દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ/ટૉલ્સ્ટોય ફાર્મ-૧
← ફરી ડેપ્યુટેશન | દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ ટૉલ્સ્ટોય ફાર્મ-૧ મોહનદાસ કરમચંદ ગાંધી |
ટૉલ્સ્ટોય ફાર્મ-ર → |
આ વેળા વિલાયતથી જે ડેપ્યુટેશન પાછું ફર્યું તે સારા સમાચાર
તો ન લાવ્યું. લોકો લૉર્ડ એમપ્ટહીલે કરેલી વાતોનો સાર શો કાઢશે
એની મને ઓછી ચિંતા હતી. મારી સાથે છેવટ લગી કોણ ઊભા
રહેશે એ હું જાણતો હતો. સત્યાગ્રહ વિશે મારા વિચારો વધારે
પરિપક્વ થયા હતા. તેની વ્યાપકતા અને અલૌકિકતા હું વધારે
સમજી શકયો હતો તેથી હું શાંત હતો. વિલાયતથી પાછા ફરતાં
જ મેં આગબોટમાં 'હિંદ સ્વરાજ' લખ્યું હતું. તેનો મુદ્દો કેવળ
સત્યાગ્રહની ભવ્યતા બતાવવાનો હતો. એ પુસ્તક મારી શ્રદ્ધાનું માપ
છે. તેથી લડનારાની સંખ્યાનો મારી આગળ સવાલ જ નહોતો.
પણ મને પૈસાની ચિંતા રહેતી હતી. લાંબા કાળ સુધી લડત ચલાવવી ને પાસે નાણાં ન હોય, એ દુ:ખ મોટું થઈ પડયું. પૈસા વિના લડત ચાલી શકે, પૈસા ઘણી વેળા સત્યની લડતને દૂષિત કરે છે. પ્રભુ હંમેશાં સત્યાગ્રહીને – મુમુક્ષુને – આવશ્યકતા ઉપરાંત સાધન આપતો જ નથી –એ હું ત્યારે એટલું સ્પષ્ટ નહોતો સમજતો, જેટલું આજ સમજું છું. પણ હું આસ્તિક છું. મને પ્રભુએ ત્યારે પણ સાથ દીધો. મારી ભીડ ભાંગી એક તરફથી મારે દક્ષિણ આફ્રિકાને કિનારે ઊતરતાં કોમને નિષ્ફળતાના ખબર આપવાના હતા તો બીજી તરફથી મને પ્રભુએ નાણાંની તંગીથી મુક્ત કર્યો. કેમ કે કેપટાઉન ઊતરતાં જ વિલાયતથી તાર મળ્યો કે સર રતન તાતાએ રૂ. રપ,૦૦૦ આપ્યા છે. એટલાં નાણાં તે વેળા ઘણાં થઈ પડયાં. કામ ચાલ્યું.
પણ તે નાણાંથી અથવા ગમે તેટલાં નાણાંથી સત્યાગ્રહની – સત્યની – આત્મશુદ્ધિની – આત્મબળની લડત ન ચાલી શકે. એ લડતને સારુ ચારિત્ર્યની મૂડી જોઈએ. ધણી વિનાનો મહેલ પણ જેમ ખંડિયેર જેવો લાગે તેમ ચારિત્ર્યહીન મનુષ્યનું અને તેની મિલકતનું સમજવું. સત્યાગ્રહીઓએ જોયું કે હવે લડત કેટલી લાંબી ચાલશે તેનું માપ કોઈથી ન કઢાય. કયાં જનરલ બોથાની ને જનરલ સ્મટ્સની એક તસુ પણ ન હઠવાની પ્રતિજ્ઞા ને કયાં સત્યાગ્રહીની મરણ પર્યંત ઝૂઝવાની પ્રતિજ્ઞા ! હાથી ને કીડી વચ્ચેનું યુદ્ધ હતું, હાથીના એક પગની નીચે અસંખ્ય કીડીઓ કચરાઈ શકે. સત્યાગ્રહી પોતાના સત્યાગ્રહની મુદ્દતને વાડથી બાંધી શકતા ન હતા. વર્ષ લાગે કે વર્ષો, બધું તેને મન એક જ હતું. તેને તો લડવું એ જ જય હતો. લડવું એટલે જેલ જવું, દેશનિકાલ થવું તે દરમ્યાન કુટુંબનું શું? નિરંતર જેલ જનારને નોકરી તો કોઈ ન જ આપે. જેલમાંથી છૂટે ત્યારે પોતે ખાય શું, ખવડાવે શું ? કયાં રહે? ભાડું કોણ આપે ? આજીવિકા વિના સત્યાગ્રહી પણ મૂંઝાય, ભૂખે મરી, પોતાનાંને ભૂખે મારીને પણ લડત લડનારા જગતમાં ઘણા ન જ હોઈ શકે.
