← દોજખમમાં વિદ્યુત ત્રિશંકુ
જાગૃત મન
રમણલાલ દેસાઈ
સહુ સહુની રમત →


 
જાગૃત મન
 

તારાની પાછળ દર્શન કિશોરની ઓરડીમાં આવી ગયો. એ ઓરડી એને માટે નવી ન હતી. ગ્રેજ્યુએટ થઈ નોકરી શોધવા એ આ શહેરમાં આવ્યો ત્યારે કિશોરકાંતને ત્યાં આ ઓરડીમાં જ એ ઊતર્યો હતો અને રહ્યો હતો. ભાઈના મિત્ર ઉપર પોતાનું ભારણ ન નાખવા ઈચ્છતા દર્શનને પાસેની ઓરડી મળી તોપણ કિશોરકાંતને ત્યાં એની અવરજવર ચાલુ જ રહી હતી. કિશોરકાંત અને સરલા બંને તેની કાળજી જુદી ઓરડીમાં રહ્યે રહ્યે પણ રાખ્યા કરતાં હતાં, અને એ અતિ મોડો આવે કે અતિ વહેલો આવે ત્યારે તેઓ સમજી જ લેતાં કે દર્શન ભૂખ્યો ઓરડીમાં પાછો આવ્યો છે !

એવે પ્રસંગે એક અગર બીજું બહાનું કાઢી કિશોર અને સરલા તેને પોતાને ત્યાં બોલાવી તેની ઈચ્છા વિરુદ્ધ પણ તેને જમાડતાં. હજી તારાની અને દર્શનની મૈત્રી નિર્દોષતાની સીમા વટાવી જાય એવી જ્ઞાત ન હતી. તારાનું માનસ હજી અજ્ઞાત યૌવનનું જ હતું. એણે ઓરડીમાં પ્રવેશ કરતાં જ કહ્યું:

'ભાભી આ તમારા દર્શન.'

‘સાથે કાંઈ પ્રત્યય ઉમેરો તો ખરાં, તારાબહેન ! એકલું દર્શન બહુ અડવું લાગે છે.' સરલાએ હસતે હસતે કહ્યું.

'એ તમારે જે કહેવું હોય તે કહો : દર્શનલાલ, દર્શનશંકર, દર્શનરામ કે દર્શનકુમાર ! એ નામની સાથે મને તો એકે પ્રત્યય ફાવતો નથી.' કહી સરલાની સામે દર્શનને બેસવા માટે એક સફરો પાથરી તારા એ ઓરડીમાંથી રસોડાવાળી બીજી ઓરડી તરફ ચાલી ગઈ. દર્શને ઓરડીમાં નજર ફેંકી. એની એ જૂની ચટાઈ ઉપર સરલા બેઠી હતી અને આરામખુરશી ઉપર કિશોરકાન્ત નિત્યનિયમ પ્રમાણે બેસી સાંજનું છાપું વાંચતા હતા. પ્રથમ દિવસે દર્શને ઓરડી જોઈ હતી તેવી જ એ ઓરડી, અત્યારે પણ હતી; માત્ર એણે તારાને આપેલું એક નાનું પણ સુંદર કેલેન્ડર વધારામાં ભીંતે લટકતું હતું. મધ્યમ અને ગરીબ વર્ગની કલાભાવના પોષતાં કેલેન્ડરો જીવતાં ન હોત તો કલાનો પડછાયો પણ એ વર્ગના નિવાસમાં હોત નહિ.

'બેસો, દર્શનભાઈ ! શું હતું તમારી ઓરડી પાસે ? કોણ મોટેથી વાત કરતું હતું ?' સરલાએ દર્શનને પૂછ્યું. તારાએ પાથરેલા સફરા ઉપર દર્શન સરલાની સામે બેસી ગયો અને સહજ ફિક્કુ હસ્યો.

'કેમ હસો છો ? હસવા જેવું શું બન્યું ?' પોતાના પ્રશ્નનો હાસ્યમાં જવાબ મળવાથી સરલાએ દર્શન પાસે વધારે સ્પષ્ટતા માગી.

