ત્રિશંકુ/ફરી મળતી નોકરી
← સહુ સહુની રમત | ત્રિશંકુ ફરી મળતી નોકરી રમણલાલ દેસાઈ |
અંગુલિમુદ્રા → |
સંધ્યાકાળ વીતી ગયો હતો. કચેરીઓમાંથી ઘેર આવનાર પુરુષો આવી ગયા હતા, અને ચાલીની ઓરડીએ ઓરડીએ લગભગ સગડીઓ સળગી ચૂકી હતી. હવે સામાન્ય માનવીને ખાવા માટે બદામ મળતી નથી એટલે એ ખાવાની પૌષ્ટિક વસ્તુનું નામ બદામી કોલસામાં પેસી ગયું છે ! જમા-ઉધારનાં પાસાં સરખાં કરવા માટે માનવજાતે કયા કયા પ્રયોગો કર્યા છે તેવી નોંધ થવી જરૂરી છે. એ નોંધમાં છેલ્લો છેલ્લો બદામી કોલસાનો ઉમેરો થયો છે. ઓરડીની ઘણીખરી સગડીઓમાં બદામી કોલસા જ બળતા હતા.
કિશોરની ઓરડીમાં કંઈ મહત્ત્વની વાતચીત ચાલતી હતી. અજાણ્યા પુરુષની સાથે કિશોરને ધીમેથી વાત કરવી પડતી હતી એટલે તારાને લાગ્યું કે ભાઈને અને એમને મળવા આવનારને એકાંત જોઈતું હતું. રસોડાનો કબજો સરલાએ લીધો હતો એટલે તારા નાનકડી શોભા સાથે ઓરડીની બહાર નીકળી. ચાલીમાં આવે એટલે પ્રથમ ઓરડી દર્શનની જ હોય ! અને થોડા દિવસથી દર્શનની ઓરડીમાં નજર કરવાની તારાને ટેવ પણ પડી ગઈ હતી - પછી ઓરડીનું બારણું ઉઘાડું હોય કે બંધ હોય ! અંદરથી બારણું બંધ હોય તો તારા ક્વચિત્ તડમાંથી કે જાળીના તૂટેલા ભાગમાંથી પણ બીજું કોઈ જોતું ન હોય ત્યારે નજર કરી લેતી ખરી !
દર્શનની ઓરડીમાં ખટખટારો થતો તારાએ સાંભળ્યો. સામાન્ય રીતે તો દર્શન નવરો બેઠો હોય ત્યારે કાં તો વાંચે લખે, અગર સિતારના તાર ઝણઝણાવે. અત્યારે દર્શનનું ટાઇપરાઇટર ઝડપથી ચાલતું હતું. તડમાંથી પ્રથમ તારાએ જોયું ત્યારે માત્ર દર્શનના હાથ ટાઈપરાઈટર ઉપર ઝડપથી ચાલતા દેખાયા અને સાથે સાથે કાગળો પણ ટાઈપ થઈ બહાર પડતા દેખાયા. તારાએ બારણા ઉપર ટકોરા માર્યા. ટકોરા માર્યા સિવાય બારણું ખુલ્લું હોય તોપણ કોઈથી ઓરડીમાં જવાય નહિ – તે પણ ટકોરા, પછી અંદરનો આવકાર સંભળાય ત્યારે જ ! ટકોરા સાંભળતાં જ દર્શને પોતાનું કામ અટકાવી લીધું, બારણા તરફ જોયું અને કહ્યું :
'કોણ હશે ? આવો અંદર. મારાં બારણાં કદી બંધ રહેતાં જ નથી.' પરવાનગી મળતાં જ બારણું ખૂલ્યું અને તારા તથા નાની શોભા બન્નેએ દર્શનની ઓરડીમાં પ્રવેશ કર્યો. શોભાના હાથમાં નાનકડી થાળી અને વાડકો પણ હતાં.
'આઈએ આઈએ ! પધારિયે.' દર્શને કહ્યું.
'અરે, શું પધારિયે ! સવારે માએ કેટલી રાહ જોઈ ! તમે દેખાયા જ નહિ ને? જમવાની હા પાડી હતી છતાં.' શોભા બોલી ઊઠી.
