દેશી રાજ્યોનો પ્રશ્ન/અધીરું કાઠિયાવાડ

← દેશી રાજ્યોમાં શાહજાદા દેશી રાજ્યોનો પ્રશ્ન
અધીરું કાઠિયાવાડ
મોહનદાસ કરમચંદ ગાંધી
કાઠિયાવાડ શું કરે ? →








અધીરું કાઠિયાવાડ

કાઠિયાવાડ રાજકીય પરિષદ વિષે મેં જે અભિપ્રાય આપ્યો છે તેથી કંઈક ખળભળાટ થયો છે, એમ કેટલાક મિત્રો મને કહે છે, જ્યારથી ત્રેવડું તંત્રીપદ હાથ ધર્યું ત્યારથી મારું છાપાં વાંચવાનું તો લગભગ બંધ થયું છે એમ ગણાય. પણ મિત્રો મારી સંભાળ રાખ્યા જ કરે છે ને જે મારે જાણવું જ જોઈએ એવું જણાવ્યા કરે છે.

એમ પણ સાંભળ્યું છે કે, ‘પેલો સ્વેચ્છાએ દેશવટો ભોગવતો ગાંધી પટ્ટણી સાહેબના મોહપાશમાં સપડાઈ ગયો ને કાઠિયાવાડની જાગૃતિ ઉપર પાણી ફેરવી બેઠો. પટ્ટણી સાહેબ, જેઓ દાવપેચ રમીને જ મોટા થયા તે, ભંગીઓમાં ને વણકરોમાં ભમતા લંગોટને એક દાવમાં જ હરાવે એમાં નવાઈ શી ?’ જેમ અબ્બાસ સાહેબના પત્રનો ભાવાર્થ આજે મેં બીજે આપ્યો છે તેમ આ પણ ભાવાર્થ છે. આવા જ શબ્દોમાં મને કોઈએ કહ્યું નથી. પણ જે શબ્દો મેં સાંભળ્યા તેનો શુદ્ધ ભાવાર્થ ઉપર આપ્યો છે અમ વાંચનાર ખચિત વિશ્વાસ રાખે, મુંબઈમાં વસતા કાઠિયાવાડી કહે છે, ‘ગાંધીએ ઘાણ વાળ્યો.’

ખરી વાત આમ છે: પટ્ટણી સાહેબમાં મનાયા છે તેટલા દાવપેચ નથી. સત્યાગ્રહીને દાવમાં હરાવવા સારુ પટ્ટણી સાહેબ જેવા કુશળ કાઠિયાવાડીને પણ બીજો જન્મારો વહોરવો પડશે; અને તે પણ સત્યાગ્રહી થઈને. સત્યાગ્રહીના શબ્દકોશમાં ‘પરાજય’ કે તેને લગતો શબ્દ હોતો જ નથી. એક સત્યાગ્રહી બીજા સત્યાગ્રહીને હરાવે એમ કહેવાય ખરું, પણ એ તો ‘હાર’ શબ્દ ઉપર આઘાત પહોંચાડનારો પ્રયોગ ગણાય. સત્યાગ્રહી પોતાની ભૂલ જુએ ત્યારે નમે ને નમતો છતો ચડે. એ કંઈ પરાજય ન ગણાય.

મારી સમક્ષ જેટલો ભાગ પટ્ટણી સાહેબે આ નિર્ણય વિષે લીધો તે બધો તેમને ને કાઠિયાવાડને શોભાવનારો છે, એવી મારી દૃઢ માન્યતા છે. પટ્ટણી સાહેબને દાવ રમવાપણું જ ન હતું. મારા અભિપ્રાયનાં જેટલાં કારણ હતાં તે બધાં મેં તેમાં ટાંક્યાં છે. તે સિવાય એક પણ મારા ધ્યાનમાં નથી.