'શું કહું, ભાભી ? એની એ જ કહાણી ! પગારદિનની.' દર્શને કહ્યું.

'એમ? આ મહિને પણ એનું એ જ? કેટલા મહિના વગર પગારે આ તંત્રી તમારી પાસે કામ લેશે ? બીજા કોઈ સારા પત્રકારને ત્યાં તપાસ કરો.' સરલાએ કહ્યું.

'વિચાર તો કરું છું, ભાભી ! અને હું તપાસમાં પણ રહું છું. પરંતુ પત્રકારો માગે છે એવા લખાણના વાંકવળોટ મને હજી લખતાં આવડ્યા નથી. અમારે પત્રકારોને તો જોઈએ નવી ઢબની ગાળો, તીખાં તમતમતાં મથાળાં, ચોંકી જવાય એવા સમાચાર અને ડરામણાં સૂચનો. મને એ હજી આવડયું હોય એમ લાગતું નથી. જુઓ ને, આ મારા કિશોરભાઈ પણ અમારું છાપું વાંચતા નથી !' દર્શને કહ્યું, અને કિશોરને તેણે વાતમાં ભેળવ્યો. કિશોર અને સરલાને તે ખરેખર પોતાનાં ભાઈ-ભાભી સમાન જ માનતો હતો.

'જુઓ, દર્શનભાઈ ! તીખા તમતમતા વાંચન વગર કોઈ છાપું વાંચે જ નહિ. એવા લખાણની હવે ટેવ પાડો.' કિશોરકાન્ત છાપામાંથી મુખ બહાર કાઢી દર્શનને કહ્યું.

‘પણ મને એવી તીખી તમતમતી માહિતી મળે તો હું લખું ને?' દર્શને કહ્યું.

'માહિતી ? એ તો ચારે પાસ જોઈએ એટલી પડી છે. આ તમારા તંત્રીની જ કેટલીય તીખી તમતમતી વાત હું તમને કહી શકું છું.' કિશોરે કહ્યું.

'પણ અમારા તંત્રી વિરુદ્ધ અમારાથી લખાય જ કેમ ?'

'પગાર ન આપતો હોય તો બધુંય લખાય !' સરલાએ ક્યું.

'તો આવતે મહિને જે થોડીઘણી આશા મને આપી છે તે પણ નિરાશામાં ફેરવાઈ જાય, અને મારે સડક ઉપર સૂવાનો પ્રસંગ આવે.' દર્શને કહ્યું.

'અમે હોઈએ અને તમને સડક ઉપર સૂવા કેમ દઈએ ?' કિશોરે કહ્યું.

'એ તો હું જાણું છું, કિશોરભાઈ ! પરંતુ આપ તો એક મહા ધનિકના મંત્રી છો. ઘણા ધનિકોને ઓળખતા હશો, ઘણી ઘણી જાણવા જેવી બાબતો પણ આપની પાસે આવતી હશે.' આજ કંઈ થોડી માહિતી ન આપો ? એમાંથી હું કંઈ તીખો તમતમતો લેખ ઉપજાવી જાઉ.' દર્શને કહ્યું.

કિશોરકાન્તે કંઈ જવાબ ન આપ્યો, માત્ર તેણે હાસ્ય જ કર્યું.

રસોડાની ઓરડામાંથી એક થાળીનો ખણખણ થતો અવાજ આવ્યો, અને સરલાએ એકાએક દર્શન સામે જોઈને કહ્યું :

'એ બધું જ્યારે લખાય ત્યારે લખજો. પરંતુ હવે તમે બન્ને જમવા માટે ઊભા થાઓ.’

'હું શા માટે ઊભો થાઉ?' દર્શને જરા હસીને પૂછ્યું.

‘તમે શા માટે ? આજ તમે જમ્યા નથી એ માટે.’ સરલાએ કહ્યું.

