દરિયાપારના બહારવટિયા/2. મેરિયો શિકારી

←  1. કુમારી કારમન દરિયાપારના બહારવટિયા
મેરિયો શિકારી
ઝવેરચંદ મેઘાણી
3. રોમાનેતી →




2

મેરિયો શિકારી

હાડની ટેકરી પરથી પાવો અને ઢોલ વગડ્યા. એ ઢોલ અને એ પાવો પોતાની મઢીએ ઊભો ઊભો મેરિયો પિયાનેતી બજાવતો હતો. ગામલોકો સમજી ગયા કે આજ મેરિયો આપણને ગોઠ ખાવા બોલાવે છે. લૅરખડા અને ગુલાબી જિગરના એ જુવાન શિકારીની ઉજાણી જમવા જુવાન, વૃદ્ધ તેમ જ પરણેલીઓ અને કુમારિકાઓ દોટમદોટ નાચતાં-કૂદતાં ટેકરીએ પહોંચી જતાં. શેકીબાફીને મસાલેદાર બનાવેલો શિકાર પોતાના ભાંગલા મેજ ઉપર પાથરીને મેરિયો સહુની વાટ જોતો ઊભો રહેતો, એકલા-એકલાં ઉજાણી જમવી એને ભાવતી જ નહિ.

વીસ જ વર્ષનો એ ફાંકડો જુવાન હતો. ઇટલી અને સ્વિત્ઝર્ર્લૅન્ડ નામના બે દેશોને સીમાડે પડેલા આલ્સ પર્વતની અભેદ્ય કરાડો ઉપર ખંભે બે-જોટાળી બંદૂક નાખીને કોઈ કાળિયારની માફક મેરિયો હડીઓ કાઢતો, અને એની ગરુડ જેવી તીણી આંખો ભૂખરા રંગનાં પહાડી સાબરોને ઢૂંઢતી. ભલભલા શિકારીઓ આખો દિવસ ભટકતા તોપણ આ પવનવેગી જાનવરો ઝપટમાં આવતાં નહોતાં, પણ મેરિયોની દોટ અને નિશાનબાજી કોઈ અજબ ભાતની હતી. ખરી વાત છે કે ડુંગરમાળ ઉપર દોડતાં સાબરડાંની લગોલગ પહોંચીને ઝપટભેર ભડાકો કર્યા વિના જાનવર પડે તેમ નહોતું, ને એક વારનો ગોળીબાર ખાલી ગયા પછી તો શિકારીને હાથ ધોઈ નાખવા પડતા, કેમ કે પહાડના ઊંચાણમાં પશુની અને પોતાની વચ્ચેનું અંતર માપવામાં નજર સહેજે છેતરાઈ જતી અને પછી તો એક ભડાકાના સોગણા પડછંદા ખીણેખીણને તેમ જ ટૂકેટૂકને એટલા તો ગુંજાવી મેલતા કે આસપાસ વીસવીસ ગાઉની સીમમાંથી તમામ પશુઓ પોબારા ગણી જતાં.

છતાં મેરિયોનો ભડાકો તો સદાનો અફર. એની ગલોલી તો બંદૂકની નાળીમાંથી છૂટી કે એકાદને ચોંટી જ સમજવી. બિલ્લીપગાં પેતરાં ભરીને દોટ કાઢતો એ છેક પશુની લગોલગ જઈને નિશાન લેતો, અને સાંજ પડે ત્યારે એકદા જાનવરને કાંધ પર નાખીને જ નીચે ઊતરતો. પણ પોતાનો શિકાર એ કદાપિ વેચતો નહિ. પૈસાની એને લાલસા નહોતી. ગરીબ ગામડિયાં ભાંડુઓને તેડાવી મહેફિલ ઉડાવવામાં જ એને મૉજ હતી. અનંત લાંબી ઝાડીઓ અને ડુંગરાઓમાં દિવસ - રાત એકલવાયા ઘુમાઘૂમ કરીને એ નાણાં નહોતો રળી શક્યો, પણ લઠ્ઠ, પેશીદાર હાથપગની ગુલાબી તંદુરસ્તીરૂપી અમૂલખ કમાણી એણે કામી હતી. આ એકલવાયા રઝળપાટની અંદર પહાડની અબોલ ગાંડી કુદરતે આ જુવાનની પ્રકૃતિમાં એક રમ્ય અને ઘોર તત્ત્વજ્ઞાન પણ વણી દીધું હતું.

મેરિયોના જીવનમાં પહેલો પલટો એના બાપુના અવસાન ટાણે આવ્યો, ઘરબાર અને માલમિલકત પોતાના નાનેરા ભાઈને ભળાવીને મેરિયો જીનોવા નગર ચાલ્યો ગયો અને ત્યાંથી, પોતાના અનેક દેશભાઈઓની માફક એ પણ તકદીર અજમાવવા સારુ અમેરિકાનો દેશાવર ખેડવા ઊતરી પડ્યો. કેટલાંક વર્ષો સુધી એણે સખત મહેનતમજૂરી કરીને તેમ જ પેટે પાટા બાંધીને આખરે થોડીક મૂડી બચાવી, ને પછી પરાધીનતા છોડીને સ્વતંત્ર રોજગાર માંડવાની મનની મુરાદ બર આણી. ઍન્ટોની ફેરારી નામના એક મિલાનવાસીની સાથે ભાગમાં એણે પોતાના રસાળ વતનમાંથી આસવોની અને મેવાની આયાતનો ધંધો ઉપાડ્યો.

આલ્પ્સ પહાડનો લૅરખડો શિકારી માથું ઊંધું ઘાલીને, એક ઘડી જ જંપ્યા વગર તવંગર થવા સારુ તનતોડ ધંધો ચલાવી રહ્યો હતો એનું એક ઑર મીઠું કારણ હતું : મેરિયોની આંખ પોતાના ભાગીદાર ભાઈ ફેરારીની જુવાન દીકરી બેટીનાના ઉ૫ર નિશાનબાજી તાકી રહેલી છે. બેટીનાના ગૂંચળાંદાર કાળા કેશે અને સ્વપ્નભરી, ઘેનઘેરી બે મોટીમોટી આંખોએ મેરિયાના મોજશોખ અને એશઆરામને ઉરાડી મૂક્યો છે. બેટીના એના બાપને બહુ વહાલી છે. કેમ કે એનો જન્મ થતાં થતાં જ માતાનું મૃત્યુ નીપજેલું અને બાપે બીજું ઘર કરવાને બદલે બેટીને જ લાડકોડથી ઉછેરી આવડી મોટી કરેલી. એવી દીકરીને બાપ કોઈ રઝળતી દશામાં ફેંકવા નહોતો માંગતો. મેરિયો એટલા સારુ થઈને દોટમદોટ પોતાનો ગૃહ-માળો બાંધી રહ્યો હતો.

પણ આ જુવાન ઇટાલિયનની દિન-દિન ચડતી કળા ઉપર ઈર્ષાના, ખૂની, લૂંટારુ દાનતના કાળા ઓળા પડી રહ્યા હતા. અમેરિકામાં ‘મેનો નીરા’ (કાળો પંજો) નામની એક છૂપી ઇટાલિયન ખૂની મંડળી પથરાઈ ગઈ હતી. એનો કાળો પંજો પૈસા માટે જાસાચિઠ્ઠીઓ લખતો, હત્યાની ધમકીઓ મોકલતો.

એક દિવસ સવારે વૃદ્ધ ફેરારી મેરિયોની ઑફિસમાં દોડતો આવ્યો, ખુરશી પર ઢગલો થઈ પડ્યો. એના મોં પરથી લોહી ઊડી ગયું હતું. એના હાથમાં એક ગંદા કાગળનો કટકો હતો.

“શું છે ?” મેરિયોએ પૂછ્યું.

“મેનો નીરા ! બંધુ મેનો નીરા !” એમ બોલતાં, એણે કાગળિયો મેરિયોના હાથમાં મૂક્યો : “એ કાળા પંજાએ મને આ ત્રીજી વાર જાસો મોકલ્યો છે, આમ જો ! ઓ મૈયા મેડોના ! હું હવે શું કરું ?”

મેરિયોએ ઘૃણાપૂર્વક એ કાગળિયો ઉઘાડ્યો અને એમાંનું લખાણ વાંચ્યું – કેટલું ટૂંકું અને ભયાનક ! : ‘પાંચ હજાર ડૉલર રોકડા, શ્રીમાન ફેરારી, આવતી કાલે દસ વાગ્યે : ડેનીની દુકાન પર : નોટોનું પડીકું તારા ડાબા હાથમાં ઢીલું ઢીલું ઝાલી રાખજે અને એને ખેંચી જનાર આદમી સામે નજર સરખી પણ કરતો નહિ. નહિતર મૉત.’

આની નીચે એક પંજો અને એક છૂરી કોઈ અણધડ રીતે ચીતરાયેલાં હતાં.

મેરિયોએ પોતાના ભાગીદારની સામે નજર ચોડી.

“તેં મને અગાઉ કાં આ નહોતું કહ્યું ? આમ કેટલુંક થયાં એ લોકો તારી પાછળ પડ્યા છે ?”

ફેરારી શરીર નાખી દઈને બેઠો. પસીને રેબઝેબ હાથરૂમાલ વતી લૂછ્યા.

“પહેલો જાસો એક મહિના પર આવેલો, તેમાં પાંચ હજાર ડોલર ટપાલથી મોકલવાનું લખેલું. નહિ તો બેટીનાનો જાન લેવાની ધમકી દીધેલી, એટલે મેં મોકલ્યા, “હેરારીનો શ્વાસ બોલતાં બોલતાં ગૂંગળાયો.

