ત્રિશંકુ
રમણલાલ દેસાઈ


 
ચાલીની ઓરડીઓમાં
 

ત્રિશંકુ એટલે ?

સ્વર્ગે પહોંચવા માટે કૂદકો ભરી ચૂકેલો એક પ્રાચીન રાજવી. પરંતુ એ સ્વર્ગ ભૂમિ ઉપર પગ માંડી શક્યો ?

ના. સ્વર્ગને અડતા પહેલાં તો એને એવો ધક્કો લાગ્યો કે ઝડપથી એ નીચે ઊતરી પડ્યો - પૃથ્વી ઉપર !

એમાં ખોટું શું ? સ્વર્ગ ન મળે તો પૃથ્વી શી ખોટી ? નક્કર, માનવીનો બધો ભાર ખમે એવી પૃથ્વી-ભૂમિ-માતા સરખી ઉદાર !

પરંતુ ત્રિશંકુથી તો જમીન ઉપર - પૃથ્વી ઉપર - પગ મૂકી શકાયો જ નહિ. એ પૃથ્વી ઉપર ઊતરી રહ્યો તે પહેલાં તો વિશ્વામિત્રે એને એવો ધક્કો માય કે બિચારો ત્રિશંકુ પાછો સ્વર્ગ ભણી ઊછળી ઊડ્યો !

ન એને સ્વર્ગ સંઘરે, ન એને પૃથ્વી સંઘરે ! ન એ સ્વર્ગનો રહ્યો, ન એ પૃથ્વીનો રહ્યો ! અધવચ અંતરિક્ષમાં આધારવિહીન ઝોલાં ખાતો ત્રિશંકુ નથી સ્વર્ગનું અમૃત પી શકતો કે નથી પૃથ્વી ઉપરનું પાણી પી શકતો !

કથામાં કોઈ વાર સાંભળેલી એ વાત સરલાને યાદ આવી અને તેને લાગ્યું કે તે પોતે, તેનો પતિ કિશોર અને બન્ને મળી સર્જેલું બે બાળકોનું કુટુંબ, લગભગ ત્રિશંકુની સ્થિતિ ભોગવી રહ્યો છે ! ત્રિશંકુ તો સ્વર્ગ અને પૃથ્વી વચ્ચે એકલો જ લટકતો હતો; ત્રિશંકુની પત્ની અને તેનું કુટુંબ કંદુકસ્થિતિમાંથી મુક્ત હતું જ્યારે સરલા તો એકલી જ નહિ, પરંતુ પતિ અને બાળકો સહ સ્વર્ગ અને પૃથ્વી વચ્ચે પડછાયા જ કરતી હતી ! પ્રાચીન કાળના ત્રિશંકુ કરતાં આજના ત્રિશંકુની વધારે દુઃખમય કહાણી ! કિશોર સાથે એનું લગ્ન થયું ત્યારે સરલાએ કેવી કેવી આશાઓ સેવી હતી ? નાનકડી ચાલીઓ અને ઓરડીઓના નિવાસને બદલે તે બગીચાવાળા બંગલાનો સ્પર્શ કરી શકશે ! બસના બેચાર આના ખર્ચતાં ખમચાતો તેનો જીવ કારમાં બેસી પરમ પ્રફુલ્લતા અનુભવશે ! પ્રિય બાળકો માટે એકાદ રમકડું ખરીદતાં આજ ખાલી પડતો હાથ રમકડાની આખી દુકાન પોતાના બંગલામાં વસાવશે ! વળી એને એકલાં પોતાનાં બાળકો જ ક્યાં ઉછેરવાનાં હતાં ? એની એક નણંદ તારા કૉલેજમાં ભણતી હતી ! એનો ખર્ચ પણ સરલા તથા કિશોરને જ માથે હતો ને ? હજી કૉલેજનો ભયંકર ખર્ચ થોડાં વર્ષ સુધી એને ઉઠાવવાનો જ હતો ! કલ્પનામાં સતત જાગૃત રહેલો બંગલો હજી રચાયો ન હતો; બહાર ચકચકાટ દોડતી અનેક કારમાંની એક પણ કાર હજી સરલાના હાથનો સ્પર્શ સુધ્ધાં પામી ન હતી. અને બાળકો માટેનાં રમકડાં? પેલા ખૂણામાં એક બે ભાંગેલી પડેલી પૂતળીઓ સરલાની સામે જોઈ રહી હતી ! ભીષણ ભગ્ન હાસ્ય કરી રહી હતી !

