દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ/ગોરા સહાયકો

← સમાધાનીનો વિરોધ - મારી ઉપર હુમલો દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ
ગોરા સહાયકો
મોહનદાસ કરમચંદ ગાંધી
અંતરની વિશેષ મુસીબતો →


ર૩. ગોરા સહાયકો

આ લડતમાં એટલા બધા અને પ્રતિષ્ઠિત ગોરાઓએ હિંદી કોમ તરફથી આગળપડતો ભાગ લીધો હતો કે આ સ્થળે તેઓનો એકસાથે પરિચય કરાવવો અયોગ્ય નહીં ગણાય. અાથી ઠેકઠેકાણે તેઓનાં નામ આવ્યાં કરશે તે વખતે વાંચનારને તે અપરિચિત નહીં લાગે અને લડતના ચાલુ વર્ણનમાં તેઓની ઓળખાણ કરાવનારને સારુ મારે રોકાઈ પણ નહીં જવું પડે. જે ક્રમમાં હું તેઓના નામ આપવાનો છું તે ક્રમ વાંચનારે ન પ્રતિષ્ઠાવાર સમજવો કે ન તેમની મદદની કિંમતવાર. કંઈક તેમના પરિચયના વખત પ્રમાણેનો ક્રમ અને લડતના જે જે પેટાવિભાગમાં તેઓની મદદ મળી તે પ્રમાણે તેને ગોઠવાયેલો સમજવાનો છે.

તેમાં પ્રથમ નામ આલ્બર્ટ વેસ્ટનું આવે છે. તેમનો કોમની સાથેનો સંબંધ તો લડાઈ પહેલાં શરૂ થયો. મારી સાથેનો સંબંધ તેથી પણ વહેલો. મેં જ્યારે જોહાનિસબર્ગમાં ઓફિસ ખોલી ત્યારે મારું કુટુંબ મારી સાથે ન હતું, વાંચનારને યાદ હશે કે હું દક્ષિણ આફ્રિકાના હિંદીઓનો તાર મળવાથી ૧૯૦૩માં એકાએક ચાલી નીકળેલો અને તે પણ એક વર્ષની અંદર પાછા ફરવાના ઈરાદાથી. જોહાનિસબર્ગમાં એક નિરામિષ ભોજનગૃહ હતું તેમાં હું નિયમસર બપોરે અને સાંજે ખાવા જતો. ત્યાં વેસ્ટ પણ આવતા અને ત્યાં જ અમારી ઓળખાણ થયેલી. તે એક બીજા ગોરાની સાથે ભાગમાં છાપખાનું ચલાવતા હતા .

૧૯૦૪માં જોહાનિસબર્ગના હિંદુઓમાં સખત મરકી ફાટી નીકળી. દરદીઓની સારવારમાં હું રોકાઈ ગયો અને પેલા ભોજનગૃહમાં મારું જવાનું અનિયમિત થયું, અને જ્યારે જતો ત્યારે પણ મારા ચેપનો

બીજાને ભય ન રહે એટલા સારુ બીજા જમનારાઓ આવ્યા હોય તેમના પહેલાં હું ત્યાં જઈ આવતો. બે દિવસ મને જ્યારે ઉપરાઉપરી જોયો નહીં ત્યારે વેસ્ટ ગભરાયા. તેમણે છાપાંઓમાં જોયેલું કે હું દરદીઓની સારવારમાં રોકાયેલો હતો. ત્રીજે દિવસે સવારના છ વાગ્યે હજુ હું હાથમોં ધોઈ રહ્યો હતો તેટલામાં વેસ્ટે મારી કોટડીનું બારણું ઠોક્યું. મેં બારણું ઉઘાડયું તો વેસ્ટનો હસમુખો ચહેરો જોયો.

તે તરત જ રાજી થઈને બોલી ઊઠયા, "તને જોઈને નિરાંત થઈ. તને ભોજનગૃહમાં ન જોયો તેથી હું ગભરાઈ ગયો હતો. મારાથી તને કંઈ મદદ થઈ શકે એમ હોય તો જરૂર કહેવું."

મેં હસીને જવાબ દીધો, "દરદીની સારવાર ?"

"કેમ નહીં ? જરૂર હું તૈયાર છું."

આટલા વિનોદમાં મારો વિચાર મેં કરી લીધો હતો. મેં કહ્યું, "તમારી પાસેથી મને બીજા જવાબની આશા હોય જ નહીં. પણ તેમાં તો મારી પાસે ઘણા મદદગાર છે. પણ તમારી પાસેથી તો, હું એથી વધારે કઠણ કામ લેવા ઈચ્છું છું. મદનજિત અહીં છે. 'ઈન્ડિયન ઓપીનિયન'નું પ્રેસ નિરાધાર છે. મદનજિતને તો મેં મરકીના કામમાં રોકી જ લીધા છે. તમે ડરબન જાઓ અને સંભાળો તો એ ખરેખરી મદદ છે. તેમાં લલચાવા જેવું તો કંઈ છે જ નહીં. હું તો તમને જૂજ જ રકમ આપી શકું, એટલે મહિનાના દસ પાઉંડ અને જે પ્રેસમાં કંઈ લાભ થાય તો તેમાંથી અધું તમારું."