કોઈની પણ શેહમાં આવી જઈ અથવા કોઈના પ્રેમને વશ થઈ હું સત્યનો પંથ છોડું ત્યારે હું નકામો થયો એમ જાણું છું. મને આપઘાત પ્રિય નથી, એટલે હું સત્યનો પંથ છોડવાની મૂર્ખાઈ એકાએક નહિ કરું.

સત્યાગ્રહનો વિષય અણીશુદ્ધ હોવો જોઈએ. જ્યારે પોરબંદરમાં ભાવનગર પરિષદ ભરવાની ભલામણ થઈ ત્યારે થોડો અથવા વધુ અવિનય તો થયો જ. ‘અવિનય’ એ થયેલા કાર્યને અંગે મેં હળવામાં હળવો શબ્દ વાપર્યો છે. સત્યાગ્રહનો અનિવાર્ય નિયમ તો છે જ કે સત્યાગ્રહીનો ‘કેસ’ દૂધ જેવો ઊજળો હોવો જોઈએ. દૂધમાં જેમ જરાયે મેલ દાખલ થાય તો તે ત્યાજ્ય ગણાય, તેમ યત્‌કિંચિત્‌ દોષવાળો કેસ પણ સત્યાગ્રહીને સારુ ત્યાજ્ય હોય. એટલે આકરા વિશેષણની મને જરૂર જ ન હતી.

બીજું કારણ પણ તેટવું જ સબળ છે. હું જાણતો જ ન હતો કે શરતો કબૂલ કરીને પરિષદ ભરવાનો ઇરાદો કાર્યવાહકોએ રાખેલો હતો. આવા કાર્યમાં શરતો કબૂલ કરવાની હું વિરુદ્ધ છું એમ મેં ઘણી વેળા જણાવેલું છે. પરિસ્થિતિને લીધે શરતો કબૂલ કરવાની આવશ્યકતા હોય એ નોખો સવાલ છે. પણ જ્યારે શરત કબૂલ કરવાના સિદ્ધાંતનો સ્વીકાર કર્યો ત્યારે પછી તે વસ્તુ સત્યાગ્રહનો વિષય ન રહી. અમુક શરતે પરિષદ ભરવાનું કબૂલ કરીએ તો સોનગઢ ભરવાની શરત કેમ ન કબૂલ કરીએ ? શરત કબૂલ કરવામાં હેતુ એ હતો કે અત્યારે પ્રજાજીવન બીજી રીતે જાગ્રત ન થઈ શકે. એ હેતુ નિરર્થક કે પાપી નથી. બીજી જગ્યાએ પરિષદ ભરવામાં પણ એ જ હેતુ લાગુ પડે છે. સત્યાગ્રહ કરીએ તો પરિષદ ભરવામાં પણ એ જ હેતુ લાગુ પડે છે. સત્યાગ્રહી મરતાં સુધી લડે. લડતાં લડતાં મૂઓ એટલે તેનો તો વિજય થયો, એવી સત્યાગ્રહમાં માન્યતા રહેલી છે. સત્યાગ્રહ કરતા સત્યાગ્રહીઓ જેલમાં ગયા એટલે તેઓએ પોતાનું કાર્ય સંપૂર્ણ કર્યું પણ પરિષદ તો ન ભરાઈ. અત્યારે હેતુ गमे तेम પણ પરિષદ ભરવાનો હતો. ‘આપણી શરતે ભરાય તો ભરવી છે, નહિ તો નથી ભરવી,’ એ સત્યાગ્રહનો વિષય છે. ‘જેમ તેમ કરીને ભરવી’ એ સત્યાગ્રહનો વિષય ન બની શકે. સરકાર આપે તે સ્વરાજને સારુ પ્રજા સત્યાગ્રહ કરવાની તૈયારી નથી કરી રહેલી. પ્રજા માગે તેવા સ્વરાજને સારુ પ્રજા આ ઉગ્ર બળ કેળવી રહી છે. વગરશરતે પરિષદ ભરવાનો નિશ્ચય જ્યારે કાઠિયાવાડ કરે ત્યારે જ તેની સામે સત્યાગ્રહ કરવાની ફરજ આવી ઊભે છે. શરતી પરિષદ ભરવાની કોઈ સત્યાગ્રહી ફરજ નથી. એ તો તાંબિયાને મૂલે કોરી વટાવવા જેવો ન્યાય થયો.

