દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ/લડાઈ પછી

← બોઅર લડાઈ દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ
લડાઈ પછી
મોહનદાસ કરમચંદ ગાંધી
વિવેકનો બદલો – ખૂની કાયદો →


૧૦. લડાઈ પછી

લડાઈનો મુખ્ય ભાગ ૧૯૦૦ની સાલમાં પૂરો થયો. મધ્યમાં લેડીસ્મિથ, કિંબરલી અને મેકેકિંગનો છુટકારો થઈ ગયો હતો. જનરલ ક્રૉન્જ હારી ચૂકયા હતા. બોઅરોએ જીતેલો બ્રિટિશ સંસ્થાનોનો બધો ભાગ સલ્તનતને હસ્તક પાછો આવી ચૂકયો હતો. હવે બાકી હતું તે વાનર યુદ્ધ (ગેરીલા વોરફેર) હતું, ટ્રાન્સવાલ અને ઓરેંજ ફ્રી સ્ટેટનો પણ કબજો લૉર્ડ કિચનરે મેળવી લીધો હતો. મેં વિચાર્યું કે મારું કામ હવે દક્ષિણ આફ્રિકામાં પૂરું થયું ગણાય. એક મહિનાને બદલે હું છ વરસ રહ્યો. કાર્યની રેખા બંધાઈ ગઈ હતી. છતાં કોમને રીઝવ્યા વિના હું નીકળી શકું એમ ન હતું. હિંદુસ્તાનમાં સેવા કરવાનો મારો ઈરાદો મેં મારા સાથીઓને જણાવ્યો. સ્વાર્થને બદલે સેવાધર્મનો પાઠ હું દક્ષિણ આફ્રિકામાં શીખી ગયો હતો. તેની લહે લાગી હતી. મનસુખલાલ નાજર દક્ષિણ આફ્રિકામાં હતા જ. ખાન પણ હતા. દક્ષિણ આફ્રિકામાંથી જ ગયેલા કેટલાક હિંદી જુવાનો બેરિસ્ટર થઈ પાછા પણ વળ્યા હતા. એટલે મારું દેશ આવવું કોઈ પણ રીતે અનુચિત ન ગણાય. આ બધી દલીલો કરતા છતાં એક શરતથી મને રજા મળી કે દક્ષિણ આફ્રિકામાં કંઈ પણ અણધારેલી હરકત આવી પડે અને મારી જરૂર જણાય તો કોમ મને ગમે ત્યારે પાછો બોલાવે, અને મારે તુરત પાછા જવું. મુસાકરી અને રહેવાનું ખર્ચ કોમે ભરી દેવું. હું એ શરત સ્વીકારી પાછો ફર્યો.

મરહૂમ ગોખલેની સલાહથી તેમની દેખરેખ નીચે જાહેર કામ કરવાના પ્રધાન હેતુથી, પણ સાથે જ આજીવિકા પણ કમાવાના હેતુથી, મુંબઈમાં બેરિસ્ટરી કરવાનું નકકી કર્યું, અને ચેમ્બર લીધા. વકીલાત પણ કંઈક ચાલવા માંડી. દક્ષિણ આફ્રિકાની સાથે એટલો બધો સંબંધ જોડાયેલો તેથી હું મારું ખર્ચ સહેજે ઉપાડી શકું તેટલું દક્ષિણ આફ્રિકાથી પાછા વળેલા અસીલો જ મને આપી રહેતા. પણ નસીબમાં સ્થિર થઈ બેસવાનું હતું જ નહીં. ભાગ્યે ત્રણચાર મહિના મુંબઈમાં સ્થિર થઈને હું બેઠો હઈશ. તેવામાં દક્ષિણ આફ્રિકાનો તાર આવ્યો : 'સ્થિતિ ગંભીર છે. મિ. ચેમ્બરલેન થોડા વખતમાં આવશે; તમારી હાજરીની જરૂર છે.'

મુંબઈની ઓફિસ અને ઘર સંકેલ્યાં. પહેલી સ્ટીમરે હું રવાના થયો. ૧૯૦૨ની આખરનો આ વખત હતો. ૧૯૦૧ની આખરમાં હું હિંદુસ્તાન પાછો ફરેલો. ૧૯૦૨ના માર્ચ-એપ્રિલમાં મુંબઈમાં અૉફિસ ખોલેલી. તાર ઉપરથી બધું તો હું જાણી નહોતો શકયો. મેં અટકળ કરેલી કે મુસીબત કંઈક ટ્રાન્સવાલમાં જ હશે. પણ ચાર છ માસની અંદર પાછો ફરી શકીશ એમ ધારીને કુટુંબ વિના જ હું ચાલી નીકળ્યો હતો. ડરબન પહોંચતાં જ અને બધી હકીકત સાંભળતાં જ હું દિગ્મૂઢ બની ગયો. અમે ઘણાએ ધારેલું કે લડાઈ પછી હિંદીઓની સ્થિતિ આખા દક્ષિણ આફ્રિકામાં સુધરવી જોઈએ. ટ્રાન્સવાલ અને ફ્રી સ્ટેટમાં તો મુશ્કેલી ન જ હોઈ શકે, કેમ કે હિંદીઓની કફોડી સ્થિતિ એ લડાઈનું એક કારણ છે એમ લૉર્ડ લેન્સડાઉન, લોર્ડ સેલબોર્ન વગેરે મોટા સત્તાધિકારીઓએ કહેલું, પ્રિટોરિયાના બ્રિટિશ એલચી પણ મારી સમક્ષ ઘણી વાર બોલી ચૂકેલા કે જે ટ્રાન્સવાલ બ્રિટિશ કૉલોની થાય તો હિંદીઓનાં દુઃખ બધાં નાબૂદ થાય. ગોરાઓએ પણ એમ જ માનેલું કે રાજ્યસત્તા બદલાતાં ટ્રાન્સવાલના જૂના કાયદા હિંદીઓને લાગુ ન જ પડી શકે. આ વાત એટલે સુધી સર્વમાન્ય થઈ ગઈ હતી કે જે લિલામ કરનારા જમીનના વેચાણ વખતે લડાઈ પહેલાં હિંદીઓનો ચડાવો કબૂલ ન જ કરતા, તેઓ ખુલ્લી રીતે કબૂલ કરતા થઈ ગયા હતા. ઘણા હિંદીઓએ આ પ્રમાણે લિલામમાં જમીનો ખરીદ પણ કરેલી. પણ મહેસૂલી કચેરીમાં જમીનના દસ્તાવેજ રજિસ્ટર કરાવવા જતાં ૧૮૮૫નો કાયદો મહેસૂલી અમલદારે ખડો કર્યો અને દસ્તાવેજ રજિસ્ટર કરી આપવાની ના પાડી ! ડરબન ઊતરતાં મેં આટલું તો સાંભળ્યું, આગેવાનોએ મને કહ્યું કે તમારે ટ્રાન્સવાલ જવાનું છે. પ્રથમ તો મિ. ચેમ્બરલેન અહીં આવશે. અહીંની સ્થિતિથી પણ તેમને વાકેફ કરવાની જરૂર છે. અહીંનું કામ ઉકેલી તેમની જ પાછળ પાછળ તમારે ટ્રાન્સવાલ જવું પડશે.