ભણેલોગણેલો રસિક પતિ ! સરકારી નોકરીમાં જઈ સાહેબ બનવાને બદલે, વ્યાપારમાં ઊતરી લાખે લેખાં ગણતો ધનપતિ બનવાને બદલે, સવારના સાડાનવથી સાંજના સાત વાગ્યા સુધી કોઈ ધનપતિની આજ્ઞા ઉઠાવતો નોકર બની રહ્યો હતો ! અને તે કેટલાં વર્ષથી ? એટલાં વર્ષમાં તો...

આજ એનો પતિ પગાર લાવવાનો હતો ! એની રાહ સરલા જોઈ રહી હતી ! એ પગારની રાહ જોઈ રહી હતી કે પતિની ? પગાર લાવતા પતિની ! સરલાને જરા કમકમી આવી ! પ્રેમમાં જીવન ખુવાર કરવાની બહાદુરીભરી કલ્પના કરી ચૂકેલી સરલાને આજ પતિ નહિ પરંતુ પતિનો પગાર ઉત્તેજિત કરતો હતો ! પગાર લીધા વગર આજ એનો પતિ આવે તો ? સરલાનું હૃદય થરકી ઊઠ્યું. પતિ કરતાં આજ એને પગારનું આકર્ષણ વધારે થયું હતું ! ઘડી પળમાં એનો પતિ આવી પહોંચવાનો હતો ! આવા કેટલાય પગારદિન આવી ગયા. જ્યારે સરલાએ પતિ અને પગાર બંનેને એક તુલાએ તોળ્યા ત્યારે પગારનું ત્રાજવું નીચું જતું અનુભવ્યું !

અને એનો પતિ પગાર લાવતો તોય કેવા દિલગીરીભર્યા મુખ સાથે લાવતો ? જુદા જુદા વર્ગના માનવીને પગારદિન જુદી જુદી અસર કેમ કરતો તેનાં દ્રષ્ટાંતો સરલાએ પોતાના પતિ પાસેથી જ સાંભળ્યાં હતાં ! સરલાની દ્રષ્ટિ સમક્ષ એક સુશોભિત સરકારી કચેરી દેખાઈ. પગારનાં પડીકાં તૈયાર થતાં હતાં ! આરામથી એક ફાઈલ વાંચી રહેલા પુષ્ટ સાહેબના ખંડમાં જરા ધીમે પગલે એક કારકુને પ્રવેશ કર્યો. તિરસ્કારપૂર્વક અર્ધ ઊંચી આંખે કારકુન તરફ નિહાળતા સાહેબને કારકુને જ કહ્યું :

'સાહેબ ! આ પગાર !... પત્રક ઉપર આપની સહી...!'

સાહેબના મુખ ઉપરનો તિરસ્કાર સ્મિતમાં ફેરવાઈ ગયો ! પગારની નોટના ચોડાને નિહાળી સાહેબ પ્રસન્ન થયા. તેમણે હસીને કહ્યું :

'ઓહ ! થેન્ક યુ !' સાહેબે બોલતાં બોલતાં પત્રક ઉપર સહી કરી અને વધારાની આજ્ઞા પણ કારકુનને આપી :

‘પગારની બધી જ રકમ તમે જાતે જઈ બેન્કમાં મારે ખાતે જમા કરાવી આવો.'

'બધી જ ?’ સાહેબના આર્થિક આયોજન-નિયોજનથી ન ટેવાયેલા કારકુને જરા પ્રશ્ન કર્યો. આખો પગાર બેન્કમાં મૂકવાની ક્રિયા તેને સમજાઈ નહિ. કારકુને આખો તો શું, પણ અડધો કે પા પગાર પણ કદી બેન્કમાં મૂક્યો ન હતો !