“હેં –” ઘોઘરે અવાજે હુંકાર કરતો મેરિયો ઊભો થઇ ગયો, એનો ચહેરો લાલચોળ બની ગયો, ક્ષણ વાર તો એનાથી કશું બોલાયું નહિ, પછી ફેરારીના ખભા હલબલાવીને એણે ત્રાડ નાખી. “શું - તેં મોકલ્યા ? ઓ રે બેવકૂફ ! – હું એ કુત્તાઓને બરાબર પાઠ ભણાવીશ ! બેટીનાનો જાન લેવાની ધમકી ? આહ, પહાડનાં સાબરડાંની પેઠે એ એકોએકને હું ઠાર મારીશ. આહ ! બેટીનાનો જાન !”

થોડી વારે ઠંડા પડીને એણે ટેલિફોન પકડ્યો; છૂપી પોલીસના ખાસ ડિટેક્ટિવ સાથે વાત કરી.

અમેરિકામાં વસતા ધનવાન ઇટાલિયનોને સતાવીને નાણાં પડાવી રહેલી એ અધમ છૂપી મંડળીનું મુખ્ય ધામ નેપલ્સમાં હતું. પણ એનો પત્તો પોલીસખાતું મેળવી શક્યું નહોતું. એ મંડળીની શાખાઓ દુનિયાભરમાં પથરાયેલી હતી અને પારીસમાં પણ અનેક જાસાઓ તેમ જ ખૂનો તેમનાં જ કરતૂકો હોવાનું મનાયેલું. અનેક ઇટાલિયનો આ કાળા પંજાના છૂપા ત્રાસથી ત્રાહિ પોકારીને પોતાના વેપાર-રોજગાર સંકેલી વતન તરફ ચાલી નીકળેલા, પણ વહાણમાં ચડતાં પહેલાં જ તેઓની હત્યા થયેલી. કમભાગ્યે પોલીસના હાથ હેઠા પડ્યા હતા, કેમ કે આ નનામા જાસા તથા હત્યાઓથી પ્રજામાં એટલી ધાક બેસી ગયેલી કે કોઈ પણ આદમી છૂપી પોલીસ સાથે સહકાર કરવા છાતી કાઢતો નહોતો.

એક દિવસ પોલીસ અને મેરિયો વચ્ચે એવું ઠર્યું કે જાસાચિઠ્ઠીમાં જણાવ્યા મુજબ ભાઈ ફેરારીએ એ દુકાન પર બનાવટી પરબીડિયું લઈને મુકરર સમયે ઊભા રહેવું, ને પોલીસે સાદા પોશાકમાં થોડે દૂર હાજર રહેવું. પરિણામે પેલો પરબીડિયું ખેંચવા આવનાર આદમી પકડાયો ખરો, પણ તપાસ કરતાં એ તો કોઈ રઝળુ ખીસાકાતરુ નીકળ્યો અને એને પૂછતાં એણે જણાવ્યું કે મને તો એક કોઈ અજાણ્યા આદમીએ પૈસા આપવાનું કહી આ કામ કરવા રોકેલો છે. મને કહેવામાં આવ્યું છે કે તારે આ કામ પતાવીને ચાલી નીકળવું. પછી રસ્તામાં ચાહે ત્યાં એ લૂંટનો માલ કબજે કરીને અમે તને તારું મહેનતાણું ચૂકવી આપશું.

આમ આ આદમીના પકડાઈ ગયા પછી મૂળ ટોળીને હાથ કરવી અશક્ય હતું.

ફેરારીની સાથે તે દિવસથી છૂપા પહેરેગીરો મૂકવામાં આવ્યા. એના પેટમાં ઊંડી ફાળ પેસી ગઈ હતી. પરંતુ મેરિયોએ તો નિર્ભય દિલે આ છૂપી મંડળીની શોધમાં પોલીસની સંગાથે ઝુકાવી દીધું. એક અઠવાડિયામાં એણે કેટલાકને પકડાવી આપ્યા. દરમિયાન એક પ્રભાતે મેરિયો પોલીસની ઓફિસમાં કોઈ ત્રાસ પામેલા પશુની માફક દોડ્યો આવ્યો; અને ખબર દીધા કે છાતીમાં છૂરીના જખમો કરી કોઈએ મારી નાખેલો ફેરારી એના ઘરમાં પડ્યો છે અને એને ત્યાં દસ વર્ષથી નોકરી કરનાર નોકરનો પત્તો નથી. મારા પર પણ જાસાચિઠ્ઠી મોકલી છે. લખ્યું છે કે, “હવે વધારે દખલગીરી કરતો નહિ. નીકર તારા પ્રાણ કરતાં પણ જે તને પ્રિય છે તેને તું હારી બેસીશ.” નીચે પેલું, પંજાનું અને છૂરીનું ખૂની ચિત્ર હતું.

મેરિયો નિર્ભય હતો. રોષે ભભૂકી રહ્યો હતો.

પોલીસ અમલદારે પૂછ્યું : “આનો શો અર્થ ?”

“સાહેબ. એનો અર્થ એ કે આ લોકો મારી પ્યારી બેટીનાને - ફેરારીની પુત્રીને - ઉઠાવવા માગે છે. ઓહ, કુત્તાઓ ! એ લોકો જાણે છે કે આ તો મારા કલેજાના મર્મ પરનો કારી ઘા છે. મને ખરેખર એની જ બીક છે, બેટીનાને હું અહીં એના પિતાના મોતની હકીકત કહેવા લઈ આવ્યો છું. આપ એની જુબાની લઈ લ્યો એટલે પહેલું જ કામ હું એની સાથે પરણવાનું ઉકેલવાનો છું. જેથી હું એની રક્ષા કરી શકું. કેમ કે હવે એ એકલી થઈ પડી છે. મૈયા મેડોનાના નામે એણે મને કસમ લેવરાવેલા છે કે એના પિતાનું વેર મારે જ વાળવું, ને – કસમ છે દેવી ! હું વૈર વસૂલ કર્યે જ રહીશ.”

વીસ વર્ષની કુમારિકા બેટીના ત્યાં પોલીસ-ઑફિસમાં ડૂસકાં ખાતી બેઠી હતી. થરથરતી હતી. પોતાના પિયુનો અવાજ સાંભળતાં જ એણે ઊંચું જોયું અને મમતા તથા અહેસાન-ઝરતી મીટ એણે મેરિયોના મોં તરફ માંડી.

“હાં હાં, ચોક્કસ સમજજે, પ્યાર !” મેરિયોએ એને કહ્યું, “હું આ કામના કરવાવાળા નેપલ્સવાસીઓને પાતાળમાંથી પણ પકડી પાડીશ.”

ઈન્સ્પેક્ટર ખભા ઉલાળતા સાથી અમલદાર તરફ ફર્યા ને ધીરે અવાજે એણે કહ્યું : “બિચારો આ બહાદુરિયો પણ એ જ માર્ગે ચાલી નીકળશે : હું માનતો હતો કે ઈટાલિયનોમાં કલ્પનાશક્તિ અતિ ઉગ્ર હોવાથી હિંમત કરતી હોય છે, પણ આ જુવાન તો ડર શું છે તે જ જાણતો નથી. નિશાનબાજીમાં એક્કો છે. વરસોવરસ પહાડોમાં શિકારે જાય છે. જો એક પલક પણ એના મિત્રના ખૂનીઓ એની બંદૂકની નળી સામે દેખાશે તો તો બચ્ચાઓને ખબર જ નહિ રહે કે શું બની ગયું.”

વળતે જ દિવસે એ બન્નેનાં લગ્ન થયાં. પોલીસ-અમલદારો લગ્નમાં હાજર હતા. દેવાલયથી પાછા વળતાં એ વરવહુની મોટરગાડી પોલીસની ગાડીથી થોડે દૂર આગળ હતી. એકાએક તેમણે જોયું કે બે મોટર-ખટારા એ વરવહુની મોટરની બન્ને બાજુએ ચડીને પૈડાંમાં ભરાઈ ઊભા રહી ગયા. ડ્રાઇવરો નાસી ગયા. હોકારા-પડકારા અને બોકાસાં બોલ્યાં. પોલીસવાળા ત્યાં પહોંચીને જુએ તો દૂર દૂર એક નાની મોટરને દોડી જતી દીઠી. અંદરથી બેટીનાનો શ્વેત બુરખો ફરફરતો જતો હતો. ટોપી વિનાનો ને લોહીલોહાણ મેરિયો સડક પર ઊભો હતો. એના કપાળમાં ઊંડો ચીરો પડ્યો હતો. દોટ કાઢીને એ પોલીસ-ગાડીના શોફરની બાજુની બેઠકમાં ચડી બેઠો અને ચીસ પાડી કે, “ઓ ભાઈ, જલદી ચલાવ, પેલી ગાડીને પકડી પાડ. એ લોકો મારી ઓરતને ઉઠાવી જાય છે.”

શું બની ગયું હતું ! એક જ પલકનો મામલો : ઓચિંતાની એની ગાડી સાથે બે ખટારાની અથડાઅથડી થાય છે. એ અર્ધો બેહોશ બનીને મોખરે ફેંકાઈ જાય છે : ખટારામાંથી ટોળું કૂદી પડે છે : બેટીનાને ઉઠાવી, પાસે ઊભેલી નાની મોટરમાં નાખી, એનો પતિ હથિયાર કાઢે તે પહેલાં તો પલાયન કરી જાય છે.

અમલદારોને ખાતરી હતી કે હવે એ શરતદોડની ગાડી હાથ આવે જ નહિ. તેમણે ચોમેર રસ્તા રૂંધવા માટે ટેલિફોનો છોડ્યા. પણ મરણિયો મેરિયો બેસી ન શક્યો. પોતાને ઘેરથી પોતાની જ મોટરગાડી મગાવીને થોડી મિનિટોમાં તો અંદર ચડી બેસતો, હાથમાં ‘ચક્ર’ પકડતો અને વાજોવાજ ધૂળની ડમરીમાં અદૃશ્ય થતો એને જોઈ રહ્યા.

મોડી રાત્રિએ મેરિયોના શોફર તરફથી પોલીસને સંદેશો મળ્યો : “મારા માલિકે બ્રિજપોર્ટ રોડના રસ્તા પરના એક અટૂલા વાડી-બંગલા સુધી ડાકુઓની ગાડીનો સગડ લીધો છે.”

