દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ/સત્યાગ્રહ વિ૦ પૅસિવ રિઝિસ્ટન્સ

← સત્યાગ્રહનો જન્મ દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ
સત્યાગ્રહ વિ૦ પૅસિવ રિઝિસ્ટન્સ
મોહનદાસ કરમચંદ ગાંધી
વિલાયતમાં ડેપ્યુટેશન →


૧૩. સત્યાગ્રહ વિ૦ પેસિવ રિઝિસ્ટન્સ

હિલચાલ જેમ જેમ આગળ વધતી ગઈ તેમ તેમ અંગ્રેજો પણ તેમાં રસ લેતા થઈ ગયા, મારે એટલું કહી દેવું જોઈએ કે, જોકે ટ્રાન્સવાલનાં અંગ્રેજી છાપાંઓ ખૂની કાયદાના પક્ષમાં જ ઘણે ભાગે લખતાં અને ગોરાઓના વિરોધને ટેકો આપતાં, તોપણ કોઈ જાણીતા હિંદીઓ એ અખબારોમાં કંઈ લખે તો તે ખુશીથી છાપતાં. સરકાર પાસે હિંદીઓ તરફથી જતી અરજીઓ પણ પૂરી છાપતાં કે છેવટે તેનું તારણ લેતાં હતાં, મોટી સભાઓ ભરાય તેમાં કોઈ કોઈ વેળા પોતાના ખબરપત્રીયો મોકલતા અને તેમ ન થાય તો જે રિપોર્ટ અમે ઘડી મોકલીએ તે ટૂંકો હોય તે છાપી નાખતાં.

આ પ્રકારનો વિવેક કોને ઘણો ઉપયોગી થઈ પડયો અને હિલચાલ વધતાં કેટલાક ગોરાઓને પણ તેમાં રસ આવવા લાગ્યો. અાવા આગેવાન ગોરાઓમા જોહાનિસબર્ગના એક લક્ષાધિપતિ મિ. હૉસ્કિન હતા. એમનામાં રંગદ્વેષ તો પ્રથમથી જ નહોતો. પણ હિલચાલ શરૂ થયા પછી હિંદી સવાલમાં તેમણે વધારે રસ લીધો. જર્મિસ્ટન નામે એક જોહાનિસબર્ગના પરા જેવું શહેર છે. ત્યાંના ગોરાઓએ મને સાંભળવાની ઈચ્છા બતાવી. સભા ભરાઈ. મિ. હૉસ્કિન પ્રમુખ થયા અને મેં ભાષણ કર્યું. તેમાં મિ. હૉસ્કિને હિલચાલની અને મારી ઓળખાણ કરાવતાં જણાવ્યું, "ટ્રાન્સવાલના હિંદીઓએ, ન્યાય મેળવવા સારુ, બીજા ઉપાયો નિષ્ફળ જતાં, પેસિવ રિઝિસ્ટન્સ અખત્યાર કરેલો છે. તેઓને મતનો અધિકાર નથી. તેઓની સંખ્યા ઓછી છે. તેઓ નબળા છે. તેઓની પાસે હથિયાર નથી. તેથી પેસિવ રિઝિસ્ટન્સ, જે નબળાનું હથિયાર છે, એ તેઓએ ગ્રહણ કર્યું છે." આ સાંભળીને હું ચમકયો, અને જે ભાષણ કરવાને હું ગયો હતો તેણે જુદું જ સ્વરૂપ પકડયું અને ત્યાં મિ. હૉસ્કિનની દલીલનો વિરોધ કરતાં મેં પેસિવ રિઝિસ્ટન્સને “સોલ ફોર્સ” એટલે આત્મબળને નામે ઓળખાવ્યું. એ સભામાં હું જોઈ શકયો કે પેસિવ રિઝિસ્ટન્સના શબ્દના ઉપયોગથી ભયંકર ગેરસમજ થવાનો સંભવ છે. એ સભામાં વપરાયેલી દલીલ અને ભેદ સમજાવવાને સારુ જે વિશેષ કહેવાની જરૂર છે તેની મેળવણી કરીને બન્ને વચ્ચે રહેલો વિરોધ સમજાવવાનો હું પ્રયત્ન કરીશ.