પરંતુ સાહેબે તેને ફરી સમજ પાડી :

'હા; બધી જ બેન્કમાં મૂકો.'

‘પણ પછી આખો મહિનો...' બેન્કની સાથેનો જીવંત વ્યક્તિગત સંબંધ ન સમજી શકતા કારકુને હજી શંકા કરી.

'તમે કેમ સમજતા નથી ? હજી ભથ્થુ આવવાનું છે ને ? એમાંથી મહિનો તો નીકળી જશે. હું કહું તેમ પગાર મારે ખાતે જમે કરી આવો.' સાહેબે કારકુનની શંકા દૂર કરી. કારકુનને હવે ખબર પડી કે કેટલાય સાહેબોનું ભથ્થુ આખા માસનો ઘરખર્ચ નિભાવે એટલું હોય છે... અલબત્ત, કારકુનને એવું ભથ્થું મળતું નહિ અને મળે એવી શક્યતા પણ ન હતી.

સરલાએ તત્કાળ બીજું દ્રશ્ય નિહાળ્યું. એક સરકારી કચેરી છે; કારકુનોની સામે પગારનાં પડીકાં પડ્યાં છે; બધાય કારકુનોના હાથ પોતપોતાનાં પડીકાં ઉપર ફેરવાઈ રહ્યા છે - અત્યંત ભારપૂર્વક ! કોઈ રસિક પતિ ભાગ્યે આવા પ્રેમથી પોતાની પત્નીના અંગ ઉપર હાથ ફેરવી શકતો હશે ! ભાગ્યે જ કોઈ માતા આવો વાત્સલ્યભર્યો હાથ પોતાના બાળકના મુખ ઉપર પ્રસારતી હશે ! એક યુવાન કારકુનથી બોલાઈ ગયુંઃ

'આજ આનંદનો દિવસ !'

બીજા રીઢા કારકુને પૂછ્યું :

'કેમ આનંદનો દિવસ? ખાસ કાંઈ છે ?'

'આજે સિનેમા જોવા જઈશું.’ આનંદનું કારણ કારકુને આપ્યું.

'વહુને લઈને જવાના હશો ! ખરું ? એક વૃદ્ધ કારકુને પોતાની પૂર્વજિંદગીનો ખ્યાલ કરી યુવાન કારકુનની મશ્કરી કરી.

'હા. કેમ નહિ ?' યુવાને બહાદુરીભર્યો જવાબ આપ્યો.

'હા, હા, કેમ નહિ? વહુ જોવા જેવી હોય તે લઈ જ જાઓ ને ?' વૃદ્ધે યુવાનની બહાદુરીને બાળી નાખતી ટીકા કરી અને સહુને હસાવ્યા. પરંતુ આ પગારદિન પાછળ હાસ્ય હતું, આનંદ હતો, ફલિત આશા હતી. સરલાના ધ્યાનમાં એવા પણ પગારદિન હતા જેની પાછળ રુદન હતું, ક્લેશ હતો, નિરાશા હતી.

‘આનંદનો દિવસ ?... કોણ કહે છે એ ?' એવા શબ્દો સરલાને કાને પડતાં બરાબર તેની નજર સામે એક સારી ગાદીતકિયા પાથરેલી પેઢી દેખાઈ. ગુમાસ્તાઓ ગાદીનશીન શેઠની આસપાસ ભેગા થયા હતા, અને તેમની અને શેઠની વચ્ચે થઈ રહેલી વાતચીત સરલા સાંભળી રહી હતી.

'જુઓ ભાઈ ! પૈસા મંગાવ્યા છે, પણ હજી મળ્યા નથી. આપણી કાંઈ સરકારી પેઢી ઓછી છે કે તારીખ ઠરે એ દિવસે પગાર મળી જ જાય ! અહીં તો વહેલુંયે થાય અને મોડુંય થાય.' શેઠસાહેબ અત્યંત શાંતિથી માણસોને સમજાવી રહ્યા હતા. એમની શાંતિનો ભંગ થાય એવી પૈસાની તૂટ તેમને હજી પડી ન હતી.