નાતાલમાં મિ. ચેમ્બરલેનને એક ડેપ્યુટેશન મળ્યું. તેમણે બધી હકીકત વિનયપૂર્વક સાંભળી. નાતાલના પ્રધાનમંડળની સાથે વાત કરવાનું તેમણે વચન આપ્યું નાતાલમાં લડાઈ પહેલાં થઈ ગયેલા કાયદામાં તુરત ફેરફાર થવાની મેં પોતે કંઈ આશા રાખી ન હતી. એ કાયદાઓનું વર્ણન તો આગલાં પ્રકરણોમાં આવી ગયું છે.

લડાઈ પહેલાં તો ટ્રાન્સવાલમાં ગમે તે હિંદી ગમે તે વખતે જઈ શકતો હતો, એ વાંચનાર જાણે જ છે. પણ હવે મેં જોયું કે તેમ ન હતું છતાં જે અટકાવ તે વખતે હતો એ ગોરાને તેમ જ હિંદીઓને બધાને લાગુ પડતો હતો. ઘણા માણસો ટ્રાન્સવાલમાં ભરાઈ જાય તો અનાજ-કપડાં પણ બધાંને પૂરતાં ન મળી શકે એવી હજુ સ્થિતિ હતી. કેમ કે લડાઈને અંગે દુકાનો તો બંધ હતી. દુકાનોમાંનો માલ ઘણોખરો બોઅર સરકાર ગરક કરી ગઈ હતી, તેથી અમુક મુદતને સારુ જ જો આ પ્રતિબંધ હોય તો ભય રાખવાનું કારણ નથી એમ મારા મનની સાથે મેં વિચાર્યું. પણ ગોરા અને હિંદીઓને સારુ ટ્રાન્સવાલ જવાનો પરવાનો લેવાની રીતમાં ભેદ હતો. અને એ શંકા અને ભયનું કારણ થઈ પડયો. પરવાનો આપવાની ઓફિસ દક્ષિણ આફ્રિકાનાં જુદાં જુદાં બંદરોમાં ખોલવામાં આવી હતી. ગોરાઓને તો માગતાં જ પરવાના મળી શકતા એમ કહી શકાય. પણ હિંદીઓને સારુ તો એક એશિયાટિક ખાતું ટ્રાન્સવાલમાં ખોલવામાં આવ્યું હતું.

આવું નોખું ખાતું એક નવો બનાવ હતો. એ ખાતાના ઉપરીને હિંદી અરજી કરે. એ અરજી મંજૂર થાય ત્યાર પછી ડરબન કે બીજા બંદરેથી સામાન્ય રીતે પરવાના મળી શકે. જો મારે પણ એ અરજી કરવાની હોત તો મિ. ચેમ્બરલેન ટ્રાન્સવાલ છોડે તેના પહેલાં પરવાનો મળવાની આશા ન જ રાખી શકાય. ટ્રાન્સવાલના હિંદીઓ તેવો પરવાનો મેળવી મને મોકલી શક્યા ન હતા. એ તેઓની શક્તિ બહારની વાત હતી. મારા પરવાનાનો આધાર તેઓએ ડરબનની મારી ઓળખાણ ઉપર જ રાખેલો હતો, પરવાનાના અમલદારને તો હું ઓળખતો નહોતો, પણ ડરબનના પોલીસ સુપરિન્ટેન્ડેન્ટને ઓળખતો હોવાથી તેમને સાથે લઈ જઈ મારી ઓળખાણ પડાવી. ટ્રાન્સવાલમાં હું ૧૮૯૩ની સાલમાં એક વરસ સુધી રહ્યો છું એ બતાવી પરવાનો મેળવી હું પ્રિટોરિયા પહોંચ્યો.

અહીંયાં મેં વાતાવરણ જુદું જ જોયું. એશિયાટિક ખાતું એક ભયાનક ખાતું છે અને તે કેવળ હિંદીઓને દબાવવાને સારુ જ છે એમ હું જોઈ શકયો. તેમાં નિમાયેલા અમલદારો લડાઈની વખતે હિંદુસ્તાનથી લશ્કરની સાથે આવેલા વર્ગમાંથી દક્ષિણ આફ્રિકામાં પોતાનું નસીબ અજમાવવાને રહી ગયેલામાંના હતા. તેમાંના કેટલાક તો લાંચિયા હતા. બે અમલદારની ઉપર લાંચ લેવાને સારુ કામ પણ ચાલેલાં. પંચે તો તેમને છોડી દીધા, પણ લાંચને વિશે કાંઈ શંકા ન હતી તેથી બરતરફ થયેલા પક્ષપાતનો તો કંઈ પાર જ નહીં. અને જ્યાં આવી રીતે એક ખાતું નોખું પડે ત્યાં અને જો તે ખાતું હકોની ઉપર અંકુશ મેલવાને સારુ જ યોજવામાં આવ્યું હોય તો પોતાની હસ્તી કાયમ રાખવાને સારુ તેમ જ અંકુશો મૂકવાનો પોતાનો ધર્મ બરાબર બજાવે છે એ બતાવવાની ખાતર હંમેશાં નવા અંકુશ શોધવા તરફ જ તેનું વલણ રહે. બન્યું પણ તેમ જ.

