← સત્યની કલ્પના દીવડી
પાઘડી વગરનું ઘર
રમણલાલ દેસાઈ
૧૯૫૪
આદર્શઘર્ષણ →








પાઘડી વગરનું ઘર

કિશોરની બદલી મુંબઈ થઈ.

મુંબઈનું મહત્ત્વ બહુ વધારે. મુંબઈમાં રહેતાં આપોઆપ બીજા સર્વ કરતાં વધારે ચબરાક થાય જ; એમ મુંબઈમાં રહેનાર તો માને જ; પરંતુ મુંબઈમાં ન રહેનાર પણ માને છે ! મુંબઈનો શેઠ મુંબઈમાં ન રહેતા કોઈ પણ શેઠ કરતાં વધારે મોટો હોવો જ જોઈએ. એટલે ઘણા ઘણા ધનિકો જરૂર હોય કે ન હોય તો ય મુંબઈનિવાસ કરે જ છે. મુંબઈમાં કામ કરતો અમલદાર હિંદમાં બીજે કામ કરનાર કોઈ પણ અમલદાર કરતાં વધારે બાહોશ હોવો જ જોઈએ. મુંબઈનો વિદ્યાર્થી એટલે બીજા કોઈ પણ સ્થળના વિદ્યાર્થી કરતાં વધારે પ્રગતિશીલ–વસ્ત્રાભૂષણમાં, અભ્યાસમાં અને સમાજમાં પણ ! મુંબઈમાં વસતી નારી દેશમાં બીજે કોઈ પણ સ્થળે વસતી લલના કરતાં વધારે જ મોહક હોય ! મુંબઈનો ઘોડાગાડીવાળો, શોફર કે રસોઈયા બીજ કાઈ પણ સ્થળના ગાડી ચલાવનાર, શોફર કે રસોઈયા કરતાં વધારે કાબેલ હોવાના જ. પછી મુંબઈનો જુગારી, ખિસ્સાકાતરુ, ઠગ કે લૂંટારો આખા હિંદના સમવ્યવસાયીઓમાં ગુરુપદને પામ્યો હોય એમાં નવાઈ જ શી ? અરે મુંબઈનો વકીલ, ડૉકટર, પત્રકાર, ભિખારી અને કમ્યુનિસ્ટ પણ પોતાને અન્યની સરખામણીમાં શ્રેષ્ઠ સ્થાને મૂકે છે, અને મુંબઈ બહારની દુનિયા એ શ્રેષ્ઠતા નમ્રતાપૂર્વક બે હાથ જોડીને કબૂલ પણ રાખે છે.

એ મહાન મુંબઈમાં કિશોર આવ્યો. સરકારી નોકરીમાં નોકરને જ્યાં મોકલે ત્યાં જવું પડે. પછાત દેશી રાજ્યોની પ્રજાને મુંબઈગરા વહીવટની શ્રેષ્ઠતાનો સ્વાદ ચખાડતી મુંબઈની શ્રેષ્ઠ સરકાર, અંધકારભર્યા દેશી રાજ્યોના અમલદાર કે નોકરીના પછાતપણાને ખંખેરી નાખવા તેમની મુંબઈ બદલી કરે એમાં વાંધો કાઢી શકાય એમ છે જ નહિ. મુંબઈની મુશ્કેલીનો વિચાર કરી એ દક્ષ સરકાર ઘરભાડું નોકરને આપી પોતાના અંતઃકરણને સ્વચ્છ રાખે છે. નોકરને એટલા ભાડામાં ઘર મળે છે કે નહિ એ જુદો પ્રશ્ન છે.

કિશોરને પણ મુંબઈમાં થયેલી નિમણુક ગમી. દરિયો, ચોપાટી, જૂહુ, સિનેમા, હોટેલ અને હેન્ગીન્ગ ગાર્ડન્સ જેવાં આકર્ષણ મુંબઈનું નામ દેતાં બરોબર આંખ આગળ ખડાં થાય છે – બીજાં આકર્ષણ બાદ કરીએ તો ય. કિશોરે મુંબઈ તળમાં તેમ જ પરામાં રહેતા બેત્રણ મિત્રોને અને બેત્રણ સગાંસંબંધીઓને પત્ર લખ્યા અને પોતાના આગમનની ગાડી તથા સમય પણ જણાવ્યાં.