'પણ...' એકાદ નોકરે હિંમત ધારણ ક્રી દલીલ આગળ વધારવ પ્રયત્ન કર્યો. ત્યાં તો એ પ્રયત્નને એકાએક દાબી દેતો શેઠનો સાદ તેને કાને પડ્યોઃ

‘પણ બણ કાંઈ નહિ. અહીં તો એમ જ ચાલવાનું. જેને ન ફાવે એ કાલથી ન આવે !'

પેઢીમાં કામ કરી શેઠસાહેબની સમૃદ્ધિ વધારતા ગુમાસ્તાઓ ઉદાસ ચહેરે વેરાઈ જતા દેખાયા.

સરલાને પગારદિનનાં એથીયે ઘેરાં સ્મરણો હતાં ખરાં. એક કારખાનાની વિશાળ રચનામાં એક ઓટલો તેને દેખાયો, અને ઓટલા નીચે મજૂરોનો સમૂહ દેખાયો. કેટલાક મજૂરો બેઠા હતા, કેટલાક ઊભા હતા અને કેટલાક આવતા જતા હતા. એક મજૂરનો અવાજ આવી રહ્યો હતો :

'પરંતુ પગારદિન તો... અમારો શૂળીદિન !....પગાર ન મળે તો !... પગાર મુલતવી રહે એટલે અમારે તો મરવાનું !'

કોટ-પાટલૂન પહેરેલો કારખાનાનો એક અમલદાર, અને ચારેક મજબૂત ગુંડાઓની યાદ આપતા માણસો ઓટલે ઊભા ઊભા જવાબ આપી રહ્યા હતા :

'બીજો ઇલાજ નથી. આજ પગાર મુલતવી રહેશે.' અમલદારે જવાબ આપ્યો.

'પણ કંઈ કારણ? સાહેબ !' મજૂરે પ્રશ્ન કર્યો.

આ પાછો કારણ પૂછનારો ! ખબર નથી દંડની રકમ ગણવામાં ભૂલ આવી છે તે ?' અમલદારે કારણ આપ્યું.

'એમાં અમારો શો અપરાધ ?' મજૂરે કહ્યું.

'ભૂલો તમે કરો ! ગેરહાજર તમે રહો ! કામ તમે બગાડો ! અને પાછા અપરાધ પૂછો છો ?' ઉપરીની સ્થિતિમાં બેવકૂફો પણ બુદ્ધિમાનોને ધમકાવી શકે છે. અને બુદ્ધિશાળી અમલદાર તો બેવકૂફ મજૂરોને જરૂર ધમકાવી શકે.

'અમે બધાંય ઓછી ભૂલ કરીએ છીએ ? ભાઈસાહેબ ! આજ પગાર ન મળે તો અમે મરી જ જઈશું.' મજૂરોને મન પગાર એ જીવનમરણનો પ્રશ્ન હતો.

'બે દિવસમાં મરી ગયો ! એમ ?' અમલદારે મજૂરને ધમકાવ્યો.

અમલદારની સહાયમાં ઊભેલા મજબૂત માણસોમાંથી એકે અમલદારને સહાય આપી પણ ખરી.

'ચાલ, ટકટક નહિ ! ભાગો અહીંથી ! દરવાજા બહાર ઉધાર આપનાર મળી રહેશે.'

‘હજી લીધેલું પાછું આપીએ ત્યારે ને ?' મજૂરથી બોલ્યા વગર રહેવાયું નહિ. એને ડારવા માટે બીજા ગુંડાના શબ્દો તૈયાર જ હતા :

'એ જ માણસ બડો તકરારી છે. એને રજા આપવી પડશે... ચલાઓ!' અને બોલનારની આંખ નિહાળી મજૂરો ધીમે ધીમે, પડેલે મુખે અને ભાંગેલા પગે વીખરાઈ જવા લાગ્યા.

