દીનાનાથની ઢાળો/ઢાળ ૪થી
← ઢાળ ૩જી | દીનાનાથની ઢાળો ઢાળ ૪થી કેશવલાલ ભટ્ટ |
ઢાળ ૫મી → |
ઢાળ ૪ થી
મારા હાથ પડ્યા છે હેઠા, હરિ હું શું કરૂં રે;
શરણે આવ્યો છું કરૂણા કર, કરશો તે ખરૂં રે; એ ટેક.
ક્યાં સંતાયા કુશલ કરાણી, તરણી નટવર જાય તણાણી;
ભાઠે હાય ભરાણી, કઇ રીતે તરૂં રે. મારા૦ ૧
થતું હશે શું સમજણ ન પડે, ગોતું પણ માર્ગ મને ન જડે;
ભવસાગરના દુઃખ વડે, હ્રદયે ડરૂં રે. મારા૦ ૨
ધરાણીધર શું ધાર્યું મારૂં, રટણ કરૂં છું નિત્ય તમારૂં;
આવડું શું અંધારૂં, મરણ વિના મરૂં રે. મારા૦ ૩
સાધન સર્વ ગયા છે ખુટી, કપટી કાળે માર્યો કુટી;
બગડ્યાની નહિ બુટી, ઠાકર ક્યાં ઠરૂં રે. મારા૦ ૪
અતિ તાપથી તપી રહ્યો છું, ભાષ્ય કંઠથી અંધ થયો છું;
ભુલી ભાન ગયો છું, ધીરજ શું ધરૂં રે. મારા૦ ૫
અદ્ભુત માયા નાથ તમારી, મન વાણી નહીં પોંચે મારી;
કેશવ હરિ હારી ફટકેલ થઈ ફરૂં રે. મારા૦ ૬