ત્રિશંકુ/બાહ્ય ચમકનો ચિરાતો પડદો

← અંગુલિમુદ્રા ત્રિશંકુ
બાહ્ય ચમકનો ચિરાતો પડદો
રમણલાલ દેસાઈ
માટી બનતાં સ્વપ્ન →



 
બાહ્ય ચમકનો ચિરાતો પડદો
 

દર્શનને હવે જોઈએ એટલા સમાચારો મળવા લાગ્યા અને સમાચારો ઉપરથી લેખ લખવાનાં અખૂટ સાધનો તેને મળતાં ગયાં. જોતજોતામાં સચ્ચાઈની રાહ પરપત્રની નકલો ખૂબ નીકળવા લાગી અને પત્રની ટીકા કરનારાઓએ પણ 'સચ્ચાઈની રાહ પર’ વાંચવા માંડ્યું. લોકોની અંગત હકીકત લખવી ન જોઈએ, પૈસા પડાવવાનો આ નવો રસ્તો શોધાય છે, આવી હકીકત સાચી હોય જ નહિ, સારા માણસોની આબરૂ લેવાય છે, આવા પત્રો ઉપર નજર પણ ન કરવી જોઈએ, આમ જ્યાં ત્યાં ઉદ્‌ગારો નીકળતા હોવા છતાં એ ઉદ્‌ગારો કાઢનાર વ્યક્તિના હાથમાં રોજ સચ્ચાઈની રાહ પર’ હોય , અને ન હોય ત્યારે તે બહાર પડે તેની રાહ જોવાતી જ હોય ! 'સચ્ચાઈની રાહ પર' હવે અનેક કબૂતરખાનાંઓમાં ફફડાટ મચાવી મૂકતું અને જોતજોતામાં એ સહુનું પ્રિય પત્ર અને એક સત્તાધારી શસ્ત્ર પણ બની રહ્યું.

હવે દર્શનની અવરજવર તેની ઑફિસમાં સહજ અનિયમિત થઈ પડી. એને ઑફિસમય સિવાય ગમે ત્યારે કચેરીમાં આવવાની છૂટ હતી અને ગમે ત્યારે ઑફિસમાંથી ચાલ્યા જવાની પણ છૂટ હતી. સુખલાલ તંત્રીની સૂચના અનુસાર તેનો પેસારો અણધારી જગ્યાએ નવો લાગ્યો; અને તેવી તેવી જગ્યાઓમાંથી તેને સમાચારો અને ચમચમતા લેખો લખવાનાં સાધન મળી રહેતાં.

'એ કયાં કયાં સ્થાનો હતાં !'