સરલાને આવાં દ્રશ્યો ક્યાંથી યાદ આવ્યાં હશે ? વાંચનની એ શોખીન હતી. એનો પતિ કિશોર સરકારી નોકરીમાં પ્રવેશ પામવાને બદલે ખાનગી નોકરીઓમાં ફરતો એક સારી ગણાતી વ્યાપારી પેઢીમાં ઠીક ઊંચી કક્ષાની અમલદારી ઉપર આવ્યો હતો. અમલદારી તો હતી; એને પગાર પણ બીજાઓના પ્રમાણમાં ઠીક મળતો. પરંતુ સ્વતંત્ર ધંધો કરવાની, મહાન ઉદ્યોગપતિના ભાગીદાર બનવાની, બુદ્ધિની જાદુઈ લાકડી ફેરવી લક્ષ્મીને આકર્ષવાની તેની મહત્ત્વાકાંક્ષા હવે ભસ્મીભૂત બની ગઈ હતી. કહેવાતા ઠીક ઠીક પગારમાંથી મહામુશ્કેલીએ તેનું ગુજરાન થતું, અને બચતમાં તો.... ખાલી હવા અને ચિંતા જ રહ્યા કરતાં. બહેન તથા બાળકોને ઉચ્ચ શિક્ષણ અપાવવા તેને ઇચ્છા હોય જ. પત્નીને સરસ સરસ ઘરેણાંલૂગડાંથી શણગારી પોતાની આંખને તૃપ્તિ આપવાની અભિલાષા કોઈ પણ પતિની માફક કિશોરને પણ હોય એ સ્વાભાવિક ગણાય. તેને પોતાને પણ આરામની, અભ્યાસની, પરદેશની મુસાફરીની તમન્ના હોય જ. પરંતુ એ સઘળી ઇચ્છા, અભિલાષા અને તમન્ના હવે ટાઢી પડી ગઈ હતી અને તેના સ્મરણને ઉથલાવવાની ઉગ્રતા પણ તેણે ગુમાવી દીધી હતી. મધ્યમ વર્ગનો, ધૂમ્રમાં વીખરાઈ જતા જલતા - જળી રહેલા - હૃદયનો, પત્ની, બાળકો અને બહેનમાં જ પોતાનું ઉત્સાહહીન જીવન રેડતો, આશાહીન, સંજોગના બળ વડે સંસારપ્રવાહમાં તરતો એક નિરુપદ્રવી નિષ્ક્રિય સારો માણસ બનીને તે કદી કદી સ્વતિરસ્કારમાં ઊતરી પડતો ગૃહસ્થ બની રહ્યો હતો - જે ગૃહસ્થની સંખ્યા મજૂરોની માફક વર્તમાન યુગમાં વધતી જ ચાલી છે. મહેલના ગુંબજ અને મિનારા એક વાર જોતી એની આંખ એક ચાલીની ત્રણેક ઓરડીની સીમામાં સમેટાઈ ગઈ હતી.

અને એની પત્ની સરલા ?

જેને આર્થિક અને કૌટુમ્બિક મુશ્કેલીઓમાંથી જીવનભર મુક્ત રાખવાનું સ્વપ્ન કિશોર સેવતો હતો, તે એક અર્ધ તૂટેલી ચટાઈ ઉપર બેઠી બેઠી, કલ્પનામાં ઝિંક અકળ દ્રશ્યો નિહાળતી, પતિના આગમનની રાહ જોયા કરતી હતી, એ તો કિશોરે પોતાની ઓરડીનું બારણું ખોલતાં બરાબર નિહાળ્યું. ચાલીઓમાં રહેનારે સામાન્યતઃ પોતાની કોટડીઓનાં બારણાં બંધ જ રાખવાં જોઈએ એવો ચાલીનિવાસનો કાયદો હોય એમ લાગે છે. છતાં નિત્યક્રમ અનુસાર કિશોરને આવવાનો સમય થતાં બારણું બંધ રાખીને સરલાએ બારણાની સાંકળ ખોલી નાખી હતી. પતિએ અંદર પ્રવેશ કરતાં બરોબર ચટાઈ ઉપર બેઠેલી પોતાની પત્ની સામે પગારનું પડીકું ફેંક્યું, જે સરલાના પગ પાસે પડ્યું. કિશોર અને સરલાએ પરસ્પર સામે નિહાળ્યું. પરંતુ સરલા ન કાંઈ બોલી, ન કિશોર કાંઈ બોલ્યો. પડીકું ફેંકીને તે અંદરની ઓરડીમાં ચાલ્યો ગયો. બહારનાં કપડાં કહાડી ઘરનાં વસ્ત્રો પહેરી હાથપગ ધોઈ, સરલા બેઠી હતી એ ઓરડીમાં કિશોર પાછો આવ્યો, અને એક આરામ ખુરશી ઉપર પગ લંબાવી પડ્યો, આરામખુરશી ખરેખર તેના દેહને આરામ આપતી હશે કે કેમ એ પ્રશ્ન પોતાના હૃદયમાં સમાવતી સરલા હજી પૈસાના પરબીડિયાને સ્પર્શી જ રહી હતી.

