દેશી રાજ્યોનો પ્રશ્ન/કાઠિયાવાડીઓને–૨

← કાઠિયાવાડનાં સ્મરણો દેશી રાજ્યોનો પ્રશ્ન
કાઠિયાવાડીઓને
મોહનદાસ કરમચંદ ગાંધી
રડીને રાજ્ય લેવું છે →







૧૭
કાઠિયાવાડીઓને

કાઠિયાવાડમાં વળી હું થોડા જ રોજમાં પ્રવેશ કરીશ ને તે પણ આ વેળા રાજકાટમાં. ભાઈ ભરૂચાની ઉપર તો કાઠિયાવાડની એવી છાપ પડી છે કે તેમણે ત્યાં જ વધારે મુદ્દત ગાળવાની ને ખાદી રેંટિયાનો પ્રચાર કરવાની રજા માગી છે. આપણે આરંભે શૂરા હોઈએ છીએ એ આરોપ આ બાબતમાં તો સિદ્ધ નહિ થાય એવી ઉમેદ રાખું છું. રાજકોટના મુત્સદ્દીઓ ધારે તો રાજકોટમાં તેમજ કાઠિયાવાડના બીજા ભાગમાં નવું જીવન દાખલ કરી શકે છે. ‘બીજા ભાગમાં’ એટલા સારુ કે રાજકોટ મધ્યબિન્દુ બન્યું છે ને એજન્સીનું મથક હોવાથી ત્યાં બધા મુત્સદ્દીઓ એકઠા થાય છે. મુત્સદ્દીવર્ગને વખતની તંગી રહે છે. એમ તો કોઈ ન જ કહે. મુત્સદ્દીવર્ગની વગ તો સાધારણ વર્ગ પાસે છે જ. તેઓ કાઠિયાવાડને ખાદીમય કરી તેને તાજું કરી શકે છે ને કાઠિયાવાડમાંથી પાલી બાજરીની શોધમાં દેશાવર નીકળતા લોકોને ઘેર રોકી શકે છે. દરેક માણસ રેંટિયાથી કેટલું કમાણો એવો સવાલ કરવાથી આ પ્રશ્નનો ખરો ઉત્તર નહિ મળે, પણ કાઠિયાવાડની આમપ્રજામાં કેટલો પૈસો રહી જશે એનો ઉત્તર મેળવવાથી સંતોષકારક જવાબ મળી રહેશે. મીઠાની જકાતમાં રૂપિયે એક પાઈ વધે તેથી પ્રત્યેક જણને કેટલું વેઠવું પડે, એનો જવાબ આપતાં કંપારી નહિ છૂટે; પણ તે જકાતમાંથી કેટલું મહેસૂલ પેદા થાય છે એ જાણીએ છીએ ત્યારે આપણે કમકમી ઊઠીએ છીએ. આવી જાવક ‘સંપીના ઘા’ જેવી હોય છે. જનસમાજ ઉપર તેની સામટી અસર પડે છે. તેમાંથી પ્રત્યેક માણસ ઉપરની અસર માલૂમ પડી રહે છે.

આવું જ રેંટિયાનું છે. ધારો કે પ્રત્યેક જણના ઘરમાં રોજના અરધા આના લેખે વરસે દહાડે આશરે બાર રૂપિયા દાખલ થાય તો ધારો કે પાંચ મનુષ્ય દીઠ એક ઘર આવતું હોય, તો ૨૬૦૦૦૦૦÷૫=૫૨૦૦૦૦×૧૨=૬૨૪૦૦૦૦ રૂપિયા કાઠિયાવાડમાં રહી જાય. અથવા બીજી રીતે ગણો. છવ્વીસ લાખની વસ્તીમાં જો જણ દીઠ સરેરાશ પાંચ રૂપિયાનું કાપડ લેવાતું હોય તો એક કરોડ ત્રીસ લાખનું કાપડ કાઠિયાવાડમાં વપરાય છે એમ ગણાય. આમાંથી ત્રીજો ભાગ રૂનો બાદ કરીએ તો કાઠિયાવાડ નેવું લાખ રૂપિયા બચાવે.

ધારો કે કાઠિયાવાડની પ્રજાને મુંબઈ સરકારને નેવું લાખની વિઘોટી દર વર્ષે આપવી પડતી હોય ને તેટલી વિઘોટી માફ થઈ જાય, તો પ્રજામાં કેટલું ચેતન આવી જાય ! આપણે વ્યક્તિગત હિસાબ કરતા થઈ જઈએ તો આપણને અદૃશ્ય રીતે થતા નફા નુકસાનની ખબર પડી રહે. કાઠિયાવાડની પાસે હું પ્રજાગત હિસાબની આશા રાખું છું. આજે કાઠિયાવાડ એમ હિસાબ ગણતું થઈ જાય તો કાલે આખું હિંદુસ્તાન એમ કરશે. ‘મને શો લાભ ?’ એમ ગણવા બેસીએ તો જવાબ ખોટો ને વિનાશકારક આવે. ‘પ્રજાને શો લાભ ?’ એમ જ હિસાબ ગણવાની ટેવ પડશે ત્યારે પ્રજાલાભનાં કાર્યો થશે. સહુ પોતપોતાનો વ્યક્તિગત લાભ શોધે તેમાં સહુનો નાશ છે. સહુ સૌનો એટલે એકત્રિત લાભ શોધે તો પ્રત્યેક વ્યક્તિને તેમજ પ્રજાસમસ્તને લાભ થાય.

