દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ/ગોખલેનો પ્રવાસ (ચાલુ)

← ગોખલેનો પ્રવાસ દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ
ગોખલેનો પ્રવાસ (ચાલુ)
મોહનદાસ કરમચંદ ગાંધી
વચનભંગ →


તો હોય જ. પણ તેમની સ્મરણશક્તિ જેટલી તીવ્ર હતી તેવી જ મહેનત કરવાની શક્તિ અગાધ હતી. આખી રાત્રિ જાગ્યા અને પોલાકને અને મને જગાડ્યા. એકેએક વસ્તુની સંપૂર્ણ માહિતી મેળવી અને પોતે બરાબર સમજ્યા છે કે નહીં તેનો પડતાળો પણ મેળવી લીધો. પોતાના વિચાર મારી પાસે કહી જાય. અંતે એમને સંતોષ થયો. હું તો નિર્ભય હતો જ.

લગભગ બે કલાક કે તેથી ઉપરાંત પ્રધાનમંડળની પાસે બેઠા અને આવીને મને કહ્યું : 'તારે એક વરસની અંદર હિંદુસ્તાન પાછું આવવાનું છે. બધી વાતનો ફેંસલો થઈ ગયો છે. કાળો કાયદો રદ થશે. ઇમિગ્રેશન કાયદાનો રંગભેદ નીકળશે. ત્રણ પાઉંડનો કર રદ થશે.' મેં કહ્યું : 'મને પૂરી શંકા છે. પ્રધાનમંડળને હું ઓળખું છું તેટલું તમે નથી ઓળખતા. તમારો આશાવાદ મને પ્રિય છે, કેમ કે હું પોતે પણ આશાવાદી છું, પણ અનેક વેળાએ ડંભાયેલો હું આ વિષયમાં તમારા જેટલી આશા નથી રાખી શકતો, પણ મને ભય નથી. તમે વચન લાવ્યા તેટલું મારે સારુ બસ છે. મારો ધર્મ માત્ર આવશ્યક હોય ત્યારે લડી લેવાનો છે; અને લડાઈ ન્યાયની છે એવું સિદ્ધ કરવાનો છે. એ સિદ્ધિમાં તમને અપાયેલું વચન અમને ઘણો ફાયદો આપશે, અને લડવું જ પડશે તોયે લડવામાં અમને બમણું જોર આપશે. પણ વધારે હિંદીઓ જેલમાં ગયા વિના અને એક વર્ષમાં હું હિંદુસ્તાન આવી શકું એમ મને ભાસતું નથી.'

એટલે તેઓ બોલ્યા : 'હું તને કહું છું તેમાં ફેર પડવાનો જ નથી. મને જનરલ બોથાએ વચન આપ્યું કે કાળો કાયદો રદ થશે અને ત્રણ પાઉંડનો કર નીકળશે. તારે બાર માસમાં હિંદુસ્તાન આવ્યે છૂટકો છે. હું એક પણ બહાનું સાંભળવાનો નથી.'

જોહાનિસબર્ગનું ભાષણ પ્રિટોરિયાની મુલાકાત પછી થયું હતું.

ટ્રાન્સવાલથી ડરબન, મૅરિત્સબર્ગ વગેરે જગ્યાએ ગયા. ત્યાં પણ ઘણા ગોરાઓના પ્રસંગમાં આવ્યા. કિંબરલીની હીરાની ખાણ જોઈ. કિંબરલી અને ડરબનમાં પણ સ્વાગતમડળે જોહાનિસબર્ગ જેવાં ખાણાં કર્યાં હતાં. તેમાં ઘણા અંગ્રેજોએ હાજરી આપી હતી. આમ હિંદીઓનાં તેમ જ ગોરાઓનાં મન હરણ કરી ગોખલેએ દક્ષિણ આફ્રિકાનો કિનારો છોડયો. તેમની ઈચ્છાથી કૅલનબૅક અને હું તેમને ઝાંઝીબાર લગી વળાવવા ગયા હતા. તેમને સારુ સ્ટીમરમાં અનુકૂળ આવે એવા ખોરાકની સગવડ કરી હતી. રસ્તામાં ડેલાગોઆ બે, ઈન્હામબેન, ઝાંઝીબાર વગેરે બંદરો પર તેમને ખૂબ માન આપવામાં આવ્યું હતું.

સ્ટીમરમાં અમારી વચ્ચે વાતો કેવળ હિંદુસ્તાનની અથવા તેમાંથી ઉત્પન્ન થતા ધર્મની જ થાય. દરેક વાતમાં તેમની કોમળ લાગણી, તેમની સત્યપરાયણતા અને તેમનું સ્વદેશાભિમાન ઝળકી ઊઠતું. મેં જોયું કે સ્ટીમરમાં તે રમત રમતા તેમાંયે રમતના કરતાં હિંદુસ્તાની સેવાનો ભાવ વિશેષ હતો. તેમાંયે સંપૂર્ણતા તો જોઈએ જ.

સ્ટીમરમાં અમને નિરાંતે વાતો કરવાની ફુરસદ તો મળતી જ. તેમાં તેમણે મને હિંદુસ્તાનને સારુ તૈયાર કરેલો. હિંદુસ્તાનના દરેક નેતાનું પૃથકકરણ કરી બતાવ્યું હતું તે વર્ણનો એટલાં આબેહૂબ હતાં કે તે તે નેતાઓ વિશે મેં જે અનુભવ્યું તેમાં ને તેમના આલેખન વચ્ચે ભાગ્યે જ તફાવત મેં જોયો છે.

