દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ/પ્રકાશકનું નિવેદન

દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ
મોહનદાસ કરમચંદ ગાંધી


પ્રકાશકનું નિવેદન

ગાંધીજીની આત્મકથા પછી જેનો નંબર આવે એવું પુસ્તક, આત્મકથા પેઠે જ મૂળ ગુજરાતીમાં તેમણે લખેલો દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો આ ઈતિહાસ છે. આ ગ્રંથનું એટલું જ મહત્ત્વ નથી. ગાંધીજીના ઘડતરનો સૌથી મહત્ત્વપૂર્ણ સમય અને સત્યાગ્રહની તેમની શોધનો સમય – આનો ઇતિહાસ પણ એમની જ કલમેથી આ ચોપડીમાં મળે છે. જ્યારે જ્યારે પોતાના આત્માના ઊંડાણમાં જઈને જેવા-વિચારવાનું આવે, ત્યારે ઘણીખરી વખત તેઓશ્રી આફ્રિકાના પોતાના જીવનકાળની વાતો અને અનુભવો યાદ કરતા.. આ પુસ્તક આવા મહત્ત્વવાળો ઈતિહાસ છે. તેનો આ રીતનો ખ્યાલ વાચકવર્ગ પર જોઈએ તેટલો પડ્યો નથી, એ આ ચોપડીની અત્યાર સુધીની ખપત પરથી જણાઈ આવે છે. આ ચોપડીની આ ત્રીજી આવૃત્તિ છે. અત્યાર સુધીમાં તેની ૩,પ૦૦ નકલો ખપી છે. તે પૂરી થવાથી આ તેની નવી અને સચિત્ર આવૃત્તિ કાઢી છે. ગાંધીજીએ લખેલાનું પુનર્મુદ્રણ આ છે; કેમ કે એમાં તો સુધારો સંભવી ન શકે. પરંતુ પ્રકાશન દૃષ્ટિએ એક-બે ફેરફારો એમાં કર્યા છે, તે નોંધવા જેઈએ.

આ ઇતિહાસ, આત્મકથા પેઠે જ, 'નવજીવન'માં સાપ્તાહિક માળા તરીકે લખાયો હતો અને તે પછી પુસ્તકરૂપે બહાર પાડેલો. પહેલી વાર તે બે છૂટા ભાગમાં બહાર પાડ્યો હતો. આ આવૃત્તિમાં બંને ભાગ ભેગા એક ગ્રંથ રૂપે આપ્યા છે અને તેમાં નવ ચિત્રો ઉમેરવામાં આવ્યાં છે.*[૧]

શ્રી વાલજીભાઈ દેસાઈએ આ પુસ્તકનો અંગ્રેજી અનુવાદ કર્યો છે. તે કરતી વખતે 'ઈન્ડિયન ઓપીનિયન'ની જૂની ફાઈલો ફેંદી, કેટલીય વિગતોની ચોકસાઈ કરી જોતાં જયાં જયાં સુધારાવધારા કરવા જરૂરી લાગ્યા ત્યાં કર્યા હતા; અને એ અનુવાદ ગાંધીજી પાસે

  1. *મોંઘવારીને કારણે ચિત્રો આપ્યાં નથી.
તપાસાવી લીધો હતો. એટલે એ સુધારાવધારા અા આવૃત્તિમાં યથાસ્થાને

કરી લેવામાં આવ્યા છે.

ઈતિહાસની મહત્ત્વની તારીખવારી છેવટે આપી હોય તો અભ્યાસીને ઉપયોગી થાય. તે દૃષ્ટિએ પરિશિષ્ટ રૂપે તે આપવામાં આવી છે.