મુંબઈમાં મહેમાનના સમાચાર અને મોતના સમાચાર સરખા ગણાય છે એની પૂરી ખબર કિશોરને ન હતી. ઘેરથી નીકળતી વખતે એને ત્રણચાર તાર મળ્યા — જેનો ઉદ્દેશ એક જ હતો કે કિશોરનો સમાવેશ એ મિત્ર કે સગાંના મકાનમાં થઈ શકે એમ ન હતું. કાં તો મિત્રની સ્ત્રી માંદી પડી ગઈ હોય, સંબંધીનાં મા-બાપ અને ભાઈભત્રીજા એકાએક આવી પહોંચ્યાં હોય, મુંબઈ જરૂરી કારણસર તેને છોડવું પડ્યું હોય કે કાં તો સુધરાઈએ તેનું ઘર ખોદી નાખવા માંડ્યું હોય ! છતાં નોકરી સાથે રમત તો ન જ થાય, હિંમત ધારણ કરી તે એક નાનકડી બૅગ લઈ નીકળ્યો. હજી એક સંબંધી મિત્રે તેને હા કે ના જણાવતો પત્ર કે તાર મોકલ્યો ન હતો એટલે તત્કાળ એને ઘેર ગોઠવણ કરી બીજા મકાનમાં ચાલ્યા જવાશે એમ તેને ખાતરી હતી. એ મિત્રનું સરનામું પણ કિશોર જાણતો હતો અને તેનું ઘર પણ તેણે જોયું હતું.

મુંબઈમાં નોકરી કરવી, કેમ રહેવું, કેમ ઘર શેધવું, નોકરીમાં તેમ જ સમાજમાં આગળ કેમ વધવું, ઘરમાં ફર્નિચર કેટલું ક્યારે ક્યારે વસાવવું, હાલમાં જ થયેલાં લગ્નને પરિણામે મળેલી પત્નીને ટૂંકામાં ટૂંકા સમયમાં કેમ લાવવી, એવા એવા અનેક રસિક વિષયોમાં મનને પરોવી આનંદની ઊર્મિએ ઊડતો કિશોર રાત્રિના દીવા થતાં બરોબર મુંબઈ આવી પહોંચ્યો. નવાઈની વાત તો એ હતી કે જે સંબંધી મિત્રે તેને જવાબ આપ્યો ન હતો તે એને લેવા માટે સ્ટેશન ઉપર હાજર હતો. તેણે આ મિત્ર માટે રાખેલી ખાતરી સાચી પડી. એકાદ મિત્ર પણ સારો ન નીવડે એટલી બધી દુનિયા હજી ખરાબ થઈ ગઈ નથી !

આનંદપૂર્વક બનને મિત્રો મળ્યા, ખબરઅંતર પૂછી અને સ્ટેશનની બહાર બને જણે આવી એક 'ટેકસી' ભાડે કરી લીધી. મુંબઈમાં રહેવાની પાત્રતા મેળવવી હોય તો 'ટેકસી'માં બેસવાનો આગ્રહ જરૂર રાખો.

'સારું કર્યું તું સામાન વધારે ન લાવ્યો તે.' મિત્રે કિશોરને કહ્યું.

'ધીમે ધીમે લવાશે. શી ઉતાવળ છે ?' કિશોરે કહ્યું.

'સરસામાનની ઘેલછા આપણા લોકોમાં જેટલી છે એટલી બીજે ક્યાંયે નથી.' મિત્રે કહ્યું.

'પણ આ ટેક્સી આમ કેમ લે છે?' કિશોરે જોયું કે ટેક્સી મિત્રના ઘરની બાજુએ જવાને બદલે સામી બાજુએ વેગપૂર્વક વહી જતી હતી.

'તારે માટે મેં ખાસ સારી સગવડ કરી છે.' મિત્રે કહ્યું. અને જોતજોતામાં કિશોરને ખબર પણ પડી ગઈ કે એ સારી સગવડ એક ઠીક ઠીક મોંઘા વિશ્રાંતિગૃહમાં કરેલી હતી ! મહામુસીબતે રહેવા માટે મળેલી દોઢ મારડીમાં એકાએક પાંચછ મહેમાન આવી ચઢ્યા હતા એટલે સાતમાં મહેમાન કિશોરનું શરીર તો શું પણ તેનો શ્વાસ સુધ્ધાં મિત્રની ઓરડીમાં પ્રવેશી શકે એવી સ્થિતિ ન હોવાથી કિશોરનું સુખ વિચારી કિશોરને અને મુંબઈને શોભે એવા વિશ્રાંતિગૃહમાં, મહામુશ્કેલીએ, જગા ન હોવા છતાં પોતાની લાગવગ વાપરી કિશોરને રહેવા માટે મિત્રે સ્થાન મેળવ્યું હતું.

મહિને જમવા રહેવાનો ખર્ચ માત્ર દોઢસો રૂપિયા જ હતો !

અને કિશોરનો પગાર પણ માસિક દોઢસો રૂપિયાનો હતો. ઘરભાડું અને મુંબઈનિવાસનું ભથ્થું વધારાનું !

એટલે કિશોરમાં આવડત હોય તો એ રકમ બચાવી શકાય. પરંતુ મુંબઈના ઉચ્ચ જીવનધોરણમાં એથી ચારગણી રકમ મળતી હોય તો ય તે બચાવી શકાય એમ ન હતું. છતાં ઉદાર મિત્રે તેને માટે કરેલી સગવડનો તાત્કાલિક લાભ લીધા વગર તેને ચાલે એમ ન હતું. વિશ્રાંતિગૃહમાં રહેતાં રહેતાં તેણે મુંબઈનાં લંબાણો ટ્રામ, બસ અને અંતે પગથી માપવા માંડ્યાં. દૂર દૂર આવેલી કચેરીમાં કામ કરવા માંડ્યું. જે કામ મુંબઈની અતિ દક્ષ કચેરીઓના મહાનિષ્ણાત પ્રધાનોની ચાંપતી દેખરેખ નીચે છ કલાકને બદલે કદી કદી દસ કલાક જેટલું પણ લંબાઈ શકતું હતું – અને તેમાંથી મળતા સમયમાં તેણે ઘર શોધવાનો ભગીરથ પ્રયાસ શરૂ કર્યો.

મુંબઈમાં ઈશ્વર શોધવો અને ઘર શોધવું એ બન્ને સરખાં મુશ્કેલ લાગે છે. કદાચ મુંબઈમાં માનવીને ઈશ્વર મળે – જેના ઉપર ગીરો-વેચાણની રમત પણ થાય અને સટ્ટો પણ રમાય - પરંતુ ઘર મળે તો જાણવું કે તેને ઈશ્વર કરતાં પણ મોટી સિદ્ધિ પ્રાપ્ત થઈ. એનો અર્થ એમ નહિ કે મુંબઈમાં ખાલી મકાનો, બંગલાઓ, મહેલો કે ઓરડા ઓછા છે; પણ તે મેળવવાનું કામ સ્વરાજ્ય મેળવવા કરતાં પણ અઘરું છે. મહેલ કે બંગલા તો કિશોરે બાદ જ કરવાના રહ્યા. માત્ર મહેલ જેવા દેખાતા માળાઓનાં કબૂતરખાનામાં જ તેણે એકાદ ઓરડી કે છજું શોધી કાઢવાનું હતું.

અને તેને સદભાગ્યે ભારે ચઢઊતરને અંતે એક ઘર મળ્યું પણ ખરું. એક મકાનના પાંચમા માળની ઉપર આવેલી અગાશીમાં જવાની સીડીને છેડે થોડા પડદા ગોઠવી ખુલ્લી જગામાં ઓરડીની સીનસિનેરી કોઈ દયાળુ મહેતાજીએ ઊભી કરી હતી, અને તે તકલાદી બનાવટી ઓરડી મહામુસીબતે ભાડે આપવા તૈયાર થયા. ઘરહીન ભટકતા યુવાનો પ્રત્યે તેને ઘણી દયા ઊપજતી હતી એટલે, અને માળાની આખી વ્યવસ્થા, તેના હાથમાં હોવાને લીધે આટલી સગવડ એ વધારી શક્યો હતો એ ઓરડીનું ભાડું મહિનાની શરૂઆતમાં જ પચાસ રૂપિયા જેટલું હળવું લેવાનું હતું. માત્ર એ ઓરડીમાં રહેવાની સગવડ કરી આપવા માટે મહેતાજીને ખુશબખ્તીમાં રૂપિયા પાંચસો એકની પાઘડી આપવાની શરત એમાં પહેલી જ રાખવામાં આવી હતી.

વિશ્રાંતિગ્રહ કરતાં આર્થિક દૃષ્ટિએ આ પડદા પોશ ઓરડીમાં વધારે વિશ્રાંતિ મળે એ કિશોરને સંભવ લાગ્યો. ખુલ્લી અગાશી તો પાસે હતી જ. અને ઓરડી જોકે ઘણી નાની કહેવાય, છતાં પતિ પત્નીની એકતા નાની ઓરડીમાં જ વધારે સિદ્ધિ પામે એમ તેને દેખાયું. લલિતજીએ એક કાવ્ય લખ્યું છે જેમાં આપેલી એક સાખી જાણે મુંબઈના માળાનો અનુભવ લઈ લખી હોય એમ લાગે છે :

"સોહં સોહં સતી રટે, સાહં, સાહં કંથ.”

મુંબઈના માળાઓમાં રહેતી સતીઓના શ્વાસમાં બે સીઢી ચઢતાં 'સોહં સોહં' ના પરમ પવિત્ર શ્વાસેહ્વાસ આપોઆપ ઊઘડી આવે છે, અને તેમના કેસરભીના કંથો તો પહેલા જ માસથી 'સાહં સાહ'નો મંત્ર જપતા ચાલે છે; એક માત્રાનો ભાર પણ તેમનાથી સહન થઈ શકતો નથી !

પતિ પત્નીની એકતા એટલે સાચો આર્ય આદર્શ ! જેમ ઓરડી નાની તેમ પતિ પત્નીની એક્તા વધારે ગાઢ બનતી જાય છે. તે એટલે સુધી કે ઘણી વાર ટુકડી ઓરડીમાં રહેતાં પતિપત્નીની ચર્ચા અર્ધ નારી-નટેશ્વરની કલા-કલ્પનાને આકાર પણ આપી રહે છે ! મુંબઈના માળાઓ રચી ધનિકોએ આર્ય આદર્શનો સાચો પાડવા કરેલે સતપ્રયત્ન ઐતિહાસિક ગણાવો જોઈએ.

