← બાજી પટેલ દીવડી
ચોરી-શાની?
રમણલાલ દેસાઈ
૧૯૫૪
પાપનું મૂળ →





ચોરી શાની ?


ત્રીસેક વર્ષના મદને જ્યારે એક દોરડાની ચોરી કરી ત્યારે તેની આસપાસ રહેતાં પાડોશીઓને ભારે નવાઈ લાગી. કેટલાક પડોશીઓ હસતા હતા: 'કાંઈ નહિ ને છેવટે દોરડાની ચોરી ?' એવો તેમના હાસ્યને ભાવ હતો. કેટલાક પડોશીઓ ગુસ્સે થયા. તેમના ગુસ્સાનો ભાવ એ હતો કે આજ દોરડાની ચોરી કરનાર મદન કાલે બીજી વધારે મોટી ચોરી કરશે. પડોશમાં ચોરને કેમ સહી લેવાય ? જેના વાડામાંથી મદને દોરડું ચેાર્યું હતું તેના ગુસ્સાનો તો પાર હતો નહિ. તેણે અંધારા પ્રભાતમાં મદનને પોતાના ઘરમાંથી દોરડું ઊંચકી જતાં જોયો હતો; એટલું જ નહિ પણ તેની પાછળ ધીમે ધીમે જતા એ પડોશીએ મદનને એ દોરડું મદનના ઓટલાની ઊંચી ખીંટીએ બાંધતાં પણ જોયો હતો : એટલું જ નહિ પણ તેને પકડ્યો હતો એમ કહીએ તો ચાલે.

નવાઈ જેવી વાત તો એ હતી કે મદનને તેના પડોશીઓએ ચોરી કરતાં પકડ્યો ત્યારે મદને એ ચોરી નફટાઈથી કબૂલ પણ કરી. આવી નફટાઈથી ચોરી કરનાર પડોશીને તેની પડોશમાં રહેનાર માણસો પોલીસને સ્વાધીન કરે એમાં નવાઈ પણ શી? વધારે નવાઈ તો એ હતી કે મદન સારું ભણેલ ગણેલ યુવક હતો. એક વાર સારી આશા આપતો યુવક જણાતો હતો. તેણે નોકરી પણ વારંવાર કરેલી હતી અને બીજી સર્વ રીતે તે અત્યંત નિરુપદ્રવી માનવી તરીકે જાણીતો હતો. ચારેક વર્ષથી મદન કોઈ સ્થિર નોકરી કરી શકતો નહિ અને આખા પડોશમાં એકલવાયા માનવી તરીકે ઓળખાતો હતો, પરંતુ એ દોરડા જેવી વસ્તુની ચોરી કરશે, ચોરી કરતાં પકડાશે અને પકડાયા પછી એ ચોરી કબૂલ કરશે, એમ માનવાને કોઈ તૈયાર ન હતું.