દર્શનને ધનિકોની એક રોનકભરી ક્લબ જડી આવી. હિંદમાં ભલે ઘણી ભયંકર ગરીબી હોય, પરંતુ ધનિકો છેક ઓછા છે એમ પણ કહેવાય એવું નથી. એમ ન હોય તો આ જાતની ચકચકતી મોટર કારના રેલા ક્યાંથી વહેતા હોય ? અને ફેશનેબલ ક્લબોનાં ખાણાંપીણાં, રમતગમત અને મોજમજા ક્યાંથી હોય ? દર્શનની નજરે ધનિકોની એક રોનકભરી ક્લબ પડી. આજની ક્લબોમાંથી પણ ઘણું ઘણું જોનારને મળી જાય છે, અને જોતાં જોતાં કાને પણ ઘણું સંભળાઈ જાય છે. એ ક્લબમાં ધનિકો ભેગા થાય. ક્લબમાં વૃદ્ધોને પણ જુવાની આવે છે. એક બાજુએ ટેનિસ રમાતું હતું, બીજી બાજુએ બેડમિન્ટન, એક મોટા ખંડમાં લાંબી લાકડીઓ વડે હાથીદાંતના ગોળા ટચકાવતી બિલિયર્ડની રમત હતી અને ઘણી જગ્યાએ નાના ટેબલોની આસપાસ પત્તાંની રમત ચાલતી હતી. ક્લબમાં રમાતાં પત્તાંની રમતમાં પૈસો કે આનો તો મુકાય જ નહિ! પોઈન્ટે રૂપિયો ન હોય ત્યાં સુધી પત્તાંની રમત સહુના તુચ્છકારની રમત બની જાય છે. બહાર ગરીબો દ્વારા રમાતો પ્રત્યેક જુગાર ક્લબમાં ઊંચકાઈ આવતાં તે માત્ર શોખની રમત બની રહે છે. કેટલાક ઉત્સાહી પુરુષો ઉત્સાહી સ્ત્રીસભ્યો સાથે હાથ મિલાવીને અગર સ્ત્રીને ખભે હાથ મૂકીને હસતા હસતા ફરતા હતા. થોડાં સ્ત્રી-પુરુષો મેજની આસપાસ બેસી શરબત-આઈસ્કીમ લેતાં હતાં અને કોઈક કોઈક સ્થળે પુરુષો સ્ત્રીસભ્યોને સિગારેટ આપી, એ સિગારેટને પોતે દીવાસળી પણ ચાંપતા હતા. વચ્ચે વચ્ચે બેન્ડ વાગી ઊઠતું : અને એકાએક કેટલાંક યુવકયુવતી અને વૃદ્ધ-વૃદ્ધા આવેશમાં આવી એકબીજાના હાથ-કમર પકડી અંગ્રેજી ઢબનું નૃત્ય પણ કરતાં હતાં. એ નૃત્યમાં ભારે કળા સમાયલી હશે એ સાચું, પરંતુ દર્શનને એ નૃત્યમાં ઠીક ઠીક હાસ્યરસ પણ દેખાયો. કાન ખુલ્લા રાખતાં તેણે પત્તાં રમતા ત્રણ પુરુષો અને સ્ત્રીની વાતચીત પણ સાંભળી. સ્ત્રી હિંદવાસિની હતી, પરંતુ એના મુખ ઉપરનાં પફ-પાઉડર યુરોપી મહિલાને શરમાવે એવાં હતાં; અને તેના ઓષ્ઠ ઉપરના લિપસ્ટીકના રંગો ઓષ્ઠને લાલ લાલ અંગારા બનાવી રહ્યા હતા. અલબત્ત ક્લબમાં જતી સન્નારીનું માથું ખુલ્લું જ હોવું જોઈએ - અર્ધ ખુલ્લી છાતી સહ !

સ્ત્રીનું નામ રંજન હતું અને તે ધનપાલ, જગજીવન અને રસિકલાલ સરખા વ્યાપારી વીરો સાથે પત્તાં રમતી હતી. એકાએક મુખ ઉપર ભારે કંટાળો લાવીને રંજને પત્તાં મેજ ઉપર ફેંક્યાં અને તે બોલી ઊઠી : 'આજ કંઈ રમતમાં ચિત્ત લાગતું નથી, ધનપાલ શેઠ ! આવી ભૂલો કરો છો તે મારે નથી રમવું.'

'વાત સાચી છે; રમતમાં દિલ ચોંટતું નથી' ધનપાલ શેઠે રંજનની ટીકા સ્વમુખે કબૂલ રાખી.

'આજ કાંઈ શેરના ભાવ ગગડ્યા દેખાતા નથી, પછી કેમ આમ ?' જગજીવન શેઠે રંજનની ટીકાને ટેકો આપ્યો.

‘અને જુઓ, શેઠિયા ! તમે ગમે એટલું કરશો તોયે આ દુનિયામાં યુદ્ધો અટકવાના નથી. આનો અર્ધો આનો, ભાવતાલમાં ફેરવાય તેમાં ગભરાઈ શું ઊઠો છો ? શેઠિયા !' રસિકલાલ જેવા હિંમતે બહાદુર વ્યાપારીએ જવાબ આપ્યો. 'ભાવતાલનું તો ઠીક, એનાથી ગભરાઈએ તો વ્યાપાર ન થાય. પણ આ તમારાં છાપાં તો જુઓ ? કોણ જાણે કેમ, પણ આજકાલ તો જેની પાસે ધન તે દુનિયાનો દુશ્મન બની જાય છે !' ધનપાલે વ્યગ્રતાનું ન સમજાય એવું કારણ આપ્યું.