'હું જમ્યો નથી ? તમને કોણે કહ્યું? હું જમીને જ આવ્યો છું.' દર્શને જવાબ આપ્યો.

'જુઠ્ઠા ! ખાઓ મારા સમ જો તમે જમ્યા હો તો !' સરલાએ દર્શનને ઘેર્યો. જુઠા સમ ખાઈને સરલાને છેતરવાની દર્શનમાં શક્તિ હતી નહિ એટલે તેણે કહ્યું :

‘નહિ, નહિ ! હું જમ્યો નથી એ સાચું, પણ મારે અત્યારે જમવું જ નથી.' દર્શને કહ્યું.

‘પણ કંઈ કારણ?' સરલાએ પૂછ્યું.

'કારણ ?... હા.... આપને કોઈને ખબર નહિ હોય... પણ હું હમણાંનો સોમવાર કરું છું ને...' દર્શને કહ્યું અને એનું વાક્ય પૂરું થવા ન દેતાં હસતાં હસતાં કિશોરકાન્તે ભારે સમસ્યા મૂકી દીધી :

'સોમવાર ? દર્શનભાઈ ! આજે તો મંગળવાર થયો.' હસતે હસતે ઊભા થઈ કિશોરકાન્તે પોતાનું વર્તમાનપત્ર બાજુ ઉપર મૂકી દીધું.

ગૂંચવણને ટાળવાનો પ્રયત્ન કરતા દર્શને વધારે ગૂંચવણ ઊભી કરતી સમજણ પાડી :

'એ તો હું ક્યાં નથી જાણતો ? પણ જુઓને કિશોરભાઈ ! કાલે જ કોઈ મિત્રને ત્યાં જમવાનો આગ્રહ થયો. હું ભૂલી ગયો કે મારે સોમવાર કરવાનો છે અને મેં જમી લીધું. એટલે હવે આજ એના બદલામાં ઉપવાસ કરવો જ જોઈએ ને ?'

'તે હવે આજ નહિ. આવતી કાલ ઉપર મુલતવી રાખો. આજ અહીં જ જમી લેવાનું છે.' સરલાએ દર્શનને આજ્ઞા કરી. થોડી જ વાર ઉપર પગારના પૈસાનો અંદાજ ગણતી પોતાની પત્ની સામે જોઈ કિશોર જરા હસ્યો. પત્નીના સ્વભાવમાં પગારનો બચાવ થાય એવું કોઈ લક્ષણ તેને દેખાયું નહિ. ગૂંચવાતા અને શરમાતા દર્શને કહ્યું :

'નહિ, નહિ, નહિ, ભાભી ! આમ લીધેલા વ્રત ચૂકવાં ન જોઈએ, અને ચૂકીએ તો તેનું પ્રાયશ્ચિત્ત કરવું જોઈએ. હું આજ રાત્રે નહિ જમું એટલું જ નહિ, પણ આવતી કાલેય નથી જ જમવાનો... હું જાઉં ત્યારે.'

'જઈ બહારનાં કપડાં બદલીને તરત પાછા આવો. સોમવારનું જૂઠાણું બહુ ચાલ્યું... તારાબહેન ! આ દર્શનભાઈ અત્યારે અહીં જ જમશે. થાળીઓ પીરસી દો.' સરલાએ દર્શનની હા-નાને તરછોડી આજ્ઞા આપી.

'મને માફ કરો, સરલાભાભી !' દર્શન આગ્રહ રાખી રહ્યો. પરંતુ સરલાએ તેને છેવટની વાત કહી સંભળાવી :

'તો અમારે તમારે આજથી કટ્ટા ! તમે મારે ત્યાં ન આવશો અને છોકરાં તમારે ત્યાં નહિ આવે ! બસ ?'

'ના, ના, ભાભી! તમને ખોટું લગાડાય જ નહિ. હું તરત પાછો આવું છું... શોભા અને અમર મારે ત્યાં આવે નહિ તો મારાથી જિવાય નહિ. હમણાં પાછો આવ્યો.' કહી દર્શન ફરી પાછો આવવા માટે પોતાની ઓરડીમાં ગયો.

