દેશી રાજ્યોનો પ્રશ્ન/કાઠિયાવાડ રાજકીય પરિષદનું ધ્યેય

← કાઠિયાવાડીને અન્યાય ? દેશી રાજ્યોનો પ્રશ્ન
કાઠિયાવાડ રાજકીય પરિષદનું ધ્યેય
મોહનદાસ કરમચંદ ગાંધી
દેશી રાજ્યમાં સત્યાગ્રહ →







૧૦
કાઠિયાવાડ રાજકીય પરિષદનું ધ્યેય

એક મિત્રે કાઠિયાવાડ રાજકીય પરિષદ વિષે લાંબો કાગળ લખ્યો છે, તેમાંથી નીચેનાં વાક્યો ઉતારું છું:

“કા૦ રા૦ પરિષદનું રાજકીય ધ્યેય શું હોવું જોઇએ? રાજાઓને સરકારના નિયંત્રણથી મુક્ત કરવાનું ? અથવા તા રાજાઓના જુલમ સામે જાહેર અભિપ્રાયનું બળ એકત્ર કરવાનું ? અથવા તો સમગ્ર કાઠિચાવાડમાં અથવા તો કાઠિયાવાડનાં ભિન્ન ભિન્ન દેશી રાજ્યોમાં લોક્શાસન એક યા અન્ય સ્વરૂપે સ્થાપવાનું? આ ઉદ્દેશ હજી સુધી નિર્મિત થયો નથી, તેથી હોકાયંત્ર વિનાના વહાણની માફક પરિષદનું વહાણ આમતેમ ઝોલાં ખાતું આથડ્યા કરે છે. કેટલાક ભાઈઓ સમગ્ર કાઠિયાવાડની રાજકીય પરિષદને નિરર્થક અથવા તો વંધ્ય પ્રવૃત્તિ ગણે છે, અને તેને બદલે પ્રત્યેક રાજ્યમાં પ્રજામંડળ અને પ્રજાપરિષદ સ્થાપવાની સલાહ આપે છે. તેઓ એમ કહે છે કે ભાવનગરની પ્રજાના પ્રશ્નો ભાવનગરની પ્રજા જ ઉકેલે, બીજા રાજ્યની પ્રજાની મદદ ભાવનગર માગે તેમાં નથી ભાવનગરની શોભા, કે અન્ય રાજ્યની પ્રજા માથું મારે તેમાં નથી ભાવનગરને લાભ. જ્યાં ઉદ્દેશની અને ઉદ્દેશને અંગે ઊભી થતી પ્રવૃત્તિની એકતાનો સંભવ નથી ત્યાં સમગ્ર પ્રદેશવ્યાપી રાજકીય હિલચાલ કશું ફળ નિપજાવી શકતી નથી.”

મારી દૃષ્ટિએ કા૦ રા૦ પરિષદનું ધ્યેય આ હોવું જોઈએ:
૧. પ્રત્યેક રાજ્યમાં રાજા-પ્રજાનો સબંધ લોકોપકારી નીવડે એવાં પગલાં ભરવાં.

૨. સર્વ રાજ્યો વચ્ચે ને સર્વ રાજ્યોની પ્રજા વચ્ચેનો સંબંધ નિકટ અને પરસ્પર લાભદાયી થાય એવાં પગલાં ભરવાં.
૩. કાઠિયાવાડ સમસ્તની પ્રજાની આર્થિક, રાજકીય અને નૈતિક ઉન્નતિ થાય એવાં પગલાં ભરવાં; પરિષદનું દરેક કાર્ય શાંતિ અને સત્યને જ માર્ગે કરવું.

રાજાઓને સરકારના નિયંત્રણથી મુક્ત કરવાનો બોજો પરિષદ ન જ ઉપાડી શકે. એવું ધ્યેય રાખે તો રાજા પ્રજા બન્નેને નુકસાન થાય. રાજાઓ સરકારના ખંડિયા છે. તેઓ એવી પરિષદ ભરવાની રજા ન આપી શકે એટલું જ નહીં, પણ તેઓને સ્વતંત્ર કરવાની હિલચાલ તેમને પસંદ પડે તો પણ તેઓએ તેની સામે જ થવું જોઈએ. એટલે રાજાઓ પોતે પોતાની સ્વતંત્રતાને ધ્યેય માની તેને સારુ જાહેર પ્રવૃત્તિ ન કરે અથવા ન કરી શકે ત્યાંસુધી એ દિશામાં પ્રજાનો બધો પ્રયત્ન હું નિરર્થક ને હાનિકારક જ સમજું.

રાજાઓના જુલમની સામે જાહેર મત કેળવવાનું કાર્ય તો પરિષદનું હોવું જ જોઈએ. તેનો સમાવેશ પહેલી કલમમાં થાય છે.

પ્રત્યેક રાજ્યની પ્રજા પોતાના સ્થાનિક સવાલોનો ચુકાદો ભલે કરે. પણ કાઠિયાવાડ એક પ્રજા છે એટલે તેને સમગ્ર પ્રજાની પરિષદ ભરવાનો અધિકાર છે ને તેની એ ફરજ પણ છે. સમગ્ર પરિષદ આખી પ્રજાને સામાન્ય એવા પ્રશ્નો ચર્ચી શકે એટલું જ નહીં, પણ સ્થાનિક સવાલોમાં પણ હાથ નાંખી તેમાં સમસ્ત પ્રજામત બાંધી તે મતની મદદ સ્થાનિક સવાલમાં આપી શકે.