“પેસિવ રિઝિસ્ટન્સ' એ બે શબ્દોનો ઉપયોગ પ્રથમ અંગ્રેજી ભાષામાં ક્યારે થયો અને કોણે કર્યો એનો તો મને ખ્યાલ નથી. પણ એ વસ્તુનો ઉપયોગ અંગ્રેજી પ્રજામાં જ્યારે જ્યારે એક નાના સમાજને કોઈ કાયદા પસંદ નથી પડ્યા ત્યારે ત્યારે તે કાયદાની સામે બંડ કરવાને બદલે તેણે કાયદાને શરણ ન થવાનું પેસિવ એટલે હળવું પગલું ભર્યું છે અને તેને પરિણામે સજા થાય તે ભોગવી લેવાનું પસંદ કર્યું છે. થોડાં વરસ પહેલાં અંગ્રેજી ધારાસભાએ જયારે કેળવણીનો કાયદો પસાર કર્યો ત્યારે ડૉક્ટર ક્લિફર્ડની આગેવાની નીચે ઈંગ્લેન્ડના નૉન-કન્ફૉર્મિસ્ટ નામે ઓળખાતા ખ્રિસ્તી પક્ષે પેસિવ રિઝિસ્ટન્સ આદર્યો હતો. ઇંગ્લેન્ડની ઓરતોએ મતાધિકારને સારુ ભારે હિલચાલ કરી તે પણ પેસિવ રિઝિસ્ટન્સને નામે ઓળખાતી હતી. આ બંને હિલચાલ ધ્યાનમાં રાખીને જ મિ. હોસ્કિને જણાવેલું કે પેસિવ રિઝિસ્ટન્સ એ નબળાનું અથવા મતાધિકાર ન હોય તેવાનું શસ્ત્ર છે. ડૉ. ક્લિફર્ડવાળો પક્ષ મતાધિકારીનો હતો. પણ આમની સભામાં તેઓની સંખ્યા ઓછી, તેથી તેમના મતનું વજન કેળવણીનો કાયદો અટકાવી ન શકયું, એટલે કે એ પક્ષ સંખ્યામાં નબળો ઠર્યો. પોતાના પક્ષને સારુ એ પક્ષ હથિયારનો ઉપયોગ ન જ કરે એવું કંઈ નથી. પણ આ કામમાં એવો ઉપયોગ કરે તો એ ફાવે નહીં. તેમ, એકાએક દરેક વખતે બંડ કરીને જ હકો મેળવવાની પદ્ધતિ સુવ્યવસ્થિત રાજતંત્રની અંદર ચાલી ન જ શકે. વળી ડૉકટર ક્લિફર્ડના પક્ષના કેટલાક ખ્રિસ્તીઓ સામાન્ય રીતે હથિયારનો ઉપયોગ થઈ શકતો હોય તોપણ કરવાનો વિરોધ કરે. ઓરતોની હિલચાલમાં મતાધિકાર તો હતો જ નહીં. સંખ્યામાં અને શરીરમાં પણ તેઓ નબળી. એટલે એ દાખલો પણ મિ. હૉસ્કિનની દલીલના ટેકામાં જ હતો. ઓરતોની હિલચાલમાં હથિયારના ઉપયોગનો ત્યાગ હતો જ નહીં. ઓરતોમાં એક પક્ષે મકાનો પણ બાળેલાં અને પુરુષો ઉપર હુમલાઓ પણ કરેલા. કોઈનાં ખૂન કરવાનો ઈરાદો તેઓએ કોઈ દિવસ કર્યો હોય એવું તો મારા ધ્યાનમાં નથી. પણ પ્રસંગ આવ્યે તાડન કરવું અને એમ કરીને પણ કંઈક ને કંઈક પજવણી કરવી એ તો તેમનો હેતુ હતો. હિંદી હિલચાલમાં હથિયારને તો કોઈ જ જગ્યાએ અને કોઈ પણ સ્થિતિમાં સ્થાન હતું જ નહીં. અને જેમ આપણે આગળ વધીશું તેમ વાંચનાર જોશે કે સખત દુ:ખો પડયા છતાં પણ સત્યાગ્રહીઓએ શરીરબળ વાપર્યું નથી. અને તે પણ એવે વખતે કે જ્યારે એ બળ પરિણામપૂર્વક વાપરવા તે શક્તિમાન હતા. વળી હિંદી કોમને મતાધિકાર ન હતો અને તે નબળી હતી તે બન્ને વાત ખરી છતાં હિલચાલની યોજનાને તેની સાથે કંઈ સંબંધ નહોતો. આથી હું એમ સમજાવવા નથી ઈચ્છતો કે હિંદી કોમની પાસે મતાધિકારનું બળ હોત અથવા હથિયારબળ હોત તોપણ એ સત્યાગ્રહ જ કરત. મતાધિકારનું બળ હોય તો સત્યાગ્રહને ઘણે ભાગે અવકાશ ન હોય. હથિયારબળ હોય ત્યારે સામેનો પક્ષ જરૂર ચેતીને ચાલે એટલે હથિયારબળવાળાને સત્યાગ્રહના પ્રસંગ થોડા આવે એ પણ સમજી શકાય એવી વાત છે. મારું કહેવાનું તાત્પર્ય તો એટલું જ છે કે હિંદી હિલચાલની કલ્પનામાં હથિયારબળની શકયતા-અશકયતાનો સવાલ મારા મનમાં પેદા જ નહોતો થયો, એમ હું નિશ્ચયપૂર્વક કહી શકું છું. સત્યાગ્રહ એ કેવળ આત્માનું બળ છે, અને જ્યાં અને જેટલે અંશે હથિયાર એટલે શરીરબળ કે પશુબળનો ઉપયોગ થતો હોય અથવા કલ્પાતો હોય ત્યાં અને તેટલે અંશે આત્મબળનો ઓછો ઉપયોગ હોય છે. મારી માન્યતા પ્રમાણે એ બન્ને કેવળ વિરોધી શક્તિઓ છે. અને આ વિચાર હિલચાલના જન્મ વખતે પણ મારા હૃદયમાં તો પૂરેપૂરા ઊતરી ગયા હતા.

પણ આ સ્થાને એ વિચારો યોગ્ય છે કે અયોગ્ય એનો નિર્ણય આપણે કરવાનો નથી. આપણે તો માત્ર પેસિવ રિઝિસ્ટન્સ અને સત્યાગ્રહ વચ્ચે જે ભેદ છે એ જ સમજી લેવાનો રહ્યો છે. અને આપણે જોયું કે મૂળમાં જ બે શક્તિઓ વચ્ચે ધણો જ મોટો ભેદ છે. તેથી, જો એ સમજ્યા વિના, પોતાને પેસિવ રિઝિસ્ટર અથવા સત્યાગ્રહી મનાવનારા બન્ને એક જ છે એમ અરસપરસ માને તો એ બન્નેને અન્યાય થાય અને તેનાં માઠાં પરિણામ પણ આવે. અમે પોતે જ દક્ષિણ આફ્રિકામાં પેસિવ રિઝિસ્ટન્સ શબ્દનો ઉપયોગ કરતા હતા. તેથી મતાધિકારને સારુ લડનારી ઓરતોની બહાદુરી અને આપભોગનું અમારામાં આરોપણ કરીને અમને યશ આપનારા તો ઘણા થોડા હતા, પણ એ ઓરતોની જેમ અમને પણ જાનમાલને નુકસાન પહોંચાડનારા