કિશોરને પત્ની વગર રહેવું બહુ દુઃખભર્યું લાગતું હતું, એટલે તેણે પત્નીની સંમતિ પત્ર દ્વારા માગી અને સંમતિ ઉપરાંત પાઘડીની રકમ તેની પાસે ભેગી થયેલી ન હોવાથી પલ્લાની રકમમાંથી એ સગવડ કરી આપવા તેણે વિનતિ કરી – જે ટૂંક સમયમાં કિશોર ભરપાઈ કરી આપવાને ઈન્તેજાર હતો ! લગ્નના પ્રથમ વર્ષમાં પતિપત્નીને પરસ્પરમાં એટલો વિશ્વાસ અને એટલી શ્રદ્ધા હોય છે કે તેઓ એકબીજા માટે જીવ પણ આપવાની તૈયારી બતાવી શકે છે; વર્ષો થાય તેમ તેમ વિશ્વાસ ઘટતો જાય છે એ જુદો પ્રશ્ન છે. કિશોરની પત્નીએ નાની તો નાની પણ સ્વતંત્ર કહી શકાય એવી ઓરડી તત્કાળ લઈ લેવા સંમતિ આપી, પાઘડીના પાંચસો એક રૂપિયા પોતાના પલ્લાની રકમમાંથી ઉપાડી તત્કાળ મોકલ્યા અને મુંબઈ આવી પતિ સાથે રહેવાના સ્વપ્ન તેણે સેવવાં શરૂ કર્યા.

રૂપિયા હાથમાં આવતાં બરોબર તે માળાના મહેતાજીને મળે. મહેતાજીએ કહ્યું :

'ભાડાની રકમ પહેલી લાવો, એટલે ઓરડી તમારી. સામાન બહુ તો નથી ને?'

'ના ના, હમણાં તો એક નાની બૅગ લઈને જ હું મુંબઈ આવ્યો છું.' કિશોરે કહ્યું. 'હરકત નહિ. નાનું ગોદડુ વસાવો ત્યાં સુધી હું તમને પાથરણું આપીશ. મુંબઈમાં ગભરાવું નહિ, મારા શેઠ ! અને... પાઘડી વગર માળામાં પેસાશે નહિ. મહેરબાન ! સાચી વાત કહી દઉં !' છેલ્લાં વાક્યો બહુ જ ધીમેથી પણ અત્યંત મક્કમપણે મહેતાએ કહ્યાં.

'એ તો હું લઈને જ આવું છું. આજ રાત્રે અહીં જ સૂવાનું ! મહેતાજી !' કહી ઉત્સાહભર્યો કિશોર પોતાના વિશ્રાંતિગૃહમાં ગયો. પૂરો મહિનો હજી થયો ન હતો. છતાં મિત્રે કરેલી સગવડ અનુસાર મહિનાનું પૂરું ભાડું અને ખોરાકખર્ચ કિશેરે આપી દીધા, અને વિશ્રાંતિગૃહના માલિકને તેણે કહી દીધું કે આજની રાતથી તે બીજે સ્થળે રહેવા જવાનો છે...માલિકને એમાં જરા ય હરકત ન હતી. કિશોરના દેખતાં તેની ઓરડીનો ખાટલો તેણે બીજા અરજદારને આપી દીધો.

બૅગ હાથમાં લઈ તેણે નવી ઓરડી તરફ જવા માંડ્યું. રાત્રિનો સમય હતો. એકાદ ટ્રામ, એકાદ બસ, એકાદ લોકલ પકડતાં પકડતાં તે પોતાને માટે ચૂંટી કાઢેલી એારડીઓવાળા માળામાં આવી પહોંચ્યો. રસ્તામાં એક સાદડીઓ વેચતા મોપલા પાસેથી એક ચટાઈ પણ તેણે ખરીદી ઘર માંડવાની શુભ શરૂઆત કરી દીધી. હતી. હાથમાં બૅગ, બગલમાં ચટાઈ અને વિલાયતના પ્રધાનને શોભે એવો પોશાક એ ત્રણેનું મિલનદશ્ય મુંબઈમાં અશક્ય નથી

'શું મારા મહેરબાન ! હવે આવો છો તે?' મુનીમની ઓરડીમાં જતા બરોબર કિશોરને મુનીમે ધમકાવ્યો.

'કેમ એમ? કહ્યા પ્રમાણે રાત્રે આવ્યો છું.' જરા ચમકી કિશારે કહ્યું.

'રાત હમણાં પડી લાગે છે તમને? મુંબઈમાં એમ ન ચાલે, શેઠિયા ! એ તો એક પલાંઠીએ સોદો કરીને ઊઠીએ તો જ સોદો સાચો. તમારી કેટલી રાહ જોઈ ! પછી હું ક્યાં સુધી ખોટી થાઉં?' ‘પણ તમે કહેવા શું માગો છો, મહેતાજી? તમારું ભાડું તમે પહેલાં લેતા પરવારો... અને તમારી પાઘડી પણ....'