'વહેલાં સવારે મારે કામે જવું પડયું, એટલે શું કરું? પછી કામમાંથી છૂટી શક્યો નહિ. અને શોભા ! તારી જીભ પણ તારી ફોઈની કેળવણી પામે છે, ખરું ?' દર્શને જવાબ આપ્યો.
'મારી જીભ તમને નથી ગમતી શું ?' તારાએ પોતાનો ઉલ્લેખ થતાં વિરોધ નોંધાવ્યો..
'નહિ નહિ, છેક એમ તો નહિ. છતાં ઘણી વખત થાય છે કે કોઈ પણ સ્ત્રી બોલે નહિ તો જ બહુ સારી લાગે.... એક સરલાભાભી સિવાય. એ તો બોલે છે ત્યારે અમૃત વરસે છે... અને હા... તારામતી ! તમે પણ બોલો છો ત્યારે... દર્શને સહજ સ્મિત કરી કહ્યું. એના બોલને અર્ધેથી કાપી નાખી તારાએ જવાબ આપ્યો :
'મારે તમારા પ્રમાણપત્રની જરૂર નથી ! આ લ્યો, સરલાભાભીએ આટલી વાનગી મોકલી છે, તમારે ચાખવા માટે.’ અને શોભાને ઈશારત કરતાં શોભાએ થાળી-વાડકો ખુલ્લા કરી દર્શનની પાસે મૂકી દીધાં, અને દર્શનની સામે જ એક ફાટેલી ચટાઈ ખેંચી લાવી તારા અને શોભા તેની ઉપર બેસી ગયાં. દર્શન બેઠો હતો એ ચટાઈ હવે નિવૃત્ત થવા માગતી હતી. થાળી-વાડકા તરફ નજર કરી દર્શને પૂછ્યું :
'તે ચાખવા માટે છે ? આ તો મારે માટે અઠવાડિયું ચાલે એટલો ખોરાક થઈ ગયો ! આટલું બધું ન જોઈએ.'
‘પણ માએ તો કહ્યું છે કે તમને જમાડીને જ અમારે આવવું, સવારના ભૂખ્યા જ છો ને ?'
'ભૂખ્યું તે કોઈ રહેતું હશે... કેવી સરસ હોટેલમાં મેં બ્રેકફાસ્ટ અને લંચ...અને ત્રીજા પહોરની "હેવી ટી” પણ લીધાં છે.' દર્શને શોભાને કહ્યું.
'શોભા, તું જા. આ જુઠ્ઠા માણસને જમાડયા સિવાય હું પાછી આવવાની જ નથી. ભાભીને કહેજે કે હું આગ્રહ કરવા બેઠી છું.' તારાએ કહ્યું અને ફોઈની આજ્ઞા પ્રમાણે શોભા આ ખુશખબર કહેવા દોડતી ઓરડી બહાર ચાલી ગઈ. 'એને બિચારીને કાઢી મૂકીને ?' દર્શને સહજ સ્મિત સહ પ્રશ્ન કર્યો. તારાએ એકબે ક્ષણ દર્શનની સામે વેધક દૃષ્ટિ કરી અને કહ્યું :
'ઘણી વાત છોકરાં ન સાંભળે એ જ સારું. કહો, સવારના તમે જમ્યા જ નથી, ખરું ?'
'મેં હમણાં જ કહ્યું ને? હું તે જૂઠું બોલું? અને તે શા માટે ?' દર્શને જવાબ આપ્યો.
‘તમે કદી જૂઠું બોલતા જ નથી, શું? મારા સમ ખાઈને કહો.'
'જુઓ, તારામતી ! જૂઠું અને સાચું એ બન્ને સાપેક્ષ શબ્દો છે. આઈન્સ્ટીન નામના એક વિજ્ઞાનવિદ ફિલસૂફે સાપેક્ષવાદ શોધીને જૂના દુશ્મન જૂઠ અને સાચને દોસ્ત બનાવી દીધા છે. હવે સાચ અને જૂઠ બન્ને હાથ મિલાવી ફરે છે... અને એ આઈન્સ્ટીન હજી ઈશ્વરકૃપાએ જીવે છે.'