"એ કામ જરા અટપટું ખરું. મારે ભાગીદારની રજા લેવી પડશે. કેટલીક ઉઘરાણીઓ છે, પણ કંઈ ફિકર નહીં. આજ સાંજ સુધીની છૂટ તું મને આપશે ?"

"હા ! છ વાગ્યે આપણે પાર્કમાં મળીએ.”

"હું જરૂર પહોંચીશ."

તે પ્રમાણે અમે મળ્યા. ભાગીદારની રજા લઈ લીધી. ઉઘરાણીઓ ઉઘરાવવાની મને સોંપી દીધી અને બીજે દિવસે સાંજની ટ્રેનમાં તે રવાના થયા. એક મહિનાની અંદર તેમનો રિપોર્ટ આવ્યો કે, "આ છાપખાનામાં નફો તો છે જ નહીં, ખોટ ઘણી છે. ઉઘરાણી પાર વગરની છે, પણ ચોપડા ઢંગધડા વિનાના છે. ઘરાકોનાં પૂરાં નામ નથી, ઠેકાણાં નથી. બીજી અવ્યવસ્થા પણ ઘણી છે. આ હું ફરિયાદરૂપે નથી લખતો. હું નફાને સારુ નથી આવ્યો. એટલે આ લીધેલું કામ હું છોડવાનો નથી એ ચોકકસ માનજે. પણ એટલી નોટિસ હું અત્યારથી આપી દઉં છું કે તારે લાંબા કાળ સુધી ખોટ તો ભર્યે જ જવી જોઈશે."

મદનજિત જોહાનિસબર્ગ આવ્યા હતા, ઘરાકો કરવા અને છાપખાનાની વ્યવસ્થાની મારી સાથે વાતચીત કરવા. હું દર મહિને તેની થોડીઘણી પણ ખોટ ભર્યા કરતો હતો, તેથી મારે તેમાં કેટલે સુધી ઊતરવું પડશે એ જાણવા ઈચ્છતો હતો. વાંચનારને હું જણાવી ગયો છું કે મદનજિતને અારંભ વેળાએ પણ છાપખાનાનો અનુભવ હતો નહીં એટલે, છાપખાનામાં અનુભવી માણસને તેમની સાથે રોકી શકાય તો સારું એમ તો હું વિચાર્યા જ કરતો હતો. દરમ્યાન મરકી આવી અને મદનજિત એવા કામમાં તો બહુ કુશળ અને નિર્ભય માણસ, એટલે તેમને રોકી લીધી. તેથી વેસ્ટનું અણધાર્યું કહેણ મેં ઝીલી લીધું અને મરકી દરમ્યાનના પ્રસંગને સારુ જ નહીં, પણ જાથુને સારુ તેમણે જવું જોઈએ એ મેં સમજાવી દીધું હતું. તેથી ઉપર પ્રમાણેનો તેમનો રિપોર્ટ આવ્યો.

છેવટે છાપું અને છાપખાનું ફિનિકસ ગયાં એ વાંચનાર જાણે છે. વેસ્ટના મહિનાના દસ પાઉંડને બદલે ફિનિકસમાં ત્રણ પાઉન્ડ થયા. આ બધા ફેરફારોમાં તેમની સંપૂર્ણ સંમતિ હતી. પોતાની આજીવિકા કેમ મળશે એનો તો એમને કોઈ દિવસ જરાયે ભય થયો હોય એવું મેં અનુભવ્યું નથી. ધર્મનો અભ્યાસ ન છતાં, અત્યંત ધાર્મિક માણસ તરીકે તેમને હું ઓળખું છું. તે અતિશય સ્વતંત્ર સ્વભાવના માણસ છે. જે વસ્તુ જેવી માને તેવી જ તેને કહી બતાવે. કાળાને કૃષ્ણવર્ણનું ન કહેતાં કાળું જ કહે, તેમની રહેણી અત્યંત સાદી હતી. અમારા પરિચય વખતે તે બ્રહ્મચારી હતા અને હું જાણું છું કે એ બ્રહ્મચર્યનું પાલન કરતા. કેટલાંક વર્ષ પછી તેમણે વિલાયત જઈ પોતાનાં માબાપની યાત્રા કરી, અને ત્યાંથી પરણીને આવ્યા. મારી સલાહથી પોતાની સ્ત્રીને, સાસુને અને કુંવારી બહેનને સાથે લાવ્યા. તેઓ બધાં ફિનિક્સમાં અત્યંત સાદાઈથી રહ્યાં અને દરેક રીતે હિંદીઓની સાથે ભળી જતાં.