ગણી કાઢવામાં આવતા હતા. અને મિ. હૉસ્કિન જેવા ઉદાર દિલના નિખાલસ મિત્રે પણ અમને નબળા માની લીધા. માણસ પોતાને જેવો માને છે તેવો છેવટે પોતે બને છે એવું વિચારનું બળ રહ્યું છે. આપણે નબળા છીએ તેથી ન ચાલતાં પેસિવ રિઝિસ્ટન્સનો ઉપયોગ કરીએ છીએ એમ માન્યા જ કરીએ અને બીજાઓને મનાવ્યા કરીએ તો પેસિવ રિઝિસ્ટન્સ કરતાં કરતાં તો આપણે કદી બળિયા થઈ જ ન શકીએ, અને લાગ ફાવે કે તરત એ નબળાનું હથિયાર છોડી દઈએ. એથી ઊલટું, આપણે સત્યાગ્રહી હોઈએ ને આપણને પોતાને સબળ માની એ શક્તિનો ઉપયોગ કરીએ તેમાંથી બે પરિણામ ચોખખાં આવી શકે છે. બળના જ વિચારને પોષતાં આપણે દિવસે દિવસે વધારે બળવાન થઈએ છીએ અને જેમ આપણું બળ વધતું જાય તેમ સત્યાગ્રહનું તેજ વધતું જાય, ને એ શક્તિને છોડી દેવાનો પ્રસંગ તો આપણે શોધતા જ ન હોઈએ. વળી પેસિવ રિઝિસ્ટન્સમાં પ્રેમભાવને અવકાશ નથી ત્યારે સત્યાગ્રહમાં વેરભાવને અવકાશ નથી, એટલું જ નહીં, પણ વેરભાર અધર્મ ગણાય. પેસિવ રિઝિસ્ટન્સમાં, પ્રસંગ મળે તો, હથિયારબળનો ઉપયોગ કરી શકાય; સત્યાગ્રહમાં, હથિયારના ઉપયોગને સારુ ઉત્તમમાં ઉત્તમ સંયોગો પેદા થાય તોપણ, તે કેવળ ત્યાજય છે. પેસિવ રિઝિસ્ટન્સ ઘણી વખતે હથિયારબળની તૈયારી તરીકે ગણવામાં આવે છે. સત્યાગ્રહનો ઉપયોગ એવી રીતે કરાય જ નહીં. પેસિવ રિઝિસ્ટન્સ હથિયારબળની સાથે ચાલી શકે. સત્યાગ્રહ તો હથિયારબળનું કેવળ વિરોધી હોઈ બેને મેળ મળે જ નહીં, એટલે એકસાથે નભી જ ન શકે. સત્યાગ્રહનો ઉપયોગ પોતાનાં વહાલાંઓની સાથે પણ થઈ શકે છે અને થાય છે. પેસિવ રિઝિસ્ટન્સનો ઉપયોગ ખરી રીતે વહાલાંઓની સાથે થાય જ નહીં – એટલે કે વહાલાંઓને વેરી ગણીએ ત્યારે જ પેસિવ રિઝિસ્ટન્સનો ઉપયોગ કરાય. પૈસિવ રિઝિસ્ટન્સમાં વિરુદ્ધ પક્ષને દુઃખ દેવાની, પજવવાની કલ્પના હમેશાં મોજૂદ હોય છે, અને દુઃખ દેતાં પોતાને સહન કરવું પડે તે દુ:ખ સહન કરવાની તૈયારી હોય છે, ત્યારે સત્યાગ્રહમાં વિરોધીને દુ:ખ દેવાનો ખ્યાલ સરખો પણ ન હોવો જોઈએ. તેમાં તો દુઃખ વહોરીને – વેઠીને – વિરોધીને વશ કરવાનો ખ્યાલ જ હોવા જોઈએ.