ઓરડીમાં ફર્નિચર નજીવું હતું, અને હતું તે પણ ઓરડીની સામાન્યતાને સ્પષ્ટ કરે એવું હતું. કૉલેજમાં ભણતી કિશોરની બહેન તારાએ આવી એક નાનકડી ટિપાઈ પર ચાનો પ્યાલો ગોઠવ્યો અને તે ઓરડીના નાનકડા ભાગમાં ચાલી ગઈ : જે તરફ ન કિશોરનું ધ્યાન હતું. ન સરલાનું ધ્યાન હતું. કિશોરે કાંઈ પણ બોલ્યા વગર ચાનો પ્યાલો ઉપાડી ચા પીવા માંડી અને સરલાએ કાંઈ પણ બોલ્યા વગર પગારનું પડીકું ખોલી પૈસાની થોકડીઓ - નાની નાની કરીને ગોઠવવા માંડી. એક થોકડી, ત્રણ થોકડી...

'આ મહિને તો કાંઈ બચાવવું જ છે !' થોકડી મૂકતે મૂકતે સરલાએ કહ્યું.

'હં.' કિશોરે માત્ર હુંકારથી જ જવાબ આપ્યો.

પતિપત્ની વચ્ચે લાંબી વાતચીત થવી જોઈએ... લઢી વઢીને પણ વાતચીત લંબાવવી જ જોઈએ. પરંતુ કિશોરને પતિ તરીકે એકાક્ષરી સંમતિ સિવાય વધારે ઉચ્ચારણ કરવું ફાવ્યું નહિ.

સંધ્યા વ્યાપક બનતી જતી હતી - જેકે હજી આ ઘરમાં ઘર ગણાતી ઓરડીઓમાં પ્રકાશ થયો ન હતો. પ્રકાશ વગર ચાલી શકે એમ હતું. સરલા ચોથી થોકડી ગણી મૂકવા જતી હતી ત્યાં અચાનક કૈંકથી કિશોર અને સરલાનાં બે નાનકડાં સંતાનો અમર અને શોભા દોડતાં દોડતાં આવી પહોંચ્યાં. શોભા નવદસ વર્ષની બાળકી હતી અને અમર ત્રણ ચારેક વર્ષનો બાળક હતો. શોભાના હાથમાં એક પુષ્ટ કાળી બિલાડી હતી અને એના કબજા માટે ભાઈબહેન વચ્ચે ખેંચાખેંચી અને દોડાદોડી ચાલી રહી હતી. શોભાએ બિલાડીને જમીન ઉપર ફેંકી. બિલાડી બેમાંથી કોઈનો પણ સંગાથ ન શોધતાં પોતાને સ્વતંત્ર માર્ગે ચાલી ગઈ અને ભાઈબહેન વચ્ચે સ્પર્ધાનું પણ હવે કારણ ન રહ્યું. આ જીવંત પશુ બન્ને બાળકોનું એક પ્રિય રમકડું હતું.