મિસ એડા વેસ્ટ (અમે એમને દેવીબહેન કહેતા) હવે ૩૫ વર્ષનાં થયાં હશે, પણ હજુ કુંવારી અવસ્થામાં જ છે અને અતિશય પવિત્ર જિંદગી ગાળે છે. તેમણે પણ કંઈ ઓછી સેવા કરી નથી. ફિનિક્સમાં વસતા બાળશિખ્યોને રાખવા, તેઓને અંગ્રેજીનું શિક્ષણ આપવું, સાર્વજનિક રસોડામાં રસોઈ કરવી, મકાન સાફ રાખવાં, ચોપડા પણ રાખવા, બીબાં પણ ગોઠવવાં, છાપખાનાનું બીજું કામ કરવું, તેમાં કયાંય આ બાઈએ કોઈ દિવસ આનાકાની કરી નથી. હાલ તેઓ ફિનિક્સમાં નથી, તો એનું કારણ માત્ર એટલું જ કે તેઓનું જૂજ ખર્ચ પણ, મારા હિંદુસ્તાનમાં આવવા પછી છાપખાનાથી ઊપડી શકે એમ ન હતું. વેસ્ટનાં સાસુની ઉમર અત્યારે ૮૦ વર્ષની ઉપરની હશે. તેમને સીવણનું કામ અતિશય સુંદર આવડે છે. એટલે એવા કામમાં તે બુઠ્ઠી બાઈ પણ પૂરી મદદ કરે. ફિનિક્સમાં તેમને સૌ દાદી ('ગ્રેની') કહેતા અને માનતા. મિસિસ વેસ્ટને વિશે કંઈ કહેવાની જરૂર હોય નહીં. જ્યારે ફિનિક્સમાંથી ઘણા માણસો જેલમાં ગયા ત્યારે વેસ્ટ કુટુંબે મગનલાલ ગાંધીની સાથે મળીને ફિનિક્સનો કારભાર ચલાવ્યો. છાપાને અને છાપખાનાને લગતાં ઘણાં કામ વેસ્ટ કરે. મારી અને બીજાઓની ગેરહાજરીમાં ડરબનથી ગોખલેને મોકલવાના તાર તે વેસ્ટ મોકલે. છેવટે વેસ્ટ પણ પકડાયા (જોકે તેમને તરત છોડી મૂકવામાં આવ્યા હતા) ત્યારે ગોખલે ગભરાયેલા, અને ઍન્ડ્રૂઝ તથા પિયર્સનને મોકલ્યા.

બીજા રિચ. તેમને વિશે હું લખી ચૂકયો છું. તે પણ લડાઈ પહેલાં જ મારી ઓફિસમાં દાખલ થઈ ગયા હતા. તે મારી પછી મારું કામ સંભાળી શકે એ ઉમેદથી વિલાયત બૅરિસ્ટર થવા ગયેલા. ત્યાં કમિટીની બધી જવાબદારી તેમના જ હાથમાં હતી.

ત્રીજા પોલાક. વેસ્ટની જેમ પોલાકની ઓળખાણ પણ અનાયાસે ભોજનગૃહમાં થયેલી. તેઓ પણ ક્ષણવારમાં ટ્રાન્સવાલના 'ક્રિટિક'ના ઉપતંત્રીની જગ્યા છોડીને "ઈન્ડિયન ઓપીનિયન"માં ગયેલા. તેમણે વિલાયતમાં અને આખા હિંદુસ્તાનમાં લડતને અંગે મુસાફરી કરી એ સૌ જાણે છે, રિચ વિલાયત ગયા એટલે એમને ફિનિકસથી મારી અૉફિસમાં બોલાવી લીધા. ત્યાં 'આર્ટિકલ્સ' આપ્યા, અને તે પણ વકીલ થયા. પાછળથી પરણ્યા. મિસિસ પોલાકને પણ હિંદુસ્તાન ઓળખે છે. તે બાઈએ પોતાના પતિને લડતના કામમાં પૂરેપૂરી મદદ આપી, કોઈ દિવસ તેમાં વિઘ્ન નાખ્યું જ નથી. અને હાલ, એ બંને, જોકે અસહકારની લડતમાં આપણાં સહકારી નથી છતાં, હિંદુસ્તાનની સેવા યથાશક્તિ કર્યા કરે છે.