“શાબાશ ! શિકારીની પગેરૂ લેવાની શક્તિએ એને આમાં ખરું કામ આપ્યું છે.” અમલદારોએ એ વાડી-બંગલા પર પહોંચીને અંદર દાખલ થતાં જ દીઠું કે પાંચેય બદમાશો હજુ સુધી શરણાગતિની નિશાની તરીકે માથા ઉપર હાથ રાખીને એક ખૂણામાં લપાઈ થરથર કાંપતા બેઠા છે. એમાંના એકનો હાથ ગોળીથી ચૂંથાઈ ગયો છે ને એ ભોંય પર ઢળી પડ્યો છે. સામે બેઠેલો છે એકાકી મર્દ મેરિયો ડાકુઓની સામે બંદૂક તાકીને શાંતિથી બેઠો છે. બેઠા બેઠા પોતાની પરણેતરને આશ્વાસન આપી રહેલો છે. વાડી વચ્ચે અટૂલા ઊભેલા એ અંધારિયા મકાનમાં, પાંચ શત્રુઓને શરણાગતિના હાથ ઊંચા કરાવી એક જ બંદૂક સાથે બેઠેલો મેરિયો કાળદૂત દેખાતો હતો. પાંચેયને એણે ઠાર નહોતા કર્યા કારણ કે પ્યારીની નજર સામે હત્યાકાંડનું ભીષણ દૃશ્ય ખડું કરવું એ પ્રેમની પવિત્ર સૃષ્ટિમાં મંજૂર નહોતું.

[2]

“મેરિયો પિયાનેતી !” અમેરિકાની પોલીસે એને સલાહ આપી : “તું હવે અહીં સલામત નથી. તું તારે દેશ ચાલ્યો જા.”

ઘણી જિકરને અંતે એ વતનમાં જવા કબૂલ થયો. પત્નીને લઈને એ એક પછી એક શહેરમાં રઝળ્યો, નામ-ઠામ બદલાવતો ગયો, પોતાની હિલચાલના તમામ સગડ ભૂંસતો ગયો, છતાં એણે જોયું કે ‘કાળો પંજો’ એનો પીછો છોડતો જ નથી. દિવસ-રાતના આવા ફફડાટથી થાકીને એક દિવસ ઓચિંતો એ અદૃશ્ય બની ગયો અને છૂપી છુપી અનેક ભુલભુલામણી રમીને આલ્પ્સ પહાડની અંદરના પોતાના ગામડામાં પત્નીની સાથે પહોંચી ગયો. એને લાગ્યું કે અહીં હવે આપણને કોઈ નહિ સતાવે.

“બેટીના !” એણે આટલે વર્ષે પોતાનું ગામડું તપાસીને પત્નીને કહ્યું : “આપણું ગામ તો રાન રાન ને પાન પાન થઈ ગયું છે. ગામભાઈઓની આ દશા દેખીને મારું અંતર બળે છે. આપણે મૈયા મેડોનાની કૃપાથી થોડું રળી લાવ્યા છીએ, તેમાંથી કંઈક ગામની સુધારણા માટે ખરચશું ? તારો શો મત છે ?”

“જરૂર, જરૂર. આપણે રહીએ એ ગામને કંઈ આવું ભૂખલ્યું રહેવા દેવાય ?” માયાળુ દિલની બેટીના ખોળામાં એક ફૂલ જેવી દીકરીને ધવરાવતી બોલી.

‘મેરિયો આવ્યો. આપણા લૅરખડો મેરિયો દેશાવરથી માયા રળીને આવ્યો, રૂપરૂપની અવતાર અમેરિકણ પરણી લાવ્યો’ : એવી વાત ગામડામાં ઘેરઘેર પ્રસરી ગઈ. ગરીબ ગામડિયાં રાજી થયાં. ડુંગરામાં ઘેટાં ચરાવીને મુશ્કેલીથી ગુજારો કરનારા લોકો આશા સેવવા લાગ્યાં કે મેરિયોના વસવાટથી ગામમાં દિવેલ પુરાશે, ગામનાં નૂરતેજ વધશે.

લીલુડા પહાડોની સાંકડી ગાળીમાં સૂતેલું આ ગામ, અને ગામલોકોની મમતાભરી ગોદમાં પોતાનું નાનું આ રહેઠાણ : પહાડોમાંથી ગળાઈ ગળાઈને લવંડર, લીંબુ, યુકેલિપ્ટસ ઈત્યાદિ સુગંધી ઝાડવાંની સોડમોને લઈ આવતા મહેક-મહેક વાયરાની સામે બાથ પહોળી કરીને મેરિયો ઊભો રહેતો. એનું મગજ તર બની જતું. જિંદગીમાં બસ તાજી તાજી ખુશબો જ છવાઈ ગઈ. આ મારું જીવનસ્થાન : આ મારી અમરાપુરી : અહીં મને કોઈ નહિ સંતાપે. અદાવતના, કિન્નાખોરીના, ઈર્ષ્યાના ઝેરી વાયરા અહીં સુધી નહિ જ પહોંચી શકે.

“પહાડોમાં હવે સાબરડાં રહ્યાં છે કે, ભાઈ ?” પહેલો જ સવાલ મેરિયોએ પોતાના જૂના ભાઈબંધોને પૂછ્યો.

“હોવે, હોવે ભાયા !” ડુંગરાઉ ગોવાળિયાઓએ જવાબ દીધો, “તું વગર તો ઊલટાનાં ધણધણ ઊભરાઈ પડ્યાં છે.”

“વાહવાહ દોસ્ત, મોજ જામવાની ત્યારે તો.” એમ કહેતો ખુશખુસાલ મેરિયો આટલે વર્ષે ફરી પાછો જેવો હતો તેવો જ મોજીલો શિકારી બની ગયો.

બંદૂકડી ઉઠાવીને પાછો પહાડોને ખૂંદવા લાગ્યો.

પણ ગામને સુધારવાનો નાદ એની રગેરગમાં લાગ્યો હતો. પહેલાં પ્રથમ તો ગામમાં પાણીની તંગી માલુમ પડી એટલે મેરિયોએ પોતાને જ ખર્ચે એક મોટી ટાંકી બંધાવી, એક કુંડ ગળાવ્યો ને એક જાહેર કુવારો કરાવ્યો. આનો લાભ લેવા આવનારાઓની કનેથી એણે ફક્ત નજીવી ફી ઠરાવી,

પછી એણે એક મકાન ખરીદ્યું. એને સમરાવ્યું, એમાં સરાઈ ઉઘાડીને વચ્ચેનો વિશાળ ઓરડો રાસરાસડા અને નાચ-ગરબા સારુ ફાજલ પાડી આપ્યો. સાંજે સાંજરે ત્યાં મિજલસો ભરાય, ગામડિયાં જોડલાં આવીને છુટથી ગાય-નાચે એવી એક યોજના ઘડી. ગામના કેટલાક મોટેરાઓ સતાર, તંબૂરા, સારંગી અને રાવણહથ્થા લઈ બજાવવા પણ આવતા થયા. ગામભાઈઓને મોટી મુશ્કેલી નિમક અને તમાકુની હતી. ઈટલીની સરકારમાં એ બેઉં ચીજોના ઇજારા હતા. તેથી સાત-આઠ ગાઉ ઉપરના એક કસબાતી ગામમાં નિમક-તમાકુ સારુ લોકોને જવું પડતું. મેરિયોએ સરકારમાંથી પરવાનો મેળવીને પોતે જ ત્યાં દુકાન નાખી દીધી.

થોડા દિવસમાં તો ગામડાની આખી સૂરત બદલાઈ ગઈ. શિયાળાની લાંબી રાતો રાસ-ગાનો વડે રેલી ઊઠી. પાણીનો ફુવારો અહોરાત્‌ ગુંજવા લાગ્યો. અને નિમક-તમાકુ માટે ગામ લોકોને આઠ આઠ ગાઉના આંટા મટી ગયા. પરંતુ આ સુખસ્વપ્નમાં મહાલતા નિર્દોષ મેરિયોને ક્યાં ખબર હતી કે એણે એક ભોરિંગને છંછેડ્યો હતો !

એ ભોરિંગ બીજો કોઈ નહિ પણ ગામનો કાળી કફનીવાળો સાંઈ ફેબ્રિસ હતો. આજ સુધી ગામ ઉપર એ ધર્મગુરુની જ આણ ફરતી. બે પ્રેમીઓનું જોડું પોતાનું વેવિશાળ પણ એની રજા વિના નહોતું કરી શકતું. એની મુન્સફી એ જ કાયદો. એનો ખોફ વહોરનાર પાયમાલ થઈ જાય. એની ભ્રૂકુટિ સામે લોકો થરથરતા, એના શાપથી ધનોતપનોત નીકળી જાય એવું આ વહેમીલાં ગામડિયાંનું માનવું હતું. મરી જનાર માણસ જો પોતાની જમીનનો ટુકડો ‘જગ્યા’ને સુપરદ ન કરી જતો તો આ સાંઈ એના વારસ પાસેથી જોરાવરીએ મેળવતો.

આજ એ ધર્મગુરએ પોતાની હાકેમી તૂટી પડેલી દીઠી. પોતાને પટકનાર મેરિયો એની આંખોમાં દિવસ-રાત ખટકવા લાગ્યો. વળી બળતામાં ઘી હોમાયું. મેરિયોને માલૂમ પડ્યું કે નાના ભાઈએ એના ભાગની જમીનમાંથી એક ખેતર ‘જગ્યા’ ને ખેરાત કરી દીધેલું છે. મેરિયો પહોંચ્યો સરકારી કચેરીમાં. એણે કહ્યું કે ‘મારી મંજૂરી વગર ધર્માદામાં જમીન આપી દેવાનો મારા ભાઈને હક્ક જ નથી’. પણ ગામના મ્યુનિસિપલ સેક્રેટરીએ એને કોઠું જ ન આપ્યું. સાંઈબાપુની સામે ઊઠનારો મેરિયો સેકેટરીની કચેરીએથી અપમાન પામીન પાછો વળ્યો. સાંઈ સાથે પણ એને ટપાટપી બોલી ગઈ.