આનો અર્થ એવો નથી કે, શરત ન હોય એટલે સત્યાગ્રહીને ગાળો ભાંડવાનો ઈજારો મળ્યો. નમ્રતા ને વિનય છોડે તે સત્યાગ્રહી શાનો ? તે પોતે પોતાની મર્યાદા આંકી શકે છે તેથી બીજાની આંકણી કબૂલ કરવાનો ઇનકાર કરે છે. તેની પોતાની આંકણી તો સખતમાં સખત હોય છે.

આ વર્ષે જો પરિષદનું કામ શુદ્ધ વિનયપૂર્વક પાર ઊતરે, વિરોધીને પણ ‘વાહ ! વાહ !’ કહેવાનો વખત આવે, છતાં જો આવતે વર્ષે શરતોરૂપી કે બીજાં વિઘ્ન આવે, તો સત્યાગ્રહીઓનો કેસ એટલો બધો શુદ્ધ ને મજબૂત થાય છે કે તેની સામે કોઈ ને કંઈ કહેવાપણું જ ન હોય, ત્યારે જો કોઈ સત્યાગ્રહી મોજૂદ હશે તો તેને સારુ રણભૂમિ તૈયાર હશે.

‘પણ અત્યારનો જોસ બધો પીગળી ગયો તો પછી સત્યાગ્રહીઓ ક્યાંથી કાઢીએ ?’ એવું પણ કહેનારા ભલા ને ભોળા કાઠિયાવાડીઓ આજ જોવામાં આવે છે. તેઓએ જાણવું ઘટે કે સત્યાગ્રહ એ ભાંગનો નશો નથી. સત્યાગ્રહ એ મગજનો પવન નથી. સત્યાગ્રહ એ અંતરનાદ છે. વખત જતાં તે ધીમો નથી પડતો પણ તીવ્ર થાય છે. જે દબાઈ શકે તે અંતરનાદ નથી પણ તેનો આભાસ માત્ર છે. જેવી મૃગજળની, તેવી તેવી તેની કિંમત સમજવી. આવતે વર્ષે પણ સજ્જ હશે તે જ સત્યાગ્રહી ગણી શકાય. કાઠિયાવાડ એવી ભૂમિ છે કે જ્યાં ખેતરોને સારુ રજપૂતો અને કાઠીઓ જન્મારા સુધી લડ્યા છે. બરડાનાં વાઘેર મૂળુ માણેક ને જોધા માણેકે આખી એજન્સીને ધ્રુજાવી હતી. તેનો જોસ ક્ષણમાં ઊભરાઈ ક્ષણમાં શમી નહાતો જતો. મોર જેવો બહારવિટયો વરસો લગી એકલો ઝૂઝ્યો. આ બધા તુચ્છ સ્વાસ્થને સારુ લડ્યા હતા. કાઠિયાવાડની પ્રજાસમસ્તના દુઃખનો ભાર ઊંચકનારા સત્યાગ્રહીઓના શાંત ને નિર્મળ આગ્રહનું માપ કેટલું બધું વધારે હોવું જોઈએ એની ત્રિરાશી તેઓ જ કરીને ટીકાકારને જવાબ આપે.