પછી હર્મન કૅલનબૅક. એમનો પરિચય પણ લડાઈ પહેલાં થયેલો. એ જાતે જર્મન છે, અને જો અંગ્રેજ-જર્મનની લડાઈ ન થઈ હોત તો આજે તે હિંદુસ્તાનમાં હોત. તેમનું હૃદય વિશાળ છે. તેમના ભોળપણાનો પાર નથી. તેમની લાગણી ઘણી તીવ્ર છે. તેમનો ધંધો શિલ્પીનો છે. એવું એક પણ કામ નહીં હોય કે જે કરવામાં તેમણે આનાકાની કરી હોય. જ્યારે મેં જેહાનિસબર્ગમાં ઘરબાર કાઢી નાખેલાં ત્યારે અમે બંને સાથે જ રહેતા, એટલે મારું ખર્ચ એ જ ઉપાડતા. ઘર તો એમનું પોતાનું જ હતું. ખાધાખર્ચમાં હું મારો ભાગ આપવા કહેતો ત્યારે તે ચિડાય, અને એમને ઉડાઉપણામાંથી બચાવનાર તો હું જ હતો એ કહી મને વાળે. આ તેમના કહેવામાં વજૂદ હતું. પણ ગોરાઓ સાથેના મારા અંગત પ્રસંગોનું વર્ણન કરવાનું આ સ્થળ નથી. ગોખલે આવ્યા ત્યારે જોહાનિસબર્ગનો તેમનો ઉતારો કોમની વતી કૅલનબૅકની બંગલીમાં હતો. એ મકાન ગોખલેને અત્યંત પસંદ પડયું. તેમને વળાવવાને ઝાંઝીબાર સુધી તે મારી સાથે આવેલા. પોલાકની સાથે તે પણ પકડાયેલા અને જેલ ભોગવેલી. અને છેવટે જ્યારે દક્ષિણ આફ્રિકા છોડીને ગોખલેને વિલાયતમાં મળીને હું હિંદુસ્તાન આવતો હતો ત્યારે કૅલનબૅક મારી સાથે હતા, અને લડાઈને લીધે જ તેમને હિંદુસ્તાન આવવાની પરવાનગી ન મળી. બધા જર્મનોની સાથે તેમને પણ વિલાયતમાં નજરકેદમાં રાખવામાં આવ્યા હતા. લડાઈ પૂરી થયા પછી તે જેહાનિસબર્ગમાં પાછા ગયા છે, અને પોતાનો ધંધો પાછો શરૂ કર્યો છે. જેહાનિસબર્ગમાં સત્યાગ્રહી કેદીઓના કુટુંબને એકીસાથે રાખવાનો જ્યારે વિચાર થયો ત્યારે કૅલનબૅકે પોતાનું ૧૧૦૦ વીઘાંનું ખેતર કોમને વગર ભાડે સોંપ્યું. તેની વિગત વાંચનાર હવે પછી જોશે.

હવે, એક પવિત્ર બાળાની ઓળખાણ આપું, તેને ગોખલેએ આપેલું પ્રમાણપત્ર વાંચનારની પાસે રજૂ કર્યા વિના મારાથી નહીં રહી શકાય. આ બાળાનું નામ મિસ શ્લેશિન. ગોખલેની માણસોને પિછાણવાની શક્તિ અદ્ભુત હતી. ડેલાગોઆ બેથી ઝાંઝીબાર સુધી અમને વાતો કરવાનો અને શાંતિનો સુંદર પ્રસંગ હતો. દક્ષિણ આફ્રિકાના હિંદી તેમ જ ગોરા અાગેવાનોનો પરિચય પણ તેમને ઠીક થયો હતો. એમાંનાં બધાં મુખ્ય પાત્રોનાં સૂક્ષ્મ પૃથકકરણ તેમણે કરી બતાવ્યાં, અને મને બરાબર યાદ છે કે તેમણે મિસ શ્લેશિનને હિંદી અને ગોરા બધામાં સૌથી પ્રથમ પદ આપ્યું હતું. "એના જેવું નિર્મળ અંત:કરણ, કામમાં એકાગ્રતા, દૃઢતા, મેં ઘણાં થોડામાં જોયાં છે. અને હિંદીઓની લડતમાં કશાયે લાભની આશા વિના આટલું સર્વાર્પણ જેઈને હું તો આશ્ચર્યચકિત થયો. વળી આ બધા ગુણોની સાથે તેની હોશિયારી ને ચપળતા તમારી આ લડતમાં તેને એક અમૂલ્ય સેવિકા બનાવે છે. મારે કહેવાની તો જરૂર ન હોય તોપણ કહું છું કે તેને તું સંધરજે.

