દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ/પહેલી સમાધાની
← પકડાપકડી | દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ પહેલી સમાધાની મોહનદાસ કરમચંદ ગાંધી |
સમાધાનીનો વિરોધ - મારી ઉપર હુમલો → |
મત લીધા વિના હું સહી કરી શકું નહીં. એ ખરડાની મતલબ એવી હતી કે હિંદીઓએ પોતાના પરવાના મરજિયાતપણે બદલવા. તેની ઉપર કાયદાનો અમલ ન થઈ શકે. પરવાનાનું રૂપ હિંદીઓની સાથે મસલત કરીને સરકારે ઘડવું અને જો હિંદી કોમનો મુખ્ય ભાગ મરજિયાત પરવાના લઈ લે તો સરકાર ખૂની કાયદો રદ કરશે અને મરજિયાત પરવાનાને કાયદેસર ગણવા સારુ એક નવો કાયદો પસાર કરશે. અાવી મતલબનો એ ખરડો હતો. ખૂની કાયદો રદ કરવાની વાત આ ખરડામાં સ્પષ્ટ ન હતી. તે મારી દૃષ્ટિએ સ્પષ્ટ કરવા પૂરતો ફેરફાર મેં તેમાં સૂચવ્યો. આલ્બર્ટ કાર્ટરાઈટને એટલું પણ ન ગમ્યું. તેમણે કહ્યું કે, "એ ખરડો જનરલ સ્મટ્સે છેવટનો ગણ્યો છે. મેં પોતે પણ એ પસંદ કર્યો છે. અને એટલી તો હું તમને ખાતરી આપું છું કે જો તમે સૌ પરવાના લઈ લેશો તો ખૂની કાયદો રદ થયો જ સમજો." મેં જવાબ આપ્યો, સમાધાન થાઓ યા ન થાઓ, પણ તમારી લાગણી અને મદદને સારુ અમે તમારા સદાયના આભારી રહીશું. હું એક પણ બિનજરૂરી ફેરફાર નથી કરવા ઈચ્છતો. સરકારની પ્રતિષ્ઠા જળવાય એવી ભાષાનો હું વિરોધ નહીં કરું, પણ જ્યાં હું પોતે પણ અર્થને વિશે શંકિત થાઉં ત્યાં તો મારે ફેરફાર સૂચવવો જ જોઈએ. અને આખરમાં જો સમાધાની થવાની હોય તો બંને પક્ષને ફેરફાર કરવાનો અધિકાર હોવો જ જોઈએ. 'આ છેવટનું છે' એમ કહીને જનરલ સ્મટ્સે અમારી સામે પિસ્તોલ ધરવી નહીં જોઈએ. ખની કાયદારૂપી પિસ્તોલ તો અમારી સામે પડી જ છે, એટલે બીજી પિસ્તોલની અસર પણ અમારી ઉપર શું થાય ?" મિ. કાર્ટરાઈટ આ દલીલની સામે કંઈ કહી નહીં શકયા અને મેં સૂચવેલો ફેરફાર જનરલ સ્મટ્સ સમક્ષ મૂકવાનું તેમણે કબૂલ કર્યું. સાથીઓની જોડે મેં મસલત કરી. તેઓને પણ ભાષા ન ગમી. પણ ફેરફારની સાથે ખરડો જનરલ સ્મટ્સ કબૂલ રાખે તો સમાધાની કરવી એ તેમને પણ ગમ્યું. બહારથી જેઓ આવ્યા હતા તેમણે મને આગેવાનોનો સંદેશો આપ્યો હતો કે, યોગ્ય સમાધાની થતી હોય તો તેઓની સંમતિની રાહ જોયા વિના મારે કરી નાખવી. અા ખરડામાં મેં મિ. ક્વીનની અને થંબી નાયડુની સહી લીધી ને અમારી ત્રણેની સહીવાળો કાગળ કાર્ટરાઈટને સોંપ્યો.