બીજે દિવસે ગામ સમસ્ત જોઈ રહ્યું : સાંઈએ પચાવી પાડેલા એ તકરારી ખેતરની અંદર જ મેરિયોનાં અને એના નાના ભાઈનાં ઘેટાં ચરી રહેલાં છે અને એની ચોકી કરતો મેરિયો ખભે બંદૂક નાખીને ઊભો છે. એની કરડી આંખોની સામે ઊભવા કોઈ ન ડોકાયું.

થોડા દિવસ તો વાત ત્યાં અટકી ગઈ. પણ મેરિયોના સંસાર ઉપર ધિક્કાર, અદાવત અને ધાકની કાળી વાદળીઓ ઘેરાવા માંડી. એક પછી એક ગામલોક એની સરાઈએ આવતું બંધ થયું. પનિયારીના ઘેરા ઊમટતા તેને બદલે ફુવારાની ટાંકી પર કાળા કાગડા જ કળેળવા લાગ્યા. અહોરાત કલકલ નાદ કરતું એ જળઝરણું હવે તો ફોગટના જ સાદ પાડી રહ્યાં હતું. નિમક-તમાકુ લેવા પણ લોકો પરગામનો પંથ કરતા થયા. મેરિયોની રોજિંદી મિજલસો ઉજ્જડ બની, ગાણાંબજાવણાં બંધ પડ્યાં. ગામનાં પ્રેમીઓની જુગલ જોડીઓ નાચ રમવા આવતી અટકી ગઈ. લોકો એનાથી તરીને ચાલવા લાગ્યાં, એમ કરતાં તો ગામે બહિષ્કારની એવી તો ભીંસ આ વરવહુને દીધી, કે જીવતર કડવું ઝેર થઈ પડ્યું.

“આ એકાએક શું બની ગયું ?” બાઘોલા જેવો બની મેરિયો બેટીનાને પૂછવા લાગ્યો.

ઓરતે ફફડતે કલેજે ફોડ પાડ્યો : “લા જેત્તાતુરા ! વહાલા મેરિયો ! સાંઈનાં જ એ કામાં છે. એણે લોકોને કહ્યું છે કે તમારી કાયામાં શયતાનનો વાસો થયો છે. લોકો તમને અસુર સમજીને છેટા નાસે છે.”

‘લા જેત્તાતુરા ! - શયતાનનો વળગાડ !’ – ફક્ત ઇટલીનો વતની જ આ શબ્દોની ભયાનકતા સમજી શકે છે. સાંભળીને મેરિયોનો શ્વાસ ઊંડો ઊતરી ગયો.

ફરી વાર એણે પોતાની જૂની મહેફિલો યાદ કરી. ગામલોકો મારી ગોઠ ખાવા ટોળે વળતાં, તો હું ફરીને ગોઠનાં નોતરાં આપું, એમ વિચારીને એણે પહાડના શિકારની મિજબાની પાથરી. ઢોલ-પાવાનાં ઇજન-નાદ બજાવ્યા. પણ મહેફિલ માણવા કોઈ ન આવ્યું. જમણનું મેજ સૂનું પડ્યું.

કોઈ અસ્પૃશ્ય રક્તપિત્તિયા જેવો, લોકોને મન કોઈ ઓછાયો પણ ન લેવા સમાન ભયાનક પ્રેત જેવો, સહુને તજેલો મેરિયો એકદિવસના અસ્તિકાળે ગામની નિર્જન બજારમાં નિષ્ફળ આંટો મારીને ઘેર આવ્યો છે. બહિષ્કારના વેરાન જીવનમાં કોઈ એકાદ ગામજનની મીઠી મીટ સુધ્ધાં એણે દીઠી નથી. લમણે હાથ ટેકવી, માથું ઝુકાવી મૂંઝાતો-ગૂંગળાતો એ ચોગાનમાં બેઠો છે, પ્યારાં ગામવાસીઓએ વિનાઅપરાધે જીવતું મૉત નિપજાવ્યું છે. રાતીચોળ સંધ્યાની અંદરથી જાણે કે અપકાર, કૃતઘ્નતા અને દુર્જનની નિષ્કારણ દુશ્મનાવટની રક્તધારાઓ ઝરી રહી છે ત્યારે બેટીનાએ એના માથાના વાળ પર મીઠો પંજો પસારીને કહ્યું, “પ્યારા મેરિયો, બેમાંથી એક રસ્તો નક્કી કરી લ્યો : કાં તો જઈને સાંઈબાપુનાં કદમ ચૂમી લો, નહિ તો પછી ફરી વાર ગામ છોડીને આપણે ભટકવા નીકળી જઈએ. ભટકી-ભટકી આવરદા પૂરી કરશું.”

“સાંઈનાં કદમ ચૂમું ? – હું એ શયતાનનાં કદમ ચૂમું ?” બેઠક ઉપર મુક્કો લગાવીને લાલઘૂમ મેરિયો પુકારી ઊઠ્યો : “ના, ના, હું મારું પ્યારું ગામ પણ નથી છોડવાનો. હું એની છાતી પર બેસીને જીવીશ. એ મને શું કરવાનો હતો ? અહીં ક્યાં હવે મારે ‘કાળા પંજા’થી ડરવાનું હતું કે હું ગામ છોડું ?”


[3]

“મેરિયો ! તમે એમ માનો છો કે આની પાછળ કાળો પંજો નથી ?” બેટીનાએ ફફડતા અવાજે પૂછ્યું.

“કાળો પંજો ? આ કાવતરું કાળા પંજાનું ?” મેરિયો બેટીનાની સામે તાકી રહ્યો.

“ઘરમાં ચાલો. પવનને પણ કાન છે, પ્યારા !”

બન્ને અંદર ગયાં. બેટીનાએ ભેદ પ્રગટ કર્યો : “આપણો પડોશી, મિસ્ત્રી પાઓલો નેગ્રી - એના પર કાગળો આવે છે - નેપલ્સથી. મેં પોતે જ એના ઘરમાં નેપલ્સની છાપવાળો કાગળ જોયો છે.”

“ઓ રે ઘેલી ! એ તો એના ભાઈનો લખેલો હશે.”

“ના, એનો ભાઈ તો ગુજરી ગયો છે. એનું શબ તો દટાયું છે અહીંના કબ્રસ્તાનમાં. ઓ મેરિયો ! આ કબ્રસ્તાનની અંદર એ જ ‘કાળો પંજો’ ડોકિયાં કરે છે.”

રાતના અંધકારના ઓળા ઊતરતા હતા તેને મેરિયો બારીમાંથી જોઈ રહ્યો. એ ઓળાયા કોના હતા ! – પોતાની જીવનસર્વસ્વ બેટીનાને ઉઠાવી જતા અનેક પંજાઓ જાણે કે અંધકારમાં આંગળાં પસારી રહેલા છે.

નિઃશ્વાસ મૂકીને એ ઊભો થયો. સામેના ખૂણામાં પડેલી પોતાની ‘ડ્રીલિંગા’ – બે-જોટાળી બંદૂક – ઉઠાવી. માથા પર ટોપી નાખી ડ્રીલિંગાને ખંભે ચડાવી.

“ક્યાં ચાલ્યા – અત્યારે ?” બેટીના ચમકી ઊઠી.

“ગભરાઈશ નહિ, હું તોફાન કરવા નથી જતો. પાઓલો નેગ્રીને જરા દબડાવી આવું. એ મને ઓળખે છે. સાચી વાત હું એની કનેથી કઢાવી લઈશ.”

“જોજો હોં !ખામોશ !” બેટીનાએ એને કંઠે હાથ વીંટાળી દીધા : “આપણાં બચ્ચાંનો વિચાર કરજે, ઓ મેરિયો !”

એણે બેટીનાના ગાલ પર મીઠી. ટપલી મારી. ખાતરી આપતો હોય તેમ માથું ધુણાવ્યું. ને પછી કમાડને લાત મારી ઉઘાડી એ બહાર નીકળી ગયો.

પડોશી પાઓલો નેગ્રીને ઘેર પહોંચે છે ત્યાં જ એણે શું દીઠું ! કાળા બુરખાવાળી એક પડછંદ-ઓરતને દોટમદોટ એ ઘરમાં પેસતી દીઠી. એને પ્રવેશ કરાવીને બારણું બિડાઈ ગયું. મેરિયોએ એ અજાણી ઓરતના લેબાસ અને ચહેરાની જરીક ઝાંખી કરી લીધી.

આ પરદેશણ કોણ ! મેરિયોનું કલેજું કોઈ મોટા સંચા સમું ધબકી ઊઠ્યું. બિલ્લીપગલે એ બારણા પાસે પહોંચ્યો. લપાઈને ઊભો રહ્યો. કાન માંડ્યા.

અંદર કોઈ એક મંડળી બેસીને વાતો કરી રહી છે. કશીક ખાનગી મસલત ચાલે છે.

ઓચિંતા એ ગણગણાટની અંદર, જાણે કે અર્ધશૂન્ય અવાજને ચીરીને એક અટ્ટહાસ ઊઠ્યું. ને આટલા બોલ સંભળાયા : “પછી જે થવાનું હોય તે ભલે થાય. મને પરવા નથી. પણ એક વાર એને ગામ બહાર નિકાલો. એનો ટાંટિયો આંહીંથી કાઢો.”