'પાઘડીની બૂમ પાડશો તેથી મુંબઈનો કોઈ ઘરમાલિક ગભરાશે નહિ. તમે તો પાંચસો એક આપવાના હતા... પણ મને છસોં એક આપનાર મળ્યો. ઓરડીનો કબજો પણ અપાઈ ગયો.' મુનીમે સમાચાર કહ્યા.

'તમે માગ્યા હોત તો હું તમને છસો એક આપત.'

'માગવા તાગવાની વાત આપણી પાસે નહિ. તમારી રાહ તો જોઈ.. પણ... હવે બીજી ઓરડી ખાલી થાય ત્યારે વાત.' મુનીમે સહેજ પણ સંકોચ વગર કહ્યું.

'પણ મારે હવે અત્યારે શું કરવું ?'

'જ્યાંથી આવ્યા. ત્યાં પાછા જાઓ.'

'એ જગા ખાલી કરીને હું આવ્યો, અને મારા દેખતાં જ એ અપાઈ ગઈ. હવે જવું ક્યાં ?'

'અરે, આખું મુંબઈ પડ્યું છે ! સિનેમાનાટક જુઓ, જરા દરિયે ફરો....' કહી મુનીમ હસ્યો.

કિશોરને અત્યંત ક્રોધ ચડ્યો...મુનીમને પીંખી નાખવાની તેને ઈચ્છા થઈ. એના તરફ બૅગ છૂટી ફેંકવાની તેના હાથે તૈયારી કરી પણ એમાંની એક ઈચ્છા એ પૂર્ણ કરી શક્યો નહિ. એને બદલે બગલમાં લીધેલી ચટાઈ કિશોરે જમીન ઉપર પટકી અને તે મુનીમની ઓરડી બહાર નીકળ્યો. એની જ સાથે બહાર નીકળેલા એક માણસે તેને આશ્વાસન આપ્યું :

'તમારું નસીબ સારું માનો કે તમારી પાઘડીની રકમ હજી રહી છે. નહિ તો એ પણ જાત અને ઓરડી પણ જાત...આ તો મુંબઈ છે !'

મશ્કરીભર્યું આશ્વાસન આપનારને ધોલ લગાવી દેવા ઊપડેલા હાથને અટકાવી કાંઈ પણ બોલ્યા વગર તેણે આગળ ડગલાં ભર્યા.

'આ મુંબઈ?' તેના હૃદયમાં આખા મુંબઈ માટે સખત તિરસ્કારની જવાલા પ્રગટી ઊઠી. એની નજરે પડતું એકેએક ઘર તેને તોડી પાડવા યોગ્ય લાગ્યું. ક્રોધે એના ભાનને પણ ભૂલાવ્યું. એના પગ ઊપડતા ઊપડતા ક્યાં જતા હતા તેનું પણ એને જ્ઞાન રહ્યું નહિ. હવે તેને યાદ આવ્યું કે મુંબઈમાં હજારો માનવીઓ સડક ઉપરના પગરસ્તા ઉપર પડી રહે છે એમ તેણે ઘણી વાર વાંચ્યું હતું. વાંચતી વખતે એ હકીક્ત વાંચીને ભૂલી જવા જેવી લાગી હતી. આજ એ સત્ય તેને હસતું તેની સામે ઊભું રહ્યું... અને તે એની નજર આગળથી ખસતું ન હતું.

નોકરી છોડી મુંબઈની બહાર ભાગી જવાની તેને વૃત્તિ થઈ આવી. પરંતુ ભણેલા ગરીબ અને મધ્યમવર્ગીય યુવકો નોકરી છોડે તો બીજુ કરી શું શકે? બીજાઓના આપેલા કે બીજાઓએ ટેકવેલા પગ ઉપર ઊભા રહેનાર સ્વસ્થ અને સુખી માનવીઓ સારી રીતે કહી શકે કે યુવકોએ પોતાના પગ ઉપર ઊભાં રહેતાં શીખવું જોઈએ. એ કહેનારાઓ કિશોરની સ્થિતિમાં મુકાય તો? આખા મુંબઈના મહેલો, માળાઓ, બંગલાઓ, વીલાઓ, ફ્લેટો, ફ્લેટો અને કુટિરોને ફૂંકી સળગાવી મૂકવામાં આવે તો ઘર વગર ફરનારની હાલતનો સહુને ખ્યાલ ન આવે ? એ સમાજરચના કેવી કે જેમાં માનવીને ઘર ન મળે? એ સમાજના ઘડવૈયા કેવા કે જે માનવીને એક ખૂણો પણ રહેવા માટે આપી શક્તા નથી ? એ વહીવટદારો અને અમલદારો જે પારકાં ઘર પડાવીને પણ રહેવાની સગવડ મેળવી શકે છે તેમને એક એક અઠવાડિયું જ ઘર વગર રહેવાની સજા કરી હોય તો મુંબઈની ઘરસમસ્યા જરા વહેલી ન ઊકલે? પરંતુ કિશોરને સુઝી આવતા ઇલાજોને અમલમાં મૂકવાની તેનામાં સત્તા પણ ન હતી અને આવડત પણ ન હતી. કોણ જાણે કેમ તેના પગ તેને એક સાર્વજનિક બગીચામાં લઈ આવ્યા હતા;જ્યાં ઓરડીવિહીનોની સ્થિતિ કેમ સુધરે તેની અનેકાનેક યોજનાઓ ઘડતો કિશાર થાકીને ઊંઘરેટો બની પગ લંબાવી રહ્યો હતો.