બીજે કે ત્રીજે દિવસે * જોહાનિસબર્ગનો પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ મને જનરલ સ્મટ્સની પાસે લઈ ગયો. અમારી વચ્ચે ઘણી વાતો થઈ. મિ. કાર્ટરાઈટની સાથે તેને મસલત થયેલી એ તેણે મને જણાવ્યું. કોમ મારા જેલમાં ગયા પછી પણ મકકમ રહી એને સારુ તેણે મુબારકબાદી આપી અને મને કહ્યું, "મને તમારા લોકોની સામે અણગમો હોય જ નહીં. હું પણ બૅરિસ્ટર છું એ તમે જાણો જ છો. મારા વખતમાં મારી સાથે કેટલાક હિંદી પણ ભણતા હતા. મારે તો માત્ર મારી ફરજ બજાવવાની રહેલી છે. ગોરાઓ આ કાયદો માગે છે. અને તેમાં પણ મુખ્યત્વે બોઅર લોકો નથી પણ અંગ્રેજો છે એ તમે કબૂલ કરશો. તમે કરેલો ફેરફાર હું કબૂલ રાખું છું. જનરલ બોથાની સાથે પણ મેં વાતચીત કરી લીધેલી છે. અને હું ખાતરી આપું છું કે તમારામાંના ઘણા પરવાના લઈ લેશો એટલે એશિયાટિક એકટ રદ કરીશ. મરજિયાત પરવાનાને બહાલ રાખવાનો કાયદો ઘડીશ ત્યારે તેની નકલ તમારી ટીકાને સારુ મોકલીશું. હું આ લડત ફરી જાગે એમ ઈચ્છતો નથી, અને તમારા લોકોની લાગણીને માન આપવા ઈચ્છું છું." આ પ્રમાણે વાત થયા પછી જનરલ સ્મટ્સ ઊઠયા. મેં પૂછયું, "હવે મારે કયાં જવાનું છે ? અને મારી સાથેના બીજા કેદીઓનું શું ?" તો એમણે હસીને કહ્યું, "તમે તો હમણાંથી જ છૂટા છો. તમારા સાથીઓને કાલે સવારે છોડી મૂકવાનો ટેલિફોન કરું છું. પણ મારી એટલી સલાહ છે કે તમે લોકો બહુ જલસા અને તમાશા ન કરો. કરો તો સરકારની સ્થિતિ કંઈક કફોડી થવાનો સંભવ છે." મેં કહ્યું, "જલસાને ખાતર એક પણ જલસો નહીં થવા દઉં એવી તમે ખાતરી રાખજો, પણ સમાધાની કેવી રીતે થઈ છે, એનું સ્વરૂપ શું છે, અને હવે હિંદીઓની જવાબદારી કેટલી બધી વધી પડી છે, એ સમજાવવાને મારે સભાઓ તો ભરવી જ પડશે." જનરલ સ્મટ્સે કહ્યું, "એવી સભા તો
એટલે સન ૧૯૦૮ના જાન્યુઆરીની ૩૦મી તારીખે. જેટલી ભરવી હોય તેટલી ભરજો. મારી માગણી તમે સમજયા છો એટલું જ બસ છે."
આ વખતે સાંજના સાતેક વાગ્યા હશે. મારી પાસે તો એક પાઈ સરખી પણ ન હતી. જનરલ સ્મટ્સના મંત્રીએ મને જોહાનિસબર્ગ જવાના ભાડાના પૈસા આપ્યા. આ મસલત પ્રિટોરિયામાં થઈ હતી. પ્રિટોરિયામાં હિંદીઓની પાસે રોકાઈ જઈ ત્યાં સમાધાની જાહેર કરવી એ જરૂરનું ન હતું. મુખ્ય માણસો જોહાનિસબર્ગમાં જ હતા. મથક પણ જોહાનિસબર્ગ. જવાની છેલ્લી જ ટ્રેન બાકી હતી. એ ટ્રેન હું લઈ શકયો.