'અરે, હા રે ! સરકાર તો આપણને ચોર જ માનીને ચાલે છે, જોકે ચોરના વેરામાંથી પોતાની તિજોરી ભરે છે ! મજૂરોને નોકરીએ ચડાવી રોજી આપીએ છતાં આપણે મજૂરોના દુશ્મન ! એમાં વળી કારકુનો ભેગાં થાય અને છાપાંવાળાને તો કંઈ બનવું જોઈએ, એટલે ઉજવણી ! જગજીવનદાસને પોતાના વિરુદ્ધની ટીકા પત્રમાં આવેલી યાદ આવી. પરંતુ નૂતન હિન્દને સ્વરાજ્ય આપવામાં સહાયભૂત થયેલી આઝાદ રંજનને કોઈ પણ વસ્તુ ગભરાવે એવી હતી જ નહિ. જગજીવનદાસનાં નિર્માલ્ય વચનો સાંભળી રંજને કહ્યું

'એવાં છાપાંને ગણે છે મારી બલા ! એ તો રોજની વાત છે. એમાં આજ નવું શું છે, ધનપાલ ?'

‘નવું? વાંચો આ છાપું શું કહે છે તે !' ધનપાલે રંજનની બેદરકારીને બિવડાવવા મંથન કર્યું. પરંતુ રસિકલાલે સન્નારીની સહાયે આવી ધનપાલને કહ્યું :

‘વાંચો ને તમે જ ?'

'વાંચવા જેવું વધારે તો તમો જુવાનિયાઓ માટે છે.' ધનપાલે રસિકલાલની જુવાની ઉપર કટાક્ષ કર્યો. ખડખડ હસીને રંજને વચમાં જ કહ્યું :

‘તે તમે તમને ઘરડા થયા માનો છો શું? વાંચી સંભળાવો તો ખરા? બીજું શું હશે એમાં ? કોઈ પ્રેમીઓ માતાપિતાની સામે થઈ ભાગી ગયાં હશે કે કોઈ અભાગિયાએ આપઘાત કર્યો હશે !'

'રંજબહેન ! તમે આપઘાતમાં માનો ખરાં કે ?' જગજીવનદાસે વાર્તાલાપ વધાર્યો.

'જે પ્રેમમાં માને તે આપઘાતમાં માને.' રંજને જવાબ આપ્યો.

'તે તમે શેમાં માનો ?' રસિકલાલે પૂછ્યું.

'હું તો પ્રેમમાંય નથી માનતી અને આપઘાતમાંય નહિ!' રંજને હસતે હસતે કહ્યું.

'આવી આવી વાતો સાંભળીને જ છાપાંવાળા આપણા ઉપર આરોપો મૂકે છે.' ધનપાલે અભિપ્રાય દર્શાવ્યો. ‘તમને એવો ડર લાગતો હોય તો હું આ ચાલી, મને કોઈની પરવા નથી !' કહી, ખુરશી ખસેડી મોં ચડાવી રંજન ત્યાંથી સફાઈબંધ ચાલી નીકળી અને બીજા મિત્રસમૂહમાં ભળી ગઈ. સુંદર સ્ત્રી કોઈ પણ ટોળામાંથી અચાનક ઊઠી જાય એ રસિકલાલને જરાય ગમે એમ ન હતું. તેમણે તરત જ કહ્યું :

‘તમે નાહક રંજનને નારાજ કરી !'

'જો, આ વાંચ. છોકરીઓને આમ જાહેરમાં ચઢાવી મૂકો છો તે ! બધાં જ ફજેત થાય છે.' ધનપાલ શેઠે ઠપકો આપતાં વર્તમાનપત્ર રસિક સામે ધર્યું અને રસિકલાલે બતાવવામાં આવેલો ભાગ વાંચવા માંડ્યો. એ ભાગમાં લખ્યું હતું કે : હવેથી દર અંકે એક જાણીતા ધનિકની રસભરી પ્રેમકથા આપવામાં આવશે.... પછીથી એ જ ધનિકનાં કાળાં બજારની કથા... તે પૂરી થયે તેણે જ આયપત વેરામાં કરેલા ગોટાળાને ખુલ્લા પાડવામાં આવશે... અમે ભારે ખર્ચ કરી સાચી માહિતી મેળવવા એક જાસૂસજાળ બધે જ બિછાવી છે. સાચને આંચ નથી. અમે નિર્ભય અને પુરાવા સજ્જ છીએ. જનતાને સત્ય પીરસવાના અમારા ધર્મમાંથી અમે કદી નહિ ચૂકીએ.

