તૂટ્યો મ્હારો
કેશવલાલ ભટ્ટ



તૂટ્યો મ્હારો

તૂટ્યો મ્હારો તંબૂરાનો તાર, ભજન અધૂરું રે,
રહ્યું ભગવાનનું....

એક તૂટ્યા બીજા રે તાર અસાર છે,
જીવાળીમાં નહિ હવે જીવ જી:
પાસ પડ્યા પોચા રે નખલિયું નામનું....
તૂટ્યો મ્હારો....

તરડ પડી છે રે બાતલ તુંબડે,
લાગે નહીં ફૂટી જતાં વાર જી:
ખૂંટીને ખેંચાવું રે કાંઈ ન કામનું...
તૂટ્યો મ્હારો....

સ્વર મેળવિયે શેમાં રે તાલ બેતાલ છે,
ઢોલકમાં પણ કાંઈ ન ઢંગ જી:
બંધ થયું છે બારું રે હરિરસ પાનનું...
તૂટ્યો મ્હારો....

ખર્ચી હવે ખૂટી રે બૂટી અહ્વે બીજી નથી,
હરિ હવે ઝાલો તમે હાથ જી:
કહું છું કામ ન મ્હારે ધનજનધામનું...
તૂટ્યો મ્હારો....

કેશવ હરિની કરણી રે કોઈ ન જાણી શકે,
વાણી મન પાછાં વળી જાય છે:
બલ ચાલે નહિ એમામ્રે મહા બલવાનનું...
તૂટ્યો મ્હારો....