દેવાયત પંડિત દા'ડા દાખવે
← વીરા અંગના ઉજળા બગલા મનના મેલા | દેવાયત પંડિત દા'ડા દાખવે ભજન દેવાયત પંડિત |
ગુરૂ તારો પાર ન પાયો રે → |
દેવાયત પંડિત દા'ડા દાખવે
દેવાયત પંડિત દા'ડા દાખવે, સુણી લ્યોને દેવળદે સતીનાર,
આપણા ગુરૂએ આગમ ભાખિયા, જુઠડાં નહિ રે લગાર,
લખ્યા રે ભાખ્યા રે સોઈ દિન આવશે.
પહેલા પહેલા પવન ફરુકશે, નદીએ નહિ હોય નીર,
ઓતર થકી રે સાયબો આવશે, મુખે હનમો વીર.
ધરતી માથે રે હેમર હાલશે, સુના નગર મોઝાર,
લખમી લુંટાશે લોકો તણી, નહિ એની રાવ ફરિયાદ.
પોરો રે આવ્યો સંતો પાપનો, ધરતી માંગે છે ભોગ,
કેટલાક ખડગે સંહારશે, કેટલાક મરશે રોગ.
ખોટા પુસ્તક ખોટા પાનિયા, ખોટા કાજીના કુરાન,
અસલજાદી ચુડો પહેરશે, એવા આગમના એંધાણ.
કાંકરીએ તળાવે તંબુ તાણશે, સો સો ગામની સીમ,
રૂડી દીસે રળિયામણી, ભેળા અરજણ ભીમ.
જતિ, સતી અને સાબરમતી, ત્યાં હોશે શુરાના સંગ્રામ,
ઓતરખંડેથી સાયબો આવશે, આવે મારા જુગનો જીવન.
કાયમ કાળીંગાને મારશે, નકળંક ધરશે નામ,
કળિયુગ ઉથાપી સતજુગ થાપશે, નકળંક ધરશે નામ,
દેવાયત પંડિત એમ બોલ્યા, ઈ છે આગમનાં એંધાણ.