આટલું વાંચતાં બરોબર રસિકલાલથી બોલાઈ ગયું :

'એમ વાત છે ? પણ આપણે ડરવાનું કારણ નથી. બૉય !' કહી રસિકલાલ વસ્ત્રસજ્જતાવાળા પીરસણિયાને સાર્વભૌમત્વભરી બૂમ પાડી. જગજીવન શેઠે રસિકલાલ સાથે સંમત થઈ કહ્યું :

'બરાબર, ડરવાની જરૂર જ ક્યાં છે ? શું મંગાવશો ?” આ દરમિયાન આવેલા બૉયને ઉદ્દેશી તેમણે પીણાની પસંદગી માટે મિત્રોને પૂછ્યું. ધનપાલે તોડ પાડ્યો :

'શરબત કે આઇસક્રીમ વગર બીજું કંઈ નહિ આજ... ત્રણ શરબત.'

હુકમ માથે ચડાવી બૉય ચાલ્યો ગયો અને ઝડપથી ત્રણ શરબતના પ્યાલા લાવીને ત્રણે મહા ધનિકોની સામે મૂકી દીધા. શરબત પીતાં પીતાં ધનપાલથી બોલાઈ ગયું :

‘ડરવા જેવું આપણે છે શું? આ તો નાહકની ખોટી ફજેતી પેપરવાળા કરે છે.'

એકાએક પ્યાલાના પાણીમાં પરપોટો થયો અને ફૂટતાં તેમાંથી કંઈક અવનવું રસભર્યું દૃશ્ય ધનપાલ સામે પ્રકટ થયું. એ દૃશ્યમાં કોઈ સૌંદર્યસંપન્ન નર્તકી હાવભાવસહ ગીત ગાતી હતી અને ગીતના ભાવને શોભે એવું ઉદ્દીપક નૃત્ય પણ કરતી હતી. જોનાર, સાંભળનાર શોખીનો મસ્તીમાં આવી ડોલતા હતાં. અને નોટ કે રૂપિયા ફેંકી વચ્ચે વચ્ચે ઊઠી જતા હતા. ઘડિયાળમાં બારના ટકોરા વાગ્યા અને આખી શોખીન મંડળીમાંથી એકલા ધનપાલ શેઠ જ બેસી રહેલા દેખાયા. નર્તકીએ ગીતનૃત્ય બંધ કર્યું, તબલચી અને સારંગિયા ધનપાલને સલામ કરી ત્યાંથી ખસી ગયા. સ્મિતભરી નર્તકી ધનપાલની સાથે, ધનપાલને અડીને બેસી ગઈ. અને એ પરપોટા દૃશ્ય ફૂટી ગયું.

પરંતુ એ દૃશ્ય કોણ જાણે કેમ દર્શનની નજરે ચઢ્યા વગર રહ્યું નહિ ! એ જ ક્ષણે જગજીવન શેઠથી પણ બોલાઈ ગયું :

'ડરવાનું કંઈ કારણ નથી, એવાં ચીથરાંમાં !'

પરંતુ એટલું બોલી રહે તે પહેલાં તો તેના શરબતના પ્યાલામાંથી એક ચિત્રપટનું પ્રેક્ષકગૃહ અંધકારભર્યું આછું આછું દેખાયું. એ અંધકારમાં એ પુરુષ અંધકારનો લાભ લઈ પાસે બેઠેલી યુવતીનો હાથ પકડી પંપાળતો હતો. યુવતીએ એમાં કાંઈ વાંધો લીધો નહિ. એકાએક ચિત્રપટનું દૃશ્ય પૂરું થતાં અંધકાર ઓસરી ઝગઝગાટ અજવાળું થયું અને યુવતીનો હાથ પંપાળતા પુરુષમાં જગજીવનદાસ શેઠ ઓળખાઈ આવ્યા. અલબત્ત અજવાળામાં બંનેએ હાથ ખસેડી લીધા, પરંતુ તેમની પાછળ બેઠેલા એક યુવક તરફ દૃષ્ટિ કરતાં જગજીવન શેઠને લાગ્યું કે તે તેમની ચેષ્ટા કદાચ જોઈ ગયો હોય. હસીને એ યુવકે શેઠને પૂછ્યું પણ ખરું:

'બહુ જ ચોટદાર પ્રેમદૃશ્ય હતું ! નહિ ?'