આમ આ બે શક્તિઓ વચ્ચેના મુખ્ય ભેદ હું ગણાવી ગયો. પેસિવ રિઝિસ્ટન્સના જે ગુણો, – અથવા તો દોષો કહો – હું ગણાવી ગયો, તે બધા દરેક પેસિવ રિઝિસ્ટન્સમાં અનુભવવામાં આવે છે એમ કહેવાની મારી મતલબ નથી. પણ પેસિવ રિઝિસ્ટન્સના ઘણા દાખલામાં એ દોષો જોવામાં આવ્યા છે એમ બતાવી શકાય એવું છે. એ પણ મારે વાંચનારને જણાવવું જોઈએ કે ઈશુ ખ્રિસ્તને ઘણા ખ્રિસ્તીઓ પેસિવ રિઝિસ્ટન્સનો આદિ નેતા તરીકે ઓળખાવે છે. પણ ત્યાં તો પેસિવ રિઝિસ્ટન્સનો અર્થ કેવળ સત્યાગ્રહ જ ગણાવો જોઈએ. એ અર્થમાં ઐતિહાસિક પેસિવ રિઝિસ્ટન્સના દાખલા ઘણા જોવામાં નહીં આવે. રશિયાના દુખોબોરનો દાખલો ટૉલ્સ્ટૉયે ટાંકેલો છે. એ એવા જ પેસિવ રિઝિસ્ટન્સનો એટલે સત્યાગ્રહનો છે. ઈશુ ખ્રિસ્તની પછી જે જુલમની બરદાસ હજારો ખ્રિસ્તીઓએ કરી તે વખતે પેસિવ રિઝિસ્ટન્સ શબ્દનો ઉપયોગ થતો જ ન હતો. એટલે તેઓના જેટલા નિર્મળ દાખલા મળી આવે છે તેમને તો સત્યાગ્રહ તરીકે જ ઓળખાવું. અને જો એમને આપણે પેસિવ રિઝિસ્ટન્સના નમૂના તરીકે ગણીએ તો તો પેસિવ રિઝિસ્ટન્સ અને સત્યાગ્રહની વચ્ચે કંઈ ભેદ ન રહ્યો. અા પ્રકરણનો હેતુ તો અંગ્રેજી ભાષામાં સામાન્ય રીતે પેસિવ રિઝિસ્ટન્સ શબ્દ જે રીતે વપરાય છે તેનાથી સત્યાગ્રહની કલ્પના તદ્દન જુદી છે એ બતાવવાનો છે.

જેમ પેસિવ રિઝિસ્ટન્સનાં લક્ષણો ગણાવવા જતાં એ શક્તિનો ઉપયોગ કરનારને કોઈ પણ રીતે અન્યાય ન થાય તેટલા સારુ મારે ઉપરની સાવચેતી આપવી પડી છે, તેમ સત્યાગ્રહના ગુણો ગણાવતાં જેઓ પોતાને સત્યાગ્રહી નામે ઓળખાવે છે તેઓના તરફથી એ બધા ગુણોનો દાવો હું નથી કરતો એ સૂચવવાની પણ જરૂર છે. મારી જાણ બહાર નથી કે ઘણા સત્યાગ્રહીઓ સત્યાગ્રહના જે ગુણો હું નોંધી ગયો છું તેથી કેવળ અજાણ્યા છે. ઘણા એમ માને છે કે સત્યાગ્રહ એ નબળાનું હથિયાર છે. ઘણાને મોઢેથી મેં સાંભળ્યું છે કે સત્યાગ્રહ એ હથિયારબળની તૈયારી છે. પણ મારે ફરીથી કહેવું જોઈએ કે મેં સત્યાગ્રહી કેવા ગુણોવાળા જેવામાં આવ્યા છે એ નથી બતાવ્યું, પણ સત્યાગ્રહની કલ્પનામાં શું ભરેલું છે અને તે પ્રમાણે સત્યાગ્રહી કેવા હોવા જોઈએ એ બતાવવાનો પ્રયત્ન કર્યો છે. ટૂંકામાં, જે શક્તિનો ઉપયોગ ટ્રાન્સવાલના હિંદીઓએ શરૂ કર્યો તે શક્તિની સ્પષ્ટ સમજને સારુ, અને તે શક્તિ પૈસિવ રિઝિસ્ટન્સને નામે ઓળખાતી શક્તિની સાથે ભેળવી ન દેવામાં આવે તેથી, એ શક્તિનો અર્થસૂચક શબ્દ શોધવો પડયો, અને તેમાં તે વખતે કઈ કઈ વસ્તુઓનો સમાવેશ માનવામાં આવ્યો હતો એ બતાવવા પૂરતો આ પ્રકરણનો હેતુ છે.