રાજકીય શબ્દનો બહોળો અર્થ હું પાછલા અંકોમાં સમજાવી ગયો છું. તે જ ખરો અર્થ છે એમ માનું છું. પરિષદે લોકપ્રિય થવાનું કાર્ય હજુ હવે કરવાનું છે. લોકપ્રિયતાનો અર્થ એટલો જ નહિ કે લોકો સભામાં આવતા થઈ જાય. તેનો અર્થ એ કે લોકો પરિષદની મારફતે પોતાનાં દુઃખનું નિવારણ શોધે અને પરિષદની સલાહને અનુસરે. આ કામ થવા પહેલાં પરિષદના કારભારીઓએ લોકસેવા કરવી જોઈએ, ગામડાંમાં પ્રવેશ કરવો જોઈએ, ને લોકોના જેવા ગરીબ અને સાદા થવું જોઈએ.

રાજ્યના દુશ્મન ન બનવું જોઈએ. રાજાઓની સાથે આપણો અસહકાર નથી. રાજાઓની આશા આપણે છોડી બેઠા નથી. હું તો નથી જ છોડી બેઠો. કેટલાક રાજાઓના જુલમથી હું અજાણ્યો નથી. તેઓના અનિયમિત અને અતિષય ખર્ચથી હું અકળાયો છું. તેઓને દેશવાસ કરતાં યુરોપવાસ પસંદ છે એ ભયંકર વાત છે. પણ તેને સારુ હું તેઓનો દોષ નથી કાઢતો. અંગ્રેજી રાજ્યપદ્ધતિનું આ પણ એક ફળ છે. બચપણથી રાજાઓ છેક પરાધીન હોય છે. તેમના વાલી અંગ્રેજ શિક્ષકો વગેરે બને છે. તેઓને હુકમ હોય છે કે તેઓ રાજાઓને અંગ્રેજ જેવા બનાવે, અંગ્રેજી શાસનનો શોખ પેદા કરાવે, ને બધું અંગ્રેજી ગમાવડાવે. યુરોપ પ્રત્યેનો આવો પક્ષપાત આપણે ધનાઢ્ય વર્ગમાં પણ ઘણાઓમાં જોઈએ છીએ, તે જ જરા વધારે અંશે રાજાઓમાં જોઈએ છીએ. બન્નેમાં આ પરદેશપ્રેમનું કારણ એક જ છે. મારો દૃઢ અભિપ્રાય છે કે, જો કાઠિયાવાડમાં એટલે દેશી રાજ્યોમાં પ્રજામત કેળવાય, દૃઢ થાય ને નિર્ભચ થાય તો આપણા રાજાઓ પ્રજામતને તુરત નમે.

રાજાઓમાં ઘણી એબો છતાં હું તેઓને સરળ માનું છું. તેમને ઈશ્વરનો ડર હોય જ છે. પ્રજામતનો ખૂબ ડર હોય છે. આ બન્ને મારા જાતિઅનુભવ છે. પણ જ્યાં પ્રજામત છે જ નહિ અથવા પ્રજામાં કેવળ ખુશામતિયાઓ જ છે. ત્યાં રાજા બિચારા શું કરે ? તેમને તેમની ખોડ બતાવનાર, કડવું સભળાવનાર કોઈ ન હોય એટલે તેઓ છેક નિરંકુશ બને છે. અને તેમાં વળી તેમને સરકારની મદદ મળે એટલે પ્રસંગ તેમનો વેરી બને છે ને તેમની અવનતિ કરે છે. રાજઓનો જુલમ કેટલોક અણઘડ હોય છે એ ખરું. એ જુલમ આપણને ત્રાસદાયક લાગે છે, જ્યારે સરકારનો જુલમ સુધરેલો ગણાઈ એટલો અસહ્ય નથી લાગતો. વળી સરકારની સીધી સત્તા નીચે લોકમતની ને ઘણા સાથીઓની હૂંફ છે, જ્યારે દેશી રાજ્યોમાં હજુ થોડા જ માણસો હિમ્મતવાન નીકળે છે એટલે તેમને દબાવવા એ રાજાઓને સહેલું થઈ પડે છે. એમ છતાં હું માનું છું કે, જો વિનયવાન, નમ્ર, સુશીલ અને વિવેકદૃષ્ટિવાળા થોડા લોકસેવકો પેદા થાય તો રાજાએ તેમને નમશે, અને તેમનું એ નમન ડરને લીધે નહિ પણ ગુણને જ લીધે હશે.

રાજાઓ પ્રત્યે પ્રથમ વહેમથી જ શરૂઆત કરીએ, તેમનું બૂરું જ બોલવાનો વિચાર રાખીએ, સારું કઈ સાંભળવાની જ ના પાડીએ, એટલે આપણે પહેલેથી જ રાજાના ચોપડાના ઉધાર પાસામાં દાખલ થઈએ. પછી જમે પાસા પર ચડતાં બહુ પરિશ્રમ પડે.

આમાં કોઈ એમ ન સમજે કે હું ભીરુતાને ઉત્તેજન આપી રહ્યો છું. હું ઉદ્દંડતા અને નમ્ર નિર્ભયતા વચ્ચેનો ભેદ બતાવી રહ્યો છું. આંબો જેમ વધે તેમ નમે છે. તે જ રીતે બળવાનનું બળ જેમ વધતું જાય તેમ તેમ તે નમ્ર થતો જાય; તેમ તે ઈશ્વરનો ડર વધારે રાખતો થાય.

નવજીવન, ૮–૬–૧૯૨૪