મેં તો જોયું કે મારે નવી પાટી ઉપર નવેસરથી જ એકડો ઘૂંટવો રહ્યો. એશિયાટિક ખાતાને તરત ખબર નહીં પડી કે હું ટ્રાન્સવાલમાં કેવી રીતે દાખલ થયો. મને પૂછવાની તો એકાએક હિંમત ચાલી નહીં, ચોરીથી તો હું દાખલ ન જ થાઉં એટલું માને એમ હું માનું છું. આડકતરી રીતે તેઓએ જાણી પણ લીધું કે હું પરવાનો કેમ મેળવી શકયો. પ્રિટોરિયાનું ડેપ્યુટેશન પણ મિ. ચેમ્બરલેન પાસે જવા તૈયાર થયું. તેમને આપવાની અરજી તો ઘડી. પણ એશિયાટિક ખાતાએ મારું તેમની આગળ જવું બંધ કરાવ્યું, હિંદી આગેવાનોને લાગ્યું કે એવી સ્થિતિમાં તેઓએ પણ ન જ જવું જોઈએ. મને એ વિચાર ન ગમ્યો. મારું થયેલું અપમાન મારે ગળી જવું અને કોમે પણ તે ન ગણકારવું એમ મેં સલાહ આપી. અરજી તો છે જ, એ મિ. ચેમ્બરલેનને સંભળાવવી એ જરૂરનું છે એમ મેં ઉમેર્યું, ત્યાં હિંદી બેરિસ્ટર જ્યૉર્જ ગૉડફ્રે હાજર હતા. તેમને અરજી વાંચવા તૈયાર કર્યા, ડેપ્યુટેશન ગયું, મારે વિશે વાત ઊખળી. મિ. ચેમ્બરલેને કહ્યું, "મિ. ગાંધીને તો હું ડરબનમાં મળી ચૂકયો છું. એટલે અહીંનો હેવાલ હું અહીંના લોકોને મોઢેથી જ સાંભળું એ વધારે સારું એમ સમજી મેં તેને મળવાની ના પાડી." મારી દષ્ટિએ આ તો બળતામાં ઘી હોમવા જેવું થયું. એશિયાટિક ખાતાએ ભણાવેલું મિ. ચેમ્બરલેન બોલ્યા. જે વાયુ હિંદુસ્તાનમાં વહે છે તે જ એશિયાટિક ખાતાએ ટ્રાન્સવાલમાં વહાવ્યો. મુંબઈમાં રહેનારને ચંપારણમાં અંગ્રેજી અમલદારો પરદેશી ગણે છે એ વાતથી ગુજરાતીઓ વાકેફ હોવા જ જોઈએ. એ કાયદા પ્રમાણે ડરબનમાં રહેનારો હું ટ્રાન્સવાલની હકીકત શું જાણી શકું, એમ મિ. ચેમ્બરલેનને એશિયાટિક ખાતાએ શીખવ્યું. તેને શી ખબર કે હું ટ્રાન્સવાલમાં રહેલો અને ટ્રાન્સવાલમાં ન રહ્યો હોઉં તોપણ ટ્રાન્સવાલની બધી પરિસ્થિતિથી વાકેફ હતો. સવાલ કેવળ એક જ હતો. ટ્રાન્સવાલની હકીકતથી વધારેમાં વધારે વાકેફ કોણ હતું ? મને ખાસ હિંદુસ્તાનથી બોલાવીને હિંદી કોમે તેનો જવાબ આપી દીધો હતો. પણ રાજ્યકર્તાની પાસે ન્યાયશાસ્ત્રની દલીલો ચાલી શકતી નથી, એ કંઈ નવો અનુભવ નથી. મિ. ચેમ્બરલેન એ વખતે સ્થાનિક બ્રિટિશ કારભારીઓની અસર નીચે એટલા બધા હતા અને ગોરાઓને સંતોષવા સારુ એટલા બધા આતુર હતા કે એમના તરફથી ઈન્સાફ થવાની આશા કંઈ જ નહોતી અથવા ધણી થોડી હતી. પણ દાદ મેળવવાને સારુ એકે યોગ્ય પગલું ભૂલથી કે સ્વાભિમાનથી લેવાયા વિના ન રહે તેથી ડેપ્યુટેશન એમની પાસે ગયેલું.

પણ મારી સામે ૧૮૯૪ના કરતાં પણ વધારે વિષમ પ્રસંગ આવી રહ્યો. એક દૃષ્ટિએ વિચારતાં મિ. ચેમ્બરલેનની પૂંઠ ફરે એટલે પાછો હિંદુસ્તાન ફરી શકું એમ મને ભાસ્યું. બીજી તરફથી ચોખ્ખી રીતે જોઈ શકયો કે કોમને ભયંકર સ્થિતિમાં જોતાં છતાં હું હિંદુસ્તાનમાં સેવા કરવાના ગુમાનથી પાછો વળી જાઉં તો જે સેવાધર્મની, મને ઝાંખી થઈ હતી એ દૂષિત થાય. મેં વિચાર્યું કે આખો જનમારો દક્ષિણ આફ્રિકામાં નીકળી જાય તોપણ ચડેલું વાદળ વીખરાઈ ન જાય અથવા તો બધા પ્રયત્નો છતાં તે વધારે ઘેરાઈ કોમ ઉપર તૂટી પડી અમારો બધાનો નાશ ન કરે ત્યાં સુધી ટ્રાન્સવાલમાં જ રહેવું જોઈએ. અાગેવાનોની સાથે મેં એવા પ્રકારની વાત કરી. અને જેમ ૧૮૯૪માં તેમ આ વખતે પણ મારો ગુજારો વકીલાતથી કરવાનો મારો નિશ્ચય મેં જણાવ્યો. કોમને તો એટલું જ જોઈતું હતું.

મેં તુરત ટ્રાન્સવાલમાં વકીલાતની અરજી દાખલ કરી. અહીં પણ મારી અરજી સામે વકીલમંડળની સંસ્થા વિરોધ કરે એવો કંઈક ભય હતો, પણ એ પાયા વિનાનો નીવડયો. મને સનદ મળી અને મેં જોહાનિસબર્ગમાં ઓફિસ ખોલી. ટ્રાન્સવાલમાં હિંદીઓની મોટામાં મોટી વસ્તી જોહાનિસબર્ગમાં જ હતી. તેથી મારી આજીવિકા અને જાહેર કામ બંને દષ્ટિએ જોહાનિસબર્ગ જ અનુકૂળ મથક હતું. એશિયાટિક અૉફિસના સડાનો દિવસે દિવસે કડવો અનુભવ હું લઈ રહ્યો હતો, અને ત્યાંના હિંદી મંડળનું બધું જોર એ સડો દૂર કરવામાં જ વપરાતું હતું. ૧૮૮૫નો કાયદો રદ કરાવવો એ તો દૂરનું ધ્યેય થઈ પડયું. તાત્કાલિક કામ એશિયાટિક અૉફિસરૂપી ધસી આવતા પૂરમાંથી બચી જવાનું હતું. લૉર્ડ મિલ્નરની પાસે, લોર્ડ સેલબૉર્ન જે ત્યાં આવ્યા હતા તેમની પાસે, સર આર્થર લૉલી જે ટ્રાન્સવાલમાં લેફ્ટનન્ટ ગવર્નર હતા અને જે પાછળથી મદ્રાસમાં ગવર્નર થયેલા તેમની પાસે, અને તેથી ઊતરતી પંક્તિના અમલદારો પાસે ડેપ્યુટેશન ગયાં અને તેમને મળ્યાં. હું એકલો ઘણી વાર મળતો. કંઈક કંઈક રાહત મળતી, પણ એ બધાં થીંગડાં હતાં. લૂંટારા આપણું બધું ધન હરી જાય અને પછી આપણે કરગરીએ ત્યારે અને તેથી કંઈક તેમાંનું આપણને પાછું આપે અને આપણે સંતોષ માની શકીએ તેવા પ્રકારનો સંતોપ કંઈક કંઈક મળતો. અા લડતને અંગે જ જે અમલદારો બરતરફ થયાનું ઉપર લખી ગયો છું તેઓની ઉપર કામ ચાલેલું. જે ભય હિંદીઓના પ્રવેશને વિશે મને થયેલો મેં પાછળ જણાવ્યો તે ખરો નીવડયો. ગોરાઓને પરવાના લેવાનું ન રહ્યું, પણ હિંદીઓની ઉપર તો પરવાના કાયમ જ રહ્યા. ટ્રાન્સવાલની માજી સરકારે જેવો કાયદો સખત કર્યો તેવો સખત તેનો અમલ નહોતો. એ કાંઈ તેની ઉદારતા કે ભલમનસાઈને લીધે ન હતું, પણ અમલી ખાતું બેદરકાર હતું. અને તે ખાતાના અમલદારો સારા હોય તો ભલમનસાઈ વાપરવાનો જેટલો તેમને માજી સરકાર નીચે અવકાશ હતો તેટલો અવકાશ બ્રિટિશ સરકાર નીચે નથી હોતો. બ્રિટિશ તંત્ર પુરાણું હોવાથી દૃઢ થઈ ગયું છે, ગોઠવાઈ ગયું છે, અને અમલદારોને યંત્રની માફક કામ કરવું પડે છે, કેમ કે તેઓની ઉપર એક પછી એક ચડતા ઊતરતા અંકુશો રહેલા હોય છે. તેથી બ્રિટિશ બંધારણમાં જે રાજ્યપદ્ધતિ ઉદાર હોય તો પ્રજાને ઉદાર પદ્ધતિનો વધારેમાં વધારે લાભ મળી શકે છે, અને જો એ પદ્ધતિ જુલમી અથવા કંજૂસ હોય તો આ નિયંત્રિત સત્તા નીચે તેનું દબાણ પણ પૂરેપૂરું અનુભવમાં આવે છે. એથી ઊલટી સ્થિતિ ટ્રાન્સવાલની માજી સત્તા જેવા તંત્રમાં હોય છે. ઉદાર કાયદાનો લાભ મળવો ન મળવો એ વધારે અંશે તે ખાતાના અમલદાર ઉપર આધાર રાખે છે, એ ધોરણ પ્રમાણે જ્યારે ટ્રાન્સવાલમાં બ્રિટિશ સત્તા કાયમ થઈ ત્યારે હિંદીઓને લગતા બધા કાયદાનો અમલ ઉત્તરોત્તર સખત થવા લાગ્યો. જ્યાં જ્યાં પહેલાં બારીઓ હતી ત્યાં ત્યાં બારીઓ બંધ થઈ. એશિયાટિક ખાતાનું ધોરણ તો સખતીનું હોવું જ જોઈએ એ તો આપણે પાછળ જોઈ ગયા. તેથી જૂના કાયદા કેમ રદ કરાવવા એ તો એક કોર રહ્યું, પણ તેમાં રહેલી સખતીઓ અમલમાં કેમ મોળી કરી શકાય એ જ દૃષ્ટિએ તુરતમાં તો હિંદી કોમને નસીબે પ્રયત્ન કરવાનું રહ્યું.