દક્ષિણ આફ્રિકાના ગોખલેના પ્રવાસમાં તેમની સાથેના સંબંધનાં એવાં તો ઘણાંયે પવિત્ર સ્મરણો છે કે જે હું અહીં આપી શકું; પણ સત્યાગ્રહના ઈતિહાસ સાથે તેનો સંબંધ નથી તેથી મારે અનિચ્છાએ પણ મારી કલમને રોકવી પડે છે. ઝાંઝીબારમાં થયેલો વિયોગ અમને બંનેને અતિશય દુ:ખદાયક હતો, પણ દેહધારીઓના નિકટમાં નિકટ સહવાસ પણ છેવટે બંધ થાય જ છે એમ સમજીને કૅલનબૅકે અને મેં સંતોષ વાળ્યો, અને બંનેએ આશા રાખી કે ગોખલેની ભવિષ્યવાણી ફળો અને અમે બંને એક વર્ષની અંદર હિંદુસ્તાન જઈ શકીએ. પણ એ અસંભવિત થયું.

એમ છતાં ગોખલેની દક્ષિણ આફ્રિકાની મુલાકાતે અમને વધારે દૃઢ કર્યા, અને જ્યારે લડત ફરી પાછી તીવ્ર રૂપે શરૂ થઈ ત્યારે એ મુલાકાતનો મર્મ અને તેની આવશ્યકતા વધારે સમજાયાં. જો ગોખલેનો પ્રવાસ દક્ષિણ આફ્રિકામાં ન થયો હોત, પ્રધાનમંડળની મુલાકાત તેમને ન થઈ હોત તો ત્રણ પાઉંડના કરને લડતનો વિષય અમે ન જ કરી શકત. જો કાળો કાયદો રદ થઈ સત્યાગ્રહની લડત બંધ થઈ હોત તો ત્રણ પાઉંડના કરને વિશે નવો સત્યાગ્રહ કરવો પડત અને તે કરતાં અથાગ દુ:ખ સહન કરવું પડત, એટલું જ નહીં પણ લોકો તેને સારુ તુરત તૈયાર થઈ શકત કે નહીં એ વિશે પણ શંકા તો ખરી જ. એ કર નાબૂદ કરાવવો એ સ્વતંત્ર હિંદીઓની ફરજ હતી. તે નાબૂદ કરવાને અંગે અરજીઓ વગેરે બધા ઈલાજ લેવાઈ ચૂકયા હતા. '૯૫ની સાલથી કર અપાયા કરતો હતો, પણ ગમે તેવું ઘોર દુ:ખ હોય તે પણ જે લાંબા સમય સુધી ચાલે તો લોકો તેને ટેવાઈ જાય છે, અને તેની સામે થવાનો ધર્મ તેમને સમજાવવો મુશ્કેલ થઈ પડે છે, અને તેની ઘોરતા જગતને સમજાવવી તેટલી જ મુશ્કેલ થઈ પડે છે. ગોખલેને અપાયેલા વચને સત્યાગ્રહીઓનો માર્ગ સરળ કરી મૂકયો.. કાં તો સરકાર વચન પ્રમાણે તે કર કાઢી નાખે અને ન કાઢે તો એવો વચનભંગ એ જ લડાઈનું સબળ કારણ થઈ પડે. થયું પણ તેમ જ. સરકારે એક વર્ષની અંદર કર નાબૂદ ન કર્યો એટલું જ નહીં પણ, એ કર કાઢી નહીં શકાય તેમ ચોખ્ખું સંભળાવી દીધું.

એટલે ગોખલેના પ્રવાસથી ત્રણ પાઉંડનો કર સત્યાગ્રહની મારફતે કઢાવવામાં અમને મદદ મળી એટલું જ નહીં, પણ તેમના પ્રવાસથી ગોખલે દક્ષિણ આફ્રિકાના પ્રશ્નના ખાસ જાણકાર તરીકે ગણાયા. તેમના દક્ષિણ આફ્રિકા વિશેના બોલનું વજન પણ વધ્યું, અને દક્ષિણ આફ્રિકામાં રહેતા હિંદીઓ વિશેના અંગત જ્ઞાનને લીધે હિંદુસ્તાને શું કરવું જોઈએ તે તેઓ વધારે સમજી શકયા, અને હિંદુસ્તાનને સમજાવવા પણ શક્તિમાન થયા. જ્યારે ફરી લડત જાગી ત્યારે હિંદુસ્તાનમાંથી પૈસાનો વરસાદ વરસ્યો અને લૉર્ડ હાર્ડિંગે સત્યાગ્રહીઓના તરફ લાગણી બતાવી તેઓને ઉત્તેજન આપ્યું, હિંદુસ્તાનથી મિ. એન્ડ્રૂઝ અને મિ. પિયર્સન દક્ષિણ આફ્રિકામાં આવ્યા એ બધું ગોખલેના પ્રવાસ વિના ન બની શકત. વચનભંગ કેમ થયો અને પછી શું થયું તે નવા પ્રકરણનો વિષય છે.