આજ લગી તો જેલ જનારનાં કુટુંબોનું ભરણ તેમને દર માસે પૈસા આપીને થતું હતું. સૌને તેની આવશ્યકતા મુજબ અપાતું હતું. કીડીને કણ અને હાથીને હારો. બધાને એકસરખું તો ન જ દેવાય. પાંચ બાળકોવાળા સત્યાગ્રહીને અને બ્રહ્મચારી, જેને કોઈ આશ્રિત નથી, તેને એક પંક્તિમાં તો ન જ મુકાય. અથવા કેવળ બ્રહ્મચારીને જ ભરતીમાં લેવાનું તો ન જ બને. ત્યારે કયા ધોરણ મુજબ દ્રવ્ય અપાય ? ઘણે ભાગે દરેક કુટુંબની ઉપર વિશ્વાસ મેલીને, તે ઓછામાં ઓછો અાંક મૂકે તે પ્રમાણે ખર્ચ આપવામાં આવતો હતો. આમાં કપટને પુષ્કળ અવકાશ હતો. કપટીઓએ તેનો કંઈક લાભ પણ લીધો. બીજા નિખાલસ હૃદયના પણ અમુક ધોરણ મુજબ રહેનારા હોઈ મદદની આશા રાખતા હતા. મેં જોયું કે આ પ્રમાણે લડત લાંબી મુદત ચલાવવી અશકય હતી. લાયકને અન્યાય થવાનો ને નાલાયક પોતાના પાખંડમાં ફાવી જવાનો ભય રહેતો હતો. આ મુશ્કેલીનો ઉકેલ એક જ રીતે થાય તેમ હતું – બધાં કુટુંબોને એક સ્થળે રાખવાં ને બધાંએ સાથે રહી કામ કરવું. આમાં કોઈને અન્યાયનો ભય તો ન જ રહ્યો. પાખંડને કંઈ જ અવકાશ ન રહ્યો એમ પણ કહી શકાય. જાહર પૈસાનો બચાવ થાય ને સત્યાગ્રહી કુટુંબોને નવા અને સાદા જીવનની તથા ઘણાની સાથે હળીમળીને રહેવાની તાલીમ મળે. આવી રીતે ઘણા પ્રાંતના ને ઘણા ધર્મના હિંદીઓને પણ સાથે રહેવાનું મળે. એવી જગ્યા કયાંથી મળે ? શહેરમાં રહેવા જતાં તો બકરી કાઢતાં ઊંટ પેસવાનો ભય હતો. માસિક ખર્ચ જેટલું કદાચ ભાડું જ આપવું પડે ને કુટુંબોને શહેરમાં સાદાઈથી રહેવામાં મુસીબતો પડે. વળી શહેરમાં એવી જગ્યા તો ન જ મળી શકે કે જ્યાં ઘણાં કુટુંબો ઘેર બેઠે કંઈ ઉપયોગી ધંધો કરી શકે. તેથી શહેરથી બહુ દૂર પણ નહીં, બહુ નજીક પણ નહીં, એવું ક્ષેત્ર પસંદ કરવું જોઈએ એ સમજી શકાયું. ફિનિક્સ તો હતું જ. ત્યાં 'ઈન્ડિયન ઓપીનિયન' ચાલતું હતું. થોડી ખેતી પણ થતી હતી. સગવડો ઘણી તૈયાર હતી. પણ ફિનિકસ જોહાનિસબર્ગમાંથી ત્રણસો માઈલ દૂર હતું અથવા ત્રીસ કલાકની મુસાફરીનો રસ્તો હતો. એટલે દૂર કુટુંબોને લાવવાં લઈ જવાં વિકટ અને મોંધું કાર્ય હતું. વળી કુટુંબો પોતાનાં ઘરબાર છોડીને એટલે દૂર જવાને તૈયાર ન થાય. થાય તોય એટલે દૂર તેઓને અને જેલીઓ છૂટે ત્યારે તેમને ત્યાં મોકલવાનું વગેરે અશકય જેવું લાગ્યું.
ત્યારે જગ્યા તો ટ્રાન્સવાલમાં જ અને તે પણ જોહાનિસબર્ગની નજદીક હોવી જોઈએ. મિ. કૅલનબૅકની હું ઓળખાણ કરાવી ગયો છું. તેમણે ૧૧૦૦ એકર જમીન વેચાતી લીધી અને તેનો ઉપયોગ સત્યાગ્રહીઓને સારુ આપ્યો. તે જમીનમાં ફળઝાડો હતાં ને એક પાંચસાત માણસ રહી શકે એવું નાનું મકાન હતું. પાણીનો ઝરો હતો. ત્યાંથી સ્ટેશન એક માઈલ જેટલું દૂર હતું, અને જોહાનિસબર્ગ ર૧ માઈલ હતું. આ જ જમીન ઉપર મકાન બાંધવાનો અને કુટુંબ વસાવવાનો નિશ્ચય થયો.