એક સિદ્ધાંતની ચર્ચા વહેલીમોડી આપણે કરવી જ પડશે, ને કદાચ આ જગાએ કરવાથી હવે પછી થવાની પરિસ્થિતિ અને હિંદી દૃષ્ટિબિંદુ સમજવાને અનુકૂળ પડશે. બ્રિટિશ વાવટો ટ્રાન્સવાલમાં અને ઓરેંજ ફ્રી સ્ટેટમાં ફરકવા લાગ્યો કે તુરત લૉર્ડ મિલ્નરે એક કમિટી નીમી. તેનું કામ બંને રાજ્યના પુરાણા કાયદા તપાસી, તેમાંથી જે પ્રજાની સત્તા ઉપર અંકુશ મૂકનાર હતા અથવા બ્રિટિશ બંધારણના રહસ્યથી વિરુદ્ધ હતા, તેની નોંધ તૈયાર કરવી એ હતું. આમાં સ્પષ્ટ રીતે હિંદીઓની સ્વતંત્રતા ઉપર હુમલો કરનાર કાયદા પણ આવી જાત. પણ લૉર્ડ મિલ્નરનો હેતુ આ કમિટી નીમવામાં હિંદીઓનાં દુઃખનું નિવારણ ન હતો, પણ અંગ્રેજોનાં દુઃખનું નિવારણ હતો. જે કાયદાથી આડકતરી રીતે અંગ્રેજોને હરકત થતી હતી તે કાયદા બનતી ત્વરાએ કાઢી નાખવાનો તેમનો મુદ્દો હતો. કમિટીનો રિપોર્ટ ઘણી જ ટૂંકી મુદતમાં તૈયાર થયો, અને નાનામોટા ઘણા કાયદા અંગ્રેજોના વિરોધી હતા તે એક જ હુકમથી રદ થયા એમ કહીએ તો કહી શકાય.

એ જ કમિટીએ હિંદીઓની સામેના કાયદા તારવી કાઢ્યા. તેનું તો એક પુસ્તક છપાયું કે જેનો ઉપયોગ અથવા આપણી દૃષ્ટિએ દુરુપયોગ એશિયાટિક ખાતાએ સહલાઈથી કરવા માંડયો.

હવે જે હિંદીવિરોધી કાયદા, હિંદીઓનું નામ તેમાં દાખલ કરીને ખાસ તેમની જ સામે ન કરવામાં આવ્યા હોત પણ બધાને લાગુ પડે એવા રચવામાં આવ્યા હોત, માત્ર તેમનો અમલ કરવા ન કરવાની પસંદગી અમલદારોને સોંપવામાં આવી હોત, અથવા તો એ કાયદાની અંદર એવા અંકુશ મૂકવામાં આવ્યા હોત કે જેમનો અર્થ સાર્વજનિક હોત, પણ તે અર્થ કરતાં તેમનું વધારે જોર હિંદીઓની ઉપર પડે એવું હોત, તો તેવા કાયદાથી પણ કાયદા કરનારનો અર્થ સરત, અને છતાં એ સાર્વજનિક કહેવાત. કોઈનું અપમાન તેથી ન થાત. અને કાળે કરીને જ્યારે વિરોધી ભાવ મોળો પડત ત્યારે, કાયદામાં કંઈ પણ ફેરફાર કર્યા વિના, તેના ઉદાર અમલથી, જેના વિરોધને અર્થે તે કાયદો પસાર થયો હોત તે કોમ બચી જાત. જેમ બીજી પ્રતિના કાયદાને મેં સાર્વજનિક કાયદા કહ્યા તેમ પહેલી પ્રતિના એકદેશી અથવા કોમી કાયદા કહી શકાય. દક્ષિણ આફ્રિકામાં તેમને રંગભેદી કાયદા કહેવામાં આવે છે, કારણ કે તેમાં ચામડીનો ભેદ રાખી કાળી અથવા તો ઘઉંવણીઁ ચામડીની પ્રજાઓ ઉપર ગોરાઓને મુકાબલે વધારે અંકુશ મૂકવામાં આવે છે. એનું નામ 'કલર-બાર' અથવા રંગભેદ કે રંગદ્વેષ.