‘તમને જે લાગ્યું તે ખરું.' જગજીવન શેઠે જરા ઝંખવાઈને જવાબ આપ્યો.

'મને તો જે લાગ્યું એ ખરું જ. પરંતુ તમને અને તમારાં પત્ની...'

યુવકે કહ્યું. તેને બોલતો અટકાવી જગજીવન શેઠે સહજ ઉગ્રતા દર્શાવી કહ્યું :

'આ મારાં પત્ની નથી... મિત્ર છે - સ્ત્રીમિત્ર !'

'એમ ? હવે સમજ્યો. તેથી આ કરુણ દૃશ્યમાં તમારે તમારી સ્ત્રીમિત્રનો હાથ પકડી લેવો પડયો, નહિ ?' એમ બોલતા યુવકના આછા હાસ્યમાં પ્યાલામાં દેખાયેલું સિનેમાદૃશ્ય એકાએક ઓસરી ગયું. એ દર્શન જેવો કેમ લાગતો હતો?

પત્રકારોની ટીકાથી કદી પણ ન ગભરાવા નિશ્ચય કરી બેઠેલા ત્રીજા ધનિક રસિકલાલે પણ બીજાઓ સાથે તત્કાળ કહ્યું :

'ડરે એ બીજા; આપણે નહિ !'

પરંતુ એટલામાં રસિકલાલના પાણીમાં ઊભરો આવતો દેખાયો અને ઊભરામાંથી બગીચાનો એકાંત ભાગ રચાઈ ગયો. એ એકાંત ભાગમાં ફુવારો ઊડતો હતો અને ફુવારામાં એક અર્ધ નગ્ન સ્ત્રીમૂર્તિ સ્નાન કરી રહી હોય એમ દેખાયું, સંધ્યાકાળનું અજવાળું અંધકારમાં સમાઈ જવા મથતું હતું. ફુવારા પાસેની એક બેઠક ઉપર એક યુવતી મુખ ફેરવી બેઠી હતી અને તેનો હાથ એક પુષ્ટ પુરુષના હાથમાં હતો. એ પુષ્ટ પુરુષમાં આ રસિકલાલનું જ પ્રતિબિંબ ઊઘડતું હતું. બન્ને વચ્ચે વાતચીત થતી પણ સંભળાઈ :

'આજથી હવે મારે તમારે કંઈ જ નહિ !' યુવતીએ કહ્યું.

'કારણ ?' રસિકલાલનો આર્જવભર્યો કંઠ સંભળાયો.

‘તમે મને જોડે લઈને ફરો છો એ તમારાં વહુ જાણે છે, અને જ્યારે ને ત્યારે તમારાં અને મારાં છાજિયાં લઈ નાખે છે.'

‘એમાં હરકત શી છે? છાજિયાં લેવા માટે તો એને આખું ઘર આપ્યું છે... અને આપણે માટે આ બગીચો અને બગીચામાંનું એકાંત મકાન...'

‘પણ હું તો હજી ટાઇપિસ્ટ જ રહી ! અઢીસો રૂપરડીમાં મારું પૂરું થતું નથી હવે !' યુવતીએ રસિકલાલ તરફ સહજ નજર કરી કહ્યું.

'તને ખબર છે, આજ એક ચિત્રપટ માટે મેં બે લાખ રૂપિયા આપ્યા તે ?'

‘એમાં મારે શું ?' યુવતીએ કોઈ પણ પુરુષને ગમી જાય એવો છણકો કર્યો.

'તારે એમાં એટલું જ કે તારે જ સ્ટાર તરીકે એ ચિત્રમાં ઊતરવાનું, એ શર્તે પૈસા ધીર્યા છે. બોલ હવે !'

‘પણ મને તો ડાયરેક્ટરે કે પ્રોડયુસરે જોઈ જ નથી !... 'યુવતીએ પોતાનું આખું મુખ રસિકલાલના મુખ પાસે લાવીને કહ્યું.