શબ્દેશબ્દ ઝિલાયો. અવાજ પરખાયો – સાંઈ ડૉન ફેબ્રિસનો જ એ કંઠસ્વર. મેરિયો ચોંકીને ટટ્ટાર બન્યો. એના કલેજામાં સૂતેલો લડાયક પ્રાણ જાગી ઊઠીને નસેનસમાં પુકારી ઊઠ્યો. બંદૂકનો કુંદો કમાડ પર પછાડીને એણે અવાજ દીધો : “ખોલ જલદી, નહિ તો તાળું ઉડાવી દઉં છું. પિછાને છે મને ! હું મેરિયો સીમોન પિયોનેતી ! પ્રભુ કે શયતાન બેમાંના એકેયનો મને ડર નથી તો તું બાપડો સાંયડો શું કરાવવાનો હતો ! ખોલી નાખ ખિડકી.”

એક ઘડી પણ રાહ જોયા વિના એ ધસ્યો. ખભા નમાવીને હડસેલો દીધો. કડડભૂસ એ લાકડાનું કમાડ જુદું પડી ગયું. ઓરડાની વચ્ચોવચ એક મેજ ફરતાં ત્રણ માનવો હેબતાઈને ઊભાં થઈ ગયાં: એક પાઓલો નેગ્રી, બોજો સાંઈમૌલા અને ત્રીજી એ અજાણી ઓરત.

સાક્ષાત્ કાળમૂર્તિ-શૉ મેરિયો થોડી પલ સુધી એ દ્વારમાં ઊભો ઊભો આ ત્રણેય સામે કરડી નજર ઠેરવી રહ્યો. ત્રણેયની આંખો બાજુમાં ફરી ગઈ. મેરિયોના પંજા ડ્રીલિંગા બંદૂકથી ત્રણેય થરથરી ઊઠ્યાં.

“ઓ…મ !” મેરિયોએ હળવે રહીને ઉચ્ચાર્યું : “આંહીં પણ આવી પહોંચ્યા છો કે તમે ? ફિકર નહિ, માફિયા. કેમેરા, કે મેનો નીરા - તમો ત્રણેય શક્તિઓ ભલે એકસામટી આવી જજો. આંહીં – આ મારા પિતાની ગોદ જેવા આલ્પ્સ પહાડની અંદર તો હું તમને ત્રણેયને પૂરો પડીશ. ફિકર નહિ.”

“અને તું. બચ્ચા નેગ્રી !” કહીને એણે પડોશી તરફ બંદૂક તાકી : “તારો જાન તને વહાલો હોય તો મને છંછેડવો રહેવા દેજે, મને પડ્યો રહેવા દેજે. અને તું ઓ પરદેશી ઓરત ! તું જો ફરીને આંહીં નજરે પડીશ, તો તનેય હું ફૂંકી દઈશ – તમારી તમામની સામે વેર વસૂલ કરવાના કસમ લઈશ હું. અને તું કાળમુખા –” મેરિયો ગૌરવર્ણા ધર્મગુરુ તરફ ફર્યો : “તને તો હું સૌથી પહેલો ઉપાડી લઈશ. તું તો આમાંના તમામ કરતાં ઊતરેલ છે. તારી શયતાનિયતનો જોટો નથી. તું બાપલા ! જાતે જોખમ ઉઠાવી શકતો નથી બીજાઓને તારી નાપાક બાજીનાં સોગઠાં બનાવી રહેલ છો. આમ જો ! દેવીના કસમ - હું તારી બાજી રમી કાઢીશ, પણ હું ખાનદાનીની રીતે ખેલું છું - તને હું ચેતાવી દઉં છું - ને એ ચેતવણી ઉપર કુટિલ ખૂની કાળા પંજાથી નહિ પણ મર્દની બે-જોટાળી બંદૂકથી મારા સહીસિક્કા મૂકું છું !” એમ કહીને એણે ડ્રીલિંગાનો ઘોડો દબાવ્યો. તેઓના તરફ બીજી નિગાહ પણ નાખ્યા વગર મેરિયો વળી નીકળ્યો. લૅરખડો, દિલાવર અને દોસ્તો માટે મરી પડતો મહોબ્બત-ભૂખ્યો મેરિયો તે દિવસથી ઓછાબોલો અને ઉદાસ બની ગયો પોતાની ઓરત સાથે પણ એ ઝાઝું બોલતો નથી. એની પાસે પણ કોઈ ઢૂકતું નથી. એના દિવસો સદાના દોસ્તો સમા ડુંગરાઓમાં ગુજરવા લાગ્યા. પહાડોની ભવ્ય ચુપકીદીમાં એને પોતાનો આખરી વિશ્રામ અને છેલ્લી ઘડીનો આશરો ભાસી રહ્યો છે.

એ મૌનની સમાપ્તિ પણ ઓચિંતી આવી. વાંકડિયા વાળવાળી એની સીમોનેટા, એની વહાલી બાલપુત્રી એકાએક બીમાર પડી. રઘવાયો મેરિયો ગામના એક સ્થાનિક ડૉક્ટરની પાસે દોડ્યો. “દાક્તર, મારી દીકરી મરી રહેલ છે, ચાલો.” દાક્તરે ઘરની અંદરથી જવાબ કહાવ્યો કે “નહિ આવી શકું.” સાંઈએ ફરમાવેલો બહિષ્કાર !

મેરિયો ઘેર દોડ્યો, બીમાર પુત્રીને શાલમાં લપેટી, હાથમાં ઉપાડી એ પહાડી કેડીએ રાતોરાત આઠ ગાઉ પરના કસ્બા તરફ ચાલી નીકળ્યો. એની પછવાડે ઓરત અને દીકરો ચાલ્યાં. ત્યાંની ઇસ્પિતાલમાં મોડી રાતે બાળકને દાખલ કરવામાં આવ્યું. ઓરતને અને પુત્રને પડખેની હૉટેલમાં ઓરડી લઈ રાખ્યાં.

રાતોરાત મેરિયો પોતાને ગામ પાછો આવે છે, સૂવે છે. ઓચિંતા કોઈ મેઘગર્જના-શા અવાજથી એ જાગે છે, લાગ્યું કે કોઈ પહાડી ટૂક ઉપર તોફાનની ઝડી થઈ હશે. પ્રભાતે ઊઠીને જુએ તો પોતાના જળકુંડની અને ફુવારાની જગ્યાએ એણે છૂંદેછૂદા બની ગયેલો પથ્થર-ચૂનાનો ને નળનો મોટો ઢગલો પડ્યો છે. એ ખંડિયેરની પાસે એને ઊભેલો દેખીને ગામલોકો છેટેથી જ પાછા ફરી જતા હતા. જતાં જતાં તેઓ આ અસુરની મેલી નજરથી ઊગરવા સારું કંઈક રક્ષામંત્રો રટતા હતા. અને છાતી ઉપર ક્રૉસ આકારે હાથ જોડતા હતાં. આખો દિવસ મેરિયો આ કૃત્ય કરનારાની બાતમી લેતો આથડ્યો. એને જાણ થઈ કે કોઈ બે અજાણ્યા નગરજનોનું આ કૃત્ય છે. ને હજુ બેઉ ગામમાં જ છે.

હૈયાના ઉકળાટને દબાવી રાખીને મેરિયો પાછો પોતાનાં બચ્ચાં પાસે ગયો. પોલીસથાણે જઈ દાદ માગી. પોલીસ અમલદારે તત્કાળ એ દાક્તરને બરતરફ કરવાના અને હોનારતના ગુનેગારોને પકડવાની તસલ્લી દીધી. બીમાર બાળકને અને બેટીનાને મળી મેરિયો પાછો પોતાને ગામ જવા ચાલ્યો. સત્તાવાળાએ એની દાદ સાંભળી એ વાતથી એનો ઉરદાહ ઓછો થયો. પણ મોડી રાતે જ્યાં એ છેટેથી પોતાના મકાનના રસ્તા પર ચાલ્યો આવે છે, ત્યાં એણે શેરીમાં લોકોની ઠઠ મળી નજીક ગયો ત્યાં તો એનાથી ફફડી ઊઠીને લોકો પંખીની પેઠે વીખરાઈ અદૃશ્ય બની ગયા.

આટલા લોકો શો તમાશો જોવા અત્યારે ટોળે વળ્યા હશે ?

કૌતુકથી મેરિયો નીરખવા લાગ્યો. પણ કૌતક ભાંગી ગયું. આંખો ફાટી રહી. એણે લાડથી ચણાવેલી પેલી સરાઈ, પેલું નૃત્યાલય અને પ્રેમી જોડલાંને એકાન્તે મળવાનો બગીચો, તમામ કોઈ અકળ આગમાં સળગીને ખાક થઈ ગયાં હતાં. એકલું અટૂલું ફક્ત એનું રહેણાંકનું મકાન જ ઊભું હતું.

કટોરો છલકાઈ ગયો. બાકીની રાત એણે પોતાની ડ્રીલિંગા બંદૂકને સાફ કરવામાં ગુજારી. પ્હો ફાટતાં જ એ લડથડિયાં લેતો ઊડ્યો. દીવાલ પર મૈયા મેડોનાની તસવીર લટકતી હતી તેની સામે જઈ હૈયા ઉપર બન્ને બાહુઓનો ચોગઠાકાર રચ્યો, બોલ્યો : “કસમ લઉં છું, ઓ મા, કે મારી આવી કરપીણ રિબામણી કરનારાઓને કબરમાં ન પોઢાડું ત્યાં સુધી હું નહિ જંપું.”

“લા વેન્દેત્તા, એ સત્તા મેડોના ! લા વેન્દેત્તા !” મેરિયો નાના બાળકની માફક ચોધાર આંસુડાં વહાવતો પોકારી ઊઠ્યો : “એ શયતાનોને મારી પ્યારી બેટીનાની હત્યા કરવી હતી. ને દૈવયોગે એ મારાં પ્રિયજનો આજે અહીં નથી, નહિતર તો તેઓ તમામ અત્યારે ખતમ જ થઈ ગયાં હોત ને !”

આવી યાતનાઓની વચ્ચે વહાલી બંદૂકના સ્પર્શે એને શાતા આપી. કારતૂસોની ભરેલી દાબડી એણે ડ્રીલિંગાના કલેજામાં પહેરાવી દીધી. હિંસાનો ચિત્કાર કરતું ખટક દેતું એ બંદૂકનું હૈયું બંધ થયું. એને હાથમાં હિલોળીને મેરિયો ઘર બહાર નીકળ્યો.

