← ભાસ્કરનો ભૂતકાળ તુલસી-ક્યારો
રૂપેરી પરદો
ઝવેરચંદ મેઘાણી
સિદ્ધાંતને બેવફા →
આ પ્રકરણને આપ અહીં સાંભળી પણ શકો છો.


પ્રકરણ બત્રીસમું
રૂપેરી પરદો

પરેશન પછી પહેલી વાર દેવુએ જ્યારે દવાખાનાના ઓરડામાં આંખો ઉઘાડી ત્યારે એનાં ઓશીકા પર ભદ્રા ભાભુનું વાળ વગરનું માથું દેખાયું ને એના કપાળ પર ચૂડલી વગરના સ્વચ્છ, ભૂરી રૂંવાટીવાળા ઘઉંવરણા હાથ ફરતા હતા તે દેખાયા.

ઊંચકેલી પાંપણો નીચી કરીને એણે બાજુએ જોયું તો ભદ્રાના કરતાં ય વધુ શ્વેતવરણી, દક્ષિણી નર્સ એક હાથે એના હાથની નાડ દબાવતી ને બીજા હાથે થર્મામીટર મોંમાં મૂકતી ઊભી હતી.

ઘણી લાંબી મંજિલ ખેંચીને પોતે અનંત વેરાનમાંથી જાણે સૃષ્ટિમાં પહોંચ્યો હતો. આ દવાખાનાની દુનિયા એણે કદી દીઠી નહોતી. દવાખાનાનાં માનવીઓ, રૂપે રસે ને ગંધે સ્પર્શે સામાન્ય જગતથી જુદાં પડતાં હતાં. માંદગી અને અશક્તિને બિછાને પડ્યાં પડ્યાં આટાલા હસતા ચહેરા, આટલો ઉજાસ, આટલી રસાએલી સંધ્યા, ને આટલી, ઊજળી, સમદરનાં ફીણ શી પથારી મળે છે એવો અનુભવ અગાઉ કદી માંદા ન પડેલા દેવુને પહેલી જ વાર થયો.

પણ તેણે ફરીફરીથી ચોમેરે જોવા માંડ્યું. બારણા બહારથી પરશાળમાં પસાર થતી સ્ત્રીઓના ચહેરા શોધતો એ આંખો ખેંચવા લાગ્યો. 'શું જોઇએ છે દેવ ? આ રહી હું તો.' ભદ્રાએ ઊઠીને એની બાજુએ બેસી કહ્યું.

'ક્યાં-ક્યાં ગયાં ?'દેવુનો દુબળો સ્વર નીકળ્યો.

'કોણ, હેં ભૈ ?'

પોતાના અંતરમાં જે નામ રમતું હતું તે લેવામાં કોઈ અપરાધ હતો ? કે પછી પોતાને જે યાદ આવતું હતું તે કોઈ ભ્રમણાજન્ય માનવી હતું ? તેની ખાત્રી હજુ થતી ન હોય તેમ ભદ્રાના પ્રશ્નનો જવાબ દીધા વગર દેવુએ ચોમેર જોયે રાખ્યું ને પોતાના સુકાએલા હોઠ જીભ વડે વારંવાર ભીંજાવ્યે રાખ્યા.

રાત પડી. યાદ કરવા મથતો દેવુ માથાનો દુઃખાવો અનુભવતો અનુભવતો ઊંઘી ન શક્યો. રાતવાસો રહેવા આવેલા દાદા, ભદ્રા વહુ વહેલા પ્રભાતે દવાખાને આવી પહોંચ્યાં એટલે એને હવાલો સોંપીને ઘેર જવા નીકળ્યા. નીકળતે નીકળતે એણે ભદ્રાને 'આ તરફ આવજો તો બેટા !' કહી બહાર બોલાવી, લાજ કાઢેલ વિધવા પૂત્રવધૂ પ્રત્યે પોતાની અરધી પીઠ વાળીને કહ્યું, 'હમણાં એને કશું પૂછતાં નહિ. કેમકે નહિ તો માથામાં લીધેલ ટેભા પર બોજો થશે.

'વારુ !' ભદ્રાએ કહ્યું.

કોણ જાણે શાથી પણ એ વૉર્ડની તેમ જ અન્ય વૉર્ડોની નર્સ બાઇઓ આ દેવુના ખંડમાં અકેક આંટો દઈ જવા લાગી. જુવાન અને આધેડ ડાક્ટરો પણ પોતાની ડ્યુટી હોય કે ન હોય તો પણ એ ખંડની આંટો મારી આવવાની ફરજ માનતા થઈ ગયા. એ સર્વને કૌતુક કરાવનાર પોતાનું વૈધવ્યવીંટ્યું રૂપ છે એવી ખબર ભદ્રાને જો પડી હોત તો એ કદાચ દવાખાને ફરી વાર આવવા ન ઇચ્છત. પણ ભદ્રાનું એ સુખ હતું. પોતાના રૂપમાં આટલા બધા માણસોને જોવા જેવું કાંઈ હોઈ શકે તેમ એ સ્વપ્ને પણ ખ્યાલ કરતી નહોતી. આવેતુ દાકતરો ને નર્સો-સૌ એને તો પોતપોતાની ફરજ જ બજાવતાં લાગતાં હતાં.