મારી પાસે એક સ્કૉચ કુમારિકા શૉર્ટહેન્ડ અને ટાઇપિસ્ટ તરીકે હતી. તેની વફાદારી અને નીતિનો કંઈ પાર ન હતો. આ જિંદગીમાં મને કડવા અનુભવ તો ઘણાયે થયા છે, પણ મારા સંબંધમાં એટલાં બધાં સુંદર ચારિત્ર્યવાળા અંગ્રેજ અને હિંદી આવ્યા છે કે, હું હંમેશાં એને મારું સદ્ભાગ્ય જ માનતો આવ્યો છું. આ સ્કૉચ કુમારિકા મિસ ડિકના વિવાહનો પ્રસંગ આવ્યો એટલે તેનો વિયોગ થયો. મિ. કૅલનબૅક મિસ શ્લેશિનને લાવ્યાં અને મને કહ્યું, "આ બાળાને તેની માએ મને સોંપી છે. એ ચાલાક છે, એ પ્રમાણિક છે, પણ એનામાં ટીખળ અને સ્વતંત્રતા બહુ છે. કદાચ તે ઉદ્ધત પણ ગણાય. તને પોસાય તો તું તેને રાખજે. પગારને ખાતર હું એને તારી નીચે નથી મૂકતો." હું તો સારી શૉર્ટહેન્ડ ટાઇપિસ્ટને મહિનાના વીસ પાઉન્ડ આપવાને તૈયાર હતો. મિસ શ્લેશિનની શક્તિની મને કંઈ ખબર ન હતી. મિ. કૅલનબૅકે કહ્યું, "હાલ તો મહિનાના છ પાઉન્ડ આપજે.”' મને તો એ કબૂલ હોય જ.

મિસ શ્લેશિનના ટીખળનો અનુભવ તો મને તરત જ થયો. પણ એક મહિનાની અંદર તો મિસ શ્લેશિને જ મને વશ કરી લીધો. રાત અને દહાડો ગમે ત્યારે કામ આપે. તેને સારુ કંઈ અશકય કે મુશ્કેલ તો મળે જ નહીં. આ વખતે તેની ઉંમર સોળ વર્ષની હતી. અસીલોનાં અને સત્યાગ્રહીઓનાં મન પણ પોતાની નિખાલસતા અને સેવાની તત્પરતાથી તેણે હરી લીધાં. અૉફિસની અને લડતની નીતિની એ કુમારિકા ચોકીદાર અને રખેવાળ થઈ પડી. કોઈ પણ કાર્યની નીતિને વિશે તેને જરાયે શંકા આવે એટલે અતિશય છૂટથી મારી સાથે વાદવિવાદ કરે, અને હું જ્યાં સુધી તે વસ્તુની નીતિને વિશે તેની ખાતરી ન કરી આપું ત્યાં સુધી તેને સંતોષ વળે જ નહીં.

જયારે બધા પકડાયા અને આગેવાનોમાં લગભગ એક કાછલિયા જ બહાર હતા તે વખતે એ બાઈએ લાખો રૂપિયાનો હિસાબ સાચવ્યો, જુદી જુદી પ્રકૃતિના માણસોની પાસેથી કામ લીધું. કાછલિયા પણ તેનો આશ્રય લે, તેની સલાહ લે. અમે બધા જેલમાં ગયા ત્યારે ડોકે 'ઈન્ડિયન ઓપીનિયન'ની કમાન હાથમાં લીધી. પણ એ ધોળા વાળવાળો અનુભવી બુજરગ 'ઈન્ડિયન ઓપીનિયન'ને સારુ લખાયેલા લેખો મિસ શ્લેશિનની પાસે પાસ કરાવે ! અને તેણે મને કહેલું, "જે મિસ શ્લેશિન ન હોત તો હું નથી જાણતો કે હું કઈ રીતે મારા કામમાં મને પોતાને પણ સંતોષ આપી શકત. તેની મદદ અને તેની સૂચનાઓનું મૂલ્ય હું આંકી શકું એમ નથી." અને ઘણી વખત તેણે સૂચવેલા સુધારાવધારા યોગ્ય જ હતા એમ ધારીને મેં કબૂલ કરેલા છે. પઠાણો, પટેલિયાઓ, ગિરમીટિયાઓ, બધી જાતના અને બધી ઉંમરના હિંદીઓ તેની આસપાસ વીંટળાઈ રહેતા, તેની સલાહ લેતા, અને તે કહે તેમ ક૨તા .

દક્ષિણ આફ્રિકામાં ઘણે ભાગે ગોરાઓ હિંદીઓ સાથે આગગાડીમાં એક જ ડબ્બામાં બેસતા નથી. ટ્રાન્સવાલમાં તો બેસવાની મનાઈ પણ કરે છે. સત્યાગ્રહીઓનો કાયદો તો ત્રીજા વર્ગમાં જ ફરવાનો હતો. તેમ છતાં મિસ શ્લેશિન ઇરાદાપૂર્વક હિંદીઓના જ ડબ્બામાં બેસે અને ગાર્ડોની સાથે વઢવેડ પણ કરે. મને ભય હતો ને મિસ શ્લેશિનને હોંશ હતી કે કોઈ વખત પોતે પણ પકડાય. પણ તેની શક્તિ, તેનું લડાઈને લગતું પૂરું જ્ઞાન, અને સત્યાગ્રહીઓના હૃદય ઉપર તેણે મેળવેલું સામ્રાજ્ય એ ત્રણ વસ્તુ ટ્રાન્સવાલની સરકારના ધ્યાનમાં હોવા છતાં, મિસ શ્લેશિનને નહીં પકડવાની પોતાની નીતિ અને પોતાના વિવેકનો ટ્રાન્સવાલની સરકારે ત્યાગ ન જ કર્યો.