એ ઉપરાંત એક બાબત તરફ ધ્યાન ખેંચવાનું રહે છે. શ્રી રાવજીભાઈ મણિભાઈ પટેલ આ સત્યાગ્રહની લડતના એક સૈનિક હતા. તેમણે તે વખતનાં પોતાનાં સંસ્મરણો 'ગાંધીજીની સાધના' રૂપે લખ્યાં છે, તેની પ્રસ્તાવનામાં તેમણે એક બાબતનો ઉલ્લેખ કર્યો છે, તે આ પુસ્તકમાં પા. ર૮૬-૮૮ ઉપર આવતી, પૂર્વ બા ત્યાંની લડતમાં કેવી રીતે જોડાયાં, એ હકીકતને અંગે છે. તેમાં શ્રી રાવજીભાઈએ તેમની પ્રસ્તાવનામાં નીચે પ્રમાણે લખ્યું છે :

“અા નવી આવૃત્તિમાં, પૂ. બાના અવસાન પછી, એક પ્રશ્ન ઉપસ્થિત થયેલો તે સંબંધે સ્પષ્ટતા કરવાની જરૂર છે :

"દ૦ આ૦ની છેલ્લી લડતમાં પૂ૦ બા જોડાય તે માટે બાપુજીએ કરેલા પ્રયત્ન વિશે 'શુભ શરૂઆત' એ પ્રકરણ વિશે કંઈક સ્પષ્ટતા કરવાની જરૂર છે. 'દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઈતિહાસ'માં બાપુજીએ કાંઈક જુદું લખ્યું છે કે સત્યાગ્રહની લડતમાં સ્ત્રીઓને સામેલ કરવાનો વિચાર થતાં શ્રી છગનલાલ ગાંધીનાં પત્ની કાશીબહેનને અને શ્રી મગનલાલ ગાંધીનાં પત્ની સંતોકબહેનને પ્રથમ વાત કરી અને તેમને તૈયાર કર્યા, અને પછી બા તેમાં સામેલ થયાં. પણ આ પ્રકરણો પ્રસિદ્ધ કરતાં પહેલાં બાપુજી પાસે હું વાંચી ગયો, ત્યારે બાપુજીની સરતચૂક વિશે મેં તેમનું ધ્યાન ખેંચ્યું અને ઉપરના પ્રકરણ વિશે મેં ખાતરી આપી. બાપુજી પણ વિમાસણમાં પડ્યા અને બાની સાક્ષી ઉપરથી નિર્ણય કરવાનું ધાર્યું, બાને બોલાવ્યાં અને અમારી બંનેની વાત તેમની પાસે મૂકી. બાએ જણાવ્યું કે, 'રાવજીભાઈની બધી વાત સાચી છે. એ તો જાણે કાલે સવારે જ બન્યું હોય એવું મને સ્પષ્ટ યાદ છે.' આ ઉપરથી બાપુજીએ જણાવ્યું કે, તો તો મારી સરતચૂક થઈ છે. તે પુસ્તકની નવી આવૃત્તિમાં તે ભૂલ સુધારવી રહી." વાચક જોશે કે, શ્રી રાવજીભાઈ આ પ્રસંગ વિશે તેમની ઉપર કહેલી ચોપડીમાં 'શુભ શરૂઆત' નામે પ્રકરણમાં જે લખે છે, તેમાં ગાંધીજીએ લખેલાથી જુદી હકીકત આવે છે. તે ભાગ આ આવૃત્તિમાં અંતે પરિશિષ્ટ – ર તરીકે આપ્યો છે. એ પ્રમાણે નવી આવૃત્તિમાં સુધારવાનું ગાંધીજીએ વિચારેલું, પરંતુ તે તો હવે કેમ કરીને બને ? એટલે આ નિવેદનમાં એ તરફ વાચકનું ધ્યાન ખેંચીને સંતોષ માન્યો છે. વાચકને ભલામણ છે કે, આ ભાગ વાંચતી વખતે તે શ્રી રાવજીભાઈએ એ પ્રસંગ વિશે આપેલો ચિતાર પરિશિષ્ટ – રમાં ઉતાર્યો છે તે જુએ.

ગાંધીજીનું આ પુસ્તક શાળા-મહાશાળાઓમાં તથા સામાન્ય વાચકોમાં પણ વધુ આવકારને પામશે, અને કેવળ સાહિત્ય – દૃષ્ટિએ પણ અા મૌલિક ઇતિહાસ-ગ્રંથની કદર હવે થશે, એવી આશા છે.

૨૮ – ૩ – 'પ૦