છતાં જ્યારે તેણે નફટાઈથી ચોરી કબૂલ કરી ત્યારે પડોશીની જુદી જુદી ઓરડીઓ અને મકાનના માલિકને એકાએક ભાન થયું કે તેમના ઘરમાં કોઈ કોઈ વાર થયેલી ચોરી મદને જ કરી હોવી જોઈએ. એક પડોશીએ કહ્યું કે તેની ત્રાંબાકૂંડી ઓટલે મૂકેલી, એક ક્ષણમાં ઊપડી ગઈ હતી. બીજા પડોશીના બાળકનું એક ચાંદીનું ઝાંઝર એકાદ વર્ષ ઉપર કોઈએ કાઢી લીધેલું હતું તે જડ્યું જ ન હતું. ત્રીજા પડોશીનાં એક પછી એક ત્રણેક ધોતિયાં મોંઘવારીના સમયમાં ગુમ થયાં હતાં જેને પત્તો હજી સુધી પડ્યો જ ન હતો. ચોથા પડોશીની પત્નીની ખોટાં મોતીની માળા ત્રણેક વર્ષ ઉપર ખોવાઈ હતી જેની ચોરી કોને માથે નાખવી તેની સુઝ હજી સુધી તેને પડી ન હતી. તે હવે મદનને માથે નાખી અને ખોટાં મોતી સાચાં બની ગયાં. આમ કોઈની છત્રી ખોવાઈ હતી અને કોઈની લાકડી, કોઈના જોડા અને કોઈના દીવાના ગોળા ચોરાયેલા સાંભરી આવ્યા; અને સહુને એકાએક લાગ્યું કે મદન જ આ બધી વસ્તુઓનો ચોર હતો. એક પડોશીના સો રૂપિયાની નોટ પણ તેના ખિસ્સામાંથી ગુમ થઈ હતી અને તે આ દોરડું ચોરનારા મદને જ ચોરી લીધી હતી એમ હવે તેને શંકા પડી–શંકા નહિ, ખાતરી જ થઈ ગઈ. નિરુપદ્રવી-નિર્દોષ માનવીમાં હવે સહુને એક જીવતો જાગતો ભયંકર ચોર દેખાયો. કોઈની સામે મદન બહુ આંખ મેળવતો નહિ એ તેની ચોરવૃત્તિની નિશાની સહુને દેખાઈ. પડોશીને ત્યાં બહુ અવરજવર ન કરતો મદન હવે સહુને એક સંતાતો ફરતે ચોર દેખાવા લાગે. તેની અવરજવરની અનિશ્ચિતતા અને કોઈને પણ મળવાની અનિચ્છા હવે સહુને એક ચોરનું લક્ષણ લાગી. હવે પછી આ દોરડું ચોરનાર વધારે મોટી ચોરી કરવા ન પ્રેરાય એ માટે તેને પોલીસને સ્વાધીન કરવાની સહુએ ઈચ્છા પ્રગટ કરી, એટલું જ નહિ પણ દોરડાની ચોરી સાથે આખા જીવનમાં થયેલી સહુની નાની મોટી ચોરી મદનને જ માથે નાખવામાં આવી. ગુમ થયેલી વસ્તુઓ પાછી મેળવવા અથવા પાછી ન મળે તો નવી વસ્તુઓ ગુમ ન થાય એવી સાવધાની તરીકે દોરડાની ચોરી સાથે સહુએ પોતપોતાની ચોરીઓ નોંધાવવાનું કબૂલ પણ કર્યું.

મદન હવે પોલીસને સ્વાધીન થયો. ગુનેગારે પોલીસને સ્વાધીન થવું એટલે મૃત્યુની યાતનાને સ્વાધીન થયા બરાબર ગણી શકાય. મદનની દોરડાની ચોરી તો બહુ ક્ષુલ્લક ચોરી ગણાઈ. તેની તરફ પોલીસવાળા કઈ ધ્યાન પણ ન આપત; પરંતુ દોરડાની સાથે બીજી ચોરીઓના આરોપ પણ તેની ઉપર મુકાયેલા હોવાથી મદનને પોલીસ કબજે રહેવું પડ્યું અને જેમ જેમ પોલીસ તપાસ વધતી ચાલી તેમ તેમ ન પકડાયેલી શહેર અને શહેર બહારની અનેકાનેક ચોરીઓનો સંબંધ મદન સાથે જોડાઈ ગયો. એટલું જ નહિ, પરંતુ હજી અનેકાનેક ભાવિ ગુનાઈત કૃત્યોના કેન્દ્રસ્થાન રૂપે મદન પોલીસને દેખાવા લાગ્યો. ગાંજાચરસની દાણચોરી, દારૂની આપલે, પેઢીઓમાં પડેલાં ખાતર અને મળસકે થયેલી કેટલી યે લૂંટમાં મદન જ પ્રેરણામૂર્તિ હોય એમ પોલીસનાં કામ કરવાવાળાને દેખાવા લાગ્યું. પોલીસતપાસ નીચે મદનને ન્યાયાધીશની પરવાનગી લઈ રાખવામાં આવ્યો અને નવાઈની વાત તો એ હતી કે મદન શાંતિપૂર્વક તેને માથે જે આરોપ મૂકવામાં આવે તે આરોપનો સ્વીકાર કર્યે જતો હતો. તપાસ કરનાર અમલદારોને પણ નવાઈ લાગે એવી સરળતાથી તેણે ભલભલા ગુના કર્યા છે એમ કબૂલ કરતાં મદને જરા યે સંકોચ સેવ્યો નહિ. ગુના કબૂલ કરાવવાની પોલીસખાતાની શક્તિનો કદાચ તેને પરિચય થયો પણ હોય. એટલે પોલીસ જે માથે નાખે તેની હા પાડવામાં જ તેને તેની પોતાની સલામતી લાગી.