એટલામાં એક પોલીસ સિપાઈએ સૂતેલા કિશોરનો ખભો થાબડ્યો અને કહ્યું :

'ઊઠો જવાન ! હવે અહીં નહિ સુવાય.'

કિશોરે કાંઈ પણ જવાબ ન આપતા પાસું ફેરવ્યું; પરંતુ પોલીસે બીજો ખભો વધારે જોરથી હલાવી કહ્યું :

'ચલ, ભાઈ ! ચલ; જલદી કર.'

'નહીં ઊઠતા' કિશોરનો ગુસ્સો આકાર લઈ રહ્યો. પોલીસ સિપાઈએ મજબૂત રીતે કિશોરને બેઠો કરી દીધો, તેને હલાવી નાખ્યો અને કહ્યું :

'જલદી ઘરભેગો થઈ જા.'

'ઘર હોય તો ને? ઘર બતાવ! પછી જાઉં.' કિશોરે કહ્યું અને તેના અત્યંત શ્રમિત દેહે ઊંઘમાં ડૂબકી મારવા ઝોલો લીધો.

'દારૂબંધી છતાં છાકટાપણું ન ગયું ! ચાલ, ઘર બતાવું.' કહી પોલીસ-સિપાઈએ કિશોરને બળપૂર્વક ઊભો કરી દીધો, અને તેને આગળ ઘસડ્યો.

'કોને છાકટો કહે છે?' કિશોરને બહુ ખોટું લાગ્યું. દવામાં પણ તેણે હજી સુધી દારૂનું ટીપું પીધું ન હતું, પરંતુ ઊંઘ, થાક, માનસિક ઉગ્રતા અને લાચારી ભેગાં મળતાં માનવીને દારૂડિયા જેવો જ બનાવી મૂકે છે.

'તને નહિ, દોસ્ત !' કહી પોલીસે તેને વધારે બળથી આગળ ઘસડ્યો. દારૂ પીનાર માણસ દારૂ પીધા પછી પોતે પીધેલો નથી એમ પૂરવાર કરવા ભગીરથ પ્રયત્નો કરે છે એની સિપાઈને ખબર હતી. બાગના દરવાજા પાસે કિશોરને લાવી સિપાઈને તેને ઠીકઠીક ધક્કો લગાવ્યો અને બાગની બહાર કાઢી તે બોલ્યો :

'ભામટો !'

લથડિયું ખાઈ ગયેલા કિશોરને વિચાર આવ્યો કે તે કોઈ સ્વપ્નમાં તો નથી? તેની બૅગ તેની પાસે જ હતી. અંધકારમાં અજવાળાનાં ધાબાં પાડતી રાત્રિ તેના આખા સંસારને સ્વપ્નનું સ્વરૂપ આપતી હતી. ઘરવિહીન બન્યો. છાકટો મનાયો અને ભામટાનું સંશોધન પામ્યો ! સ્વપ્ન હોય તો ય સારું ન જ કહેવાય.

તેણે આગળ પગલાં ભર્યા. માણસોની અવરજવર અત્યાર ઘણી ઓછી હતી. કોઈ ખૂણામાંથી દેશભક્ત નેતાના દેશી ઢબનાં પણ સરસ કપડાં પહેરેલો એક મજમૂત માણસ તેની પાસે આવ્યો અને અત્યંત લળીને, ખુશામજાજ પૂર્વક સુંદર સ્મિત કરતાં તેણે કિશોરને સુંદર હિંદુસ્તાની આઘાત સહ પૂછ્યું :

‘આપકો.... નુમાઈશ ચાહીએ ?'

'એટલે? મારે તો આજની રાત સૂવા માટે સ્થાન જોઈએ.' નુમાઈશનો અર્થ ભોમિયો થાય છે એટલું પણ હિંદુસ્તાની જાણનાર કિશોરે નેતા સરખા ગૃહસ્થને કહ્યું.

'જરૂર, જરૂર! એવું સ્થાન શોધી આપું કે આપ આપના ઘરને પણ ભૂલી જાઓ ! ' ભોમિયાએ કહ્યું અને ખિસ્સામાંથી એક સુંદર સિગારેટપેટી કાઢી કિશોર સામે ધરી.

'હું પીતો નથી.' કિશોરે કંટાળીને કહ્યું.