બની ગયેલા કાયદામાંથી જ એક દષ્ટાંત લઈએ. વાંચનારને યાદ હશે કે મતાધિકારનો પહેલો કાયદો જે નાતાલમાં થયો પણ જે છેવટે રદ થયો તેમાં કલમ એવી હતી કે એશિયાટિકમાત્રને માતનો અધિકાર ભવિષ્યમાં ન હોઈ શકે. હવે આવો કાયદો બદલાવવો હોય તો પ્રજામત એટલે બધે સુધી કેળવાયેલો હોવો જોઈએ કે ઘણાઓ એશિયાટિકનો દ્વેષ ન કરતાં તેની તરફ મિત્રભાવ રાખે. આવો સુઅવસર આવે ત્યારે જ નવો કાયદો કરીને એ રંગનો ડાઘ ભૂસી શકાય. આ એકદેશી અથવા રંગભેદી કાયદાનું દૃષ્ટાંત. હવે ઉપરનો કાયદો રદ થઈને જે બીજો કાયદો થયો તેમાં પણ મૂળ હેતુ લગભગ સચવાયો, છતાં તેમાંથી રંગભેદનો ડંખ દૂર કરવામાં આવ્યો અને તે સાર્વજનિક થયો. એ કાયદાની કલમની ભાવાર્થ અા પ્રમાણે છે : 'જે પ્રજાને પાર્લમેન્ટરી ફ્રેંચાઈઝ, એટલે બ્રિટિશ આમની સભાના સભાસદ ચૂંટવાનો મતાધિકાર છે તેવી જાતનો મતાધિકાર ન હોય, તે પ્રજાના માણસો નાતાલમાં મતાધિકારી ન થઈ શકે.' આમાં કયાંયે હિંદીનું કે એશિયાટિકનું નામ નથી આવતું. હિંદુસ્તાનમાં ઈંગ્લેન્ડના જેવો મતાધિકાર છે કે નહીં એ વિશે કાયદાશાસ્ત્રીઓ તો જુદા જુદા અભિપ્રાય આપે. પણ દલીલ ખાતર માની લઈએ કે હિંદમાં મતાધિકાર તે વખતે એટલે ૧૮૯૪માં ન હતો અથવા આજ પણ નથી, છતાં નાતાલમાં મતાધિકારીનાં નામ રજિસ્ટર કરનારો અમલદાર હિંદીઓનાં નામ દાખલ કરે તો તેણે કંઈ ગેરકાયદે કામ કર્યું એમ કોઈ એકાએક ન કહી શકે. સામાન્ય અનુમાન હમેશાં પ્રજાના હકની તરફ કરવાનું હોય છે. તેથી જ્યાં સુધી તે વખતની સરકાર વિરોધ કરવા ન ઈચ્છે ત્યાં સુધી તે, ઉપરનો કાયદો હસ્તી ધરાવતો હોય છતાં, હિંદી વગેરેનાં નામ મતાધિકાર પત્રકની અંદર નોંધી શકે. એટલે ધારો કે કાળે કરીને નાતાલમાં હિંદી તરફનો અણગમો મોળો પડે તો, અને સરકારને હિંદીઓનો વિરોધ ન કરવો હોય તો, કાયદામાં કંઈ પણ ફેરફાર કર્યા વિના હિંદીઓને મતપત્રકમાં દાખલ કરી શકે. આ ખૂબી સાર્વજનિક કાયદામાં રહેલી છે. એવા બીજા દાખલાઓ દક્ષિણ આફ્રિકાના જે કાયદાઓ હું અાગલાં પ્રકરણોમાં ગણાવી ગયો છું તેમાંથી ઘટાવી શકાય છે. એથી ડાહી રાજનીતિ એ જ ગણાય છે કે એકદેશી કાયદા ઓછામાં ઓછા કરવા, – ન જ કરવા એ તો સર્વોત્કૃષ્ટ. એક વખત અમુક કાયદો પસાર થઈ ગયો પછી તેને બદલવામાં અનેક મુસીબતો આવી પડે. પ્રજામત ઘણો કેળવાય ત્યારે જ થયેલા કાયદા રદ થઈ શકે છે. જે પ્રજાતંત્રમાં હમેશાં કાયદાની અદબદલી થયા જ કરે છે તે પ્રજાને સુવ્યવસ્થિત ન ગણી શકાય.

હવે આપણે ટ્રાન્સવાલમાં થયેલા એશિયાટિક કાયદામાં રહેલા ઝેરનું માપ વધારે સારી રીતે કાઢી શકીએ છીએ. એ કાયદા તો બધા એકદેશી છે. એશિયાટિક મત ન આપી શકે, સરકારે નીમેલા લત્તાની બહાર જમીનની માલિકી ન ભોગવી શકે. એ કાયદા રદ થયા વિના અમલદારવર્ગ તો હિંદીઓને મદદ ન જ કરી શકે. એ કાયદા સાર્વજનિક ન હતા તેથી જ લૉર્ડ મિલ્નરની કમિટી તેમને નોખા તારવી શકે. પણ જે તે સાર્વજનિક હોત તો બીજા કાયદાઓની સાથે એશિયાટિકના નામ વિનાના પણ તેની ઉપર અમલ થતા કાયદાઓ નાબૂદ થઈ ગયા હોત. અમલદારવર્ગ એમ તો કદી ન કહી શકત કે 'અમે શું કરી શકીએ ? લાચાર છીએ. આ કાયદાઓ નવી ધારાસભા રદ ન કરે ત્યાં સુધી અમારે તો અમલમાં મૂક્યે જ છૂટકો છે.'