કેદખાનામાં મદનનું વતન આદર્શ હતું. તેની કંઈ માગણી ન હતી; તેને કશો વિરોધ ન હતો. તેની ભાષા સંસ્કારી હતી અને તેની આંખમાં ગુનેગારોને શોભે એવું તેજ કદી પણ ઝબકી જતું નહિ. પોલીસે અંગૂઠાઓની છાપ મેળવી, જૂના ગુનેગારોના ઈતિહાસ તપાસ્યા, શકદારોની યાદીઓ વારંવાર જોઈ નાખી, પરંતુ આટલા આટલા ગુના કબૂલ કરતો મદન અંગૂઠાની છાપમાંથી સજામાંથી તેમ જ શકદારોની યાદીમાંથી સદંતર મુક્ત હતો એ પરિસ્થિતિ પોલીસના અનુભવી અમલદારોને પણ આશ્ચર્ય પમાડતી હતી. અર્ધ પકડાયેલા ગુનાઓ કરનાર ગુનેગારો પણ મદનને ઓળખતા હોય એમ લાગ્યું નહિ. અને મદનની કબૂલાત છતાં મદનને માથે કેટલાક ગુના નાખવામાં આખા ગુનાની સાબિતી ઊડી જાય એવો પણ ભય પોલીસ અમલદારોને લાગવા માંડ્યો.

એથી પણ વધારે નવાઈ જેવી હરકત એ હતી કે મદન સારું ભણેલો માણસ નીકળ્યો. સારું ભણેલો માણસ ગુના ન કરે એવો કોઈ નિયમ નથી; છતાં કોઈ વખત સરકારી નોકરી, કોઈ વખત ખાનગી નોકરી, કોઈ વખત વર્તમાનપત્રના લેખક તરીકેની નોકરી અને કોઈ વાર શિક્ષકની નોકરી, એમ વિવિધ નોકરીઓ કરતા મદનથી આવા આવા ગુના કેમ થઈ શક્યા હશે એવો નવાઈ જેવો પ્રશ્ન તપાસ કરનાર અમલદારની માનસસૃષ્ટિમાં સતત ફરતો રહેતો. તેણે આટલી બધી નોકરીઓ કેમ કરી અને કેમ મૂકી દીધી એ પરિસ્થિતિ મદનને ગુનાની શક્યતામાં હડસેલતી હતી. જોકે જ્યાં જ્યાં એ નોકર હતો ત્યાં ત્યાં પોલીસે તપાસ કરી, છતાં મદન વિરુદ્ધ ખાસ કંઈ જ ફરિયાદ ન નીકળી; માત્ર મદન અવ્યવહારુ, ધૂની અને એકમાર્ગી હતો અને આ દુનિયામાં સફળ થવાની તેનામાં લાયકાત ન હતી એટલી જ વાત આગળ આવતી.