'અચ્છા ? નવાઈ જેવી વાત ! વારુ ખિરસામાં...રકમનું જોખમ તો....છે ને? બહુ વધારે સલૂકાઈથી – સ્મિતને વધારે સ્પષ્ટ કરી તેણે પૂછ્યું.

'અત્યારે તો ખિસ્સામાં પાંચસો એક રૂપિયા....' ઘેનમાં પડેલો બેભાન, ઊંધમાં આવેલો સુસ્ત અને કંટાળેલો માનવી બહુ સાચું બોલી નાખે છે! 'વાહ, વાહ! શાબાશ ! ખેલદિલ જુવાન લાગો છો ! શરતમાં જીત્યા?' ભોમિયાએ માર્ગદર્શન કરાવતાં પૂછ્યું.

'હું શરતોમાં રમતો નથી.'

'શી દિલ્લગી કરો છો, મહેરબાન ! ચાલો, આપણે આવી ગયા.' કહી ભોમિયાએ તેને એક સુંદર મકાનના એક માળ ઉપર ચઢાવ્યો. મધ્ય રાત્રિ વીતી જવા આવી હતી. મકાનમાં દીવા ધીમે ધીમે ઝાંખા બનતા જતા હતા. ભોમિયાએ એક બારણા ઉપર હળવો ટકોરો માર્યો, બારણું ઊઘડ્યું, ભોમિયો અંદર ગયો. પાછો બહાર આવ્યો, અને કિશોર સામે સ્મિત કરી અત્યંત અદબથી ખુલ્લા બારણી તરફ હાથ દર્શાવી બોલ્યો :

'આઈયે !'

અને કિશોરનો દ્વારપ્રવેશ થતાં જ તેણે બહારથી બારણું બંધ કર્યું અને અદ્રશ્ય થઈ ગયો. બહારથી 'ઉલ્લુ' જેવા સંબોધનનો ભણકાર ક્યાંથી આવ્યો ?બાગવાળા સિપાઈનો એ બોલ ન હોય એકાએક કિશોરની આંખ ચમકી ગઈ. ભોમિયો, કોઈ સેવાભાવી મહાનુભાવ હોવો જોઈએ ! નહિ તો ઘર વગરના આશ્રયહીન માનવીઓને શોધતો રસ્તે મધરાત સુધી ઊભો રહી તેમને માટે આવા સુંદર ગૃહની સગવડ કરી આપે ખરો?

અને.. આ લક્ષ્મી જેવી કોણ સ્ત્રી તેની પાસે આવતી હતી? લક્ષ્મી કરતાં પણ એને ઊર્વશી કહીએ તો વર્ણન વધારે સાર્થક લાગે ! પોતાની પાસે જ બેસી કાંઈ પીવાનો આગ્રહ કરતી એ સઘન સ્ત્રી દયાની દેવી હોવી જોઈએ. કિશારે તો ચા માગી. દયાની દેવી ચમકી કેમ ? હસી કેમ? ચાની કિશોરને જરૂર લાગી. ભોંય ઉપર પટકાઈને પણ નિદ્રા માગતો દેહ અને મન ચાથી જરા જાગૃત અને સાવધ બની સ્વચ્છ નિદ્રા લઈ શકે એમ તેણે ધાર્યું.

યુવતી કેટલી વિવેકી ! કિશોરની સાથે તે પણ ચા પીતી હતી. કિશોરની પાસે પાંચસો રૂપિયા હતા એ યુવતીએ ક્યાંથી જાણ્યું ? પેલા ભોમિયાએ કદાચ કહ્યું હોય ! દેહ સાથે ધનનાં જતન પણ આ દેવી કરતી દેખાય છે ! હિંદમાં પણ આવો 'મિશનરી' સરખો સેવાભાવ આવતો જાય એ હિંદનું જરૂર સદ્ભાગ્ય કહેવાય !

'હા, મારી પાસે પાંચસો રૂપિયા છે. અહીં કશું જોખમ તો ન જ હોય.' કિશોરે કહ્યું.

દયાની દેવીએ હસીને કહ્યું :

'જોખમ તો બધે ખરું. આ જિંદગી પણ જોખમ જ છે ને?'

'તો આપની પાસે આટલી રકમ સાચવી રાખો. હું સવારે ઘર શોધવા નીકળીશ ત્યારે માગી લઈશ.' કિશોરે પોણી મિચાયલી આંખ સહ કહ્યું, નિદ્રા માટે માનસિક બાથોડિયું માર્યું, અને યુવતીના હાથમાં પૈસા મૂકી દીધા.

'ઘર શોધવા? આ પૈસા ક્યાંથી લાવ્યા?' ઊર્વશી સરખી યુવતીએ જરા ચમકીને પૂછ્યું.

'મારી પત્નીએ મોકલ્યા..એના પલ્લામાંથી ! અને ઘર શોધવાનો પ્રસંગ કેમ ઉપસ્થિત થયો તે તેણે કહેવા માંડ્યું. પરંતુ પૂરી વાત કરતાં પહેલાં તે સોફા ઉપર ઢળી પડ્યો, અને તેના દેહ ઉપર કોઈએ વસ્ત્ર ઓઢાડ્યું એટલું જ તેને સ્મરણ રહ્યું.