સૌથી પહેલો સાંઈને આંટવો હતો. દેવળનાં દ્વારની બહાર એ ધર્મગુરુ ઊભો હતો. મેરિયો એની સન્મુખ ખડો થયો. ટોપી ઉતારીને મસ્તક ઝુકાવ્યું. પછી કહ્યું : “બંદો આપ ખાવિંદને કુર્નિશ કરે છે, મૌલા ! તે દિવસનો મારો કોલ યાદ છે ને ? તો હવે સિધાવો વહેલા એ દોજખમાં, કે જેને વિશે આપ બહુ બહુ મોટી વાતો કરતા હતા !”

છેલ્લા બોલની સાથોસાથ જ બંદૂકનો ઘોડો દબાયો. ગોળી છૂટી. ધર્મગુરુનું મસ્ત શરીર ઢગલો થઈ ગયું. ધીરે ધીરે એ દેવળનાં પગથિયાં લોહીથી ભીંજાવા લાગ્યાં.

શબની સામે નિગાહ પણ કર્યા વગર મેરિયો નેગ્રીને ઘરે પહોંચ્યો. એક શબ્દ પણ બગાડ્યા વગર એને ઠાર કર્યો.

ત્રીજી મલાકાત મ્યુનિસિપાલિટીની કચેરીની કરી, લોકોની જમીનો ધર્મગુરુની ખેરાતમાં જોરાવરીથી ભેળવી દેનાર એ સેક્રેટરી કંઈક કાંગળિયાં પર ઝૂકેલા બેઠા છે ત્યાં કાળાદૂત દાખલ થયો. શબ્દ પણ ઉચ્ચાર્યા વિના મેરિયોએ એની સામે એક મક્કમ નિગાહ માંડી. ‘ઓ બાપ રે !’ પુકારતો સેક્રેટરી હાથ ઊંચા કરતો રહ્યો. એક વધુ કડાકો, ત્રીજો બલિ હોમાઈ ચૂક્યો. દરવાજામાંથી નીકળે છે ત્યાં સામે પેલી કદાવર કાળા બુરખાવાળી ગેબી પરદેશણને હાથમાં પિસ્તોલ લઈ ધસી આવતી દીઠી, મેરિયોને સારુ બીજો માર્ગ જ ન રહ્યો. ઓરતને પણ ઉડાડવી પડી. આખી કાવતરા-ટોળીમાં હવે ત્રણ જણા બાકી રહ્યા : એક દાક્તર, અને બે પેલા આગ લગાવનારા ગુપ્ત પરદેશીઓ. મેરિયોને ખાતરી થઈ ચૂકી હતી કે આ સતામણીની ગુપ્ત બાજીમાં એ ત્રણ શામિલ હતા.

આ દારુણ વૈર-વસૂલાતના સમાચારથી કંપી ઊઠીને તમામ ગામલોકો બારીબારણાં ભીડી ઘરની અંદર લપાઈ ગયા છે. ઉજ્જડ બજાર સોંસરવો એકાકી મેરિયો સીધો ચાલ્યો જાય છે. આડું-અવળું કે ઊંચનીચે એ જોતો નથી. એની ખોપરીમાં બસ એક જ વાત ગુંજે છે – લીધેલા શપથનું પરિપૂર્ણ પાલન. ગામ બહાર નીકળીને પહાડી કેડી જે ઠેકાણે ઝાડીમાં ચાલી જાય છે, તે ઠેકાણે આવતાં જ એણે બે આકારોને ભૂખરા ડુંગરા તરફ દોડ્યા જતા દીઠા.

શિકારની સહેલગાહમાં પોતાનું નિત્યનું સંગાથી જે દૂરબીન હતું, તે આંખો પર માંડીને મેરિયોએ એ બે નાસી જતા ઓળા ઉપર નજર માંડી. બીજે ક્યાંય નહિ પણ બૂટ - જોડાં પર દૃષ્ટિ ઠેરવી. પારખી લીધા. પોતાનું નંદનવન સમું ઘર સળગી ગયું એની આસપાસ એ જ જોડાના સગડ એણે પારખ્યા હતા.

છતાંયે પૂરેપૂરી ખાતરી થયા વગર મેરિયો પિયાનેતી માનવી જેવા માનવીને કેમ મારે ?

એણે ડ્રીલિંગાની તાક લીધી. પણ ક્યાં ? એ મનુષ્યો પર નહિ, તેઓ જ્યાં દોડતા હતા તે ટેકરા ઉપર. હ મ મ મ ગોળી છૂટી – ધૂળના ધફામાંથી ડમરી ચડી. બન્ને આસામીઓ ચમક્યા. મેરિયોએ ત્રાડ દીધી : “ખડે રહો ! નહિ તો ફૂંકી દઉં છું.”

બન્ને જણા થંભી ગયા. પાછળ ફરીને ઊભા. શરણાગતિની એંધાણી તરીકે માથા પર હાથ ઊંચક્યા. નજીક જઈને મેરિયો તાડુક્યો : “તમે જ મારા ફુવારાનો નાશ કરીને મારી ઇમારતને આગ લગાવી, ખરું ?”

“ના મહેરબાન ! અમે ? અમે નહિ. કસમ ખાઈએ.”

“વારુ ! તો કોણ છો તમે ? આંહીં શું કરો છો ? કેમ નાસી રહ્યા છો ?”

બેમાંથી એક જણાએ ઉત્તર ન દીધો.

“બહુ સારું. ચાલો મારી સાથે મારે ઘેર, મારે તમારી ઝડતી લેવી છે.”

એણે બંદૂક નીચે નમાવી અને જાણે પાછો ફરતો હોય તેવો દેખાવ કર્યો. પલકમાં જ એ બન્નેએ મેરિયો પર છલાંગ મારી. પણ મેરિયો તો ખબરદાર હતો. એને તો સાચનું પારખું જ કરવું હતું. એક જ મુક્કો – અને એક આદમી બીજાના ઉપર પટકાયો. બીજી કશી જ પંચાતમાં ઊતર્યા વગર મેરિયોએ પ્યારી ડ્રીલિંગાની બન્ને નળીઓ નોંધી. ઘોડો પડતાં જ બન્ને ઠર થયા. તેઓનાં ગજવાંમાંથી તેઓનાં કાળાં કૃત્યોના પૂરતા પુરાવા હાથ લાગ્યા.

છેલ્લી મુલાકાત એણે દાક્તરના ઘરની કરી. દાક્તરને દીઠો તેવો ફૂંકી દીધો. પછી મેરિયો પહાડોમાં ઊતરી ગયો. એ મૂંગાં ગિરીશૃંગોને મેરિયો જાણે કે પૂછી રહ્યો હતો કે ‘હવે આત્મહત્યા કરીને જ આ બધાની સમાપ્તિ લાવું ? કે શું આખરની ઘડી ન આવે ત્યાં સુધી ટક્કર લઉં ?’

‘ના, ના, નામર્દની રીતે આપઘાત તો નથી કરવો. હવે તો રમત રમી કાઢવી છે.’

‘પણ એક વાર પ્યારી બેટીનાને અને બચ્ચાંને ચૂમી લેવાની આકાંક્ષા જાગી ઊઠી. શી રીતે મળવું ? ક્યાં મળવું ?”

“કા ભાઈ !” એક ભરવાડ ભેરુબંધ મળ્યો તેને પોતે બેપરવાઈથી જણાવ્યું “આજ તો આપણા રામે દુનિયા પરથી બેત્રણ પાપને સાફ કરી નાખ્યાં, હો યાર !”

“એમ !” ભરવાડે આંખો પર છાજલી કરી પૂછ્યું : “ખરો જવાંમરદ તું, દોસ્ત !”

“એક કામ પડ્યું છે તારું, ભાઈ ! આ એક કાગળ તું બ્યાન્કા ગામે જઈને ઇસ્પિતાલમાં મારી વહુને હાથોહાથ દઈ આવીશ ?”

“અરે બે વાર. મેરિયોનું કામ કોણ ન કરે ?”

કાગળમાં બેટીનાને લખ્યું હતું કે વળતી રાતે ડુંગરામાં અમુક ભરવાડને ઘેર આવી મળી જવું. કાગળ રવાના કરીને મેરિયોએ એ આથમતા સુરજનાં રાતાં અજવાળાંમાં ઝબકોળાતી પોતાની પ્યારી ડુંગર-ગાળીમાં છેલ્લી વારની નજર ઠેરવી. એની આંખો જાણે કે એ વહાલા વતનને ઝાડવે ઝાડવે, પાંદડે પાંદડે, તરણે તરણે, ને ઝૂંપડે ઝૂંપડે ચૂમીઓ લેતી બોલતી હતી કે ‘ઓ જન્મભોમ ! તારે છાંયે મારે શાંતિ મેળવવી હતી. મને મારાં બાળબચ્ચાં વહાલાં હતાં. પણ હવે તો સલામ છે છેલ્લા.’

છેલ્લા સલામ કરીને મેરિયો સીમોન પિયાનેતી – હાય, હવે તો બહારવટિયો પિયાનેતી - ચાલી નીકળ્યો. પહાડ પછી. પહાડના ભયંકર ચડાવ આદરી દીધા, એને પહોંચવું હતું લા વૈછિયા નામની ટકે. સરકારની ફોજો સામે થોડોક ટકાવ થઈ શકે તેવી વંકી એ ગ્યાં હતી. પોતે જાણતો હતો કે સરકારી ગિસ્તો હમણાં જ એનાં પગલાં દબાવતી આવી પહોંચશે.

[4]

“બહેન, તું ગભરા નહિ. અમે તને જે જે બન્યું છે તે બધા જ સમાચાર લાવી આપશું.”