આ સરણીથી જો કાઠિયાવાડીઓ વિચાર કરે તો રેંટિયાનો ચમત્કાર તુરત સમજી જાય. અને આ જ દૃષ્ટિએ એક માસમાં થયેલા કાર્યોના હિસાબની હું તેમની તરફથી આશા રાખીશ. પ્રતિજ્ઞા કરનારાઓએ દરરોજ સૂતર કાંત્યું છે ? જે કાંતી નહોતા જાણતા તેઓએ કાંતતાં શીખી લીધું છે ? જે રૂની ભિક્ષા માગવામાં આવી તે એકઠું થયું છે ? જો એકઠું થયું હોય તો તેની વ્યવસ્થાનો વિચાર થઈ ગયો છે ? આમ અનેક પ્રકારના હિસાબો કાર્યવાહક સમિતિએ ને બધા કામદારોએ આપવાના રહ્યા છે.

રાજકાટ પાસે પણ એ જ ધોરણે હું થયેલા કામની આશા રાખીશ. રાજકોટમાં મને માન આપવાની તૈયારીઓ ચાલી રહી છે. મને માન શું ? પણ તે માન આપવું જ ઘટે, તો મારી પાસે સૂતરના ઢગલા કરીને દરેક જણ ખાદીથી સુશોભિત થઈ તેવું માન આપી શકે છે. શબ્દાડંબરથી મારા આત્માની તૃપ્તિ થાય તેમ નથી. કેવળ ખાદી ને રેંટિયા પ્રચારની આશાએ, હરિજનોની સેવા અર્થે ને રાજાપ્રજાની સેવા અર્થે કાઠિયાવાડમાં મારો આ બીજો પ્રવેશ થવાનો છે.

રાજકોટમાં મારે રાષ્ટ્રીય શાળા ખોલવાની છે. એ શાળામાં શુદ્ધ સેવકો કામ કરી રહ્યા છે એવી મારી માન્યતા છે. એ શાળાની પાછળ ગુજરાત પ્રાંતિક સમિતિએ ઠીક દ્રવ્ય આપ્યું છે. નામદાર ઠાકોર સાહેબે સસ્તે ભાવે જમીન આપી છે. આ શાળામાં રાજકોટના શહેરીઓ રસ લેતા થાઓ એમ ઇચ્છું છું. તેઓ તે શાળા તપાસે, તેમાં ભૂલો થતી હોય તો સુધારે, તેમાં ચારિત્રવાન સેવકો કામ કરતા હોય તો પોતાનાં બાળકોને તેમાં મોકલી તેને મદદ આપે, તેનું ખર્ચ રાજકોટ જ ઉપાડે એ શોભે.

આ વખતની કાઠિયાવાડની મુસાફરીમાં વઢવાણનો સમાવેશ છે. ત્યાંની રાષ્ટ્રીય શાળાને અર્થે હું વઢવાણને થોડા કલાક આપવાનો છું. એ શાળાની પાછળ ઘણો આપભોગ રહેલો છે. ચર્ચા પણ ખૂબ સાંભળી છે. તેની ઉપર વાદળો પણ આવ્યાં છે ને વીખરાયાં છે. વઢવાણમાં ખાદીનું કામ થયું છે. વઢવાણ મોતીલાલની ભૂમિ છે, વઢવાણે ભાઈ શિવલાલનાં સાહસ ને દ્રવ્યનો લાભ લીધો છે. વઢવાણ પાસેથી પણ હું મોટી આશા રાખવાનો છું. તેમાં મને વઢવાણ નિરાશ નહિ કરે એમ માની લઉં છું.

માનપાનમાં વખત કે દ્રવ્ય ગાળવાને બદલે મારી પાસેથી સેવા જ લેવાનો વિચાર દરેક સ્થળે રખાય એમ ઇચ્છું છું. નકામાં ભાષણોમાં પ્રજાનો ને મારા સમય ન જાય એમ કરવા વ્યવસ્થાપાકો પ્રત્યે મારી વિનંતિ છે, જ્યાં સભા ભરવી અનિવાર્ય ગણવામાં આવે ત્યાં ખાદીના પોશાક જ ભાઈબહેનો પહેરે, એટલું માગી લેવાનો મને અધિકાર ખરો?

નવજીવન, ૮–૨–૧૯૨૫