પોલીસ-તપાસ નીચેનું તેનું વર્તન ઉપદ્રવરહિત હતું એ વાત સાચી; પરંતુ ગુનો કબૂલ કરવાની તેની સરળતા અધિકારીઓને માટે ચોંકાવનારી હતી. તેણે કબૂલ કરેલા ગુનામાં તેના તરફથી રજૂ થતી હકીકતોનો મેળ જરા ય પડતો નહિ એટલે તેના જવાબો, સાક્ષી–પુરાવા અને તેના આરોપ સંબંધીના કાગળો બહુ કાળજીપૂર્વક કરવાની સહુને જરૂર પડી. વર્તમાનપત્રોએ મદનને એક આકર્ષક ગુનેગાર તરીકે ચીતરી બતાવ્યો. એની ઉપર મુકદ્દમો ચાલતાં ઘણી ચોંકાવનારી વિગતો મળી આવશે એવા સંભવમાં મદનનું એક અદ્ભુત રસવીંટ્યા મહાગુનેગાર તરીકેનું ચિત્ર જનતાના હૃદયમાં ચીતરાઈ ગયું અને અંતે એને અદાલત સમક્ષ ઊભો પણ કરવામાં આવ્યો.

મદન અદાલતમાં ઊભો થયો અને લોકો ધારતા હતા તેના કરતાં જુદા જ પ્રકારની સનસનાટી ઊભી થઈ. તેનો જવાબ લેવાનો પ્રસંગ આવતાં તેણે દોરડાની ચેારી કબૂલ કરી; પરંતુ તે સિવાયની એક પણ ચોરીમાં તેનો હાથ હોવાની તેણે ઘસીને ના પાડી. તે એક ગ્રેજ્યુએટ હતો એ વાત સાબિત થઈ; પરંતુ આટઆટલી નોકરીઓ છોડી દેવાનાં કારણો આપતાં તેણે અતિશય ચોંકાવનારી હકીકત રજૂ કરી.