અમર સૂઈ ગયો હતો. તારા અને શોભા બન્ને રસોડામાંથી પરસ્પરની સહાયથી રસોઈની તૈયારી કરતાં હતાં. રસોડામાં થાળી ફરી ખખડી. સરલાએ અને કિશોરે નાનકડી શોભાનો ઠપકો સાંભળ્યો:

'ફોઈ ! આજ કેમ બહુ વાર હાથમાંથી થાળી પડી જાય છે ?'

'જો, શોભા ! મને ફોઈ ફોઈ ના કહીશ. ચાલીમાં અને કૉલેજમાં છોકરીઓ મને ચીડવવા માંડશે. તું મને ફોઈ કહે છે તે મને ગમતું નથી.' તારાએ શોભાના પ્રશ્નનો જુદો જ જવાબ આપ્યો. વર્તમાન યુગના યૌવનને કાકા, મામા, માશી, ફોઈ જેવાં સંબોધનો હવે ગમતાં રહ્યાં નથી.

‘તો હું તમને શું કહીને બોલાવું ?' શોભાનો પ્રશ્ન સંભળાયો.

‘મને હવેથી તારાબહેન કહીને બોલાવજે, ભાભી કહે છે તેમ.' તારાએ કહ્યું.

'તે તારાબહેન ! આજ હાથમાંથી થાળી કેમ ખસી પડે છે !' શોભાએ સંબોધન સુધારી ફરી પ્રશ્ન કર્યો.

'દૈવ જાણે ! કોઈ વાર પડી પણ જાય.' તારાએ જવાબ આપ્યો અને ફોઈ-ભત્રીજીની વાત થોડી વાર માટે બંધ પડી. સરલાએ અને કિશોરે પરસ્પર સામે જોયું અને સરલાએ ઊભા થઈ પાસે પડેલી કૅશ-બૉક્સને કબાટમાં મૂકવા માંડી. એ જોઈ કિશોરે હસતે હસતે કહ્યું : 'સરલા ! આ તારી બચાવપેટી ખાલી રહેવા સર્જાઈ લાગે છે.'

'કારણ ?' સરલાએ પ્રશ્ન કર્યો.

‘તારો પગ અને તારો સ્વભાવ પૈસાની પેટીને ઠેસે ચઢાવે એવા છે.' કિશોરે કહ્યું.

'એ જે હોય તે તમારો પગાર વધશે કે શેઠ તમને ઇનામ આપશે ત્યારે એ પેટી ભરાઈ જશે.'

‘પગાર ન વધે અગર શેઠ ઇનામ ન આપે તો ?'

'તો જેમ આજ ચાલે છે તેમ કાલે ચાલશે અને રોજ ચાલશે.'

'એની ખાતરી શી ?' કિશોરે પૂછ્યું. હજી તેના મુખ ઉપર હાસ્ય રમતું હતું.

‘હજી કેટલી ખાતરી જોઈએ છે ? ઘરમાં છીએ તે કરતાં આપણે વધવાનાં નથી. પછી શું ?' સહજ ધીમેથી સરલાએ રહસ્યવાક્ય ઉચ્ચાર્યું.

'પણ્ તું તો એવી છે કે ઘરમાં આપણે વધીશું નહિ તોય તું બહારથી કોક કોકને બોલાવી લાવવાની !'

'એ જે થાય તે ખરું. તમે આ દર્શનની જ વાત કરો છો ને ? એને અત્યારે જમવા બોલાવ્યો તેથી ?'

'દર્શનને માટે હું કદી વાંધો લઈ જ ન શકું.'

'દર્શન નહિ તો બીજું કોઈ ! પણ આપણાથી પડોસીને ભૂખ્યો કેમ સૂવા દેવાય ?' સરલાએ કહ્યું.