એકાએક ટાઇપરાઇટરની આસપાસનાં થોડાં કાગળિયાં ઊંડ્યાં. પવનની એક લહેર કોણ જાણે ક્યાંથી આ ઓરડીમાં ઘૂસી ગઈ. દર્શને ઊડેલાં કાગળિયાં કાળજીથી પકડી મૂકી દીધાં. પરંતુ એક કાગળિયું તારાની પાસે આવી પડયું હતું તે તારાએ ઊંચકી લીધું અને કહ્યું :
'આજ, અત્યારે, કાગળિયાં કેમ ચૂંથો છો ?... અરે, તમારી ચાલુ નોકરી ગઈ શું ? આ અરજીઓ ફરીથી કરો છો તે ?” ઉપાડેલા કાગળ ઉપર સહજ નજર ફેરવી તારાએ કહ્યું.
'નોકરી અને મકાન ગયાં ન હોય તોયે નવાં નવાં શોધતા જ રહેવું... એ શોધ અખંડ જ રાખવી, ઈશ્વરની શોધની માફક !' દર્શને જવાબ આપ્યો.
'સમજી ગઈ છું. તમારી નોકરી ગઈ જ લાગે છે.'
‘તોયે શું? બીજી મળશે.'
'પગાર તો મળી ગયો ને ?'
‘તારામતી ! આજની નોકરીમાં રજા મળે, પગાર નહિ !' હસતે હસતે દર્શને કહ્યું.
'શું હસો છો? તમારાં બંધ બારણાં પાછળ ખટખટારો ચાલતો હતો ત્યારની હું સમજી ગઈ હતી કે આજ તમારો સિતાર કેમ ચાલતો નથી.' તારાએ કહ્યું.
'સિતાર તો ચાલ્યા જ કરવાનો, તારામતી !.... દમબદમ ઝીણી સિતારી વાગ્યા જ કરવાની !' દર્શને કહ્યું અને તારા થોડી ક્ષણ દર્શન સામે જોઈ રહી. પછી તેણે કહ્યું : ‘મને આ તમારું ટાઇપિંગ ન શીખવો ?'
'કેટલાં વાનાં શીખવાં છે ? પુસ્તકો તો શીખવાનાં હોય જ ! સિતાર દીઠો એટલે એ પણ શીખવો જ ! હવે ટાઈપિંગ ! મારી બધી જ આવડત તમે ઊંચકી લેશો એમ લાગે છે.’
‘તોયે શું ? ભલે બીજું કાંઈ ન શીખવો, મને ટાઇપિંગ પહેલું જ શીખવી દો.'
'એની કેમ ઉતાવળ? એટલી બધી ?” દર્શને પુછ્યું.
તારા જરાક ગંભીર બની ગઈ. પ્રશ્નનો જવાબ આપવો કે ન આપવો એની ખેંચાખેંચીમાં પડેલી તારાએ અંતે ગંભીરતાથી કહ્યું.
'જુઓ, દર્શન ! બીજા કોઈને કહેશો નહિ. પણ ટાઈપિંગ આવડે તો નોકરી વહેલી મળે ને ?'
‘નોકરી ? હું ટાઇપિંગ શીખ્યો જ છું, છતાં મારી નોકરી ગઈ છે !'
'પણ જુઓ ને, જાહેરાતોમાં ટાઇપિસ્ટ છોકરીઓની માગણી આવે છે; અને હું સાંભળું છું કે છોકરીઓને આવી નોકરીઓમાં પહેલી પસંદગી મળે છે.'
‘પરંતુ તમારું ભણતર તો પૂરું થવા દો ! હજી તે પૂરું થતાં વર્ષ બે વર્ષ લાગશે.'
‘દર્શન ! મારે ભણતર સાથે કમાણી પણ કરવી છે.'
‘તમારે ?' ચકિત થઈને દર્શને પૂછ્યું.
‘હા, મારે. પણ ભાઈને કે ભાભીને કહેશો નહિ, હો !:. વારુ, હવે જમી લો.
'ભૂખ લાગે એવા નહિ; પણ ભૂખ ભાંગી જાય એવા બનાવો બન્યે જાય છે. ઠીક, તમે જાઓ; હું જમી લઈશ.’
'હું શી રીતે જાણીશ કે તમે જમ્યા છો ?'
'મારો વિશ્વાસ નથી ?' દર્શને પૂછ્યું.