મદન મહામુશ્કેલીએ અનેક દુઃખો વેઠી ગ્રેજ્યુએટ થયો. તે એક અતિ સામાન્ય સ્થિતિનો યુવક હતો છતાં ગ્રેજ્યુએટ હતો એટલે તેની ગરીબી ન ગણકારતાં તેને કન્યા આપનાર તેની જ કોમનો એક માણસ તેને મળી ગયો હતો. કદાચ નાત-જાત ન હોત તો તેને આ રીતે પત્ની ન મળત. પત્ની તો મળી; પરંતુ સિફારસ ન હોવાથી તેમ જ કોઈનો ટેકો ન હોવાથી તેને નોકરી મળતાં ઘણો સમય વીતી ગયો. તેની ઉમેદો તો મોટી મોટી હતી. તેને દેશભક્ત થવું હતું, સમાજસેવક થવું હતું, નામના કાઢવી હતી, શોધખોળ કરવી હતી; પરંતુ બે ટંકના ખોરાકની શોધમાં તેની એક્કે ઉમેદ બર આવે તેમ તેને લાગ્યું નહિ. અંતે સરકારી નોકરી મહામુસીબતે મળી; અને ત્યારે તેને લાગ્યું કે નોકરી મેળવતાં અને નોકરી મળ્યા પછી અપમાનના ડુંગર ચારે પાસ ઊંચા અને ઊંચા વધતા જ જાય છે. વગરદોષે તેને માથે ઢોળાતા દોષ અને તેનાં અપમાન અને શિક્ષા ખમતાં ખમતાં તેને એક જ આશ્રયસ્થાન દેખાયું; એ આશ્રયસ્થાન તે તેની પત્ની. એ પત્ની તેના સઘળા દોષને ગણકારતી ન હતી; તેના ઠપકા અને શિક્ષા પ્રસંગે તેને સતત આશ્વાસન આપ્યા કરતી હતી. સતત નિરાશામાં ડૂબતા મદનને સર્વદા પોતાનો હાથ આપી તેનું મસ્તક ઊંચું અને ઊંચું રાખવા મથતી હતી. જીવનમાં મદનને કાંઈ પણ રસ હોય તો તે તેની પત્નીને અંગે હતો. ત્રણચાર વર્ષ વીતી ગયાં અને તેની પત્નીએ કૌટુંબિક જીવનમાં તેને એક બાળક પણ આપ્યું; પરંતુ બાળક આપીને પત્ની માંદી પડી. માંદી પત્નીને જોવા જવા માટે મદને ઉપરી પાસે રજા માગી. રજા આપવાની ઉપરીને સગવડ ન હતી. મદનના કાલાવાલાની અસર પણ ઉપરી ઉપર ન થઈ. ઉપરીની એક જ શરત : નોકરી સાચવવી હોય તો પત્નીની સાચવણી બાજુએ મૂકવી; પત્નીની સાચવણી સાધવી હોય તો નોકરી બાજુએ મૂકવી. મદને રાજીનામુ આપી નોકરીને બાજુએ મૂકી; પરતુ પત્ની તેના આવવાની રાહ જોતી જીવ સંભાળી રહી હતી; મદનને જોઈ તેણે પોતાનો દેહ છોડી દીધો અને સંભારણામાં નાનું બાળક આપ્યું. બાળકને મોસાળમાં સોંપી પત્નીના મૃત્યુનો શોક સમાવી તે ફરી પોષણ શોધવાને નીકળી પડ્યો. પત્ની પ્રત્યે તેને કેટલો પ્રેમ હતો અને પત્નીનું મૃત્યુ તેના આત્માને કેટલું શોષી રહ્યું હતું તે જાણવાની દુનિયાને દરકાર ન હતી. મહામુસીબતે એક ગામમાં શિક્ષક તરીકે તેને નોકરી મળી. વિદ્યાર્થીઓને તે પ્રિય થઈ પડ્યો; પરંતુ વિદ્યાર્થીઓને પ્રિય થઈ પડનાર શિક્ષક બીજા શિક્ષકોને પ્રિય થઈ પડતો નથી એની તેને ખબર નહિ, એટલે તેના સહશિક્ષકો અને તેના ઉપરીઓ તરફથી તેણે કલ્પેલી નહિ એટલી સતામણી થવા માંડી; અને જ્યારે શાળાઓના મહારાજા ઈન્સપેક્ટરનું રહેવાનું અને જવા-આવવાનું ભાડાખર્ચ તેને માથે નાખવાનો પ્રયત્ન થયો ત્યારે તેને લાગ્યું કે વિદ્યાવર્તુળમાં કલિયુગનું પૂરું ઝેર પ્રસરી ચૂક્યું છે અને શિક્ષકની નોકરી માટે તે લાયક નથી. તેણે શિક્ષકની નોકરી છોડી દીધી.

લખવા-વાંચવાનો તેને શોખ હતો, એટલે તેણે ધાર્યું કે લોકહિતનો મુદ્રાલેખ લઈ બેઠેલાં વર્તમાનપત્રોમાં તેના જેવા સાચા માણસને જરૂર સ્થાન મળશે. ખૂબ રખડપટ્ટી કરી થોડા દિવસ મફત કામ કરી તેણે વર્તમાનપત્રમાં જગા મેળવી. મહિનો, બે મહિના,છ મહિના, વર્તમાનપત્રમાં પોષણ મેળવતાં તેને લાગ્યું કે વર્તમાનપત્રોને પણ ખબર અંગે, વિચારને અંગે અને રાજનીતિને અંગે ભાગ્યે જ સત્ય જેવી વસ્તુ સ્પર્શી શકે છે. મદનને સત્ય લાગતું હતું એ સત્ય એ આપ્યે જતો હતો, પરંતુ સત્ય આપવાની લઢણ એના કોઈ પણ ઉપરીને માફક આવતી નહિ; અને એ લઢણ એ ચાલુ રાખે તો તેનો વર્તમાનપત્રને જરા ય ખપ નથી એવી તેને સમજ આપી દેવામાં આવી. એ સમજથી ન સુધરેલા મદનને અંતે રજા મળી. તેના સારા અક્ષરોને અંગે તેણે મહામુસીબતે એક વેપારી પેઢીમાં સ્થાન મેળવ્યું. વેપારી પેઢીમાં પ્રવેશ કરતાં બરાબર તેને લાગ્યું કે હૃદયને ગૂંગળાવી નાખ્યા સિવાય, કહો કે મારી નાખ્યા સિવાય તેનાથી એ પેઢીમાં નોકરી થઈ શકે જ નહિ. તેને હસતા તેના સાથીદારોએ તેને શિખામણ આપી કે એક પેઢી અને બીજી આ પેઢી વચ્ચે કશો જ તફાવત નથી, અને હૃદયને જાળવનાર માટે આ દુનિયામાં સ્થાન જ નથી.