‘પણ પટ્ટણી સાહેબનો હુકમ તો જુઓ. એક કલમ ચલાવીને દસવીસ નવા ગુના પોતાના જોહુકમી કાયદામાં દાખલ કરી દીધા. આ કૃત્રિમ ગુનાઓને સારુ છ છ મહિનાની સજા! આમ જાદુઈ આંબાની માફક તો સરકાર પણ કાયદા નથી કરી શકતી. આવો હડહડતો જુલમ થાય તે છતાં સત્યાગ્રહ ન કરવો તે સોનગઢમાં પરિષદ ભરવી એ ક્યાંનો ન્યાય ?’ આવી પણ દલીલ થઈ રહી છે, તેમાં રહેલો દોષ દેખીતો છે; જો આપણે એ કાયદાની સામે સત્યાગ્રહ કરવો હોત તો એ કાયદો જરૂર સત્યાગ્રહ કરવા યોગ્ય છે. આપણે તો પરિષદ બાબત સત્યાગ્રહ કરવાની વાત છે. પરિષદ ભરવાના ગુનાને સારુ ફ્રાંસીનો હુકમ કાઢે તોયે સત્યાગ્રહીનું રૂવાડું ન હલે, એવો હુકમ કાઢનાર લજવાય એ ખરું. ઉપલા હુકમને સારુ પટ્ટણી સાહેબને વગોવવાનું મંડળ કાઢીએ ન તેમાં કેવળ સત્યાગ્રહી ગાળો જ ભાંડવાનો નિયમ કરવામાં આવે તો હું પણ તેમાં મારું નામ નોંધાવું. હું અવશ્ય માનું છું કે એ હુકમ બેહુદો છે. જો ભાવનગરના ફોજદારી કાયદામાં પરિષદ ભરવી એ ગુનો ન હોય તો તેમણે પોતાની નોકરી ખોઈને પણ ભરવા દેવી જોઈતી હતી. સ્વેચ્છાચારી કાયદા ઘડવા એ કઈ પટ્ટણી સાહેબની જ ખાસિયત નથી. એ તે। કાઠિયાવાડના વાતાવરણમાં રહેલી વસ્તુ છે. પટ્ટણી સાહેબ એ વાતાવરણને તરી જાય એમ આપણે ઇચ્છીએ. માત્ર અત્યારે આપણે પટ્ટણી સાહેબની નીતિના ચોકીદાર નથી બન્યા. જ્યારે કાઠિયાવાડને ટીંબે શુદ્ધ સત્યાગ્રહીનો પાક ઊતરવા માંડશે ત્યારે પટ્ટણી સાહેબ જેવાની પાસે અત્યાચારનું વાતાવરણ જ નહિ હોય. ત્યારે તેઓ પણ સત્યાગ્રહી બને તો મને નવાઈ ન લાગે.

પટ્ટણી સાહેબ અને રાજાઓ પોતે જો નબળા વાતાવરણમાં ન રહેતા હોય તો ઉપર મુજબના હુકમો કાઢી જ ન શકે. પરિષદો ભરવી એ તો પ્રજાનો હક હોવો જ જોઈએ. તે વિના રાજાને પ્રજામતની ખબર ન પડે. રાજાને વગોવવાનો ને ગાળો દેવાનો પ્રજાને હક છે. ગાળ દેનારને દંડ દેવાનો રાજાને હક છે. રામના જેવા રાજા હોય તો પોતાને ગાળ દેનારનો દંડ પણ ન કરે. તેણે તુચ્છ ધોબીનો દંડ ન કર્યો, પણ સીતા જેવા અમૂલ્ય સ્ત્રીરત્નનો એક ક્ષણમાં ત્યાગ કરતાં તેને શરમ સરખી પણ ન આવી. અને આજે એવા બેશરમ રામને મારા જેવા અસખ્ય હિંદુ પૂજે છે. પ્રજાએ કરેલી સ્તુતિથી રાજાઓનાં પતન થયાં છે. પ્રજાની ગાળો સાંભળતા થઈ જાય તો અવશ્ય તેઓની ઉન્નતિ થાય.

ગાળ દેવાનો હક લઈ ગાળ ન દેવી એ સત્યાગ્રહીનો ધર્મ. એ ધર્મનું સંપૂર્ણ પાલન સોનગઢમાં થાય એમ હું ઈચ્છુ છું.

પરિષદમાં કાઠિયાવાડીઓ શું શું કરી શકે એ આવતે અઠવાડિયે વિચારીશું.

નવજીવન, ૨૧–૫–૧૯૨૪