'ના, મને હવે કોઈનો વિશ્વાસ નથી. તમારા સિતારના સોગન લો..' તારાએ કહ્યું.
‘સિતારના સોગન ! અને વધારામાં જમી રહ્યો છું એવી ખબર પણ આપીશ.'
'શી રીતે આપશો ?'
'કહો તો કહી જાઉં, જાતે આવીને.'
'એના કરતાં તમે સિતાર જ વગાડજો ને, એટલે હું જાણી લઈશ.' એટલું કહીને તારા ઊભી થવા ગઈ. કંઈકથી એની પાળેલી બિલાડી આવી અને એનું લૂગડું ખેંચવા લાગી. તારાએ દર્શનની ઓરડી બહાર પગ મૂક્યો અને તે અદ્રશ્ય થઈ ગઈ. દર્શને ઊઠીને બારણું ખાલી વાસ્યું, અને તેની પાસે પડેલી થાળીમાં સરલાએ મોકલેલું જમણ તેણે જમવા માંડ્યું. કોણ જાણે કેમ, આજ તેની જીભમાંથી સ્વાદ ઊડી ગયો હતો. મહામુશ્કેલીએ થોડા કોળિયા ભરી તેણે થાળી બાજુ ઉપર મૂકી દીધી, અને ધીમે રહીને તેણે સિતાર હાથમાં લઈ ઝણઝણાવ્યો.
દર્શનની ઓરડીની ભીંતે બહારની બાજુએ અઢેલીને તારા ધ્યાનપૂર્વક સિતારને સાંભળી પ્રવેશમાર્ગમાં ઊભી રહી. પાંચ દસ ક્ષણ વીતી હશે એટલામાં કિશોરની ઓરડીનાં દ્વાર ખૂલ્યાં અને તેમાંથી હસતા હસતા કિશોર અને સુખલાલ તંત્રી બહાર નીકળ્યા... સુખલાલની બીજી બધી વાત ભલે ભુલાય; પરંતુ તેમનું હાસ્ય એવા પ્રકારનું હતું કે તે એક વખત સાંભળનાર કદી વીસરી શકે જ નહિ.
'હો... હો... હો ! હા, કિશોરકાન્ત ! ચાલો, તમે વચ્ચે હતા તે સારું થયું; તમારા શેઠની ઘાત ગઈ એમ માનો નહિ તો એનાં છોડાં ઉખાડી નાખત. એની બરાબર વાત મારા હાથમાં આવી ગઈ છે... લ્યો, આટલું મારા તરફથી છોકરાંને !' એટલું કહી પોતાનું હાસ્ય અટકાવી સુખલાલે ખિસ્સામાંથી દસેક રૂપિયાની નોટ કાઢી કિશોરને આપવા માંડી.
‘નહિ નહિ. તંત્રી સાહેબ ! એ રકમને મારાથી અડાય જ નહિ.' કિશોરે કહ્યું અને સુખલાલ તંત્રીના હાથને જરાક ખસેડી નાખ્યો.
'શું તમે મારા ભાઈ ! હું તમને ક્યાં આપું છું ? તો છોકરાંને આપું છું. છોકરાં મારાં નહિ ?' સુખલાલે વધારે આગ્રહ કર્યો.
'ના જી, મને માફ કરો. આજ એ વાત જ નહિ.'
‘વારુ, ક્યાં એક જ પ્રસંગ છે? મારું પત્ર છે અને તમારા શેઠ છે એટલે હજી આપણે વધારે હળવામળવાનું થશે. શેઠસાહેબને કહેજો, કે વચ્ચે વચ્ચે અમ પત્રકારોને પણ એ યાદ કરતા રહે. શું કહ્યું ?... હા... હા...હા...!'
તેમના ભવ્ય હાસ્યની ઉપર થઈને પણ સિતારનો ઝણઝણાટ સંભળાઈ રહ્યો હતો. પોતાના ભાઈ અને તંત્રીને ચાલ્યા આવતા જોઈ ભીંતે દેહને અઢેલો રાખી રહેલી તારા હવે જાણે સિતારના ઝણઝણાટને સાંભળતી ન હોય તેમ ત્યાંથી ખસી ગઈ. તંત્રીની દ્રષ્ટિ એ અદ્રશ્ય થતી યુવતી તરફ ખેંચાઈ પણ ખરી. તંત્રીની દ્રષ્ટિ ન ખેંચે એવી કોઈ પણ વસ્તુ કે માનવીનું અસ્તિત્વ જ નથી એમ સહુએ માનીને ચાલવું જોઈએ. તારાને ફરીથી જોવાની તક મળે એ ઇચ્છાથી સુખલાલે કિશોરકાન્ત સાથે વાત લંબાવી :
‘આવી ચાલીઓમાં પણ પાછાં વાજાં વગાડતા શોખીનો હોય છે ખરા ! હા... હા... હા...!'