દવાખાના સાથે તબીબી વિદ્યાલય પણ જોડાએલું હતું ને તેમાંથી ટોળાબંધ મેડીકલ વિદ્યાર્થીઓ આંહીં ઘૂમતા હતા. આ દેવુના માથાના ફ્રેક્ચરનો સાદો કિસ્સો કોણ જાણે કેમ પણ તેમને 'વેરી ઇન્ટરેસ્ટીંગ કેઇસ' લાગી ગયો ને તેઓ આ ખંડમાં આવી આવી દેવુ કરતાં ભદ્રાનું વિશેષ નિરીક્ષણ કરીને ચાલ્યા ગયા. ત્યાં ઊભા ઊભા અને બહાર જતે જતે તેમાંના બે ત્રણ જણાએ અંદર અંદર અંગ્રેજી વાતો કરી. એ વાતો આ વિધવાને વિષે જ હતી. એ વાતોમાં ભદ્રાએ પ્રો. વીરસુતનું નામ સહાસ્ય લેવાતું સાંભળ્યું. વાતોનો મર્મ એટલો જ હતો કે પ્રોફેસર વીરસુતની સ્ત્રી ચાલી ગયા પછી એના હૃદયનું સ્નેહસ્થાન લેનાર જ એની ગામડિયણ ભાભી છે ને, તે પોતે જ આ !

આ રહસ્ય-કથામાં વિદ્યાર્થીઓને રસ હતો તે સકારણ હતો. તેઓ કૉલેજમાં વીરસુતના હાથે રસાયણશાસ્ત્ર ભણીને હજુ તાજા જ આ લાઇનમાં આવેલા હતા. પ્રો. વીરસુતની ભણાવવાની શૈલીમાં નવીન રસ તેમ જ ઊંડાણ નીપજાવનાર જે એક નારી વિષે તેમણે સાંભળ્યું હતું તે આ પોતે જ હતી ! પણ એ નારીને પોતાને ખબર જ નહોતી, કે પોતાને આટલી બધી મહત્તા આ હાડચામ ચૂંથનારા નિર્મમ દાક્તરી જગતમાં પણ અંકાઈ ગઈ છે.

વીરસુત આવીને જોઈ ગયો. સાંજે ડોસાએ આવી ભદ્રાને છૂટી કરી. ફરી પાછી ભદ્રાએ બપોરે આવી ડોસાને ઘેર મોકલ્યા. બપોર પછી મુલાકાતો શરૂ થઇ ત્યારે પાછો દેવુ બારણા બહાર ચાલી જતી માનવ-ધારા પર નજર ખેંચતો રહ્યો. ભદ્રા દેવુના આ મૂંગા તલસાટનું કારણ સમજતી નહોતી તેથી દેવુને વારતી રહી. મુલાકાતનો સમય પૂરો થવા આવ્યો. ટોળાંના પૂર ઓસરતાં ગયાં. ભદ્રાને ધરાઇ ધરાઈને જોઇ ગયેલા દાક્તરો પણ ચાલ્યા ગયા. દીવા પેટાયા. દૂર કે નજીકના ખંડોમાં કોઈ કોઈ રોગી-ચીસો દિવાલોમાંથી ગળાઇને આવતી હતી. 'મેતરાણી' 'મેતરાણી'ની કોઈક કોઈક બૂમો પડતી હતી. 'વોર્ડબોય'ને બોલાવતી અથવા તો પરસ્પર સાદ કરતી નર્સોના, કોઇક મોટા વાજીંત્રમાંથી છૂટા પડી ગયેલા સૂર સમા સ્વરો છૂટતા હતા. તેમ જ તેમનાં બૂટ ચંપલના ટપાકા લાંબી લાંબી પરશાળની ફરસબંધી પર વાણી કાઢતા કાઢતા ચાલ્યા જતા હતા. એ ટપાકા પૈકીના ક્ટલાક થાકેલા હતા, બીજા કેટલાક નવું કૌવત પુકારતા હતા. થાકેલા પગો દિવસભરની આકરી નોકરી પરથી ઊતરીને પોતપોતાની ઓરડીએ જતા હતા, ને જોરદાર ટપાકા કરતા પગો દિવસભરની નિવૃત્તિ પામ્યા હોવાનું સૂચવતા હતા.