કિશોરે એ પ્રશ્નનો જવાબ ઘડી કાઢ્યો:

'એ પ્રશ્ન મને નહિ, સરલા ! પણ અમારા શેઠ-શાહુકારોને, અમલદારોને અને રાજ્યકર્તાઓને પૂછવા સરખો છે.'

પરંતુ મનમાં ઘડાયેલો એ પ્રશ્ન કિશોરે મનમાં જ રાખી લીધો; એણે પ્રગટ કર્યો નહિ. કદાચ સરલાને એ ઉત્તરની પૂરી સમજ પડત નહિ. વળી દર્શન પણ ઉતાવળો ઉતાવળો ઓરડીમાં પાછો આવી લાગ્યો અને કહેવા લાગ્યો :

'મારો સોમવાર તોડાવ્યો એનું પાપ કોને લાગે ?'

‘તમારે સોમવાર નહિ, મંગળવાર કરવો જોઈએ.' સરલાએ હસતાં હસતાં કહ્યું.

'કારણ ?'

'શું કારણ ? આવડા મોટા થયા અને વહુ તો મળતી નથી ! મંગળવાર કરો, મંગળવાર ! કાંઈ સગવડ થાય.' ‘એ સગવડ થતી હોય તો આપણે મંગળવાર કરવો જ નથી ને '

'કેમ? પરણવું નથી ?'

'ના રે ! એકલા જિવાય તોય બસ છે ! પાછો બેની જવાબદારી ક્યાં હું ઊભી કરું?'

'આજના પુરુષો જ બીકણ બની ગયા છે ને !' કહી સરલા કિશોર તથા દર્શનને લઈ અંદર રસોડામાં લઈ ગઈ. સહુ આનંદપૂર્વક જમ્યાં. તારાના હૃદયમાં કોઈ સંકોચની ભાવના જાગૃત થઈ ચૂકી હતી; દર્શન તરફ એની દોડતી નજર વારંવાર પાછી વાળી લેવી પડતી હતી.

રાત્રિ માનવજાતના મોટા ભાગને પોતાના હૈયામાં સમાવી દે છે. માનવીની અવરજવર અને હલનચલન રાત્રે અટકી પડે છે.

છતાં તારા જાગતી સૂઈ રહી હતી !.... આંખો મીંચીને અને આંખો ખુલ્લી રાખીને ! એની આંખ સામે દર્શન કેમ દેખાયા કરતો હતો ?

સરલા સૂઈ ગઈ હતી. તોય એ જાગતી જ હતી. એની કૅશ-બૉક્સ સદાય ખાલી રહેવા સર્જાઈ હતી ! એ ક્યારે ભરાય અને ક્યારે પોતાના પતિને, પોતાનાં બાળકોને, પોતાના પડોશીઓને એ બને એટલું સુખ આપે ? આજ તો એણે પતિસ્પર્શની બાધા લીધી હતી - તેનું અને પતિનું યૌવન હજી ઝગમગતું હોવા છતાં !

દર્શન એકલો એકલો પોતાની ઓરડીમાં સૂતે સૂતે હસતો હતો. ડિગ્રીધારીને આજની રાત ભૂખ્યાં સૂવાનું જ હતું ! પડોશી આટલાં સારાં કેમ હોય છે ?... અને તારા ? રખે એના તરફ દર્શનનું ચિત્ત આકર્ષાય ! ચાલીની બાહ્યાભ્યંતર મલિનતામાં પ્રેમ ઊપજે જ કેમ ?

કિશોરને સહજ નિદ્રા આવી. પરંતુ નિદ્રા સ્વપ્ન પણ લાવી. શેઠે તેને રજા આપી અને તેને બીજે નોકરી મળતી ન હતી ! આવા ઓથારમાં તે ઝબકી જાગી ગયો.

માત્ર શોભાની રૂપાળી બિલ્લી પૂરી જાગૃત હતી ! દૂધ કે ઉદર ક્યાં મળે એનો વિચાર કરતી એ શોભા પાસે ગૂંચળું વળીને આંખો ચમકાવી રહી હતી !