‘હા જી. અને કદાચ.. અંદર જે વગાડે છે તે આપના પત્રમાં કામ પણ કરતો હશે એમ ધારું છું.' કિશોરકાન્ત કહ્યું.
સુખલાલને સિતાર અને વાજાં વચ્ચે ભાગ્યે જ કંઈ ભેદ સમજાતો હોય ! અને વાજું પણ એક વાદ્ય જ છે ને ? સિતારની માફક ? આશ્ચર્ય દર્શાવી સુખલાલે પૂછ્યું :
'કોણ છે વળી એ હૈયાફૂટ્યો ?... આ જમાનામાં સંગીતની કુરસદવાળો !'
'કંઈ દર્શન કે એવું જ કશું નામ છે.' કિશોરે સમજ પાડી.
'અરે હા ! એ અહીં જ રહે છે શું?... તીખ્ખો માણસ છે, નહિ? એને બોલાવીશું જરા ?'
‘આપની ઇચ્છા હોય તો જરૂર ! અરે દર્શન, દર્શનભાઈ !'
ઓરડીના બારણા પાસે જઈ કિશોરે બારણા ઉપર ટકોરા માર્યા. પરંતુ દર્શનનો સિતાર આ બન્નેની વાતચીત પ્રસંગે ચાલી રહ્યો હતો તેમ હજી સુધી ચાલી જ રહ્યો હતો. કિશોરે જરા વધારે બળ કરી બારણું ખખડાવ્યું. સિતાર બંધ થયો. શહેરની સામાન્ય ઢબ અનુસાર દર્શને ઊભા થઈ પોતાનું બારણું આછું ખોલ્યું અને તેણે આશ્ચર્યસહ જોયું કે કિશોર તથા સુખલાલ તેના બારણા પાસે જ ઊભા છે. સુખલાલની સામે જોઈ તેને જાણે ઓળખતો ન હોય તેમ દેખાવ કરી દર્શને પૂછ્યું :
'કેમ કિશોરભાઈ ! મારો કંઈ ખપ પડ્યો કે..?'
‘આ તમારા તંત્રી સાહેબ...' કિશોરનું એ વાક્ય પૂરું થવા ન દેતાં દર્શને વચ્ચે જ કહ્યું :
'હવે એ મારા સાહેબ મટી ગયા છે. મને તો એમણે રજા આપી દીધી. છે.'
દર્શનના એ વાક્યે સુખલાલને હાસ્યભર્યો જવાબ આપવા પ્રેર્યો :
'હા... હા.. હા...! મેં કહ્યું ને કે છોકરો તીખો છે? ચાલ, તારે મારા પત્રમાંથી જવાનું નથી, કાલે કામ ઉપર ચડી જજે અને બાકીનો પગાર લઈ જજે... આજનાં છોકરાં ! જરા જરામાં ખોટું લગાડવાના જ.'
'એ કહેવા માટે આપ અહીં પધાર્યા ? માફ કરજો...' દર્શને કહ્યું. પરંતુ તેને અધવચ અટકાવી સર્વવિજયી સુખલાલે કહ્યું :
'મોટો માફ કરજો કહેવાવાળો ! હા.. હા ! તને તો મારે કેટલો આગળ કરવો છે તેની તને ક્યાં ખબર છે ? આવતી કાલે શું લખવું તેનો વિચાર કરી રાખજે. હા... હા... હા...! ચાલો, કિશોરભાઈ ! સારું થયું કે તમે મળી ગયા છે. અમારા સારા લેખકનો પત્તો પણ આપે લગાડી આપ્યો. Thanks. એને મોકલી દેજો.' એટલું કહી સુખલાલ નમન કરી ત્યાંથી ચાલ્યા ગયા.