જ્યારે એશિયાટિક ઓફિસને હસ્તક અા કાયદાઓ ગયા ત્યારે એશિયાટિક ખાતાએ તેમનો પૂરો અમલ શરૂ કર્યો, એટલું જ નહીં પણ જે તે કાયદા અમલ કરવા લાયક છે એમ કારભારી મંડળી ગણે તો તેઓમાં રહેલી અથવા રહી ગયેલી બારીઓ બંધ કરવાની વધારે સત્તા કારભારી મંડળે લેવી જોઈએ. દલીલ તો સીધી અને સાદી જણાય એમ છે. કાં તો એ કાયદા ખરાબ છે એટલે રદ કરવા, અને જો યોગ્ય હોય તો તેમાં કંઈ દોષ રહી ગયા હોય તે દૂર કરવા જોઈએ. કાયદાનો અમલ કરવાની નીતિ કારભારી મંડળે અખત્યાર કરી લીધી હતી. હિંદી પ્રજાએ બોઅર લડાઈમાં અંગ્રેજની સાથે ઊભીને જાનનું જોખમ વહોર્યું હતું એ તો ત્રણચાર વરસ જૂની વાત થઈ. હિંદી પ્રજાને સારુ ટ્રાન્સવાલમાં બ્રિટિશ એલચીએ લડત લીધી હતી એ જૂના રાજતંત્રની વાત. લડાઈ થવાનાં કારણોમાં હિંદીઓનાં દુ:ખ એ પણ કારણ હતું, એ દીર્ઘદષ્ટિ વાપર્યા વિના, સ્થાનિક અનુભવ વિનાના અધિકારી લોકોએ કરેલી વાત હતી. સ્થાનિક અનુભવે તો સ્થાનિક અમલદારોને ચોખ્ખું બતાવી દીધું કે બોઅર રાજ્યસમયમાં જે કાયદા હિંદીઓ સામે ઘડાયા હતા તે પૂરતા અથવા પદ્ધતિસર ન હતા. હિંદીઓ ફાવે તેમ ટ્રાન્સવાલમાં દાખલ થાય અને ફાવે તેમ, ફાવે ત્યાં વેપાર કરે તો અંગ્રેજ વેપારીને બહુ નુકસાન થાય. આ બધી અને આવી બીજી દલીલોએ ગોરાઓ અને તેમના પ્રતિનિધિ રાજ્યાધિકારી મંડળની ઉપર ભારે કાબૂ મેળવ્યો. તેઓ બધા બની શકે એટલા ઓછા સમયમાં બની શકે તેટલું ધન એકઠું કરવા ઈચ્છતા હતા. તેમાં હિંદીઓ જરાયે ભાગ લે એ તેમને કયાંથી જ ગમે ? તેની સાથે તત્ત્વજ્ઞાનનો આડંબર પણ ભળ્યો, દક્ષિણ આફ્રિકાના બુદ્ધિમાન માણસોને કેવળ વેપારીશાઈ સ્વાર્થી દલીલ સંતોષે નહીં. અન્યાય કરવાને સારુ પણ બુદ્ધિ હમેશાં બુદ્ધિને યોગ્ય લાગે એવી દલીલ શોધે છે. એવું જ દક્ષિણ આફ્રિકાની બુદ્ધિનું પણ થયું. જનરલ સ્મટ્સ વગેરેએ જે દલીલ કરી તે નીચે પ્રમાણે હતી : 'દક્ષિણ આફ્રિકા પશ્ચિમના સુધારાનું પ્રતિનિધિ છે. હિંદુસ્તાન પૂર્વના સુધારાનું કેન્દ્રસ્થાન છે. બંને સુધારાનું સંમેલન થઈ શકે એવું આ જમાનાના તત્ત્વજ્ઞાનીઓ તો કબૂલ નથી કરતા. એટલે થોડાઘણા પણ સમુદાયમાં એ બે સુધારાની પ્રજાનો સંગમ થાય તો તેનું પરિણામ ભડકો જ થાય. પશ્ચિમ સાદાઈનું વિરોધી છે. પૂર્વના લોકો સાદાઈને પ્રધાનપદ આપે છે. આ બેના મેળ કેમ મળી શકે ? આ બેમાં કઈ સભ્યતા વધારે સારી છે એ જોવાનું રાજદ્વારી એટલે વ્યવહારી પુરુષનું કામ નથી. પશ્ચિમનો સુધારો સારો હોય યા ખરાબ, પણ પશ્ચિમની પ્રજા તેને જ વળગી રહેવા માગે છે. તે સુધારાને બચાવવાને સારુ પશ્ચિમની પ્રજાઓએ અથાગ પ્રયત્નો કર્યા છે, લોહીના ધોધ ચલાવ્યા છે, અનેક પ્રકારનાં બીજાં દુ:ખો સહન કર્યા છે. એટલે પશ્ચિમની પ્રજાઓને અત્યારે બીજો રસ્તો સૂઝે એમ નથી. એ વિચાર પ્રમાણે જોતાં હિંદી-ગોરાનો સવાલ નથી વેપાર-દ્વેષનો કે નથી વર્ણદ્વૈષનો; કેવળ પોતાની સભ્યતાનું રક્ષણ કરવાનો એટલે ઊંચામાં ઊંચા પ્રકારનો સ્વરક્ષાનો હક ભોગવવાનો અને તેને અંગે રહેલી ફરજ બજાવવાનો જ સવાલ છે. હિંદીઓના દોષ કાઢવામાં આવે છે એ લોકોને ઉશ્કેરવાને સારુ ભલે ભાષણકર્તાઓને રુચતું હોય, પણ રાજ્ય-નૈતિક દૃષ્ટિથી વિચારનાર તો એમ જ માને છે અને કહે છે કે હિંદીઓના ગુણ એ જ દક્ષિણ આફ્રિકામાં તેમના દીપરૂપે ગણવામાં આવે છે. હિંદીઓની સાદાઈ, હિંદીઓની લાંબા વખત સુધી મહેનત કરવાની ધીરજ, તેમની કરકસર, તેમની પરલોકપરાયણતા, તેમની સહનશીલતા ઈત્યાદિ ગુણોથી જ તેઓ દક્ષિણ આફ્રિકામાં અળખામણા થઈ પડયા છે. પશ્ચિમની પ્રજા સાહસિક, અધીરી, દુન્યવી હાજતો વધારવામાં અને તેમને મેળવવામાં મગન, ખાવાપીવામાં શોખીન, અંગમહેનત બચાવવાને આતુર અને ઉડાઉ પ્રકૃતિની છે. તેથી તેને ભય રહે કે જો પૂર્વની સભ્યતાના હજારો પ્રતિનિધિ દક્ષિણ આફ્રિકામાં વસે તો પશ્ચિમના લોકોએ પાછા પડવું જ જોઈએ. આપઘાત કરવા દક્ષિણ આફ્રિકામાં વસતી પશ્ચિમની પ્રજા તૈયાર ન જ થાય. અને એ પ્રજાના હિમાયતી એવા જોખમમાં એ પ્રજાને કદી પડવા ન દે.' મને લાગે છે કે આ દલીલ સારામાં સારા અને ચારિત્રવાન ગોરાઓએ જેવી કરી છે તેવી જ મેં અહીંયાં નિષ્પક્ષપાતે મૂકી છે. એ દલીલને તત્ત્વજ્ઞાનના આડંબરરૂપે હું ઉપર ઓળખાવી ગયો; પણ તેથી હું એમ સૂચવવા નથી ઈચ્છતો કે એ દલીલમાં કંઈ વજૂદ નથી. વ્યાવહારિક દૃષ્ટિએ તો, એટલે કે તાત્કાલિક સ્વાર્થદષ્ટિએ તો તેમાં પુષ્કળ વજૂદ છે. પણ તાત્ત્વિક દૃષ્ટિએ એ આડંબરમાત્ર છે. તટસ્થ માણસની બુદ્ધિ આવો નિર્ણય કબૂલ ન કરે એમ મારી અલ્પમતિને તો ભાસે છે. કોઈ સુધારક પોતાની સભ્યતાને એવી લાચાર સ્થિતિમાં ન મૂકે, જેવી ઉપર દલીલ કરનારાઓએ પોતાની સભ્યતાને મૂકેલી છે. હું જાણતો નથી કે પૂર્વના કોઈ તત્ત્વજ્ઞાનીને એવો ભય હોય કે, પશ્ચિમની પ્રજા પૂર્વના સંબંધમાં સ્વતંત્રતાએ આવે તો પૂર્વની સભ્યતા પશ્ચિમના પૂરમાં વેળુની માફક ઘસડાઈ જાય. જ્યાં સુધી એ તત્ત્વજ્ઞાનનો મને કંઈ પણ ખયાલ છે ત્યાં સુધી મને તો એમ ભાસે છે કે પૂર્વની સભ્યતા પશ્ચિમના સ્વતંત્ર સંગમથી નિર્ભય રહે છે, એટલું જ નહીં પણ તેવા સંગમને વધાવી લે. એથી ઊલટા દાખલા પૂર્વમાં જોવામાં આવે એથી મેં જે સિદ્ધાંત બતાવ્યો છે તેને આંચ આવતી નથી, કારણ કે એ સિદ્ધાંતના સમર્થનમાં અનેક દૃષ્ટાંતો આપી શકાય એમ હું માનું છું. પણ એ ગમે તેમ હો, પશ્ચિમના તત્ત્વજ્ઞાનીઓનો દાવો તો એવો છે કે પશ્ચિમના સુધારાનો તો મૂળ સિદ્ધાંત એ છે કે પશુબળ સર્વોપરી છે. અને તેથી જ એ સુધારાના હિમાયતી પશુબળને કાયમ રાખવા પોતાના વખતનો મોટામાં મોટો ભાગ આપે છે. એનો તો વળી એવો પણ સિદ્ધાંત છે કે જે પ્રજા પોતાની હાજતો વગેરે વધારશે નહીં એ પ્રજાનો છેવટે નાશ જ થવાનો છે. આ સિદ્ધાંતોને અનુસરીને તો પશ્ચિમની પ્રજા દક્ષિણ આફ્રિકામાં વસી છે, અને પોતાની સંખ્યાના પ્રમાણમાં ત્યાંના અસંખ્ય હબસીઓને તેણે વશ કર્યા છે. તેને હિંદુસ્તાનની રંક પ્રજાનો ભય હોઈ જ કેમ શકે ? અને એ સુધારાની દૃષ્ટિએ ભય ખરું જોતાં નથી એનો સારામાં સારો પુરાવો તો એ છે કે હિંદીઓ જો સદાયને સારુ માત્ર મજૂર તરીકે જ રહ્યા હોત તો કદી હિંદીઓના વસવાટની સામે હિલચાલ ન જ થાત. તેથી જે શેષ વસ્તુ રહી જાય છે એ તો કેવળ વેપાર અને વર્ણ. હિંદી વેપાર એ અંગ્રેજી નાનકડા વેપારીઓને દૂભવે છે અને ઘઉંવર્ણનો અણગમો એ હાલ તુરતને સારું ગોરી પ્રજાઓના હાડમાં પેસી ગયો છે, એમ હજારો ગોરાઓએ લખ્યું છે અને કબૂલ કર્યું છે. ઉત્તર અમેરિકામાં જયાં કાયદામાં તો બધાને સરખા સરખા હક છે ત્યાં પણ બૂકર વોશિંગ્ટન જેવો ઊંચામાં ઊંચી પાશ્ચાત્ય કેળવણી પામેલ, અતિશય ચારિત્રવાન ખ્રિસ્તી, અને જેણે પશ્ચિમની સભ્યતાને પૂરેપૂરી રીતે પોતાની કરેલી છે એ માણસ પ્રેસિડન્ટ રૂઝવેલ્ટના દરબારમાં ન જઈ શકયો, અને આજે પણ ન જઈ શકે. ત્યાંના હબસીઓએ પશ્ચિમનો સુધારો કબૂલ કર્યો છે. તેઓ ખ્રિસ્તી પણ થયા છે. પણ તેઓની કાળી ચામડી એ તેઓનો ગુનો છે. અને ઉત્તરમાં જે તેઓનો સંસારવ્યવહારમાં તિરસ્કાર થાય છે તો દક્ષિણ અમેરિકામાં ગોરાઓ ગુનાના વહેમમાત્રથી જીવતા બાળે છે. દક્ષિણ અમેરિકામાં એ દંડનીતિનું ખાસ નામ પણ છે. જે આજે અંગ્રેજી ભાષામાં પ્રચલિત શબ્દ થઈ ગયો છે તે "લિન્ચ લૉ". “લિન્ચ લો” એટલે એ દંડનીતિ કે જેની રૂએ પ્રથમ સજા અને પછી તપાસ. 'લિન્ચ' નામનો માણસ જેણે આ પ્રથા શરૂ કરી તેના ઉપરથી એ નામ પડેલું છે.