મિસ શ્લેશિને કોઈ દિવસ પોતાના માસિક છ પાઉન્ડમાં વધારો માગ્યો કે ઈચ્છયો જ નહીં. તેની કેટલીક હાજતોની મને જાણ થઈ ત્યારે તેને દસ પાઉન્ડ આપવાનું શરૂ કર્યું. તે પણ તેણે આનાકાનીથી લીધા. પણ તેથી અાગળ વધવાની તો તેણે ચોખ્ખી ના જ પાડી : "તે ઉપરાંત મારી હાજત છે જ નહીં. તેમ છતાં જો હું લઉં તો જે નિષ્ઠાથી તમારી પાસે આવી છું તે ખોટી ઠરે." આ જવાબથી હું ચૂપ રહ્યો. વાંચનાર કદાચ જાણવાને ઇચ્છે કે મિસ શ્લેશિનની કેળવણી શું હતી ? કેપ યુનિવર્સિટીની ઇન્ટરમીડિયેટ પરીક્ષા તેણે પસાર કરેલી; શૉર્ટહેન્ડ વગેરેમાં પહેલા નંબરનાં પ્રમાણપત્ર મેળવેલાં. લડાઈમાંથી મુક્ત થયા પછી એ યુનિવર્સિટીની ગ્રેજ્યુએટ થઈ અને હાલ કોઈ ટ્રાન્સવાલની સરકારી છોકરીઓની નિશાળમાં મુખ્ય શિક્ષિકા છે.

હર્બટ કિચન એક શુદ્ધ હૃદયના વીજળીનું કામ જાણનાર અંગ્રેજ હતા. તેમણે બોઅર લડાઈમાં અમારી સાથે કામ કર્યું. તેઓ થોડી મુદત સુધી 'ઈન્ડિયન ઓપીનિયન'ના અધિપતિ પણ હતા. તેમણે મરણપર્યત બ્રહ્મચર્ય પાળ્યું હતું.

હું ઉપર ગણાવી ગયો તે વ્યક્તિઓ તો મારા ખાસ પ્રસંગમાં આવેલી એવી વ્યક્તિઓ હતી. તેઓને ટ્રાન્સવાલના આગેવાન ગોરાઓમાં ન ગણી શકાય. છતાં તેઓની મદદ પુષ્કળ મળી હતી એમ કહી શકાય. પ્રતિષ્ઠાની દૃષ્ટિએ હૉસ્કિનનું અગ્રસ્થાન છે. તેમની ઓળખાણ હું અગાઉ કરાવી ગયો છું. તેમના પ્રમુખપણા નીચે સત્યાગ્રહની લડતમાં સહાયકારી ગોરાઓનું સ્થાયી મંડળ પણ ઊભું કરવામાં આવ્યું હતું. એ મંડળે પોતાથી બને તેટલી મદદ કરી હતી. લડતનો બરાબર રંગ જામ્યા પછી સ્થાનિક સરકારની સાથે મસલતનો વહેવાર તો કેમ જ રહી શકે ? તે અસહકારના તત્ત્વને લીધે નહીં, પણ સરકાર જ તેના કાયદાનો ભંગ કરનારની સાથે મસલતનો વહેવાર ન રાખે, તેથી. આ વેળાએ ગોરાઓની કમિટી સરકાર અને સત્યાગ્રહીની વચ્ચે એક અનુસંધાનરૂપ હતી.

આલ્બર્ટ કાર્ટરાઈટની ઓળખાણ પણ હું આગળ કરાવી ગયો. ડોકના જ જેવો સંબંધ ધરાવનારા અને બહુ મદદ કરનારા એક બીજા પણ ભલા પાદરી હતા. તેમનું નામ રેવરંડ ચાર્લ્સ ફિલિપ્સ. એ ટ્રાન્સવાલમાં ઘણાં વર્ષો થયાં 'કૉંગ્રિગેશનલ મિનિસ્ટર' હતા. તેમનાં ભલાં પત્ની પણ મદદ દેતાં. એક ત્રીજા નામાંકિત પાદરી જેમણે પાદરીપણું છોડીને અખબારનું અધિપતિપણું ગ્રહણ કર્યું હતું તે બ્લૂમફૉન્ટીનમાં પ્રકટ થતા 'ફ્રેન્ડ' નામના દૈનિકના અધિપતિ રેવરંડ ડુડની ડ્રુ. તેમણે ગોરાઓની અવગણના વહોરીને પણ પોતાના પત્રમાં હિંદીઓની હિમાયત કરી હતી. દક્ષિણ આફ્રિકાના પ્રસિદ્ધ વકતાઓમાં તેમની ગણના થતી હતી.