એ અસૂરી વેળાએ જે એકાકિની સ્ત્રીનું મોં આ બારણામાં દેખાયું તેને જોવા દેવુ જાગતો નહોતો, થાકીપાકીને સહેજ જંપી ગયેલો. ખંડનો દીવો ઓલવી નાખીને ભદ્રા પણ સામી બારીએ ઊભી ઊભી, સામે ઝુલતા આકાશના ચંદરવા ઉપર એક પછી એક ટંકાતા તારાને નિહાળી રહી હતી. આકાશ પરથી ઊતરતી ઊતરતી એની આંખો દૂરનાં મકાનોની મેડીઓમાં થંભી રહી. કોઇ કોઇ ઓરડામાં વીજળી-દીવા ચેતતા હતા, કોઈકમાં બળી બુઝાતા હતા, કોઈ કોઈ એકાએક અજવાળાતા ખંડોનાં પતિપત્નીનાં યુગલો પાસોપાસ ઊભેલાં નજરે પડતાં હતાં, તે કોઇ કોઇ ઠેકાણે એવાં મિલનોને બધુ પ્રગાઢ બનવાનું હોઇ દીવા ઓલવાતા હતા. ક્યાંઇક પલંગોની સજાવટ થતી હતી, ક્યાંઈક સંધ્યાના શણગાર ચાલુ હતા.

કોઈ કોઈ નાની ઓરડીમાં બહારથી આવેલો પતિ કપડાં ઉતારતો હતો ને છોકરૂં એને ખભે ચડી બેસવા ધમપછાડા કરતું હતું તેથી અધૂરા ઊતરેલ પાટલૂને બાળકને તેડી લેવાની એને ફરજ પડતી. કોઇ ઠેકાણે બહારથી આવેલા પતિ અને એની સામે ઊભેલી સ્ત્રી વચ્ચે, સામસામા જુસ્સાભેર હાથ લંબાતા હતા તે બતાવતા હતા કે બે વચ્ચેનું આખા દિવસની જુદાઈ પછીનું મિલન પણ સમરાંગણ પરનું શત્રુ-મિલન હશે. દૂર દૂરનાં મકાનોની અંદર ચાલતી ક્રિયાઓના અવાજો નહોતા સંભળાતા, પણ દૃશ્યોની દરેક નાની મોટી ચેષ્ટા સ્પષ્ટ દેખાતી હતી. જાણે એ જગતનો સાચો ને સર્વશ્રેષ્ઠ રૂપેરી પરદો હતો.

કોઈ દિવસ ન જોવા મળેલું આ એકસામટા અનેક ગૃહસંસારોનું આંતર્દૃશ્ય નિહાળવામાં ભદ્રા એટલી તો તલ્લીન થઇ હતી કે તેણે પોતાની પીઠ પાછળ પ્રવેશ કરનારી સ્ત્રીનાં હળવાં પગલાંની મખમલિયા ચંપલો સાંભળી નહિ. એ સ્ત્રી છેક બિછાના પાસે આવીને સૂતેલા દેવુને નિહાળતી નિહાળતી, ભદ્રા જે દૃશ્ય જોતી હતી તે પોતે પણ જોવા લાગી.

એક મેડીમાં મચેલા મામલા પર બેઉની આંખો ખૂતી ગઇ. પત્ની એક લાંબા અરીસા સામે ઊભી ઊભી શણગાર કરી રહી છે : પતિ તેની પાછળ તેનાં ખભાં ઝાલી ઊભો ઊભો, પોતે ઊંચો હોઇ કરીને, આયનામાં પોતાનું પ્રતિબિંબ ભરચક કરી મૂકે છે : પત્ની એ તોફાન કરનાર ઊંચા મોંને પાછળથી બે હાથે ઝાલી, મચરક દઈ, પોતાના ગાલ પર નમાવે છે.

'હા-હા-હા-માડી રે !' ભદ્રા આંહીં ઊભી ઊભી હસી પડે છે. પણ પાછળ જોતી નથી. ત્યાં સુધી સલામત ઊભેલી પાછળની સ્ત્રી પણ એકીટશે જોઇ રહી છે એ જ દૃશ્ય, પણ તેના મન પર એ જોવાની અસર ભદ્રાને થયેલ અસરથી ઊલટી છે. એના મોંમાંથી નિ:શ્વાસ ઢળી પડે છે; ને ભદ્રા ચોંકીને બારી પરથી પાછી ફરી જાય છે ત્યારે બીજી સ્ત્રીની હાજરી જોઇ પોતે લજ્જિત બને છે. પછી પૂછે છે 'કેમ ?' પૂછતી પુછતી પોતે ઓલવી નાખેલ દીવાની ચાંપ દબાવે છે, ને કંચનની મુખમુદ્રા સ્પષ્ટ થાય છે. પણ દિગ્મૂઢ ઊભેલી એ બેઉ સ્ત્રીઓની વચ્ચે કશો વ્યવહાર થાય તે પૂર્વેજ ખંડમાં બે જણા પ્રવેશ કરે છે; ડોસા સોમેશ્વર અને વીરસુત : પિતા અને પુત્ર.