એટલે વાંચનાર સમજી શકશે કે ઉપલી તાત્ત્વિક ગણાતી દલીલમાં બહુ તત્ત્વ નથી. પણ એવો અર્થ પણ વાંચનાર ન કરે કે બધા દલીલ કરનારાઓએ જુદું જાણતા છતાં ઉપરની દલીલ કરેલી છે. તેઓમાંના ઘણા પોતાની દલીલ તાત્ત્વિક છે એમ પ્રામાણિકપણે માને છે. એવો સંભવ છે કે આપણે એવી સ્થિતિમાં હોઈએ તો કદાચ આપણે પણ એવી જ દલીલ કરીએ. કંઈક એવા જ કારણથી 'બુદ્ધિઃ કમાનુસારિણી” એવી કહેવત નીકળી હશે. એવો અનુભવ કોને નહીં હોય કે આપણી અંતર્વૃત્તિ જેવી ઘડાઈ હોય તેવી દલીલો આપણને સૂઝયા કરે છે અને એ દલીલ બીજાને ગળે ન ઊતરે એટલે આપણને અસતોષ, અધીરાઈ અને છેવટે રોપ આવે છે.

આટલી ઝીણવટમાં હું ઈરાદાપૂર્વક ઊતરેલો છું. હું ઈચ્છું છું કે વાંચનાર જુદી જુદી દૃષ્ટિઓ સમજે અને જેઓ આજ લગી તેમ ન કરતા આવ્યા હોય તેઓ જુદી જુદી દૃષ્ટિઓને માન આપવાની અને સમજવાની ટેવ પાડે. સત્યાગ્રહનો ભેદ જાણવાને સારુ અને વિશેષમાં તો સત્યાગ્રહ અજમાવવાને સારુ એવી ઉદારતાની અને એવી સહનશક્તિની ઘણી જરૂર છે. એ વિના સત્યાગ્રહ થઈ જ ન શકે. આ પુસ્તક લખવાનો હેતુ લખવાને ખાતર તો છે જ નહીં. દક્ષિણ આફ્રિકાના ઈતિહાસનું એક પ્રકરણ પ્રજાની આગળ મૂકવું એ હેતુ પણ નથી. પણ જે વસ્તુને સારુ હું જીવું છું, જીવવા ઈચ્છું છું, અને જેને સારુ તેટલે જ દરજજે મરવાને પણ તૈયાર છું એમ માનું છું, તે વસ્તુ કેમ ઉત્પન્ન થઈ, તેની પહેલી સામુદાયિક અજમાયશ કેમ કરવામાં આવી, એ બધું પ્રજા જાણે, સમજે, અને પસંદ કરે તેટલું અને પોતાની શક્તિ હોય તે પ્રમાણે અમલમા મૂકે, એ છે.