મદને ઈન્સ્યોરન્સ કંપનીઓ શોધી, બેંક શેાધી, ધર્મસ્થાનો શોધ્યાં, છતાં કોઈ પણ સ્થળે સત્યનો ખપ હોય એમ તેને લાગ્યું નહિ. ઈશ્વર ઉપર તેને શ્રદ્ધા હતી. છેલ્લી નોકરી છોડી તે પોતાની ઓરડીમાં આવી બેઠો અને ઈશ્વર ઉપર અને ઈશ્વરને ચરણે તેણે પોતાના સત્યને મૂકી દીધું. ઈશ્વર હોય અગર આ દુનિયાને સત્યની જરૂર હોય તો આપોઆપ તેને જીવતાં રહેવાની સગવડ મળશે એમ માની તે ઘરમાં જ બેસી રહ્યો. ઘરમાં કાંઈ પણ ખાવાનું હતું નહિ. એક દિવસ તેને ભૂખ ન લાગી; બીજે દિવસે તેના દેહે પોષણ માગ્યું. પાણીથી તેણે ભૂખને સંતોષવા પ્રયત્ન કર્યો. અર્ધો દિવસ તે પાણીથી ટકી રહ્યો. પણ રાતમાં ઈશ્વર ઉપરની તેની શ્રદ્ધા ઓછી થઈ, સત્ય ઉપરથી તેની આસ્થા ઘટી ગઈ અને તેને ચોરી, લૂંટ, મારફાડ, અને ખૂનના વિચારો આવવા લાગ્યા. આખી રાત આવા વિચારોમાં તેણે વિતાવી અને ઈશ્વરને અને સત્યને તેણે વારંવાર સહાયે આવવા હાકલ કરી. ન ઈશ્વર તેને દેખાયો, ન સત્ય તેને દેખાયું. ભૂખથી વ્યથિત થયેલો મદન પ્રભાતમાં ઓળખીતા વ્યાપારીને ત્યાં ખોરાકની વસ્તુ લેવા ગયો અને તેણે ભૂલથી કહ્યું કે માલની કિંમત તે બીજે દિવસે આપી શકશે. ઓળખીતા વેપારીએ હસીને ઉધાર માલ આપવાની ના પાડી. એક ઓળખીતાને ત્યાં જઈ તેણે પાંચ રૂપિયા ઉછીના માગ્યા; તે જ દિવસે એ ઓળખીતાના બધા પૈસા ખલાસ થયા હતા અને ચારઆઠ આના શોધવાની વેતરણમાં એ ઓળખીતો જાતે જ પડ્યો હતો. આખો દિવસ તેના દેહે તોફાન કર્યું. તોફાન કરી રાત્રે તેનો દેહ થાકી ગયો અને મધરાત પછી મદનને એમ લાગ્યું કે આવા નિરર્થક, નિર્માલ્ય, શબવત્ બની ગયેલા દેહને હવે તે ક્ષણભર ટકાવી રાખી શકશે નહિ. છતાં દેહ આત્માને છેડતો ન હતો. પ્રભાતની એક ઠંડી લહર આવી. તેના આત્માએ દેહને દૂર કરવા માટે સહજ બળ મેળવ્યું અને તેણે ઘર બહાર પગ મૂક્યો. દસ ડગલાં આગળ વધ્યો નહિ હોય એટલામાં મદને પડોશીના ઓટલા ઉપર એક દોરડું પડેલું જોયું. દેહને દૂર કરવાનો સફળ માર્ગ એમાં તેને દેખાયો. પડોશીના ઓટલા ઉપરથી તેણે દોરડું ઉપાડ્યું, પોતાની ઓરડીએ આવી ઉપરની ખીંટીએ દોરડું બાંધ્યું અને પોતાના ગળાને માફક આવે એ ગાળો કરીને દોરડા ઉપર લટકી જવાની તૈયારી કરતો હતો ત્યાં જ તેના પડોશીઓએ આવી તેને ચોર તરીકે જગતમાં જાહેર કર્યો. આ માનવીને દુનિયામાં આપઘાત કરવા માટે પણ દોરડું મળ્યું નહિ–પોષણ મળવાની વાત બાજુએ રહે તોપણ !

