થિર થઈ ગયો. એણે ભદ્રાની સામે જોઇ રાખ્યું પણ ભદ્રાએ ચંદ્રનું દર્શન કરતે કરતે જમણી જ ગમથી પોતાનો રસ્તો લઈ લીધો.
વીરસુતની રાત્રિભરની નીંદને ઉતરડી નાખતી એ વેદના ચાલુ રહી. ભાસ્કર દખિયો, હૈયાનો દાઝેલ ને વિસામા વગરનો માણસ છે એ ભદ્રાએ શા પરથી જાણ્યું ! કેવડોક પરિચય ? મુરખાને માલૂમ નહોતું કે પાણીકળો જેમ ધરતી પર કાન માંડીને કહી આપે છે કે ઊંડા તળમાં અખૂટ જળપ્રવાહ કયે ઠેકાણે વહ્યો જાય છે , તેમ નારી ફક્ત સાનથી સમજી જાય છે કે પુરુષના જીવનમાં વસમાણ (વિષમતા) કેટલેક ઊંડાણે પડી છે.
ભદ્રા જ્યારે ધારે ત્યારે વિચારોની તમામ પેટીઓ બંધ કરીને ઘોરી શકતી હતી, ને વિચારોની કોઇ એકાદ પેટી ઉઘાડીને એકાદ પ્રહર પડી પડી જાગવા ધારે ત્યારે જાગી પણ શકતી. એ એકાદ પહોરનું જાગરણ તે રાત્રિએ એને ભાસ્કર વાળા બનાવે કરાવ્યું. દેરની ને પોતાની વચ્ચેનો સંબંધ લોકોની- અર્થાત્ નવરા, ઊજળિયાત બંગલાવાસીઓની જીભ પર ચડેલો છે તે તો ભદ્રા જાણતી હતી. પણ એ લોકાપવાદ એને નહોતો નડતો. ટેલીફોન કરવા એ પાડોશી શેઠને બંગલે જતી ત્યારે એની અદબ કેવી જળવાતી ! એનો સહવાસ સૌ કેટલો કેટલો બધો ઇચ્છતા! તેમ સસરાજીની એક માન્યતા નિર્મળ હતી ત્યાં સુધી અન્ય કોટિ લોકોની એને શી પડી હતી ! પણ એ ઇર્ષ્યાનું આકર્ષણ જ કંચનને કોઈક દિન દેરના ઘેર પાછી લઈ આવશે એવી એને આશા હતી. એ આશાએ ને દેરની પોતા પ્રત્યેની અદબભરી મમતાએ ભદ્રાને ઔર રંગભરી બનાવી દીધી હતી.
આજે એને જીવનની આ બધી સાર્થકતામાં એક અજબ ઉમેરો દેખાયો : એક લબાડ અને નફટ મનાતા માણસે પોતાના જેવી અજાણી નારીના સુનામ પર જિંદગી ધોળી કરી છે. કેવી અદ્ભૂત કથા ! એક ગ્રામ્ય રંડવાળ્યના જીવનમાં કેવો એ રોમાંચકારી ઇતિહાસ ! વૈધવ્યને-બામણીના વૈધવ્યને માથે કાંઇ જેવી તેવી વિભૂતિ ચડી ! માડી રે ! હું શું ખરેખર એટલી બધી ઊજળી રહી છું ? માડી રે ! નહિ બોલું, નહિ બોલું. ઇશ્વર જેની લાજ રાખે છે તેનીજ રહે છે. હે નારણ ! મારે ઝેરનાં પારખાં નથી જોવાં. મારું માપ કોઈ દિ'નો કાઢજો હે તુલસી મા ! ભૈની બાપડાની પાસે જતાં કેટલી કેટલી વાર મારા પ્રાણના ફફડાટનો પાર નથી રહેતો ! એવી મારી, ખાસડે માર્યા જેવી જાત સાટુ કોઇનું લોહી રેડાય, ને કોઇ વળી કેદમાં જાય. ઓ મા ! મને તો અંધારે અંધારે હસવું આવે છે મૂઇ !અને ભેળાભેળ રડવું ય આવે છે મૂઇ રાંડી ! ગોદડાને ચોમેરથી દબાવીને સૂઇ જા મૂઈ ! રાંડી ! ઝટ ઝટ સૂઇ જા ! ઘડી પછી એનાં નસ્કોરાંના પાવા બજતા હતા.