કિશોર ચા પી રહી એક સિગારેટ કહાડી પીતે પીને ધૂમ્રનાં વર્તુલ ઉપજાવી રહ્યો હતો. એનું લક્ષણ બાળકો તરફ હજી ગયું ન હતું. એટલામાં નાનકડો અમર માતાની પાસે બેસી ગયો, અને તેના દેહ સાથે રમતાં રમતાં પૂછવા લાગ્યો :

'મા ! શું કરે છે તું?'

હવે માનું ચિત્ત બાળકો તરફ વળ્યું. બાળકોને પોતાની નજીક લેવાનો પ્રયત્ન કરી સરલાએ ગંભીરતાપૂર્વક કહ્યું :

‘આપણા હવે પછીના ત્રીજા દિવસનો હું નકશો દોરવા મથી રહી છું.' સરલાનો ઉત્તર નાના અમરને ભાગ્યે જ સમજાયો હોય એણે તો કહ્યું કાંઈ નહિ, પરંતુ શોભાએ જણાવ્યું :

‘નકશો?.. આ તો પૈસા છે !.. નક્શા તો દર્શનભાઈ સરસ કહાડે છે... અને ફોઈ પણ...!'

'અરે હાં જાઓ, બોલાવો તારાબહેનને. એમણે પણ હવે ધીમે ધીમે ઘર ચલાવતા શીખવું પડશે ! આ વખતે... સાંભળ્યું?... અમને સ્ત્રીઓને જ પૈસાની વ્યવસ્થા સોંપી દો... અમને નણંદભોજાઈને !' સરલાએ અર્ધી વાક્યાવલિ બાળકોને સંભળાવી અને અર્ધી પોતાના પતિને !

કિશોરની પાસે અત્યારે એકાક્ષરી જવાબો જ હોય એમ લાગ્યું. એ શબ્દકંજૂસે માત્ર એટલું જ કહ્યું :

'હં.'

'પણ છે ક્યાં તારાબહેન ?' સરલાએ બાળકો સામે પ્રશ્ન કર્યો.

‘દર્શનભાઈ પાસે કોઈ ચોપડી લઈ શીખવા ગયાં છે.' શોભાએ માહિતી આપી. યૌવનમાં પ્રવેશ પામી રહેલી તારાના હલનચલનની માહિતી એની નાનકડી ભત્રીજી શોભા ઠીક ઠીક રાખતી હતી !

શોભાનું આ કથન સાંભળી સરલાએ પતિ કિશોર સામે અને કિશોરે પત્ની સરલા સામે નજર નાખી. બન્નેની દ્રષ્ટિ અરસપરસ કાંઈ કહેતી હોય એમ બન્નેને લાગ્યું. યૌવનને સ્પર્શી રહેતી તારા પડોશમાં જ - પાસેની જ ઓરડીમાં - નિવાસ કરતા એક યુવક દર્શનની પાસે ગઈ હતી ! દર્શન એકલો જ પોતાની ઓરડીમાં રહેતો હતો... અને ભણતી છોકરીઓને હમણાં જ ભણી ચૂકેલા છોકરાઓ પાસે શિક્ષણ લેવું પણ ઠીક ઠીક ગમે છે ! પરંતુ એ શિક્ષણ અનેક અજાણ્યા પ્રદેશોમાં યુવક-યુવતીઓને લઈ જાય છે એની ખબર કિશોર અને સરલા બન્નેને હતી. કદાચ એ બન્ને – સરલા અને કિશોર – પણ એ જ ઢબે ભેગાં મળ્યાં હશે ! આમ ભેગાં મળેલાં સ્ત્રીપુરુષોને પણ પોતાનાથી ઓછી ઉમરના યુવક-યુવતીઓ ભેગાં મળે એમાં જોખમ લાગ્યા કરે છે – સઘળા જ સ્ત્રીપુરુષ એ જોખમ ખેડે છે જ, એ જાણ્યા છતાં !

'જાઓ, જાઓ ! જલદી તારા બહેનને બોલાવી લાવો.' સરલાએ કહ્યું. અને બાળકો પોતાની ઓરડીમાંથી દોડતાં દોડતાં જોડેની ઓરડી ભણી ચાલ્યાં ગયાં !