'એટલે, સાહેબ ! મને જ્યાંથી મળતું હોય ત્યાંથી દોરડું ઊછીનું આપો. મારા મૃત્યુ પછી મારું રુધિર ધોઈને એ દોરડું ફરી ઉપયોગમાં લઈ શકાશે.' મદને ન્યાયાધીશને કહ્યું.

ગંભીર બની ગયેલી અદાલતમાં, ગંભીર બની ગયેલા ન્યાયાધીશે જરા શાંત રહી ગંભીરપૂર્વક કહ્યું :

'મદનલાલ ! હું તમારે માટે દિલગીર છું, પરંતુ તમારે માથે હજી એક વધારે આરોપ મૂકવો પડશે એમ મને ભય છે.'

'આપ મૂકી શકો છો. હવે આ દુનિયામાં મને કશી નવાઈ લાગતી નથી. હવે કયા આરોપની શિક્ષા માટે મારે તૈયારી કરવાની છે?' મદને કહ્યું.

'આપઘાતની કોશિશ એ પણ એક ગુનો છે, જેની સજા માટે તમારે તૈયાર રહેવું પડશે.' ન્યાયાધીશે ગંભીરતાપૂર્વક કહ્યું.

'જે દુનિયા પોષણ ન આપે એ દુનિયાને છોડવી એ પણ ગુનો ! એમ?' મદને પૂછ્યું.

'તમે દુનિયા છોડી શક્યા હોત તો તમને સજા ન થાત, પરંતુ દુનિયા છોડવાની કોશિશ એ અમારા કાયદા મુજબ ગુનો છે.' ન્યાયાધીશે કહ્યું.

'તો ન્યાયાધીશ સાહેબ ! હવે મને એવી સજા આપો કે આ દુનિયાથી સંદતર હું દૂર થઈ જાઉં અને આ માનવતાહીન દુનિયા પર મારી દ્રષ્ટિ પણ ન પડે.'

'એ તો ગુનાના પ્રમાણમાં શિક્ષા થઈ શકે.'

'ન્યાયાધીશ સાહેબ ! હવે મને જિવાડશો તો તમારા ફોજદારી કાયદામાં લખ્યા હશે એટલા બધા ય અને તે ઉપરાંતના તમારે નવા કાયદા રચવા પડે એવા વધારે ગુના કરનારા એક માનવ દુશ્મન તરીકે હું તમારા શિક્ષાખાનામાંથી બહાર નીકળીશ, એટલું યાદ રાખશો.' મદને તેનામાં કદી ન આવેલો જુસ્સો લાવી કહ્યું.

મદનને અનેક શિક્ષાઓ થઈ અને વર્ષો પછી તે કેદખાનામાંથી છૂટ્યો પણ ખરો. પણ જે ગુના પકડાતા નથી તે મદન જ કરતો હશે તેમ પોલીસના અમલદારો હવે માનવા લાગ્યા.