દાસપણું કહાં સુધી
દાસપણું કહાં સુધી નર્મદ |
(પદ ૧૧મું)
દાસપણું કહાં સૂધી, કરવું દાસપણું કહાં સૂધી ?
રહી ભણ્યા પણ ખૂંધિ, કરવું દાસપણું કહાં સૂધી. ટેક
મુક્કીએ મુક્કીએ નારે, બકરાને બહુ લોભી;
ચણા આપીને મ્હોડું ડાબે, દમને નાખે રૂંધી. કરવું. ૧
તસકા ખાતાં વેઠ ઉચલવી, ખરે નરે ખર થાવું;
એથી તો લડી મરવું સારૂં, નથી મતી એ ઉંધી. કરવું. ૨
પડ્યા ઉપર જે પાટૂં મારી, ઝૂંસરી મુકવા આવે;
સંપે સિંગડાં ભોંકી તેની, કમર કરવી ખૂંધી. કરવું. ૩
ઇંદ્રિઓ બહુ બ્હેર મારિ ગઇ, ઘણે ઘણે સહવાસે;
વિદ્યા રૂપી માત્રા ચાટે, આવે પાછી શુદ્ધી. કરવું. ૪
ભણી ગણીને હક સમજીને, રીતે સામૂં થાતાં;
કાળાગૃહથી મુક્ત થવાએ, કહે નર્મદ સદ્બુદ્ધિ. કરવું. ૫