‘પણ મેં તને જોઈ છે ને ?' એટલું કહેતા બરોબર રસિકલાલે યુવતીને હતી તેના કરતાં વધારે નજીક ખેંચી અને દ્રશ્ય સમેટાઈ ગયું. પરંતુ અત્યારે પ્યાલામાં પ્રગટ થતા દૃશ્યને જોનાર બીજું કોઈ હોય તો ? અને તે દર્શન જ હોય ત્યારે ?

ક્લબમાં એક અગર બીજે બહાને, એક અગર બીજા મિત્રના મહેમાન તરીકે આવેલા અણજાણ જેવો દેખાવ કરતા દર્શનની આંખે આ ત્રણે ધનિકો ઓળખાયા વગર રહ્યા નહિ, જોકે ડરવાનો જરાય પ્રયત્ન ન કરતા એ ત્રણે ધનિકોની આંખ સામે શરબત પીતે પીતે આવાં એક નહિ પણ વધારે દૃશ્યો રમતાં હતાં. પોતાનું માનસ મોજશોખ ડરતાં ડરી ન જાય એટલા માટે શરબત પીતે પીતે અને પી રહીને ધનપાલે કહ્યું :

‘નહિ નહિ, મારે ડરવાનું કારણ જ નથી. છો ને ચાડિયાઓ ફાવે તેવી વાત કરે !

જગજીવન રોઠની હિંમત ધનપાલ કરતાં જરાય ઊતરતી ન હતી. ધનપાલની બડાઈ સામે તેમણે પોતે જાહેરાત કરી :

'તો શું મારે ડરવાનું કારણ છે એમ માનો છો ? આપણે તો સદાય નિંદકોની દૃષ્ટિ બહાર જ રહેવાના, અને કોઈને ટીકા કરવાનું કારણ આપવાના જ નહિ!'

રસિકલાલની હિંમત તો ત્રણને ટપી જાય એવી હતી. તેમણે તો સ્પષ્ટતાપૂર્વક જણાવી દીધું :

'આપણે તો કારણ હોય તોયે ડરવાના નહિ ! જેને વાત કરવી હોય તે વાત કરે અને છાપવું હોય તે છાપે. બહુ થશે તો હું પોતે જ મારાં જીવનસંભારણાં જાહેરમાં રજૂ કરીશ ! હિંદમાં પણ કોઈ કેસેનોવા જોઈએ ને ?'

રસિકલાલનું કથન સાંભળી ત્રણે મિત્રો એક સાથે જ હસ્યા. હસતે હસતે ધનપાલ શેઠે કહ્યું :

‘આ રસિકલાલ પોતાની આત્મકથા લખે તો હું જરૂર એની પ્રસિદ્ધિનું ખર્ચ મારે માથે લઉં !'

'ખર્ચ ? રસિક જે આત્મકથા લખે તો એ ગીતાની માફક ઘેર ઘેર વંચાવાની ! છે શર્ત? જે નફો થાય તે મારો ! હું ખર્ચ પણ આપું અને રસિકને મહેનતાણું પણ આપું.' જગજીવન શેઠે કહ્યું અને ત્રણે જણ ફરીથી ખડખડાટ હસ્યા. હસતે હસતે રસિકલાલે કહ્યું :

‘હવે જવા દો ને મારી વાત ? તમારી બંનેની આત્મકથા મારા કરતાં દોઢી બમણી ન થાય તો હું મારી આખી મિલકત ધર્માદા કરી દઉં !'

દૂર બેઠેલા દર્શનના કાન આ વાતચીતથી બહુ દૂર ન હતા. એક આખી વાતચીત એના હૃદયમાં છપાઈ ગઈ. તેનું મન બોલી ઊઠયું:

'આ બધી બાહ્ય ચમકને ચીરી હોય તો ?.. શું શું ન દેખાય ?'

અને ખરેખર કેટલાંય જીવનની બાહ્ય ચમકને ચીરતા દર્શનના લેખો અનેક હૃદયોમાં ફફડાટ ઉપજાવી રહ્યા. એના પત્રનું અને એ પત્રના તંત્રીનું માન એકાએક ઘણું વધી ગયું. અને તંત્રી સુખલાલ દર્શનની સેવાને ભૂલે એવા નગુણા તો ન જ હતા.