દુખડા દિયે છે દાડી દાડી

દુખડા દિયે છે દાડી દાડી
મીરાંબાઈ



દુખડા દિયે છે દાડી દાડી

દુખડા દિયે છે દાડી દાડી, હે કાનુડા તારી મોરલી રે અમને,
દુખડા દિયે છે દાડી દાડી…

માઝમ રાતની રે મધરાતે સુરની,
વાંસળી તે કોણે વગાડી,
હું રે સુતી’તી મારા શયન ભવનમાં ને,
નિંદરા તે કોણે ભગાડી. દુખડા દિયે છે..

સાસુ સસરાથી રે હું તો છાનીમાની ઉઠીને,
હળવેથી બાર ઉઘાડી,
વ્યાકુળ થઈને હું તો તનડામાં મારા,
પહેરતાં તો ભૂલી ગઈ સાડી. દુખડા દિયે છે..

કિયા રે કુહાડે તને કાપી રે લાવ્યો,
કિયા રે સુથારે સુંવાળી,
શરીર જોને તારું સંઘે રે ચડાવી,
તારા મનડામાં છેદ પડાવી. દુખડા દિયે છે..

મોરલી કહે હું તો કામણગારી,
હું તો છું વ્રજ કેરી નારી,
બાઈ મીરાં કહે પ્રભુ ગીરીધર નાગર,
તનડામાં તાપ રે સમારી. દુખડા દિયે છે..