પ્રભાતમાં તે ઊઠ્યો. અજબ અજબ સ્વપ્ન આવી ગયાં હોય એમ તેને લાગ્યું. પ્રથમ તો તેને હમણાના નિત્ય સહવાસમાં આવેલા વિશ્રાંતિગૃહનો ભાસ થયો; પરંતુ વિશ્રાંતિગૃહ આટલું સુંદર તો ન હતું ...અને પાઘડી આપી ભાડે રાખેલી આ ઓરડી પણ ન હોય ! મુનીમે કરેલા દગાને પરિણામે તેને રાત્રે ભટકવું પડ્યું. પોલીસના ધક્કા ખાવા પડ્યા અને... હા...પેલા સેવાભાવી ભોમિયાના માર્ગદર્શન વડે કિશોરે કોઈ સેવાશ્રમના સુખભર્યા, વૈભવભર્યા સ્થાનમાં નિદ્રા મેળવી હતી. એ જ આ આશ્રમ !

તેની પાસે કાઈ નાનો છોકરો ચા મૂકી ગયો. ચા પૂરી કરી. રહેતામાં પેલી દયાની દેવીએ ખંડમાં પ્રવેશ કર્યો.

'સારી રીતે સૂતા ! નહિ ?' યુવતીએ પૂછ્યું. યુવતી અત્યારે પરી સરખી દેખાતી ન હતી. વસ્ત્રોમાં ઝગમગાટ ન હતો; પરંતુ યુવતી એ જ હતી !

'હા જી. આપની ભારે કૃપા થઈ. એક ઘરવિહીનને...'

'આપની આ રકમ. ગણી લો.' યુવતીએ કહ્યું.

'ગણવાની જરૂર નથી.'

'હું કહું તેમ કરો. ગણીને લો.'

કિશોરે ઝડપથી રકમ ગણી લીધી. પાંચસો ને એક રૂપિયાની નોટ બરાબર થઈ રહી.

'બરાબર છે.' કિશોરે કહ્યું.

'વારુ. હવે ઘર જોવા આપ જઈ શકો છો.'

'અને ઘર ન મળ્યું તો ?' કિશોરે પૂછ્યું.

'બેવકૂફનો સરદાર ! આવજે, ઘર ન મળે તો ! સારું થયું કે તું એક કુલીન ઘરમાં આવ્યો ! નહિ તો આ તારા પાંચસો રૂપિયા મફત ચાલ્યા જાત.' અત્યંત હસીને પેલી સ્ત્રી બોલી.

કિશોરને આ સ્ત્રીનું હાસ્ય બહુ ન ગમ્યું. એમાં કિશોરની મૂર્ખાઈ પ્રત્યે હાસ્ય હતું; પરંતુ કિશોરે એવી કઈ મૂર્ખાઈ કરી હતી?

'તો...હું કોના સેવાશ્રમમાં આવ્યો છું ?' કિશોરે પૂછ્યું.

'નીચે જઈ કોઈને પૂછી જોજે.' યુવતીએ કહ્યું.

-અને ખરે ! નીચે ઊતરતાં જ તેને તેનો એક સંબંધી મિત્ર મળ્યો - જેણે તાર કરી પોતાને ત્યાં કિશોરને ઉતારવાની અશક્તિ જણાવી દીધી હતી. બીજાની નૈતિક સુધારણા માટે માનવજાતને ભારે કાળજી રહે છે. આશ્ચર્ય પૂર્વક મિત્રે પૂછ્યું :

'તું ? કિશોર ?, અહીં ક્યાંથી ?'

'હું? આ ઉપરના માળેથી આવ્યો !'કિશોરે જવાબ આપ્યો.

'એ તો વેશ્યાગૃહ છે ! તને ખબર નથી? એ નીચ...' 'મને એટલી ખબર પડી કે મુંબઈના ઘરમાલિકો કરતાં વેશ્યાઓ ઓછી નીચ છે.'

'એટલે ?'

'એટલે એમ કે માલિકોની માફક વેશ્યાઓ ગૃહપ્રવેશમાં પાઘડી નથી માગતી. કિશોરે કહ્યું અને આગળ ચાલવા માંડ્યું. એને કહેવાનું મન થયું ખરું કે મિત્રો કરતાં એ નીચ વર્ગ ઊંચો તો છે જ; પરંતુ એટલું કથન એણે હજી મુલતવી રાખ્યું છે.

કારણ, મિત્રના સૂચને તેને ગઈ રાત્રિના અનુભવોનો ઉકેલ આપ્યો. અને એ ઉકેલમાં ગણિકાના મુખેથી ઉચ્ચારાયેલો ‘કુલીન' શબ્દ અર્થ સાથે તેને સમજાયો. કુલીનતા રહી હોય તો તે ગણિકાઓના જ વર્ગમાં; બીજે બધેથી એ લુપ્ત થઈ ગઈ છે.