ઇંગ્લૅન્ડની છૂપી પોલીસનો અફસર ઍશ્ટન વુલ્ફ લખે છે કે “આ દિલાસો અમે બહારવટિયાની ઓરત બેટીનાને બ્યાન્કો ગામની ઇસ્પિતાલની બીમાર-પથારી પર આપી રહ્યા હતા. ધણીના કેરની અનેક મીઠું-મરચું ભભરાવેલી વાતો સાંભળીને એ સુકુમાર ઓરતનું શરીર ભાંગી ગયું હતું. એને અમેરિકામાંથી જ ઓળખતો હતો ખરો ને. એટલે મારા પ્રવાસેથી પાછા વળતાં છાપાંમાં મેરિયોના વિફરાટની વાત વાંચીને હું આ નિરાધાર અમેરિકણને સહાય કરવા ગયો હતો. એક વખતની સુંદર, સુકુમાર, હસતીરમતી પૂતળી-શી તરુણીનું કેવું કલેજું ચીરનારું રૂપાન્તર મેં જોયું ! બાપના મૉતની ઘડીથી, પોતાના વિવાહની પળથી એના ઉપર કેટલા દુઃખના ઓળા ઊતરી રહ્યા હતા ! સંસારમાં પગ મૂકતાં જ એની દુર્દશા શરૂ થઈ હતી.”

“હું તો આંહીં પડી પડી માતા મેડોનાને બંદગી કરું છું કે મારો ધણી બચી છૂટે. પણ –” બિછાને પડી પડી એ બોલી ઊઠી, “પણ એને જો તમે મળો તો મારો આટલો સંદેશો આપજો, કે આ બે આંખે એને – એ મારા સાવજને – મારે પકડાયેલો, જંજીરે પકડાયેલો અને ગામની બજારમાં બૂરે હાલે એક ગુનેગારની માફક ઢસરડાતો જોવો પડે તે કરતાં તે - ઓહ ! ઓ મા ! કહેતાં મારી જીભ કપાય છે - પણ તે કરતાં તો એને…”

“હું સમજ્યો, બરાબર સમજ્યો, બેટીના !” મારો મિત્ર બોલી ઊઠ્યો, “અસલી રોમન બચ્યો. છેલ્લી ઘડીએ શત્રુને હાથ સોંપાવા કરતાં પોતાની સમશેર પર સૂઈ જતો, એ જ તારું કહેવું છે ને ?”

બેટીનાએ માથું હલાવ્યું. એ બોલી : “આજ સુધી એક વીરની રીતે એ જીવ્યો છે; અને એ મરે પણ વીરની રીતે, એવી મારી મનોવાંછના છે. પણ કહેજો એને, કે ભલો થઈને સિપાહીઓને ન મારે. એ બાપડા તો પોતાની ફરજ બજાવી રહ્યા છે.”

મર્દની ઓરતના મુખનો આવો પાક સંદેશો લઈને અમે ચાલી નીકળ્યા. ગામમાં અનેકના છાકા છૂટી ગયા હતા. અનેક પાપાત્માઓ અંતરમાં સમજતા હતા કે બહારવટિયાએ કોને કોને ઠાર કરવા તેની એક ટીપ કરી છે. અનેક પોતાના અપરાધી અંતઃકરણમાં પામી ગયા હતા કે વહેલો મોડો પોતાનો વારો આવવાનો છે. કેડા ઉજ્જડ થયા હતા, લશ્કરી થાણાં ઠેરઠેર બેસી ગયાં હતાં. બહારવટિયાની શોધ ગાળેગાળે અને ટૂકેટૂકે ચાલુ થઈ હતી.

[5]

પોલીસ અફસર આગળ કહે છે :

બ્યાન્કો ગામથી અમે પહાડ તરફ ચડવા લાગ્યા. રસ્તે મેરિયોનું ગામડું આવ્યું. ત્યાં એક બાંઠિયા દાઢીવાળા ભરવાડને વીંટળાઈને પોલીસની ટુકડી ઊભી હતી. ભરવાડ તેની અણઘડ બોલીમાં વારેવારે બબડતો હતો કે, “હા, હું કહું છું ભાઈસા’બ, કે મેં મેરિયોને જોયો છે. કાલ સાંજે રૂંઝ્ય વેળાએ મારે કૂબે એ આવેલો. મારી પાસે દૂધ અને રોટલો માગેલો. મારે આપવાં પડ્યાં, શું કરું, બાપા ? એના હાથમાં કાળા કોપની બંદૂક હતી – ઈ કાંઈ મારી કાકી થોડી થાતી’તી ? હા, ખાઈ કરીને એણે મને કહ્યું – અરે કહ્યું શું, હાકેમની રીતે હુકમ જ કર્યો – કે મારી બાયડીને આ સંદેશો પોગાડ, એને જઈને કહે કે હું મેરિયો આ સંસારમાં સૌથી વધુ દુખિયારો થઈ ગયો. કારણ કે, અરે અસ્ત્રી ! મેં તુંને દુઃખી કરી, પણ હું લાચાર. મને સૌએ મળીને ગાંડો કરી મૂક્યો. પણ તું હવે મને માફ કરજે. મારા અપરાધ સામું જોઈશ મા. આવું આવું કહી આવવાનું મને મેરિયોએ કીધું’તું.’

“ને તારે પાછો જવાબ પણ લાવવાનો હતો ને ?” પોલીસ અમલદારે પૂછ્યું : “તારા કૂબામાં જ એ રાત રહેલો, ખરું કે ?”

“ના બાપા. મને તો સંદેશો ભળાવીને એ હાલ્યો ગયો. સાચી વાત કે કાલે રાતે મને જવાબ લઈને આવવાની બોલી છે.”

“ક્યાં આવવાની ?”

“મારે કૂબે, રાતે દસને ડંકે. અને મારે એની હકીકતવાળાં છાપાં પણ આણવાનાં છે.”

“આ ભરવાડને અહીંથી જવા દેવાનો નથી.” એવો હુકમ આપીને વળતે દિવસે બહારવટિયાને ફાંસલામાં લેવા સારુ પોલીસ-અમલદાર ચાલ્યો ગયો. રસ્તાને બન્ને છેડે પહેરો બેસી ગયો.

પોલીસવાળા ગયા પછી અમે એ ભરવાડની પછવાડે ચાલ્યા. એક ધર્મશાળામાં અમે સહુ ભેળા થયા. મેં એને મારા મેજ પર બોલાવી, દારૂની કટોરી પાઈ પછી પૂછ્યું: “ભાઈ, તારા ભેરુબંધને ફસાવતાં તને શરમ ન આવી ? આવી ખૂટલાઈ !”

અમારી સામે એ નીરખી રહ્યો. પછી એણે કટોરો પૂરો કર્યો.

મેં કહ્યું : “લાવ એ સંદેશો હું બેટીનાની પાસે ઇસ્પિતાલમાં લઈ જાઉં. ત્યાંથી હું છાપાં પણ લેતો આવીશ આપણા ભાઈબંધ વાસ્તે.”

“હંમ ! ભાઈબંધ !” ભરવાડ મારી સામે ડાઢીને બોલ્યો. ચોમેર નજર કરીને એણે કહ્યું : “તમે મને ફસાવવા માગો છો ખરું ને ?”

“અમે ઇટાલિયન નથી, અમેરિકન છીએ, ભાઈ !” મેં ફોડ પાડ્યો.

“અમેરિકા !” એ જાદુઈ શબ્દે ભરવાડનો ચહેરો ઝલકી ઊઠયો. “હાં, તો તો હું તમારો ઇતબાર કરું, લ્યો, આ બેટીનાને દેજો – એના ધણીનો કાગળ.”

એમ કહી એણે મને એક પરબીડિયું દીધું, કહ્યું : “જવાબ પણ તમે જ ભાઈબંધને પહોંચાડજો. આજ અધરાતે : ગ્યુસેપ્પીને નેસડે : અહીંથી પાંચ કલાકનો વસમો પહાડી પંથ છે – બોસ્કોવર્દેની ઝાડીને ઓલ્યે છેડે, આસીનીનાના ગાળામાં. ભેળા તમારા મોટા ડગલા લેજો, નીકર ત્યાં ઊંચે ઠરીને ઠીંકરુ થઈ જાશો. ને કોને ખબર છે, કોકને એ ડગલાની તમારા કરતાં વધુ જરૂર પણ હશે.. લ્યો રામરામ, ભાઈ ! અમે પહાડના લોકો ઉતાવળી પ્રકૃતિના ખરા, પણ દગો ન કરીએ હો ! સાચું વેર લેનાર મર્દને અમે ફસાવીએ નહિ કદી, હો ભાઈ ! લ્યો, રામરામ !”

એ ચાલ્યો ગયો. હું વહેલી પરોઢે બેટીનાની પાસે કાગળ પહોંચાડી, એના વેરાન બનેલા વદન પર પલભર આનંદનાં કિરણો રમતાં નિહાળી કુશળખબર આપી વળી નીકળ્યો.

અમે પંથે પડ્યા. પહાડ પર પહાડ, ચડાવ પર ચડાવ ! પાંચ કલાકે અમારો આરો ક્યાંથી આવે ? ઊંચાણે જેમજેમ ગયા તેમતેમ તો બરછી જેવો પવન ફૂંકાતો આવ્યો. ઝાપટાં અમને ભીંજવવા લાગ્યાં, અને એ પહાડની ધુમ્મસમાં પંથ શોધવો દોહ્યલો બની ગયો. પણ અંતરથી હું રાજી થતો હતો, કે આ પહાડની વંકાઈ, આ વાવાઝડી ને આ ધુમ્મસ આપણા ભાઈબંધની ભારી રક્ષા કરનારાં થઈ પડશે. કેમ કે પોલીસનું કામ કપરું બની જવાનું, જ્યારે મેરિયોને તો એ રાતદિવસના સાથી સમાન હતાં.

[6]

આખરે અમે એ નેસડે પહોંચ્યા. ઝૂંપડાના દ્વાર પર અમે ટકોરા માર્યા.