એ જ પ્રમાણે સ્વતંત્રતાએ મદદ કરનાર 'પ્રિટોરિયા ન્યૂઝ'ના અધિપતિ વેસ્ટેન્ટ હતા, એક વેળાએ પ્રિટોરિયા ટાઉનહૉલમાં ત્યાંના મેયરના અધિપતિપણા નીચે ગોરાઓએ જંગી સભા બોલાવી હતી. તેનો હેતુ એશિયાટિકને વખોડવાનો અને ખૂની કાયદાને વખાણવાનો હતો. વેરસ્ટૅન્ટે એકલાએ એ સભામાં વિરોધ કર્યો. પ્રમુખે બેસી જવાનું કહ્યું તે છતાં તેમણે બેસી જવાની ના પાડી, ગોરાઓએ તેમના શરીર પર હાથ નાખવાની ધમકી આપી. તેમ છતાં એ નર સિંહની માફક ગર્જતો એ ટાઉનહૉલમાં અડગ રહ્યો, અને સભાને પોતાનો ઠરાવ પસાર કર્યા વિના વીખરાઈ જવું પડયું !

કોઈ પણ મંડળમાં દાખલ થયા વિના પણ મદદ કરવાનો એક પણ પ્રસંગ નહીં ભૂલનાર એવા બીજા ગોરાઓનાં પણ નામ હું ગણાવી શકું એમ છું. પણ વધુ ન લંબાવતાં ત્રણ સ્ત્રીઓની ઓળખાણ કરાવીને જ આ પ્રકરણ પૂરું કરવા ઈચ્છું છું. તેમાંથી એક મિસ હૉબહાઉસ, તે લૉર્ડ હૉબહાઉસની દીકરી.. એ બાઈ બોઅરની લડાઈ સમયે લૉર્ડ મિલ્નરની સામે થઈને ટ્રાન્સવાલમાં પહોંચી હતી. જયારે લૉર્ડ કિચનરે આખા જગતમાં ગવાયેલી અને વખોડાયેલી પોતાની 'કૉન્સેન્ટ્રેશન કૅમ્પ'* ટ્રાન્સવાલ અને ફ્રી સ્ટેટમાં જમાવી ત્યારે એ બાઈ એકલી બોઅર ઓરતોમાં ઘૂમતી અને તેઓને મક્કમ રહેવાનું સમજાવતી ને શૂર ચડાવતી. બોઅર લડાઈને વિશે અંગ્રેજી રાજનીતિ કેવળ ખોટી છે એવી પોતાની માન્યતા હોવાથી, મરહૂમ સ્ટેડની માફક તે ઇચ્છતી અને ઈશ્વર પ્રત્યેની પ્રાર્થના કરતી કે અંગ્રેજોની હાર થાય. આટલી બધી બોઅરની સેવા કર્યા પછી જ્યારે તેણે જાણયું કે, બોઅરો – જે અન્યાયની સામે લડેલા તેઓ જ – હિંદીઓ પ્રત્યે, અજ્ઞાનથી દોરવાઈ જઈને, અન્યાય કરવા તૈયાર થાય છે, ત્યારે તેનાથી તે સહન ન થઈ શકયું. બોઅર પ્રજા તેના પ્રત્યે બહુ માન અને પ્રેમ રાખતી હતી. તેને જનરલ બોથાની સાથે ઘણો નિકટ સંબંધ હતો. તેને ત્યાં એ ઊતરતી. ખૂની કાયદો રદ થવા વિશે બોઅર મંડળોમાં તેનાથી બની શકે એટલું તેણે કહ્યું.

બીજી બાઈ અૉલિવ શ્રાઈનર. આ બાઈને વિશે હું પાંચમા પ્રકરણમાં લખી ગયો છું. એ દક્ષિણ આફ્રિકાના પ્રખ્યાત શ્રાઈનર કુટુંબમાં જન્મેલી વિદુષી બાઈ હતી. શ્રાઈનર નામ એટલું બધું પ્રખ્યાત છે કે જ્યારે તે પરણી ત્યારે તેના ધણીને તે નામ ગ્રહણ કરવું પડયું, કે જેથી અૉલિવનો શ્રાઈનર કુટુંબ સાથેનો સંબંધ દક્ષિણ આફ્રિકાના ગોરાઓમાં અલોપ ન થાય. એ કંઈ તેનું ખોટું સ્વાભિમાન નહોતું. મારો પરિચય તેમની સાથે સરસ હતો એમ હું માનું છું. પણ એ બાઈની સાદાઈ, નમ્રતા, એ એની વિદ્વત્તાના જેવાં જ તેનાં આભૂષણ હતાં. પોતાના હબસી નોકરો અને પોતાની વચ્ચે અંતર છે એમ તેણે કોઈ દિવસ માનેલું નહીં. જયાં અંગ્રેજી ભાષા બોલાય છે ત્યાં તેનું 'ડ્રીમ્સ' નામનું પુસ્તક આદરપૂર્વક વંચાય છે. એ ગદ્ય છે તે છતાં કાવ્યની પંક્તિમાં મુકાય છે. બીજું તો તેણે ઘણું લખેલું છે. એટલો કલમ ઉપરનો તેનો કાબૂ હોવા છતાં,