હવે આપણે પાછા કથાપ્રસંગને લઈએ. આપણે જોયું કે બ્રિટિશ સત્તાધિકારીઓએ એવો નિર્ણય કર્યો કે ટ્રાન્સવાલમાં નવા - આવતા હિંદીઓને અટકાવવા, અને જૂનાની સ્થિતિ એવી કફોડી કરી મૂકવી કે જેથી તેઓ કાયર થઈને ટ્રાન્સવાલ છોડે, અને ન છોડે તોય એ લગભગ મજૂર જેવા થઈને જ રહી શકે. દક્ષિણ આફ્રિકાના કેટલાક મહાન ગણાતા રાજદ્વારી પુરુષોએ એક કરતાં વધારે વખત કહેલું કે હિંદીઓ એ દેશમાં કેવળ કઠિયારા અને કાવડિયા તરીકે જ પોસાઈ શકે. ઉપર કહ્યું તે એશિયાટિક ખાતામાં બીજા અમલદારો હતા, તેમ હિંદુસ્તાનમાં રહી ગયેલા અને વિભક્ત જવાબદારી(ડાયર્કિ)ના શોધક અને પ્રચારક તરીકે પ્રસિદ્ધિ મેળવી ગયેલા મિ. લાયનલ કર્ટિસ પણ હતા. એ ખાનદાન કુટુંબના નવજુવાન છે; અથવા તે વખતે ૧૯૦પ-૬માં તો નવજુવાન જ હતા. લૉર્ડ મિલ્નરના વિશ્વાસપાત્ર માણસ હતા. બધું કામ શાસ્ત્રીય પદ્ધતિએ જ કરવાનો દાવો કરનાર હતા. પણ તેમનાથી મહાન ભૂલો પણ થઈ શકતી હતી. જોહાનિસબર્ગની મ્યુનિસિપાલિટીએ એવી પોતાની એક ભૂલથી ૧૪,૦૦૦ પાઉંડના ખાડામાં તેમણે ઉતારેલી ! એમણે શોધી કાઢ્યું કે ટ્રાન્સવાલમાં નવા હિંદીઓને આવતા અટકાવવા હોય તો પ્રથમ પગલું તો એ ભરાવું જોઈએ કે કાંઈક એવી રીતે દરેક જૂના હિંદીની નોંધ લેવાય કે જેથી એકને બદલે બીજો દાખલ ન થવા પામે, અને જે થાય તો તુરત પકડાઈ જાય. અંગ્રેજી સત્તા સ્થાપ્યા પછી જે પરવાના કાઢવામાં આવતા હતા તે પરવાનામાં હિંદીની સહી અને સહી ન કરી શકે તો અંગૂઠાની નિશાની લેવામાં આવી. વળી કોઈ અમલદારે સૂચવ્યું કે તેઓની છબી લેવી એ ઠીક છે. એટલે છબીઓ, અંગૂઠા અને સહી એ બધું એમ ને એમ ચાલુ થયું. એને સારુ કંઈ કાયદાની જરૂર તો હોય નહીં. એટલે આગેવાનોને તુરત ખબર પણ પડી ન શકે. ધીમે ધીમે આ નવાઈઓની ખબર પડી. કોમની વતી સત્તાધિકારીઓને લખાણ ગયાં. ડેપ્યુટેશન પણ ગયાં. સત્તાધિકારીઓની દલીલ એ હતી કે ગમે તે માણસ ગમે તે રીતે દાખલ થાય એ અમને ન પોસાય. એટલે બધા હિંદીઓની પાસે એક જ જાતના રહેવાના પરવાના હોવા જોઈએ અને તેમાં એટલી વિગત હોવી જોઈએ કે તેથી એ જ પરવાનાને આધારે તેનો માલિક જ આવી શકે પણ બીજે કોઈ ન આવી શકે. મેં એવી સલાહ આપી કે જોકે કાયદો તો એવો નથી કે જેની રૂએ આપણે એવા પરવાના રાખવાને પણ બંધાયેલા હોવા જોઈએ, છતાં જયાં સુધી સુલેહ જાળવવાનો કાયદો મોજૂદ છે ત્યાં સુધી એ લોકો પરવાના તો માગી જ શકે છે. જેમ હિંદુસ્તાનમાં 'ડિફેન્સ અૉફ ઈન્ડિયા એકટ' – હિંદુસ્તાનના રક્ષણનો કાયદો – હતો તેમ દક્ષિણ આફ્રિકામાં સુલેહ જાળવવાનો કાયદો હતો. જેમ હિંદુસ્તાનમાં હિંદુસ્તાનના રક્ષણનો કાયદો લાંબી મુદત સુધી કેવળ પ્રજાપજવણીને ખાતર જ રાખવામાં આવ્યો હતો તેમ આ સુલેહ જાળવવાનો કાયદો કેવળ હિંદીઓની પજવણીને ખાતર રાખી મૂકવામાં આવ્યો હતો. ગોરાઓની ઉપર સામાન્ય રીતે તેનો અમલ બિલકુલ નહોતો થતો એમ કહીએ તો ચાલે. હવે જે પરવાના લેવા જ જોઈએ તો એ પરવાનામાં ઓળખની તો કંઈક નિશાની હોવી જ જોઈએ. તેથી જેઓ સહી ન આપી શકે તેઓએ તો અંગૂઠાની નિશાની આપવી એ બરાબર છે. પોલીસવાળાઓએ એવું શોધી કાઢયું છે કે કોઈ પણ બે માણસનાં અાંગળાંની રેખા એકસરખી હોતી જ નથી. તેનાં સ્વરૂપ અને સંખ્યાનું તેઓએ વગીકરણ કર્યું છે. અને એ શાસ્ત્રનો જાણનાર માણસ બે અંગૂઠાની છાપની સરખામણી કરીને એકબે મિનિટમાં જ કહી શકે કે એ નોખી નોખી વ્યક્તિના છે કે એક વ્યક્તિના. છબીઓ આપવી એ મને તો જરાયે ગમતું ન હતું અને મુસલમાનોની દૃષ્ટિએ તો એમાં ધાર્મિક હરકત પણ હતી. છેવટે મસલતનું પરિણામ એ આવ્યું કે દરેક હિંદીએ પોતાના જૂના પરવાના આપીને નવા ધોરણ પ્રમાણે પરવાના કઢાવી લેવા અને નવા આવનાર હિંદીને નવા ધોરણના જ પરવાના આપવા. અામ કરવાની હિંદીઓ ઉપર કાયદાની ફરજ મુદ્દલ ન હતી, પણ નવા અંકુશો ન થાય, કોમ દગાથી કોઈને દાખલ કરવાને નથી ઈચ્છતી એમ બતાવી શકાય, અને સુલેહના કાયદાનો અમલ નવા આવનારની પજવણીની ખાતર ન કરવામાં આવે એવી ઉમેદથી મરજિયાત પરવાના કઢાવ્યા. એમ કહી શકાય કે લગભગ બધા હિંદીઓએ આ નવા ધોરણના પરવાના કઢાવી લીધા. આ કંઈ જેવી તેવી વાત ન ગણાય. જે કામ કરવાની કાયદામાં કોમની જરા પણ ફરજ ન હતી તે કામ કોમે એકસંપથી ઘણી જ ત્વરાથી કરી બતાવ્યું એ કોમની સચ્ચાઈ, વ્યવહારકુશળતા, સાદાઈ, સમજણ, અને નમ્રતાની નિશાની હતી. અને એ કામથી કોમે એમ પણ સિદ્ધ કરી આપ્યું કે ટ્રાન્સવાલના કોઈ પણ કાયદાનું કોઈ પણ રીતે ઉલ્લઘન કરવાનો તેનો ઈરાદો જ ન હતો. જે સરકારની સાથે જે કોમ આટલા બધા વિવેકથી વર્તે તે કોમને તે સરકાર સંઘરે, માનીતી ગણે અને બીજા પણ હક આપે એમ હિંદીઓએ માન્યું. ટ્રાન્સવાલની બ્રિટિશ સરકારે આ મહાવિવેકનો બદલો કેવી રીતે આપ્યો એ આપણે આવતા પ્રકરણમાં જોઈશું.