બરાબર એ જ પળે, મારી પછવાડે મારા બરડામાં કંઈક કઠણ અને લીસું મને ચંપાતું લાગ્યું. અને એક ધીરો પણ કરડો અવાજ મારે કાને પડ્યો કે, “હાથ ઊંચા – જલદી હાથ ઊંચા કરો, ને જો જરીક હલ્યા છો ને, તો હમણાં વીંધાયા જાણજો. હું અંધારે ભાળું છું.”

કશી જ દલીલ કર્યા વગર અમે આજ્ઞાંકિત બન્યા. પછી મેં શાંતિથી અંગ્રેજીમાં કહ્યું : “ભાઈ મેરિયો, આ મારી પીઠ પર તું જે દાબી રહ્યો છે તે જો તારી બે-જાટાળીની નળી જ હોય, તો ભલો થઈને ખેસવી લે. ક્યાંક વછૂટી જશે. ન્યૂયૉર્કમાં તારા વિવાહમાં હું હાજર હતો એ યાદ કર.”

મારા બોલના જવાબમાં એના મોંમાંથી એક હાહાકાર નીકળી પડ્યો. એ નિસાસામાં જાણે કે સિસોટી વાગતી હતી. પછી વેદના અને આશા વડે ધ્રૂજતા ઘોર અવાજે એણે મને પૂછ્યું : “માથે ખુદાને રાખીને બોલો, કોણ છો તમે ?”

મેં ઓળખાણ આપી : “જ્યારે તારો સસરો ફેરારી માર્યો ગયો ત્યારે હું ઇન્સ્પેક્ટર શર્લીની સાથે હતો ને, ભાઈ !” એમ કહી મેં મારું નામઠામ દીધું, એની પાસે આવવાનું કારણ જણાવ્યું.

તત્કાળ મેં એ બંદૂક નીચે પડ્યાને ધબકારો સાંભળ્યો અને મારું શરીર બે પડછંદ ભુજાઓની પ્રીતિભરી બાથમાં ભીંસાઈ ગયું. કેટલીય વાર સુધી મેરિયોનું માથું મારા હૈયા ઉપર ઢળેલું રહ્યું. એના રુદનનાં ધ્રુસકાં એના આખા કલેવરને હલમલાવી રહ્યાં હતાં. એ ધ્રુસકાં નહોતાં, પણ બહાદુર આદમીના ભુક્કો બની ગયેલા આત્માનાં સૂકાં આંસુડાં હતાં.

“ઓ ભાઈ ! ઓ દોસ્ત !” મેરિયોના હૈયાને ચીરીને આર્તનાદ નીકળ્યો. એ આર્તસ્વરે મારી આંખોને ભીની કરી : “આટલાં દારુણ દુઃખનાં વરસો પછી તમારી સાથેનો આ મેળાપ મારા હૈયામાં શું શું મચાવી મૂકે છે તે તમે કદી નહિ સમજો, ઓ મારી અંધારી વેળાના સાચા દોસ્ત ! શું કહું ? આવો અંદર. સગડી કરીને તાપીએ.”

કોઈ પક્ષીના કંઠસ્વર જેવી સીટી એણે મારી. ઝાડની ઘટામાંથી એક કાળો આકાર સામે આવ્યો. એને બાજુમાં લઈ જઈને બહારવટિયાએ કંઈક સૂચના આપી, પછી એ અમારી સાથે આવી બેઠો. ઘડીકમાં તો કોલસાની તાપણી તપી ઊઠી. એ તાપના અજવાળામાં મેં મેરિયોના દીદાર દીઠા. એનો બંકો, સુડોલ, ખડતલ ચહેરો ફિક્કો ને કદરૂપ બની ગયેલો : એના ગાલ પર કાળું દાટું છવાઈ ગયેલું અને ઘટાદાર ભવાંની નીચેની મારી સામે આતુર મીટ માંડતી એ બે આંખોમાં વલોવાઈ રહેલી વેદનાને તો હું કદી નહિ ભૂલું. એનાં કપડાં લીરેલીરા થઈ ગયેલાં હતાં, ને પગના જોડાના તો ચૂંથા જ નીકળી ગયેલા. એ બોલ્યો : “આજ ત્રણ દિવસ અને ત્રણ રાતથી મારી પાંપણો ભેગી નથી થઈ, ભાઈ ! મારે તો બસ પહાડ પછી પહાડ ખૂંદવાનું જ હતું.”

એક ખરબચડા પાટિયા પર એ ઢળી પડ્યો. એણે ખાધું ને બીડી પીધી તેટલી વાર મેં એને બધું વૃત્તાંત કહ્યું.

“હું ગાંડો થઈ ગયો તે પછી આજ આ પહેલી બીડી છે, હો ભાઈ !” બાપડો ધુમાડા કાઢતાં કાઢતાં રાક્ષસી હાસ્ય કરતો બોલ્યો : “હું મારી બજર લેવી જ ભૂલી ગયો છું.”

મેં એને બેટીનાનો સંદેશો કહ્યો, ને એની હકીકતવાળાં છાપાં આપ્યાં. અંગારાને અજવાળે એણે છાપાં પર નજર ફેરવી. પોતાને વિશે મોટાં મથાળાં વાંચીને એ બોલ્યો : “એ…મ ! હું જલ્લાદ છું એમ કે ? ફિકર નહિ હું જલ્લાદ – સાત વાર જલ્લાદ ! પણ મારા જેવા બે-પાંચ જ જલ્લાદો જો હોત ને, તો બચ્ચા ‘કાળા પંજા’ને એક વરસની અંદર જગત પરથી સાફ કરી નાખત. હું જલ્લાદ – એમ ?”

મેં એને એની ભવિષ્યની પેરવીના પ્રશ્નો પૂછ્યા. એણે એક પણ ઉત્તર ન વાળ્યો. ફક્ત એક ઓવરકોટ અને તમાકુ સિવાય બીજું કશું જ એણે ન સ્વીકાર્યું. એ બોલ્યો : “તમે સમજી શકો છો કે તમારી પાસેથી થોડાં નાણાં મેળવવા હું કેટલો આતુર છું. પણ એમ કરું તો તમે મારા ભેળા ભળેલા ઠરો. તમારી ફરજ પોલીસને ખબર દેવાની થઇ પડે. જો તમે ન ખબર આપો, તો મારો ગુનો એ જ તમારો ગુનો બની જાય. મારે એવું નથી કરવું. ના, ના, બસ તમારે તો એટલું જ સમજવું - કે આપણે મળ્યા છીએ. તમે મને શોધતા હતા, અને મારી બંદૂકને જોરે તમારે મને કોટ તથા બજર આપવાં પડ્યાં. તમને મારી યોજનાની કશી જ જાણ નથી. એટલે તમે નિર્દોષ છો. બાકી મારી પાસે તો પૂરતો દારૂગોળો છે. આજે જ મેં એક સાબરનો શિકાર કરીને આ ગિયુસેપ્પી ગોવાળને આપી દીધો. એ રીતે મને આજની રાતે આશરો દેનારને હું દામ ચૂકાવું. કાલે એ ફોજને કહેશે કે આજ રાતે હું અહીં હતો. પણ એ કહેતો હશે એ ટાણે તો હું અહીંથી ક્યાંય દૂર નીકળી ગયો હોઈશ.”

એ જ ટાણે બહારથી એક ધીરી સીટી સંભળાઈ. બહારવટિયો ઝબકીને ખડો થયો. જોરથી એણે અમારા હાથ દાળ્યા. કહ્યું, “તમે આ ગિયુસેપ્પી ગોવાળની સાથે અહીં જ રહેજો. એ તમારા વતીની ખાતરી આપશે. મારા તકદીરમાં તો હવે આરામ નથી રહ્યો. સલામ !”

ફરી કદી મેં મેરિયોને દીઠો નથી. બીજે દિવસે સવારે અમે ગામડામાં પહોંચી ગયા. ત્યાં વાતો સાંભળી કે પરોઢિયામાં બહારવટિયાને અને ફોજને ધિંગાણું થઈ ગયું. તેમાં બહારવટિયાએ બે સિપાહીઓના ટોપામાં બાકોરાં પાડ્યાં હતાં. કોઈના જાનને એણે જફા નહોતી કરી. તે દિવસે તો ફોજે પણ વધુ પીછો લેવાનું બંધ રાખ્યું હતું.

વાહ ! સિપાઈઓની ટોપીઓ વીંધી – જાન ન લીધા. બહારવટિયાએ પોતાની ઓરતના સંદેશાને કેવો પવિત્ર કરી માન્યો ! એનું નામ નેકી.

અમને લાગ્યું કે ઇટલીમાં અમારા વધારે રહેવાથી બિચારી બેટીના પર આફત આવશે. અમે ગમગીન હૈયે ચાલ્યા ગયા. ઇટલી છોડી દીધું.

બહારવટિયો પકડાયાના ખબર વિનાના ઘણા દિવસો ગુજર્યા. અમને આશા હતી કે એ બચી છૂટશે. ઇટલીનો સીમાડો વળોટી જશે.

પછી તો યુરોપના આકાશમાં તુમુલ તોફાનના ગડેડાટ ગાજી ઊઠ્યા. મહાયુદ્ધ જાહેર થયું. બહારવટિયો ઝલાવો એ અશક્ય વાત બની.

માનવીનું ભાગ્યનિર્માણ કેવું અકળ છે ! જગની જાદવાસ્થળી બરાબર જાણે એના બચાવની ઘડીએ જ આવી પહોંચી. એનો એના પ્રિયજનોની સાથે મેળાપ થયો કે નહિ તેની મને ખબર નથી. મેં તો ફક્ત અફવાઓ જ સાંભળી હતી, કેમ કે હું પણ બીજાં લાખોની માફક, શોણિતરંગી યુદ્ધદેવતાની સન્મુખ કૂચકદમ કરતો, એ મહાકાળને સલામ ભરતો ચાલ્યો જતો હતો – સમરના મેદાન પર.