* એટલે લડાઈ કરનારા બોઅરોની સ્ત્રીઓને એકઠી કરી કેદમાં રાખવાની

છાવણી.
મો.૦ ક.૦ ગાંધી
પોતે ઘરની રસોઈ પોતાને હાથે કરતાં, ઘર સાફસૂફ રાખતાં, વાસણ

ઇત્યાદિ ધોતાં શરમાય નહીં – અચકાય નહીં. તે એમ માનતી કે એવી ઉપયોગી અંગમહેનત તેની લેખનશક્તિને મંદ કરવાને બદલે ઉત્તેજિત કરતી અને ભાષામાં અને વિચારોમાં એક પ્રકારનો વિવેક અને ઠાવકાઈ જાળવતી. એ બાઈએ પણ દક્ષિણ આફ્રિકાના ગોરાઓમાં જે કંઈ વજન પડી શકે તે બધું હિંદીઓની તરફેણમાં વાપર્યું હતું.

ત્રીજી બાઈ માસ મોલ્ટીનો. એ પણ દક્ષિણ આફ્રિકાના પુરાણા મોલ્ટીનો કુટુંબની બુજરગ બાઈ હતી. તેણે પણ યથાશક્તિ મદદ કરી.

વાંચનાર પૂછે કે આ બધા ગોરાઓની મદદનું પરિણામ શું આવ્યું? તો હું જવાબ આપું કે, પરિણામ જણાવવા સારુ આ પ્રકરણ નથી લખાયું. કેટલાકનાં કામ જેનો ચિતાર અપાઈ ગયો છે તે જ તેના પરિણામની સાક્ષીરૂપે છે. પણ આવા હિતેચ્છુ ગોરાઓની સમસ્ત પ્રવૃત્તિનું શું પરિણામ આવ્યું? એ જ સવાલ ઉત્પન્ન થઈ શકે. આ લડત જ એવી હતી કે જેનું પરિણામ એ લડતમાં જ સમાયેલું હતું. જાતમહેનતની, જાતિભોગની તથા ઈશ્વર ઉપરની શ્રદ્ધાની અા લડત હતી.

ગોરા સહાયકોનાં નામ ગણાવી જવાનો એક હેતુ એ કે દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહના ઈતિહાસમાં જો તેઓએ કરેલી મદદની સ્તુતિ ન આવે તો એ ઇતિહાસની ખામી ગણાય. મેં કંઈ બધા ગોરા સહાયકોનાં નામ તો આપ્યાં નથી. પણ જેટલાં આપ્યાં છે તેથી સહાયકમાત્રનો આભાર આ પ્રકરણમાં આવી જાય છે. અને બીજું કારણ એ કે, જોકે આપણે અમુક પ્રવૃત્તિનાં પરિણામ સ્પષ્ટ રીતે જોઈ નથી શકતા તે છતાં શુદ્ધ ચિત્તથી થયેલી પ્રવૃત્તિનું પરિણામ શુભ આવે જ છે, પછી તે દૃશ્ય હો કે અદૃશ્ય, – એ સિદ્ધાંતને વિશેની સત્યાગ્રહી તરીકેની મારી શ્રદ્ધા પ્રગટ કરવી. વળી ત્રીજું સબળ કારણ એ કે, સત્ય પ્રવૃત્તિઓ આવી અનેક પ્રકારની શુદ્ધ અને નિ:સ્વાર્થ મદદો પોતાની તરફ વિના પ્રયાસે આકર્ષે જ છે, એ બતાવવું. જો આ પ્રકરણમાં હજુ સુધી એ વાત ન સમજાઈ ગઈ હોય તો હું સ્પષ્ટ કરવા ઈચ્છું છું કે, સત્યાગ્રહની લડતમાં સત્યને જ જાળવવું એને જો પ્રયાસ ગણીએ તો એ પ્રયાસ ઉપરાંત બીજે કોઈ પણ પ્રયાસ આ ગોરાઓની મદદ લેવાને સારુ કરવામાં આવ્યો ન હતો. લડતના બળથી જ તેઓ આકર્ષાયા હતા.